ગુજરાતમાં નરેન્દ્ર મોદી ક્ષત્રિયોના વિરોધવાળા વિસ્તારોમાં જ વધારે સભા કરી રહ્યા છે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ચૂંટણીપ્રચાર હવે તેના સૌથી અગત્યના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

ભાજપ અને કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે સતત આવી રહ્યા છે. કૉંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં અને રાહુલ ગાંધીએ પાટણમાં સભાને સંબોધી હતી. તો બીજી તરફ ભાજપના ચૂંટણીપ્રચારની કમાન ગૃહ મંત્રી અમિત શાહે સંભાળી હતી.

હવે, વડા પ્રધાન મોદી પણ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે આવી રહ્યા છે અને બે દિવસમાં સતત છ રેલીઓને સંબોધિત કરવાના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મેના રોજ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં સભાને સંબોધશે.

તો પ્રચારના બીજા દિવસે તેઓ આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણીપ્રચાર કરશે.

ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને લઈને વડા પ્રધાન મોદી ગુજરાતમાં કેવી રીતે અને કયા વિસ્તારોમાં પ્રચાર કરશે તેને લઈને લોકોમાં ઉત્સુકતા હતી. શું તેઓ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા માટે રાજકોટમાં પ્રચાર કરશે કે કેમ એ પણ સવાલ હતો. પરંતુ હાલના કાર્યક્રમ પ્રમાણે તેઓ રાજકોટ નથી જઈ રહ્યા. આ અંગે રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે?

મોદીની સભા અને ક્ષત્રિયોના વિરોધનો ડર

લોકસભાની ચૂંટણીપૂર્વે ગુજરાતમાં કોઈ એક મુદ્દો જો સૌથી વધુ ચર્ચાયો હોય તો એ છે ક્ષત્રિય સમાજનો પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ‘વિવાદિત નિવેદન’ બાદ સતત તેમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ટિકિટ ભાજપે રદ ન કરતાં ક્ષત્રિય સમાજે અનેક મહાસંમેલનોનું આયોજન કર્યું છે અને સતત તેઓ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.

ક્ષત્રિય સમાજે પ્રથમ સંમેલન રાજકોટના રતનપરમાં યોજ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા. ત્યારબાદ 28 એપ્રિલે બારડોલીમાં બીજું મહાસંમેલન યોજ્યું હતું.

વડા પ્રધાન મોદી ગુજરાતમાં સભાઓ કરવાના છે એ જ દિવસોમાં આણંદ અને જામનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે.

અહીં ઉલ્લેખનીય છે કે બીજી મેના રોજ આણંદ અને જામનગરમાં વડા પ્રધાન મોદીની પણ ચૂંટણીસભા છે.

ગત કેટલાક દિવસોમાં અનેક જિલ્લાઓમાં ઠેકઠેકાણે ભાજપના ઉમેદવારોનો ક્ષત્રિય સમાજના લોકો મંચ પર ચડીને વિરોધ કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને જામનગરના ઉમેદવાર પૂનમ માડમના મતક્ષેત્રમાં ક્ષત્રિયો વિરોધ કરતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાન મોદીની સભામાં શું થશે તેનો ભય પણ ભાજપને સતાવી રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપ સામેના પડકારો

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં નરેન્દ્ર મોદીની સભાનું આયોજન થયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં સભા સંબોધી હતી જ્યારે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ચૂંટણીસભાને સંબોધવાનાં છે.

બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર અને ભાજપનાં ઉમેદવાર રેખા ચૌધરી વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે તો બીજી તરફ સાબરકાંઠામાં ભાજપને આંતરિક વિખવાદોને કારણે જાહેરાત કર્યા બાદ તેમના ઉમેદવાર બદલવા પડ્યા હતા. હવે ભાજપે સાબરકાંઠાથી શોભના બારૈયાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "ઉત્તર ગુજરાતની બેઠકો બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ પર જબરદસ્ત ટક્કર છે. પાટણ અને બનાસકાંઠા આ બે જ વિસ્તારો એવા છે જ્યાંથી કૉંગ્રેસના કુલ છ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આમ, ઘણેખરે અંશે આ વિસ્તારોમાં ભાજપ સામે પડકાર છે."

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની ચૂંટણીમાં જે બેઠકો પર ભાજપની સરસાઈ અન્ય બેઠકોની સરખામણીએ ઓછી રહી હતી તેમાંની એક બેઠક પાટણ છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ સિવાય ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં થોડે ઘણે અંશે પણ ક્ષત્રિય આંદોલનનો પડકાર રહેલો છે.

સૌરાષ્ટ્રમાં પડકારને કારણે નરેન્દ્ર મોદીની ત્રણ સભા?

વડા પ્રધાન મોદી સૌથી વધારે સભાઓ સૌરાષ્ટ્રમાં સંબોધવાના છે જેમાં જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે, "વર્ષોથી ભાજપના પ્રચારની એક સ્ટ્રેટેજી રહી છે કે છેલ્લા તબક્કામાં નરેન્દ્ર મોદી આવે અને જ્યાં ભાજપને સૌથી વધારે તકલીફો પડી રહી હોય ત્યાં જાય."

તેઓ કહે છે, "ભાજપ સામે હાલમાં સૌથી મોટો પડકાર ક્ષત્રિય આંદોલનનો છે. જ્યાં તેની અસર વ્યાપક છે તે વિસ્તારોમાં નરેન્દ્ર મોદી ત્રણ સભાઓ સંબોધવાના છે. સુરેન્દ્રનગરમાં કૉંગ્રેસ ઘણી મજબૂત છે અને સામે પક્ષે ભાજપને પાંચ લાખની સરસાઈથી પણ જીતવું છે."

વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "સૌરાષ્ટ્રમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ અને ક્ષત્રિય આંદોલનની અસર છે. સામાન્ય સંજોગોમાં પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર ભાજપ માટે પડકાર રહ્યો છે. ત્યાં કૉંગ્રેસ હજુ પણ મજબૂત છે તો ક્યાંક તેના ઉમેદવાર મજબૂત છે. આથી એ સ્વાભાવિક છે કે જ્યાં પડકાર હોય ત્યાં વડા પ્રધાન મોદીની સભાનું આયોજન થાય તો ભાજપને કદાચ ફાયદો થાય. કૉંગ્રેસ પણ તેના સ્ટ્રૉંગ પૉઇન્ટ ગણાતા વિસ્તારોમાં જ મોટા નેતાઓની સભા કરી રહી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "સુરેન્દ્રનગરમાં કોળી સમુદાયના જ બે ફાંટાઓને કારણે ભાજપ સામે પડકાર છે. તથા ઓબીસી મતદારોમાં પણ કૉંગ્રેસનું પ્રભુત્વ ઘણુખરું છે. તો બીજી તરફ રાજકોટમાં લેઉવા પટેલ અને કડવા પટેલના મતોનું ધ્રુવીકરણ થાય અને ક્ષત્રિય મતદારો એકજૂથ થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે."

તો જૂનાગઢના સ્થાનિક પત્રકાર મિલાપ રામપ્રસાદી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “જૂનાગઢમાં ક્ષત્રિય આંદોલનની અસર એટલી વર્તાતી નથી. અહીં કાઠી દરબારોની વસ્તી ઘણી છે પરંતુ ભાજપે તેના આગેવાનોને ઉતારીને ઘણુંખરું ડૅમેજ કંટ્રોલ કરી લીધું છે. સ્થાનિક સ્તરે એટલી વ્યાપક અસર અહીં આંદોલનની નથી કે જે પરિણામ પર અસર પાડી શકે.

વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયાના મતે વડા પ્રધાન મોદીના પ્રચાર કાર્યક્રમ પર ક્ષત્રિય આંદોલનની અસર છે એમ કહેવું યોગ્ય નથી.

તેઓ કહે છે કે, "આ આંદોલનના ઍપિસેન્ટર ગણાતા રાજકોટમાં જ વડા પ્રધાન મોદીનો કોઈ કાર્યક્રમ નથી. સામાન્ય રીતે રેલીઓનું આયોજન એ રીતે થતું હોય છે કે જ્યાં સભા થાય તેની આસપાસની ત્રણ-ચાર બેઠકો પર તેની અસર પડે. એ જ રીતે તેમનો કાર્યક્રમ ઘડાયો છે."

તેમણે રાજકોટનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, "વર્ષ 1995, 1998 અને 2002- એમ ત્રણ ચૂંટણીઓમાં કૉંગ્રેસના મનોહરસિંહ જાડેજા ઉમેદવાર હતા. તેમને ક્ષત્રિય સમાજનું સંપૂર્ણ સમર્થન હતું. તેઓ પોતે પણ મજબૂત ઉમેદવાર હતા. પરંતુ સતત ત્રણ વખત તેમની હાર થઈ હતી અને ક્ષત્રિય સમાજનું સમર્થન ન હોવા છતાં પણ ભાજપના નવા નિશાળિયા ગણાતા ઉમેદવારો જીત્યા હતા. એ સમયે પણ ક્ષત્રિય સમાજ ભાજપની સાથે ન હતો."

મધ્ય ગુજરાતમાં આણંદમાં સભા કેમ?

આણંદના વરિષ્ઠ પત્રકાર બીબીસી ગુજરાતી સાથે નામ ન આપવાની શરતે કહે છે, "આણંદની ઉમરેઠ, બોરસદ અને આંકલાવ બેઠકો પર આ આંદોલનની જબરદસ્ત અસર દેખાય છે. વળી, આણંદમાં કૉંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ મજબૂત છે અને તેમનું યુવા મતદારો પર પ્રભુત્ત્વ છે."

તેઓ કહે છે, "આણંદ બેઠક પર લગભગ અડધા મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના હોવાથી તેઓ પરિણામ પણ પલટી શકવાની ક્ષમતા ધરાવે છે. અહીં દલિત તથા મુસ્લિમ મતદારો પણ મોટા પ્રમાણમાં છે."

"ભાજપ અહીં ક્ષત્રિય સમાજને કારણે તેને થનારા નુકસાનને ખાળવા માટે દલિતોને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે."

અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસની સુપ્રસિદ્ધ ખામ થિયરીનું ઉદ્ભવસ્થાન પણ આણંદ ગણાય છે અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીનું આ વિસ્તારોમાં પ્રભુત્ત્વ હતું.

આ વરિષ્ઠ પત્રકારના મતે, "આણંદની જ બાજુમાં આવેલી ખેડા લોકસભાના ગ્રામીણ વિસ્તારોમાં પણ આંદોલનની અસર દેખાય છે. આણંદ બેઠક પર જબરદસ્ત ટક્કર છે અને જે પણ ઉમેદવાર જીતે એ પાતળી બહુમતીથી જ જીતશે તેવી સંભાવના દેખાય છે. વળી, અહીં ખંભાત બેઠકની પેટાચૂંટણી પણ છે."

તેઓ કહે છે,"અહીં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ છે અને બીજા જ દિવસે વડા પ્રધાન મોદીની પણ સભા છે. ત્યારબાદ અહીં લોકોમાં કેવું પરિવર્તન આવે છે તે જોવું રહ્યું."

આણંદ બેઠક પર કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે મિતેશ પટેલ બીજી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ અને કૉંગ્રેસનું આ મુદ્દે શું કહેવું છે?

ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "ઉત્તર ગુજરાતમાં બે સભાઓ, સૌરાષ્ટ્રમાં બે સભાઓ, મધ્ય ગુજરાતમાં બે સભાઓ- એમ દરેક જગ્યાએ બૅલેન્સ રાખીને સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ભાજપને મહત્તમ ફાયદો મળે."

જોકે, ક્ષત્રિય આંદોલનના પડકાર અંગે પૂછતાં યજ્ઞેશ દવેએ માત્ર એટલું જ જણાવ્યું હતું કે ગુજરાતની 25 બેઠકો ભાજપ સૌના સમર્થનથી સારામાં સારી લીડ સાથે જીતશે.

કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બનાસકાંઠામાં અમારાં ઉમેદવાર અતિશય મજબૂત છે જ્યારે સાબરકાંઠામાં તો ભાજપને ઉમેદવાર બદલવા પડ્યા છે. જૂનાગઢ, જામનગર અને આણંદમાં તો ક્ષત્રિય આંદોલનની વ્યાપક અસર છે. જ્યારે સુરેન્દ્નનગરમાં પણ ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને અંદરખાને જબરદસ્ત વિરોધ છે."

તેમણે કહ્યું હતું કે, "એ વાત સ્પષ્ટ છે કે જે છ જગ્યાઓએ કૉંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે એ જ જગ્યાએ વડા પ્રધાન મોદી પ્રચાર કરવા આવી રહ્યા છે. વધુમાં આ વિસ્તારોમાં માત્ર ક્ષત્રિય સમુદાયનો જ નહીં પરંતુ જનતાનો રોષ પણ છે."

"આથી, ભાજપ અને નરેન્દ્ર મોદી અહીં સભાઓ કરીને વાતાવરણને બદલવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ લોકો તેમને ઓળખી ગયા છે અને અતિશય ત્રસ્ત છે. આથી તેમને કોઈ ફાયદો થવાનો નથી."

ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર કૉંગ્રેસનું મુખ્ય લક્ષ્ય ‘પાંચ ન્યાય અને પચીસ ગેરન્ટી’ લોકો સુધી પહોંચાડવાનું છે.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે, "એવું કહી શકાય કે વડા પ્રધાન મોદીનો ચૂંટણીપ્રચાર આ આંદોલન અને વિરોધને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે પરંતુ જોવાનું એ છે કે તેઓ ચૂંટણીપ્રચારમાં આ મુદ્દાને કઈ રીતે ઠારવાનો પ્રયત્ન કરે છે. મને લાગે છે કે તેમનું ફોકસ વધારે ગુજરાતના વિકાસ, મોદીની ગેરંટી અને કૉંગ્રેસ પર શાબ્દિક હુમલાઓ કરવા પર રહેશે."

ગુજરાતમાં ક્ષત્રિયોનું પ્રભુત્ત્વ કેટલું છે?

સામાન્ય રીતે કોઈપણ સમુદાયના લોકોનું પ્રભુત્ત્વ તેમની સંખ્યાને આધારે નક્કી થતું હોય છે. ગુજરાતમાં ક્ષત્રિયોની વસ્તીને લઈને અનેક દાવાઓ થતા રહ્યા છે.

પરંતુ ગુજરાતની કેટલીક લોકસભા બેઠકો પર ક્ષત્રિયો મતદારોની સંખ્યા ઘણી મોટી છે અને તે પરિણામને પણ અસર પહોંચાડી શકે તેમ છે.

ક્ષત્રિય આંદોલનની સમિતિના નેતાઓ વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે તેઓ એકજૂથ થઈને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે તો ભાજપને આઠથી દસ બેઠકો ગુમાવવાનો વારો આવશે.

ક્ષત્રિય સમાજના નેતાઓના મતે જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, કચ્છ અને રાજકોટ જેવી બેઠકો પર આ આંદોલનની વધુ અસર થશે. તેને વધુ વ્યાપક બનાવવા માટે તેમણે દક્ષિણ ગુજરાતમાં પણ બારડોલીમાં મહાસંમેલનનું આયોજન કર્યું હતું.

મોટા ભાગના રાજકીય વિશ્લેષકોને મતે આ આંદોલનની અસર સુરેન્દ્રનગર, આણંદ, જામનગર અને રાજકોટ પૂરતી જ સીમિત રહેશે તેવું મનાઈ રહ્યું છે.

તો વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયાના મત પ્રમાણે ક્ષત્રિયોની વસ્તીને ધ્યાનમાં લેતા તેમની અસર માત્ર જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર લોકસભા બેઠક પર થઈ શકે છે.

વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરના મતે સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપને નુકસાન જઈ શકે છે.

તો ભાજપને એવો વિશ્વાસ છે કે તેઓ તમામ બેઠકો સારી બહુમતીથી જીતવામાં સફળ રહેશે. જ્યારે કૉંગ્રેસને ક્ષત્રિય મતદારો સાથે સામાન્ય લોકોની નારાજગીનો પણ ફાયદો મળશે તેવી આશા છે.