ગુજરાતમાં ભરઉનાળે 'મિની વાવાઝોડા' જેવી પરિસ્થિતિ, આટલો ભારે પવન કેમ ફૂંકાયો?

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sachin Pithva

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પણ પડ્યાં છે. અને ધૂળની ડમરી ઊડ્યાના પણ સમાચાર છે.

અનેક વિસ્તારોમાં 50થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે.

મહારાષ્ટ્રમાં પણ હવામાન પલટાયું હતું અને મુંબઈમાં ભારે પવનને કારણે વિશાળ હૉર્ડિંગ પડી ગયું અને તેમાં આ લખાય છે ત્યાર સુધી ચાર લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી અને અનેક લોકો હૉર્ડિંગ નીચે ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. 54 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 100 લોકો ફસાયેલા છે.

મુંબઈમાં ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે મેટ્રો સેવા બાધિત થઈ હતી.

ભરઉનાળે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે તથા હાલમાં વરસાદ પડવાનું કારણ શું છે? હજુ કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

અમદાવાદમાં ભારે પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

અમદાવાદ શહેરમાં સાંજ થતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક ધૂળની ડમરી ફૂંકાઈ હતી.

ત્યારબાદ અમીછાંટણાં થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ સતત ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે હળવી ગાજવીજ પણ થઈ હતી.

અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહ્લાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ વગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

આ પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો તથા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે 13મેના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.

બીબીસી સહયોગી રાજેશ આંબલિયાએ આપેલી માહિતી અનુસાર મોરબીમાં વરસાદ સાથે કરાં પડ્યાં છે અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે.

તો બીજી તરફ અમરેલીમાં કમોસમી વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

લાઠીના મતીરાળામાં કરાં સાથે વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયાં છે. બીબીસી સહયોગી ફારુખ કાદરીએ તેની પુષ્ટિ કરી છે. અમરેલીના બાબરા અને દામનગર પંથકમાં પણ વરસાદ પડ્યો છે.

આ સિવાય ચોટીલા અને ભાવનગરમાં પણ અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. બોટાદમાં પણ ભારે પવન સાથે કરાં પડ્યાં છે.

ઉત્તર ગુજરાતના પાટણ અને સાબરકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તથા ભરઉનાળે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે.

સાંજે ચાર વાગ્યા સુધીમાં બોટાદમાં 20 મિમી, વાંસદામાં 18 મિમી, ઉમરાળામાં 13 મિમી જેટલો વરસાદ પડ્યો છે.

ફારુખ કાદરી અનુસાર અમરેલી પંથલમાં કમોસમી વરસાદ સાથે વીજળી ખાબકી હતી જેનાં કારણે 29 બકરાનાં મોત થયાં છે.

ગુજરાતમાં કેમ ભરઉનાળે પડી રહ્યો છે વરસાદ?

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Faruq Kadri

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મે મહિનામાં ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ પડતો નથી પરંતુ હાલ દેશમાં ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનેલી છે અને પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી હતી.

આ સિસ્ટમોને કારણે કેટલીક ટ્રફ રેખા સર્જાઈ છે, જેના લીધે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભરઉનાળે આ પ્રકારનો વરસાદી માહોલ બે પ્રકારના પવનોને કારણે સર્જાયો છે.

એજન્સી અનુસાર, "ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં ઍન્ટિસાઇક્લોનની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી તેના કારણે ભેજવાળા પવનો દરિયાઈ વિસ્તારોમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે. એ જ રીતે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારો તરફથી ઉત્તર દિશામાંથી આવતા સૂકા પવનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. બે પ્રકારના પવનો ભેગા થવાથી તથા સાથે વાતાવરણમાં પણ ગરમી હોવાથી, આ પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે."

જોકે, વરસાદ અને પવન છતાં પણ ગરમીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળે તેવી સંભાવના ઓછી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચથી મે મહિનાનો સમયગાળો પ્રી-મૉન્સૂન તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં ઉત્તર ભારતમાં સર્જાતી સિસ્ટમની કોઈ ખાસ અસર ગુજરાત પર સામાન્ય રીતે જોવા મળતી નથી. ગુજરાતનું અંતર વધારે હોવાને કારણે ભારે પવનો ફૂંકાવા અથવા ધૂળની આંધી જેવી ઉત્તર ભારતમાં સર્જાતી ઘટનાઓ અહીં જોવા મળતી નથી. પરંતુ સ્કાયમેટ અનુસાર, અત્યારે જે માહોલ સર્જાયો છે તે અપવાદરૂપ છે.

ત્યારે પુણેના હવામાન વિભાગના વડા અને વૈજ્ઞાનિક કે એસ હોસાલિકરે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પશ્ચિમી વિસ્તારોમાં આવનારા દિવસોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 19 મેના દિવસની આસપાસ દક્ષિણપશ્ચિમનું ચોમાસું દક્ષિણ આંદામાન સમુદ્રમાં, બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વ દિશામાં તથા નિકોબાર ટાપુઓથી આગળ વધી તેવી સંભાવના છે.

મુંબઈના અનેક વિસ્તારોમાં પણ વરસાદ

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મુંબઈના ઘાટકોપરમાં મોટું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું

વૈજ્ઞાનિક અને આઇએમડી પુણેના પ્રમુખ કે.એસ. હોસાલિકરે આપેલી માહિતી અનુસાર મુંબઈ, નવી મુંબઈ, થાણે, રાયગઢમાં ચોમાસા પહેલાં હળવો વરસાદ થયો છે.

ધૂળની ડમરીઓ સાથે જબરદસ્ત પવન ફૂંકાવાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. ઘણી જગ્યાએ પવનની ઝડપ 50થી 60 કિમી થઈ ગઈ છે. મુંબઈમાં ઘણી જગ્યાએ પતરાંઓ પણ ઉડી ગયા છે.

મુંબઈમાં ભારે પવનને કારણે ઍરપોર્ટ પર વિમાનોનું ટૅક ઑફ અને લૅન્ડિંગ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

મુંબઈમાં આ પ્રી-મૉન્સૂન વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. અચાનક વરસાદ અને ભારે પવનને કારણે અંધારપટ છવાઈ ગયો હતો.

આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારે ભારે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોને તકેદારીના પગલાં લેવાનો અનુરોધ

હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લેતાં ખેતી નિયામક કચેરીએ રાજ્યના ખેડૂતોને પગલાં ભરવા માટે અનુરોધ કર્યો છે.

વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,

  • કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે.
  • ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.
  • વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો.
  • આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

હજુ પણ ગુજરાતમાં કયાં પડશે વરસાદ?

ગુજરાત, વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, કરાં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

14 મેના રોજ વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓની સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી સંભાવના છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.

15મી મેના રોજ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે પરંતુ તેનું પ્રમાણ અને વિસ્તાર પણ ઘટશે એટલે કે આ દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

આ દિવસે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.

16 અને 17 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. જોકે, ગરમીમાં કોઈ ખાસ રાહત મળશે તેની સંભાવના ઓછી છે.