નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેવી રીતે પકડી પાડવામાં આવ્યાં?

કચ્છમાં સીઆઈડી ક્રાઇમનાં સસ્પેન્ડ કરવામાં આવેલાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. જોકે, ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે(એટીએસ) મંગળવારે લિંબડી પાસે આવેલ ભલગામડા ગામેથી અટકાયત કરી હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી પ્રમાણે, કથિત બુટલેગર યુવરાજસિંહના સંબંધીઓ દ્વારા તેની (નીતા ચૌધરી) રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહ સાથે દારૂની હેરફેર કરતા પકડાયાં હતા. નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાએ કથિતપણે છ પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કચ્છની પોલીસે 30 જૂને તેની ધરપકડ કરી હતી. જોકે, નીતા ચૌધરી ત્યાંથી નાસી છૂટ્યાં હતાં. એટીએસે ગઈકાલે લિંબડી પાસે આવેલ ભલગામડામાંથી તેની ફરીથી ધરપકડ કરી હતી.

આ વિશે લીંબડી ડીવીઝનના ડીવાયએસપી વી. એમ. રબારીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું, "આ મહિલા કૉન્સ્ટેબલ એક બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયાં હતાં. ત્યારબાદ મહિલા કૉન્સ્ટેબલને જામીન મળ્યા હતા. જોકે, પોલીસે તેમના જામીનને રદ કરાવવામાં સફળતા મળી હતી, પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યાં હતાં."

ડીવાયએસપી વી. એમ. રબારીએ વધુમાં જણાવ્યું, "કાલે સાંજે સમાચાર વહેતા થયા હતા કે એટીએસની ટીમે નીતા ચૌધરીની લિંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામડા ગામમાંથી ધરપકડ કરી હતી. એટીએસની ટીમ તેને લઈને જતી રહી છે. એટીએસનો અમારી ટીમ સાથે કોઈ સંપર્ક ન હતો. જોકે, પાછળથી જાણકારી મળી હતી કે બુટલેગર યુવરાજસિંહના સગાના ઘરે તે (નીતા ચૌધરી) રોકાઈ હતી. અમને હાલમાં આગળની કાર્યવાહી કરવા બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અમને જો કોઈ આદેશ આપવામાં આવશે તો અમે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરીશું."

જાણીતા કાયદાશાસ્ત્રી રાજુભાઈ શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “જ્યારે નીતા ચૌધરીના જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા એટલે ન્યાયપ્રક્રિયાને માન આપવા માટે તેમણે પોલીસ સમક્ષ હાજર થવું પડે. તેઓ હાજર ન થયા એટલે તેઓ સામાન્ય ભાષામાં ફરાર જ કહેવાય.”

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

બુટલેગર સાથે મહિલા કૉન્સ્ટેબલ

ગુજરાત પોલીસ દ્વારા ફરજ પર રીલ નહીં બનાવવા તથા સોશિયલ મીડિયા ઉપર સંયમપૂર્વક વર્તવા માટે સૂચના આપવામાં આવી છે. છતાં નીતા ચૌધરી ઇન્સ્ટાગ્રામ ઉપર નિયમિત રીલ મૂકતાં. સોશિયલ મીડિયા પર તેઓ નોંધપાત્ર ફૉલોઅર્સ ધરાવે છે.

'સારાં બાળકો ડૉક્ટર-ઇજનેર બને અને ખબર છે કે ખરાબ બાળકો શું બને? પોલીસ બને છે, જેથી કરીને સારાં બાળકો સૅફ રહી શકે.' કચ્છમાં સીઆઈડી ક્રાઇમના મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ઇન્સ્ટાગ્રામની રીલમાં પોલીસની વર્દીમાં નજરે પડે છે અને સાથે આ ડાયલૉગ ચાલે છે.

ચૌધરીની રીલ્સમાં તેમની લાઇફસ્ટાઇલ પણ નજરે પડે છે. જેમાં તેઓ ઘણીવખત સફેદ રંગની મહિંદ્રા થાર ગાડી ચલાવતાં જોવા મળે છે. રિલ્સને કારણે ચર્ચામાં રહેતાં નીતા ચૌધરી અચાનક ચકચારમાં આવ્યાં છે.

રવિવારે ભચાઉ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડી લેવા માટે ઑપરેશન હાથ ધર્યું હતું, ત્યારે ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં અને જ્યારે જાડેજા થાર ગાડીમાંથી બહાર નીકળ્યો, ત્યારે કૉન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેમાં સવાર હતાં.

કારથી કચડવાનો કારસો

મળતી માહિતી મુજબ, ભચાઉ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ દારૂબંધીના 15 જેટલા કેસ નોંધાયેલા છે તથા છ જેટલા કેસમાં તે વૉન્ટેડ હોય, લૉકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીનું પગેરું દાબવામાં આવી રહ્યું હતું.

એવામાં એલસીબીને ટીમ મળી હતી કે મૂળ ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરાઈ ગામનો રહીશ યુવરાજસિંહ (ઉં.વ. 30) સામખિયાણીથી ગાંધીધામના રસ્તા ઉપરથી રવિવારની સાંજે પસાર થશે. જેના આધારે એલસીબીએ સ્થાનિક પોલીસને પણ સાથે રાખીને વૉચ ગોઠવી હતી. ત્યારે પોલીસે ભચાઉ શહેરની બહાર ચોપડવાના પુલ ખાતે ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ થારચાલકે ગાડી રોકી ન હતી અને પોલીસની ખાનગી તથા સરકારી ગાડીને ટક્કર મારીને નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભચાઉ પોલીસના પીએસઆઈ ઝાલા તથા અન્ય પોલીસકર્મીએ બહાર નીકળીને દંડો દેખાડીને બહાર નીકળવા માટે યુવરાજસિંહને ઇશારો કર્યો હતો. આ સમયે તેમની ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આમ છતાં ગાડી બંધ ન કરતાં કારની આગળના ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો હતો. ઘણા સમય સુધી કારચાલકે ગાડી ખોલી ન હતી. વધુમાં ગાડીની ઉપર કાળા રંગની ફિલ્મ લગાડેલી હોવાથી કારમાં કોણ છે, તેના વિશેનું ચિત્ર સ્પષ્ટ થતું ન હતું.

છેવટે પોલીસે ગાડીની જમણી બાજુએ ચાલકની પાછળનો કાચ તોડીને આરોપીને બહાર નીકળવા ફરજ પાડી હતી.

આ સમયે તેમની સાથે એક મહિલા પણ હતી. તપાસ દરમિયાન તેઓ કચ્છની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનાં કૉન્સ્ટેબલ નીતા ચૌધરી (ગાંધીધામ-કચ્છ, ઉં.વ. 34) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને ગાડીની તપાસ દરમિયાન અંદરથી દારૂની બૉટલો તથા બિયરના કૅન મળી આવ્યાં હતાં.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકારપરિષદ દરમિયાન આ માહિતી આપી હતી અને ઉમેર્યું હતું કે જો આ શખ્સો દ્વારા કોઈ નાગરિકને ધમકી આપવામાં આવી હોય કે તેમની કનડગત કરવામાં આવી હોય તો ફરિયાદ નોંધાવે અને પોલીસ તત્કાળ કાર્યવાહી કરશે.

ધરપકડ સમયે બંને આરોપી નશામાં હોવાની વાત મીડિયામાં વહેતી થઈ હતી, પરંતુ એસપી બાગમારે પત્રકારપરિષદ દરમિયાન આ વાતને નકારી કાઢી હતી.

નીતા ચૌધરી કોણ છે?

કૉન્સ્ટેબલ નીતા ચૌધરી ગુજરાતની સીઆઈડી ક્રાઇમબ્રાન્ચમાં કચ્છ ખાતે ફરજ બજાવે છે અને તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર સક્રિય રહે છે. તેમણે 550થી વધુ વીડિયો પોસ્ટ કર્યા છે.

જ્યારે આ વિવાદ પ્રકાશમાં આવ્યો, ત્યારે તેમના 50 હજાર જેટલા ફૉલોઅર્સ હતા, પરંતુ મંગળવાર સાંજ સુધીમાં આ સંખ્યા 58 હજારને પાર કરી ગઈ હતી.

કોઈ ગ્લૅમરસ સૅલેબની જેમ નીતા ઇન્સ્ટા ઉપર ગામડાંના મુલાકાતની, પર્યટનસ્થળે ગાળેલી રજાઓ, હૅલિકૉપ્ટરમાંથી નીકળતાં, શૉપિંગ મૉલમાં લટાર, સામાજિક કે પારિવારિક પ્રસંગ કે આપ્તજનો સાથેની રિલ્સની ભરમાર છે.

ગત વર્ષે લાલ રંગના ડ્રૅસમાં સજ્જ નીતાએ સફેદ રંગની થાર ગાડીની ડિલિવરી લેતો વીડિયો પોસ્ટ કર્યો હતો. એ પછી ઘણી વખત તેઓ ઇન્સ્ટા રીલ્સમાં એ ગાડી ચલાવતા અથવા તેની સાથે નજરે પડે છે.

એ ગાડી તથા રવિવારે પોલીસે ઝડપેલી ગાડી એક જ હોવાનું ગ્રાફિક્સના આધારે પ્રથમદર્શીય જણાય આવે છે. જોકે, તેની નંબરપ્લૅટ ન હોવાથી નક્કરપણે કહી ન શકાય.

યુવરાજ સાથે નીતા વિશે 'રાઝ'

વૉન્ટેડ આરોપી સાથે સીઆઈડીનાં મહિલા પોલીસકર્મી શું કરી રહ્યાં હતાં? પોલીસની ટુકડી જોઈને નીતા ચૌધરીએ શા માટે યુવરાજસિંહને ન અટકાવ્યો? શા માટે આરોપીઓએ તત્કાળ ગાડી ન ખોલી? ગાડીમાંથી મળેલી દારૂની બૉટલો ડિલિવરી માટે હતી કે કોઈના વ્યક્તિગત વપરાશ માટે ? જેવા અનેક સવાલ મીડિયા, સોશિયલ મીડિયા અને પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યા છે.

મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નહીં એવા કચ્છ પોલીસના એક કર્મચારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 427 લગાડવામાં આવી છે. નીતા ચૌધરી ઇન્સ્ટાગ્રામ ઉપર તેમની વૈભવી જીવનશૈલી બિન્દાસપણે પ્રદર્શિત કરતાં અને તેઓ આમ કરતા ચિંતિત પણ ન હતા."

"યુવરાજસિંહ સાથે નીતા ચૌધરીના કોઈ પારિવારિક કે સામાજિક સંબંધ છે, એના વિશએ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન નીતા ચૌધરીએ દાવો કર્યો હતો કે તેઓ ત્રણેક મહિના પહેલાં ફેસબુક ઉપર યુવરાજસિંહને મળ્યાં હતાં, પરંતુ આ વાત ગળે ઊતરતી નથી એટલે કૉલ ડિટેઇલ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય માધ્યમોથકી વધુ માહિતી મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે."

આ કર્મચારી ઉમેરે છે કે ગણતરીના કલાકોના ફેરને લીધે નીતા અને યુવરાજ મોટી મુશ્કેલીમાંથી બચી ગયાં છે. જો આ ઘટના રાત્રે બાર વાગ્યા પછી ઘટી હોત, તો ભારત ન્યાય સંહિતાની જોગવાઈઓ અમલમાં આવી ગઈ હોત અને બંને આરોપીઓ સામે નવી કલમો મુજબ કેસ દાખલ થયો હોત અને ખટલો ચાલ્યો હોત.