તમે UPI ચુકવણીનો નિયમિત ઉપયોગ કરો છો? કૌભાંડ કરનારા તમને કઈ રીતે ટ્રૅક કરે છે?

    • લેેખક, પ્રીતિ ગુપ્તા
    • પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર

અરુણકુમાર મુંબઈના હંમેશા વ્યસ્ત રહેતા રસ્તા પર છેલ્લા સાત વર્ષથી દરરોજ ફળ વેચવાનું કામ કરે છે.

એ સ્વાભાવિક વાત છે કે પોતાનું જીવન ચલાવવાનો અને પરિવારનું ભરણપોષણ કરવાનો આ કોઈ સહેલો રસ્તો તો નથી જ.

તેઓ કહે છે, “લારીગલ્લા પર કામ કરવું એ એક પડકાર છે. તમે ક્યારે પણ લૂંટાઈ શકો છો. મારી પાસે લાયસન્સ નથી. એવામાં પ્રશાસન ગમે ત્યારે આવીને તમારી દુકાન તોડી શકે છે.”

પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમના કામમાં થોડી સરળતા ઊભી થઈ છે, એવું લાગે છે કે તેમનું કામ થોડું સહેલું થઈ ગયું હોય.

અરુણનું કહેવું છે કે, “કોરોના મહામારી પહેલાં મોટાભાગના કામ રોકડા પૈસાથી થતા હતા. પરંતુ હવે દરેક લોકો યુપીઆઈથી ચુકવણી કરે છે. કોડ સ્કૅન કરો અને થોડી જ સેકંડોમાં ચુકવણી થઈ જાય છે.”

તેઓ કહે છે કે, “રોકડા પૈસા સંભાળવામાં અને છૂટ્ટા પૈસા આપવાની કોઈ માથાકૂટ રહેતી નથી. તેના કારણે મારું કામ વધુ સરળ અને જિંદગી આસાન બની ગઈ છે.”

ભારત: સૌથી મોટું ‘રિયલ ટાઇમ પેમેન્ટ’ માર્કેટ

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ને વર્ષ 2016માં રિઝર્વ બૅન્ક અને બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીના સહયોગથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઍપ્લિકેશનને આધારે કામ કરતી હોય તેવી પેમેન્ટ સિસ્ટમ છે, જેનાથી યુઝર એક જ સ્ટેપમાં પૈસા મોકલી શકે અથવા તો મેળવી શકે છે, એ સાથે જ તે બિલની ચુકવણી પણ કરી શકે છે.

આમ કરતી વખતે તેને દર વખતે બૅન્કની જાણકારી કે અન્ય કોઈ પ્રાઇવેટ માહિતી આપવાની જરૂર પડતી નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સેવા મફત છે.

દેશમાં એ એટલું લોકપ્રિય છે કે ભારત હવે સૌથી મોટું ‘રિયલ ટાઇમ પેમેન્ટ’ માર્કેટ બની ગયું છે.

આ વર્ષે મે મહિનામાં યુપીઆઈથી 14 અબજ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ નવ અબજ વધારે છે.

પરંતુ તેની લોકપ્રિયતા અને તેના ઉપયોગમાં સરળતાને કારણે છેતરપિંડી કરનારા લોકો માટે પણ તે સહેલું બની ગયું છે.

દિલ્હી સ્થિત ફ્યૂચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશનના સંસ્થાપક શશાંક શેખર કહે છે, “ડિજિટલ પેમેન્ટ સુવિધાજનક તો છે પણ તેમાં કેટલીક ખામીઓ પણ છે.”

શેખર કહે છે કે, “છેતરપિંડી કરનારા લોકો ફસાવવા માટે અનેક કારસા અજમાવે છે. યુપીઆઈ પિન નંબર જાણવા માટે પણ તેઓ અનેક પ્રકારની ટ્રિક અજમાવે છે. યુપીઆઈ પિનથી જ પેમેન્ટ કરવામાં આવે છે.”

કેટલાક છેતરપિંડી કરનારા લોકોએ તો નકલી યુપીઆઈ ઍપ્લિકેશન પણ બનાવી લીધી છે. તેઓ બૅન્કિંગ ઍપની નકલ કરીને લોગિન ડીટેઇલ્સ અને અન્ય જરૂરી જાણકારીઓ ચોરી લે છે.

તેમનું માનવું છે કે, “જે ગતિએ દેશમાં ડિજિટલ પરિવર્તન થયું છે, દુર્ભાગ્યથી એ જ ગતિથી ડિજિટલ લિટરેસી અને ઇન્ટરનેટ સાથે જોડાયેલી જાણકારીઓ લોકોમાં પહોંચી શકી નથી.”

તેઓ એમ પણ કહે છે કે જાન્યુઆરી 2020થી લઇને જૂન 2023 સુધીમાં થયેલી નાણાકીય છેતરપિંડીના લગભગ પચાસ ટકા મામલામાં યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ 2023માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં યુપીઆઈ સાથે જોડાયેલા છેતરપિંડીના 95 હજારથી વધુ મામલા સામે આવ્યા હતા. જે અગાઉના વર્ષ કરતાં 77 હજાર વધારે હતા.

છેતરપિંડીનો શિકાર બનેલાની આપવીતી

બિહારનાં રહેવાસી શિવકલી પણ આવી જ એક છેતરપિંડીનો શિકાર બન્યાં છે. તેઓ એક સ્કૂટી ખરીદવા માંગતાં હતાં જે તેમની આર્થિક ક્ષમતાથી બહાર હતું.

આવી સ્થિતિમાં આ વર્ષની શરૂઆતમાં શિવકલીએ ફેસબુક પર સ્કૂટી વેચવા સાથે સંબંધિત એક ‘ફાયદાકારક’ ડીલ જોઈ હતી.

તેઓ કહે છે, "મેં વિચાર્યા વિના આ તકનો લાભ લઈ લીધો."

થોડી ક્લિક કર્યા પછી તેમણે સ્કૂટીના માલિક સાથે વાત કરવાનું શરૂ કર્યું. સ્કૂટીના માલિકે કહ્યું કે જો તેઓ લગભગ 1900 રૂપિયા ચૂકવશે, તો તેમને ગાડીના કાગળો મોકલી આપશે.

બધું સરળતાથી ચાલી રહ્યું હોવાથી શિવકલીએ સ્કૂટીના માલિકને તરત જ પૈસા મોકલી દીધા.

આ ડીલથી શિવકલીએ ધીમેધીમે મળીને 16 હજાર રૂપિયા આપી દીધાં, પણ એ સ્કૂટી ક્યારેય ડિલીવર ન થઈ.

અંતે શિવકલીને અહેસાસ થયો કે તેમની સાથે ફ્રૉડ થયો છે.

તેઓ કહે છે, “મને નહોતું લાગતું કે મારે સાથે છેતરપિંડી થઈ શકે છે. કારણ કે હું ભણેલી છું અને જાણું છું કે દુનિયામાં શું થઈ શકે છે. પરંતુ આવા છેતરપિંડી કરનારા લોકો બહુ ચાલાક હોય છે. તેમને પાસે સામેવાળી વ્યક્તિને ફસાવવાની કળા હોય છે. ”

ભારત સરકાર અને કેન્દ્રીય બૅન્ક સાથે મળીને યુપીઆઈ યુઝર્સને છેતરપિંડી કરનારા લોકોથી બચાવવાની કોશિશ કરે છે.

પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો કોઈને વળતર લેવું હોય તો તેને બૅન્કનો જ સંપર્ક કરવો પડે છે.

કોની જવાબદારી?

નાણાકીય ગુનાને લગતી બાબતોના નિષ્ણાત ડૉ. દુર્ગેશ પાંડે કહે છે, "સમસ્યાના મૂળ ખૂબ ઊંડા છે. બૅંકો અને ટેલિકૉમ કંપનીઓની સૌથી વધુ જવાબદારી હોય છે. તેઓ તપાસમાં બેદરકારી દાખવે છે, તેથી છેતરપિંડી કરનારાઓને શોધી શકાતા નથી.

“પરંતુ બૅંકો માટે પડકાર એ છે કે તેમણે વ્યવસાય કરવાની સરળતા અને ચકાસણીની પ્રક્રિયાઓને સંતુલિત કરવી પડશે. જો બૅંકો વધુ કડક બનશે તો સમાજનો એક મોટો વર્ગ છે જે બૅંકિંગ સુવિધાથી વંચિત રહેશે.”

ડૉ. પાંડેની દલીલ છે કે છેતરપિંડીના મોટા ભાગના કેસોમાં બૅંકો સંપૂર્ણપણે દોષિત હોતી નથી.

તેઓ કહે છે, "આ એક મુશ્કેલ પ્રશ્ન છે. કારણ કે સમસ્યા તો બૅંકો સાથે જોડાયેલી છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકોને પર્સનલ જાણકારી તો લોકો જ આપે છે. આવી પરિસ્થિતિમાં હું માનું છું કે પીડિત અને બૅંક બંનેએ નુકસાનનો બોજ ઉપાડવો જોઈએ.”

આવી સમસ્યાઓ હોવા છતાં પણ યુપીઆઈને ગ્રામીણ વિસ્તારોમાં પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, જ્યાં બૅંકિંગ સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ નથી.

ગામડાંઓથી હવે બીજા દેશો સુધી પહોંચ્યું યુપીઆઈ

રાજસ્થાનનાં રહેવાસી પૂનમ ઉંટવાલ એક માર્ગદર્શન કેન્દ્ર ચલાવે છે, જ્યાં લોકોને ઇન્ટરનેટ અને ડિજિટલ બૅન્કિંગના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવે છે.

તેઓ કહે છે, “આપણામાંથી મોટાભાગના લોકો બહુ શિક્ષિત નથી અને ન તો આપણને ખબર છે કે સ્માર્ટફોનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો. હું લોકોને કહું છું કે ફોન હવે લોકો સાથે વાતચીત કરવાનો જ માત્ર માર્ગ નથી, બૅન્કો હવે તમારી આંગળીના ટેરવે છે."

પૂનમનું માનવું છે કે યુપીઆઈ એ સ્થાનિક અર્થતંત્રને વિકસાવવામાં મદદ કરશે.

પૂનમ કહે છે, “મારા જેવી ઘણી સ્ત્રીઓ નાનો ધંધો કરે છે જે તેઓ તેમના ઘરેથી કામ કરે છે. હવે અમે યુપીઆઈ દ્વારા પૈસા મોકલી કે મેળવી શકીએ છીએ. જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેઓ મારા સેન્ટર પર આવે છે અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરે છે.”

ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરવાની સાથે જ યુપીઆઈ હવે વિદેશમાં પણ પહોંચી રહ્યું છે.

ભૂટાન, મોરેશિયસ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા અને યુએઈના રિટેઇલર્સ UPI પેમેન્ટ સ્વીકારી રહ્યા છે.

આ વર્ષે, ફ્રાન્સ પણ યુપીઆઈ ચૂકવણી સ્વીકારનાર યુરોપનો પહેલો દેશ બન્યો છે. તેની શરૂઆત ઍફિલ ટાવરની ટિકિટના વેચાણથી થઈ હતી.

હવે વાત કરીએ મુંબઈની, જ્યાં અરુણ કુમાર ખુશ છે કે તેમને રોકડનો ઉપયોગ કરવો પડતો નથી, પરંતુ તેઓ ચિંતિત પણ છે.

તેમની ચિંતા એ છે કે જ્યારે નજીકમાં કોઈ સારું ઈન્ટરનેટ કનેક્શન ન હોય, ત્યારે ગ્રાહકો આકસ્મિક રીતે અથવા ઈરાદાપૂર્વક ચૂકવણી કર્યા વિના જઈ શકે છે.

તેઓ કહે છે, “મારા જેવા નાના વિક્રેતા માટે યુપીઆઈ દ્વારા પૈસા લેવાનું ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ હું હંમેશા છેતરપિંડીથી ડરું છું. યુપીઆઈ ફ્રૉડના વધતા જતા કિસ્સાઓ અંગેના સમાચારો સાંભળી રહ્યો છું. આશા છે કે, મારા જેવા નાના વિક્રેતાઓને નુકસાન ન વેઠવું પડે તે માટે કોઈક રસ્તો શોધવામાં આવશે.”