You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી ખેડૂતે એક જ આંબાવાડિયામાં 300થી વધારે જાતની કેરીઓ કેવી રીતે ઉગાડી?
ઉનાળો આવતાં જ બજારોમાં કેરી આવી જાય અને સ્વાદરસિકો પણ મનપસંદ કેરી માટે આતુર હોય છે. ગુજરાતમાં સાસણ ગીરમાં એક ખેડૂત દેશ-વિદેશની 300થી વધુ જાતની કેરીઓ ઉગાડે છે.
સાસણ ગીરના સુમિત જારિયા અને સમસુદ્દીન જારિયા 20 વર્ષથી અલગ-અલગ પ્રકારની કેરીની જાત પર અભ્યાસ કરી રહ્યા છે અને આ પ્રકારની કેરીઓ તેમના ફાર્મમાં ઉગાડી રહ્યા છે.
સુમિત પુણે યુનિવર્સિટીમાંથી બાયૉટૅકમાં સ્નાતક થયા. ત્યારબાદ તેમણે આસામની તેજપુર સૅન્ટ્રલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. તેમણે આફ્રિકાના અંગોલામાં ફુડ પ્રોસેસિંગ કંપનીમાં પણ કામ કર્યું. હવે તેઓ જાપાનની મિયાઝાકી, કેળા જેવા આકારની બનાના મેંગો, થાઇલૅન્ડની સુપર ક્વીન, ઇઝરાયલની જાંબલી રંગની કેરી જેવી દેશ-વિદેશની 300થી વધુ જાતની કેરી ઉગાડે છે.
સુમિત બીબીસી સહયોગી હનિફ ખોખર સાથે વાતચીતમાં જણાવે છે, "અમારી પાસે કુલ સાડા ચાર હજાર આંબા છે, જેમાં ત્રણસો પ્રકારની કેરીઓ થાય છે. છેલ્લાં 20 વર્ષથી આ આંબા અમારી પાસે છે."
તેમની પાસે વિશ્વમાં સૌથી મોંઘી મનાતી જાપાનની કેરી મિયાઝાકીના 50 છોડવા પણ છે.
જાપાનની 'ઇરવિન મિયાઝાકી' દુનિયાની સૌથી મોંધી કેરીની જાતો પૈકીની એક છે. જાપાનનું મિયાઝાકી શહેર આ કેરીનું વતન હોવાથી તેને 'મિયાઝાકી' કેરી તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં તેનું નામ 'તાયો-ના તામગો' છે, જેનો મતલબ ‘સૂરજનાં ઈંડાં’ એવો થાય છે. જાપાનમાં આ પ્રકારની કેરીને વિશેષ પ્રકારના નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. દર વર્ષે હરાજી દ્વારા તેનું વેચાણ કરવામાં આવે છે.
'મેંગો મ્યૂઝિયમ બનાવવાની ઇચ્છા છે'
મિયાઝાકી કેરી વિશે માહિતી આપતા સુમિત કહે છે, "ભારતમાં કેસર કેરીનું બૉક્સ 13થી 15 હજારમાં વેયાય છે. તેની મળતી કિંમત સખાવતમાં વપરાતી હોય છે. જાપાનમાં પણ આ જ પ્રકારની પ્રથા છે. જ્યારે તેની પહેલી નીલામી થાય ત્યારે તેનો ભાવ ભારતીય ચલણમાં અઢી-ત્રણ લાખ સુધી પહોંચે છે. ત્યાર બાદ રિટેલમાં તેનો ભાવ જાપાની ચલણમાં દસ હજાર સુધીનો હોય છે."
"જાપાનમાં આ કેરી ગ્રીન હાઉસમાં પાકે છે. કારણકે શિયાળામાં ત્યાં બરફ પડે છે તેથી ખુલ્લામાં આંબો સુકાઈ જાય. જેને કારણે આ કેરી પકવવામાં ખેડૂતોને વધુ ખર્ચ થાય છે તે પણ એક કારણ છે આ કેરી મોંઘી હોવાનું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુમિતનો દાવો છે કે તેઓ આગામી ત્રણ-ચાર વર્ષમાં મિયાઝાકી કેરીનું વેચાણ કરતા પણ થઈ જશે.
આ ઉપરાંત સુમિત અને સમસુદ્દીન ભારતની અલગ-અલગ કેરીની વેરાઇટી જેવી કે સોનપરી, અરૂણિકા, અંબિકા, પુસા સુર્યા, પુસા પિતાંબરને પણ પોતાના ફાર્મમાં ઉગાડે છે. સુમિતે જાપાન, થાઇલૅન્ડ, ચીન જેવા દેશોનો પ્રવાસ કર્યો છે. તેમણે કેરીની જાત વિશે અભ્યાસ કર્યો અને તેની કલમો ભારત લાવ્યા હતા.
તેમણે અનેક જાતની કેરીના આંબાનો ત્રણથી ચાર વર્ષ માટે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાતના હવામાનમાં કેરીના ઉત્પાદનનું કેવું પરિણામ મળે છે તે પણ ચકાસે છે. ત્યારબાદ તે પરિણામના આધારે તેઓ અન્ય ખેડૂતોને પણ આ પ્રકારનો પાક લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે.
સુમિત જણાવે છે કે આ તેમની ત્રીજી પેઢી છે જેઓ કેરીની બાગાયતની ખેતી સાથે સંકળાયેલી છે.
ચૌસા, હાફુસ, કેસર, દસેરી, હિમસાગર, લંગડા, સફેદા, માલગોઆ અને તોતાપુરી કેરીની મહત્ત્વની જાતો ભારતમાં જોવા મળે છે.
સુમિત જારિયાને અલગ-અલગ સંશોધનો માટે વિવિધ કૃષી યુનિવર્સિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક ઍવૉર્ડ પણ મળ્યા છે. સુમિત અને સમસુદ્દીન હવે હૉર્ટિકલ્ચર ટૂરિઝમ થકી સાસણ ગીર માટે સિંહદર્શન કરવા માટે આવતા લોકો અને ખેડૂતોને પોતાના ફાર્મ વિશે માહિતગાર કરવા માગે છે. તેઓ એક મેંગો મ્યૂઝિયમ બનાવવા પણ ઇચ્છે છે.
સુમિત જારિયાએ બીબીસીને કહ્યું, “કેરીની વિશ્વભરમાં બે હજારથી વધારે જાત છે, જેમાં એક હજારથી વધુ જાતો ભારતમાં જ છે. તેમણે કહ્યું કે અહીંનું વાતાવરણ કેસર માટે ખૂબ જ અનુકૂળ છે. કેરીની કોઈ એક જાત માટે વાતાવરણ અનુકૂળ હોય તો ત્યાં બીજી કેરીની બીજી જાતો પણ ઉગાડી શકાય કારણ કે, તે ભલે એક અલગ જાતની કેરી હોય પણ અંતે તો તે આંબો જ છે. નાનાં-મોટાં ફળોમાં આપણને ક્યારેક બદલાવ જોવા મળતા હોય છે. જોકે, અહીં વાતાવરણ એવું છે જે વિશ્વભરની મોટા ભાગની કેરીની જાતોને ઉગાડવા માટે માફક આવે તેવું છે.”
અલગઅલગ જાતના આંબા એકસાથે વાવવામાં આવે તો?
આ વિશે બીબીસી સાથે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ. ડી. કે. વરુએ કહ્યું, “તેઓ એક પ્રગતિશીલ ખેડૂત છે. તેમનો (સુમિત જારિયા) ઉદ્દેશ્ય બાયોડાયવર્સિટી કલેક્ટ કરીને તેમાંથી કલમો બનાવીને કેરી ઉગાડવાના શોખીન માણસોને આપવાનો છે.”
“જોકે, ખેડૂતોને તો જે કેરીની જાતનો બજારમાં ભાવ મળતો હોય તેવી જ જાતો ઉગાડવી જોઇએ. કારણ કે, બજારમાં બધી જ કેરીની જાતો વેચાશે નહીં. બજારમાં મોટા ભાગે કેસર, હાફુસ અને સોનપરી જેવી કેરીની જાતો જ ચાલે છે. ખેડૂતોએ આ જ કેરીની ખેતી કરવી જોઈએ. સોનપરી ગુજરાતની જ હાઇબ્રીડ કેરીની જાત છે અને ગુણધર્મો કેસર જેવા જ છે. આમ, કેસર કેરીનો બગીચો બનાવતી વખતે જો સોનપરીના ઝાડ પણ વચ્ચે રાખવામા આવે તો કેસરના ફલીનીકરણની પ્રક્રિયામાં પણ ફાયદો કરશે અને એક નવી વેરાઇટી પણ મળશે.”
સુમિતના પિતા સમસુદ્દીન જારિયાએ કેરીની અલગ-અલગ જાતો વિશે વાત કરતાં કહ્યું, “અમે મુખ્યત્ત્વે કેસર કેરીનું ઉત્પાદન કરીએ છીએ અને 10 ટકા ક્રૉસ વેરાઇટીમાં ઘણી અલગ-અલગ કેરીની જાતોને ઉગાડીએ છીએ. અમારા ફાર્મમાં અલગ-અલગ 300 જેટલી કેરીની જાતો છે. અમે દરેક કેરીની જાત વિશે તપાસ કરીએ છીએ કે કેરીની મીઠાસ કેવી છે, કેરીમાં રેસા કેટલા છે, તેને ક્યાં દેશમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મોટા ભાગે મીઠી કેરીને પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશમાં મોટા ભાગે ખાટી-મીઠી કેરીને પસંદ કરવામાં આવે છે. જો ખેડૂતો આ પ્રકારની વેરાયટીને ઉગાડે તો ભારતના લોકો પણ અલગ-અલગ પ્રકારની કેરીઓનો સ્વાદ માણી શકે છે.”
સમસુદ્દીને ઉમેર્યું કે તેઓ ઑસ્ટ્રેલિયા, અમેરિકા, થાઇલૅન્ડ, ઇજિપ્ત, જાપાન અને ઇઝરાયેલની અલગ-અલગ કેરીની જાતો તેમના ફાર્મમાં ઉગાડે છે.
કેરીનું પોષક મૂલ્ય
કેરી એ ઘણાં બધાં મેક્રો અને માઇક્રો પોષકતત્ત્વોનો સ્રોત છે.
તેમાં, કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન, એમિનો ઍસિડ, લિપિડ્સ, તેમજ ફાઇબર હોય છે.
આ ઉપરાંત, કેરીમાંથી મળતા સુક્ષ્મ પોષકતત્ત્વોમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ A અને C છે.
100 ગ્રામ કેરીના સેવનથી 60-90 કિલો કૅલરી મળે છે. આ સિવાય કેરીમાં 75-85 ટકા પાણી છે.
100 ગ્રામ કેરીમાં નીચે મુજબના પોષકતત્ત્વો મળે છે :
પાણી- 83 ગ્રામ
કૅલેરી - 60 કિલો કૅલરી (ઊર્જા)
કાર્બોહાઇડ્રટેસ્- 14.98 ગ્રામ
પ્રોટીન- 0.82 ગ્રામ
ફાઇબર- 1.6 ગ્રામ
સુગર - 13.66 ગ્રામ
કૅલ્શિયમ- 11 મિલિગ્રામ
આયર્ન- 0.16 મિલિગ્રામ
વિટામિન C- 36.4 મિલિગ્રામ
કેરીમાં કૉલસ્ટ્રોલ નથી.
ભારતમાં કેરીનું ઉત્પાદન
કેરી ફળોમાં ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્ત્વપૂર્ણ પાક છે. કેરીના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. ભારતમાં કેરીની ખેતી 2400 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે અને તેનું 21.79 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થાય છે.
મુખ્ય કેરી ઉગાડતાં રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ગુજરાત અને તેલંગાણા છે.