M.D. સાગઠિયા : BMWમાં ફરવાથી માંડીને રાજકોટ અગ્નિકાંડ બાદ કરોડોની સંપત્તિ જપ્ત થવા સુધી

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાની રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવાં અને ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી તેઓની સામે 'ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસરની મિલકત ભેગી કરવાનો અને સરકારી દસ્તાવેજ સાથે ચેડાં કરવાં' સહિતના કુલ ત્રણ ગુના નોંધાયા છે, હાલ તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.

રાજ્ય સરકારે આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ સહિત અન્ય ખાતાંના એક ડઝન જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને નવથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આ તમામ આરોપીઓમાં છેલ્લા સવા મહિનાથી સૌથી વધુ ચર્ચામાં હોય તો તે એમ. ડી. સાગઠિયા છે.

4 જુલાઈ, 2024ના દિવસે આરોપી એમ. ડી. સાગઠિયાની અપ્રમાણસર મિલકત સંબંધી ગુનામાં સંપત્તિ ટાંચમાં લેવા માટે ઍન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિક નિયામક બિપીન આહિરેની અધ્યક્ષતામાં છ પોલીસ અધિકારીની એસઆઈટી બનાવાઈ હતી.

સાગઠિયા સામે 19 જૂન, 2024ના રોજ અપ્રમાણસર મિલકત રાખવાનો ગુનો નોંધાયો હતો. જેમાં વર્ષ 2012થી 2024 દરમિયાન તેઓ પાસેથી 10.55 કરોડની મિલકત મળી આવી હતી.

25મી મે, 2024ના દિવસે રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર આવેલા ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં આગની ગંભીર ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત 27 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.

કોણ છે મનસુખ સાગઠિયા?

"મનસુખ સાગઠિયા પોતે BMW કાર લઈને ફરતા હતા. સરકારી પગારમાં આ કાર કેવી રીતે પરવડે? તે દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય. તેમની ગાડી પર TPO લખેલું જોવા મળતું."

આ શબ્દો વરિષ્ઠ પત્રકાર સુનીલ જોષીના છે. સુનીલ જોષી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં તત્કાલીન TPO અને હાલ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ સહિત ત્રણ જુદા જુદા ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપી એમ. ડી. સાગઠિયાની વૈભવી લાઇફ સ્ટાઇલ વિશે પ્રકાશ પાડી રહ્યા છે.

રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મનસુખ સાગઠિયા 20 વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ફરજ બજાવે છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમના ભ્રષ્ટાચાર અંગે વારંવાર આક્ષેપો અને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ તેમજ સત્તાપક્ષના તમામ પદાધિકારીઓ દ્વારા કોઇ પગલાં લેવાયાં ન હતાં.”

“મનસુખ સાગઠિયા દસ વર્ષ કરતાં વધારે સમય સુધી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઇન્ચાર્જ ટીપીઓ તરીકે કામ કરતા હતા. તેઓના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદો હોવા છતાં તેઓને ટીપીઓની પોસ્ટ માટે કાયમી નિમણૂક આપવામાં આવી હતી."

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યએ જણાવ્યું હતું કે, "મનસુખ સાગઠિયા ઉપર એવા પણ આક્ષેપો હતા કે, રાજકોટ શહેરમાં કઈ જમીન ઉપર શું ડેવલપમેન્ટ આવવાનું છે? તે અંગેની માહિતી તેમની પાસે રહેતી હતી. જેથી તેઓ તેમના મળતિયાઓને ડેવલપમેન્ટ આવે તે પહેલાં તેની માહિતી આપી દેતા હતા."

"આ પછી તેમના મળતિયાઓ ચોક્કસ વિસ્તારમાં ખેડૂતો પાસે સસ્તામાં જમીન ખરીદતા હતા અને ત્યારબાદ ત્યાં ડેવલપમેન્ટ આવ્યા પછી જમીનને દસ ગણા ભાવે વેચી દેતા હતા. જેના કારણે કેટલાય લોકો અબજોપતિ થઈ ગયા. તેમાં તેમને પણ ભાગ મળતો હોવાની પણ ચર્ચા છે. મનસુખ સાગઠિયાની લાઇફ સ્ટાઇલ એક સામાન્ય સરકારી કર્મચારીને તે પરવડે તેવી નહોતી."

વરિષ્ઠ પત્રકાર સુનીલ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " મનસુખ સાગઠિયા સામે બે વર્ષ પહેલાં ઍન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મુદ્દે તપાસ પણ શરૂ થઈ હતી પરંતુ તે બાદમાં બંધ થઈ ગઈ હતી. આ પછી ટાઉન પ્લાનિંગ ઑફિસર માટેની કાયમી ભરતી બહાર પાડવામાં આવી હતી. જેના નિયમો એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં મનસુખ સાગઠિયા ફિટ થાય. જે માટે કેટલાક નિયમો સાથે બાંધછોડ પણ કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયાની ભરતી વખતે પત્રકારો દ્વારા લખવામાં પણ આવ્યું હતું પરંતુ તેમની સામે ક્યારેય કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી."

સાગઠિયાની TPO તરીકે નિમણૂક સામે સવાલ ?

મનસુખ સાગઠિયાની ટીપીઓ તરીકે નિમણૂક પર પણ ઘણા સવાલો ઊઠી રહ્યા છે.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પૂર્વ કૉર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું, "મનસુખ સાગઠિયા ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઑફિસર તરીકે કામ કરતા હતા. એક વર્ષ અગાઉ ઇન-હાઉસ ભરતી કરીને તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમની નિમણૂકમાં પણ નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા. જે અંગે સામાન્ય સભાની બેઠકમાં રજૂઆત થઈ હતી. તેમ છતાં તેમની નિમણૂક કરવામાં આવી હતી."

આ અંગે પૂર્વ કૉર્પોરેટર વધુમાં જણાવે છે કે, "ટીપીઓ તરીકે બકુલ રૂપાણી 10 વર્ષ પહેલાં નિવૃત થયા બાદ વર્ષો સુધી સાગઠિયા આ હોદ્દા પર માત્ર ઇન્ચાર્જ તરીકે હતા. બાદમાં જ્યારે ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હતી ત્યારે 2023માં જ ટી.પી.ઓ.ની કહેવાતી ભરતીપ્રક્રિયા શરૂ કરી અરજી મંગાવાઈ હતી. ઑફિસર્સ સિલેક્શન કમિટીની બેઠક 6 જુલાઈના રોજ બોલાવાઈ હતી. જે કમિટીમાં મેયર તરીકે પ્રદીપ ડવ, સ્થાયી સમિતિના ચૅરમૅન તરીકે પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયરપદે કંચનબહેન સિળપુરા હતાં. આ ત્રણેય પદાધિકારીઓની મુદત 12 ઑગસ્ટ, 2023ના રોજ પૂરી થતી હતી. 19 જુલાઈ, 2023ના રોજ જનરલબૉર્ડમાં તાત્કાલિક આ દરખાસ્ત રજૂ કરીને મંજૂર પણ કરી દેવાઈ હતી. નિમણૂક વખતે સાગઠિયાની ઉંમર 55 વર્ષની હતી પરંતુ, મનપાના ઑફિસરને ઉંમરબાધ ન હોવાનો વિચિત્ર નિયમ આગળ ધરીને નિમણૂક આપી દેવાઈ."

આરોપી સાગઠિયા પાસેથી કેટલી રોકડ મળી આવી?

એસીબીને સાગઠિયાની ઑફીસની તપાસ દરમિયાન પંદર કરોડની કિંમતનાં સોનાના દાગીના તથા બિસ્કીટો અને ત્રણ કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત સાડા આઠ લાખ રૂપિયાની ડાયમંડ જ્વેલરી, બે લાખ રૂપિયાની ચાંદી અને એક લાખ 82 હજારની જુદાજુદા દેશોની ચલણી નોટો મળી આવી હતી.

એસીબીએ જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવ્યું, "સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે વિવિધ ભ્રષ્ટ રીતો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવ્યાં અને તેનો ઉપયોગ પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરવા માટે કર્યો હોય તેવું ફલિત થાય છે."

એસીબીએ વધુમાં જણાવ્યું કે સાગઠિયાની આવકની તુલનામાં તેમની પાસે 410 ટકાથી વધારે અપ્રમાણસર મિલકતો છે. બ્યૂરોએ પોતાની પ્રેસનોટમાં જણાવ્યું કે 'સાગઠિયા પાસે બે પેટ્રોલ પંપ, ત્રણ ઇન્ડસ્ટ્રિયલ ગોદામ, ફાર્મહાઉસ, અંડર કન્સ્ટ્રક્શન હોટલ, ખેતીની જમીન, ગૅસ ગોડાઉન છે. આ ઉપરાંત બાલાજી ગ્રીનપાર્કમાં પ્લૉટ, રાજકોટની અનામીકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો, આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદની અદાણી શાંતીગ્રામ ટાઉનશિપમાં બે ફ્લૅટ્સ હોવાનું માલુમ પડ્યું છે સાથે તેમની પાસે કુલ છ વાહનો પણ મળી આવ્યાં છે.'