You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘લોકો લટકી રહ્યા હતા અને અમે તેમને કૂદી જવાનું કહ્યું’, - રાજકોટમાં આગથી લોકોને બચાવનારા ચાવાળાએ શું કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોનાં મૃત્યુ પછી એક પછી એક કરુણ કહાણીઓ સામે આવી રહી છે.
જેમ જેમ લોકોના ડીએનએ સૅમ્પલ મૅચ થઈ રહ્યાં છે તેમ તેમ આક્રંદ અને આક્રોશ વધતાં જાય છે. અનેક પરિવારોના એકથી વધુ સભ્યો લાપતા છે.
રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં ઘણા લોકો એવા પણ છે જેઓ તેમાંથી બચી ગયા અને તેમણે અનેક લોકોને બચાવ્યા પણ ખરા.
ભયાવહ આગ દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ એ પરિસ્થિતિનું વર્ણન કર્યું ત્યારે તેમના અનુભવો પરથી ખ્યાલ આવે છે કે આ દુર્ઘટનામાં ઘડીના છઠ્ઠા ભાગમાં કઈ રીતે જિંદગીઓ ભસ્મીભૂત થઈ ગઈ.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે આવા જ કેટલાક વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી કે જેમણે અનેક લોકોના જીવન બચાવ્યાં.
‘લટકી રહેલાં લોકોને અમે કૂદી જવાનું કહ્યું’
“અમે નીચે ઊભા હતા અને બે-ચાર લોકો લટકતાં હતાં. અમે ત્રણ લોકો નીચે હતા. લટકતાં લોકોને અમે કૂદી જવાનું કહ્યું. અમે તેમને કહ્યું કે તમે કૂદી જાઓ, અમે તમને ઝીલી લઇશું. અમે અંદર જવાની કોશિશ કરી પણ એટલી ઝડપથી આગ ફેલાઈ ગઈ કે અમે અંદર ન જઈ શક્યા.”
આ શબ્દો મહેશભાઈ ચાવાળાના છે જેઓ આ વિસ્તારમાં ડાહ્યાભાઈ તરીકે જાણીતા છે.
ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની ત્યારે તેઓ ગેમ ઝોન પાસે ચા આપવા માટે ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, “ચા આપવા હું ત્યાં ઘણીવાર જતો હોઉં છું. બહારથી મને સામાન્ય ધુમાડા દેખાયા એટલે હું ત્યાં ગેમ ઝોનમાં અંદર ગયો. પહેલાં સામાન્ય દેખાતા ધુમાડા થોડી જ વારમાં વિકરાળ આગ બની ગયા.”
“અમારા કહેવાથી એક વ્યક્તિએ કૂદકો માર્યો પણ તેનું વજન વધારે હોવાથી અમે તેને ઝીલી ન શક્યા. તેને માથામાં વાગ્યું એટલે અમે તેને ફટાફટ હૉસ્પિટલ મોકલ્યા.”
તેઓ કહે છે, “અમે બે-ચાર લોકોને બચાવ્યા, અમે અંદર જવાની કોશિશ કરી પણ એટલો તાપ લાગતો હતો કે અંદર જઈ ન શક્યા. દસ-પંદર મિનિટમાં તો બ્લાસ્ટ થવા લાગ્યા અને પછી અમે કોઈને બચાવી ન શક્યા.”
મહેશભાઈ કહે છે, “સામાન્ય રીતે એવું લોકોને લાગે કે આગથી બચવા માટે લોકો ભાગમભાગ, ચિચિયારીઓ પાડતાં હશે. પરંતુ ત્યાં અજીબ સન્નાટો હતો. મને લાગે છે કે આગના ધુમાડાથી જ લોકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હશે.”
તેઓ કહે છે કે ધુમાડા એટલા હતા કે જાણે એ સમયે અંધકાર છવાઈ ગયો હતો.
‘પાંચ જ મિનિટમાં ગેમઝોન જમીનદોસ્ત થઈ ગયું’
“આખા બૉલિંગ ક્લબમાં ધુમાડાના ગોટેગોટા આવતા હતા, શ્વાસ લઈ શકાતો ન હતો. કોઈ કોઈનો અવાજ સાંભળી શકતું ન હતું. એક જગ્યાએ પ્રકાશ દેખાયો અને પછી હું ત્યાંથી બહાર નીકળી શક્યો.”
આ શબ્દો પૃથ્વીરાજસિંહ ઝાલાના છે કે જેઓ ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં બૉલિંગની ગેમનો આનંદ માણી રહ્યા હતા. તેઓ ગોંડલથી તેમના ત્રણ મિત્રો સાથે ટીઆરપી ગેમ ઝોનમાં રમવા માટે ગયા હતા.
તેમના બે મિત્રોમાંથી એકનું મૃત્યુ થયું છે અને એક હજુ લાપતા છે.
તેઓ કહે છે, “મને એક જગ્યાએથી પ્રકાશ દેખાયો અને ત્યાંથી મેં પાટા મારીને પતરું તોડી નાખ્યું, અને ત્યાંથી હું બહાર નીકળી ગયો.”
તેમનું કહેવું છે કે ફાયર એલાર્મ કે ઇમર્જન્સી ઍક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી.
પૃથ્વીરાજસિંહ કહે છે, “બે મહિલાઓને મેં પ્લાયવૂડની શીટ નીચે દબાઈને સળગી જતાં જોયાં છે. મારા બે મિત્રોને પણ હું બચાવી શક્યો નહીં.”
ડીએનએ ટેસ્ટની કામગીરી હજુ પણ ચાલુ છે
આગથી બળી ગયેલાં માનવશરીરોની ઓળખ માટે હજુ પણ ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે.
પરંતુ અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટથી 27 પૈકી 13 લોકોની ઓળખ જ થઈ શકી છે. ઓળખ બાદ મૃતકોનાં શરીર પણ તેમના પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે.
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કુલ સાત લોકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.
તેમાં સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (17), સ્મિત મનીષભાઈ વાળા, સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા(45), જિગ્નેશ કાળુભાઈ ગઢવી, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ(35), વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (23) અને આશાબેન ચંદુભાઈ કાથડ (38) નો સમાવેશ થાય છે.
આ કેસમાં વધુ એક આરોપી ધવલ ઠક્કરની આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. બીબીસી સહયોગી પરેશ પઢિયારે તેની પુષ્ટિ કરી છે.
તેમણે આપેલ માહિતી અનુસાર આરોપી ધવલ ઠક્કર ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને માલિકોએ ગેમ ઝોનનું લાયસન્સ તેના નામે લીધું હતું.
કોની ધરપકડ થઈ, કોણ સસ્પેન્ડ થયું?
ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ અંગે સરકારની ઝાટકણી કાઢી તેના ગણતરીના કલાકોમાં જ સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી છે. રાજુ ભાર્ગવના સ્થાને રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીરકુમાર દેસાઈ અને એડિશનલ પોલીસ કમીશનર વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે.
વિધિ ચૌધરીના સ્થાને મહેન્દ્ર બગરિયાની રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત સરકારે કુલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં બે પોલીસ અધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના પાંચ અધિકારીઓ સામેલ છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમૅન્ટના આસિસ્ટન્ટ ઍન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, રાજકોટ રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના એમ.આર.સુમા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં સ્ટેશન ઑફિસર તરીકે ફરજ બજાવતાં રોહિત વિગોરા તથા નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયા સામેલ છે.
જ્યારે બે પોલીસ ઇન્સપેક્ટર વીઆર પટેલ અને એનએલ રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એ સિવાય અત્યાર સુધીમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, યુવરાજ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ત્યારબાદ અન્ય આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.
રાહુલ રાઠોડ એ ગેમ ઝોનના માલિકોમાંથી એક છે જ્યારે યુવરાજ સોલંકી તેમના ભાગીદાર છે. નીતિન જૈન ગેમ ઝોનના મૅનેજર છે.