You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના 4 સીસીટીવી ફૂટેજમાં આગ કેવી રીતે લાગી તેનો ખુલાસો થયો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ પછી મૃત્યુઆંક 27એ પહોંચ્યો છે. મૃતકો પૈકી મોટી સંખ્યામાં બાળકો હોવાનું મનાઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં પોલીસે ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત પણ કરી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
રાજકોટમાં આ આગ કેવી રીતે લાગી અને શા માટે થોડી જ મિનિટોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેના વિશે તપાસ થતાં ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
પ્રાથમિક અહેવાલોમાં વેલ્ડિંગ તથા શોર્ટ-સર્કિટની વાત સામે આવી હતી. પરંતુ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખને મળેલા ઘટનાના સીસીટીવી ફૂટેજથી આગ કઈ રીતે લાગી હતી અને કેટલી મિનિટોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેના વિશે વધુ જાણકારી મળી છે.
સીસીટીવી ફૂટેજમાં શું સામે આવ્યું?
ઘટનાના ચાર સીસીટીવી ફૂટેજનું બીબીસીએ અવલોકન કર્યું હતું.
આ પૈકી પહેલા ફૂટેજમાં 5:33:30 (પાંચને તેત્રીસ મિનિટે) ના સમયે ફૂટેજમાં વેલ્ડિંગકામ થતું જોવા મળી રહ્યું છે. જ્યાં વેલ્ડિંગકામ થઈ રહ્યું છે તેની નીચે જ ફોમ શીટનો મોટો થપ્પો કરેલો છે.
વેલ્ડિંગકામ થઈ રહ્યું હતું અને તેના તણખા આ શીટ પર પડી રહ્યા હતા.
5:34:06 સમયે આ શીટમાંથી થોડો થોડો ધુમાડો નીકળવાનો શરૂ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ માત્ર અડધી મિનિટના સમયગાળામાં જ ચાર-પાંચ લોકોને આગની શક્યતા દેખાતા તેઓ દોડાદોડી કરતાં જોવા મળે છે. આ લોકો આગને બુઝાવવાનો પ્રયાસ કરતાં પણ જોવા મળે છે.
5:34:55 સુધીમાં તો ત્યાં ઢગલામાં પડેલી બધી જ ફોમ શીટ સળગવા માંડે છે.
એટલીવારમાં ત્યાં ઘણા લોકો એકઠા થઈ જાય છે અને એક વ્યક્તિ બાકીની ફોમ શીટને ખસેડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં તેને સફળતા મળતી નથી. આગ ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે.
અન્ય એક ફૂટેજમાં એક વ્યક્તિ ફાયર એક્સ્ટિંગ્યુશર હાથમાં લઈને છંટકાવ કરે છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળતા મળતી નથી.
થોડીવાર આમતેમ લોકો દોડાદોડી કરે છે અને ત્યારબાદ બીજો ફાયર એક્સ્ટિંગ્યુશર સિલિન્ડર લાવવામાં આવે છે અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આ બધા પ્રયત્નો માત્ર 50 સેકન્ડમાં જ કરવામાં આવ્યા હતા જેમાં આગ બુઝાવવામાં સફળતા ન મળી અને પછી તે વધુ ઝડપથી ફેલાવા લાગી.
ફોમના બનેલા સ્ટ્રક્ચરને કારણે ઝડપથી આગ ફેલાઈ
જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ નહોતું.
રાજકોટ ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી વી. આર. ખેરે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આખું સ્ટ્રક્ચર પૈકી કેટલુંક બાંધકામ ફોમથી બનેલું હતું. તે પૈકી કેટલીક જગ્યાએ થર્મોકોલ કે પ્લાયવુડની શીટ લગાડેલી હતી. બાળકો માટે ગેમ ઝોન હતો એટલે તેમને વાગે નહીં તે માટે તેમણે વિવિધ જગ્યાએ ફોમનું લેયર બનાવ્યું હતું. શેડનાં પાર્ટિશન પણ વૂડનશીટનાં બનેલાં હતાં.”
તેમના કહ્યા અનુસાર, “આ ફોમ અને થર્મોકોલ અતિજ્વલનશીલ પદાર્થો છે જેને કારણે આગ કાબૂ બહાર ફેલાઈ ગઈ.”
રાજકોટના નાયબ પોલીસ કમિશનર ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ફોરેન્સિક સાયન્સની ટીમ આગનાં કારણોની તપાસ કરી રહી છે, પરંતુ આ એક ફોમ બેઇઝ્ડ સ્ટ્રક્ચર હતું જે અતિજ્વલનશીલ હોવાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ.”
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ફોમ કાર્બનના ઘન જ્વલનશીલ સામગ્રીથી બનેલાં હોય છે. જે પોલીથિન, પોલીયુરેથિન, પોલીસ્ટાઇરિનમાંથી બને છે.
તે વજનમાં હલકાં હોય છે અને તે આઘાત સહન કરી શકે તેવા હોવાથી તેનો ઉપયોગ ટૅમ્પરરી સ્ટ્રક્ચરમાં કે સુશોભનની સામગ્રી તરીકે અથવા ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં થાય છે.
અન્ય મટીરિયલ્સને કારણે આગ વધુ ફેલાઈ
કેટલાક મીડિયામાં અહેવાલો હતા કે આ ગેમ ઝોનમાં કામકાજ ચાલુ હતું તેથી ત્યાં પેટ્રોલ અને ડિઝલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો જેને કારણે પણ આ આગ ઝડપથી ફેલાઈ.
વી.આર.ખરેના જણાવ્યા મુજબ, “શેડની આગળ કામકાજ ચાલતું હતું. રંગકામ પણ થઈ રહ્યું હતું. સાથે ટર્પેઇન્ટાઇનનાં ટીન પણ જોવાં મળ્યાં છે. તેઓ સ્પ્રે કરીને રંગકામ કરતાં હતાં જે પણ જ્વલનશીલ હોય છે. તેને કારણે પણ આગ વધુ ફેલાઈ હોઈ શકે.”
આગ વધારે ફેલાવવાનાં અન્ય કારણો ગણાવતાં વી. આર. ખરે જણાવે છે, “સૅન્ટ્રલ એસી હતું. ઍન્ટ્રી અને ઍક્ઝિટ માટે એક જ પ્રવેશદ્વાર હતો. જેને કારણે આગ વધારે ફેલાઈ.”
નજરે જોનારાઓનું કહેવું છે કે આખો ડૉમ કે શેડ ટૅમ્પરરી હોવાને કારણે અને તેમાં આરસીસીનો ઉપયોગ ન થવાને કારણે આગ લાગવાથી તે તૂટી ગયો અને અંદર રહેલા લોકો તેની નીચે ફસાઈ ગયા.
આગ લાગી ત્યારે પવન વધારે હતો. તેને કારણે પણ તે વધારે ફેલાઈ હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે.
જોકે, હજુ સુધી દુર્ઘટનાના સ્પષ્ટ કારણોની તપાસ ચાલુ છે અને એફએસએલની મદદ લેવાઈ રહી છે.