You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : 'ટીઆરપી'નો આઇડિયા કોનો હતો અને કેવી રીતે તૈયાર કરાયો હતો ગેમ ઝોન?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટથી
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બનવા પાછળનું આયોજન કોનું હતું? તેની શરૂઆત કેવી રીતે થઈ હતી? નવી રાઇડ્સ શરૂ કરવાની કામગીરી કોની હતી? આવનાર લોકોને કેવી રીતે સંભાળવામાં આવતા હતા? સરકારી પરવાનગીઓ કેમ લેવાઈ નહોતી?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટના માટે આવા અનેક મુદ્દાઓ પર હાલમાં રાજકોટ પોલીસ પોતાની તપાસથી દિશા નક્કી કરી રહી છે.
આ ઘટના બાદ એક એફઆઈઆર નોંધીને પોલીસે હજી સુધી ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં આ ગેમ ઝોનની માલિકી ધરાવતા ભાગીદારો યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ, જેના નામે ગેમ ઝોનનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું તે ધવલ ઠક્કર અને ગેમ ઝોનના મૅનેજર નીતિન જૈનની ધરપકડ થઈ છે. પોલીસ માની રહી છે બીજા આરોપીઓ પણ જલદી પકડાઈ જશે.
કેવી રીતે શરૂ થયો હતો ટીઆરપી ગેમ ઝોન?
જોકે, પોલીસ એ વાતની તપાસ પણ કરી રહી છે કે આ ગેમ ઝોનની શરૂઆત કરી રીતે થઈ? તેને શરૂ કરવાનો સૌ પ્રથમ પ્લાન કોનો હતો અને એફઆઇઆરમાં નોંધાયેલા સાત લોકો સહિત બીજા લોકો આ ગેમ ઝોન શરૂ કરવા કેવી રીતે સાથે આવ્યા. પ્રાથમિક તબક્કા બાદ પોલીસની તપાસ આ દિશામાં તરફ આગળ વધી રહી છે.
ગુજરાત સરકારે જેમની બદલી કરી તે પહેલાં રાજકોટ શહેરના પોલીસ કમિશનરના હોદ્દા પર રહેલા રાજુ ભાર્ગવે 27 મેના દિવસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાx કહ્યું હતું કે, “આરોપીઓમાં મોટા ભાગના લોકો રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ તેમણે વિવિધ સ્તરે કાયદાનું પાલન કરેલું નથી, વિવિધ લાઇસન્સ મેળવેલાં નથી અને ઘણાં નીતિ-નિયમોનું પણ પાલન કર્યું નથી.”
પત્રકારો સાથે વાત કરતા તેમણે અગાઉ કહ્યું હતું કે, “વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે આરોપીઓની સામે વહેલી અને મજબૂત ચાર્જશીટ દાખલ કરવા તરફ પોલીસ કામ કરી રહી છે. આ માટે રાજકોટ પોલીસે પણ પોતાની એક વધારાની તપાસ સમિતિની પણ રચના કરી છે. જેનાં વડાં અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી છે.”
જોકે, ગુજરાત સરકારે રાજૂ ભાર્ગવની સાથે સાથે વિધિ ચૌધરીની પણ બદલી કરી દીધી છે.
આ કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે, બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગેમ ઝોનનો આઇડીયા પ્રથમ વખત યુવરાજસિંહને આવ્યો હતો. તેમણે ઇન્ટ્રુમૅન્ટલ અને કંટ્રોલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના કૉલેજ સમયમાં પણ તેમણે ગો-કાર્ટિંગ પર કામ કરેલું છે. ગો-કાર્ટિંગ તેમનો મનગમતો વિષય હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીના જણાવ્યા અનુસાર ગો-કાર્ટિંગના પોતાના શોખને યુવરાજસિંહે વ્યવસાયમાં બદલવા માટે વિવિધ લોકોનો સંપર્ક કર્યો હતો. તેમને એક ગો-કાર્ટિંગ ટ્ર્રૅક બનાવવાની ઇચ્છા હતી, અને એટલા માટે એણે પ્રકાશ હીરણ સાથે મુલાકાત કરી હતી. હીરણ પણ આ કેસમાં એક આરોપી છે.
એ.સી.પી. રાધિકા ભારાઈએ પ્રકાશ હીરણના મૃત્યુની પુષ્ટિ કરી છે અને તેમના ડીએનએ તેમની માતાના ડીએને સાથે મૅચ થતા હોવાનું પણ જણાવ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર થોડાં વર્ષો પહેલાં યુવરાજસિંહ અને પ્રકાશ હીરણ મળ્યા, ત્યારબાદ તેમણે અશોક અને કિરીટ જાડેજાનો સંપર્ક કર્યો હતો. જેઓ મુખ્યત્વે રીયલ એસ્ટેટના વ્યવસાયમાં હતા, અને કોઈ નવા ધંધામાં રોકાણ કરવા માંગતા હતા.
પોલીસ તપાસમાં મળેલી માહિતી પ્રમાણે ગો-કાર્ટિંગ માટેના સોલંકીના શોખ પછી આ ગેમીંગ ઝોનનો આઇડીયા ઉદ્ભવ્યો અને ત્યારબાદ 'TRP ગેમ ઝોન' શરૂ કરવા માટે 'રેસ-વે ઍન્ટર્પ્રાઇઝ' નામની કંપની બનાવવામાં આવી હતી.
આ કંપનીમાં ધવલ ઠક્કર અને બીજા લોકોએ રોકાણની બાહેંધરી લીધી. આ ગેમીંગ ઝોનમાં ગો-કાર્ટિંગ સીવાય બીજી રમતો પણ ઉમેરવામાં આવી હતી.
આ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, “રોજિંદા કામકાજની જવાબદારી, સોલંકી અને ગેમીંગ ઝોનના મૅનેજર નીતિન જૈન પાસે હતી, જેમાં વિવિધ કન્સ્ટ્રકશન, ઇલેક્ટ્રિસિટી, ફાયર સેફ્ટી, વગેરેની જવાબદારી હતી.”
આ ઉપરાંત FIRમાં છઠ્ઠા ક્રમાંકના આરોપી રાહુલ રાઠોડ પાસે ગો-કાર્ટિંગની દરરરોજની જવાબદારી હતી, જેમાં તેને ગો-કાર્ટિંગ માટે ઈંધણ, રિપેરિંગ વગેરે બાબતો સંભાળવાની હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના પાછળ ગો-કાર્ટિંગ અને જનરેટર માટે વપરાતું ઈંધણ પણ આ ભયાનક આગનું એક કારણ છે.
સ્નો પાર્ક માટે થઈ રહેલું વેલ્ડિંગ આગનું કારણ બન્યું.
TRP ગેમ ઝોનમાં થોડા દિવસોમાં સ્નો પાર્કનો ઉમેરો થવાનો હતો. આ સ્નો પાર્ક ગ્રાઉન્ડ ફ્લોર પર બનવાનો હતો. તેને બનાવવા માટે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી.
આ સ્નો પાર્ક સંદર્ભે કામ કરવાની જવાબદારી રાઠોડની હતી. તેઓ પોતે ગોંડલના રહેવાસી છે, માટે પોલીસ એ પ્રાથમિક રીતે માની રહી છે કે વેલ્ડિંગ કરનારા વ્યક્તિ ગોંડલની હોઈ શકે.
જોકે પોલીસ એ માની રહી છે કે, આગનું કારણ વેલ્ડિંગની કામગીરી હોઈ શકે છે. જેના તણખાથી ફૉમની શીટે આગ પકડી અને જોત-જોતામાં આગ પ્રસરી ગઈ. વેલ્ડિંગની કામગીરી સમયે સંસ્થાપકે જે ધ્યાન રાખવાનું હતું, તે ધ્યાન તો નથી જ રાખ્યું પરંતુ તેની સામે ટિકિટના દર ઓછા કરીને લોકોની ભીડમાં વધારો કર્યો, જે ખૂબ જ ગંભીર બાબત છે.
“આવી કામગીરી ચાલતી હોય, ત્યારે જો ગેમીંગ ઝોન બંધ રાખ્યો હોત તો આટલી મોટી જાનહાની ન થઈ હોત, અને તેમની ભૂલને કારણે માનવજીવન ખતમ થઈ ગયાં છે,” એક બીજા ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.
જોકે હજી સુધી પોલીસે આ વેલ્ડિંગ કરનારા વ્યક્તિની પૂછપરછ કે ધરપકડ કરી નથી. આ વિશે પોલીસ જણાવે છે કે, “રાહુલ રાઠોડ પોતે ગોંડલના છે અને આ વેલ્ડિંગની કામગીરી તેઓ પોતાની દેખરેખમાં કરાવી રહ્યા હતા. આ વેલ્ડિંગ કરનાર વ્યક્તિઓ પણ ગોંડલના જ છે.”
બેદરકારી શું હતી?
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે રાજકોટના ગેમ ઝોનમાં કેટલી બેદરકારી હતી. જેમકે ફાયર બ્રિગેડ પાસેથી NOC મેળવવામાં નહોતી આવી. જે પ્રમાણે ત્યાં સામગ્રી હતી તે મુજબના ત્યાં ફાયર સેફ્ટીનાં સાધનો નહોતાં, કોઈ સેફ્ટી ઓડીટ નહોતું વગેરે.
અધિકારીએ કહ્યું, "બેદરકારી હતી, એટલે જ આ દુર્ઘટના ઘટી છે. પરંતુ તે બેદરકારી કેટલા હદ સુધી હતી અને મુખ્યત્વે ઘટનાના દિવસે, આગ પહેલા શું-શું થયું તે તમામ માહિતી મેળવવા માટે હાલમાં પોલીસ કામ કરી રહી છે."
ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 33(w) અને 33(x) પ્રમાણે પોલીસ TRP ગેમ ઝોન જેવી આનંદપ્રમોદની જગ્યા પર ટિકિટના ભાવ, તેના કારણે ટ્રાફિકમાં આવતી અડચણો, પ્રવેશ-નિકાસ, કામ કરવાના કલાકો, વગેરે જેવી બાબતો પર નિયંત્રણ રાખી શકે છે.
એટલા માટે જ આવા ઍમ્યુઝમૅન્ટ પાર્ક શરૂ કરતાં પહેલાં પોલીસ પરવાનગી લેવી પડે છે. આ માટે અરજદારે પોલીસનાં લાઇસન્સ-ખાતાને મળવાનું હોય છે અને ત્યારબાદ જે-તે પોલીસ સ્ટેશનની હદના પોલીસ ઇન્સ્પેક્ટરનો અભિપ્રાય લેવાનો હોય છે.
આ અભિપ્રાય હકારાત્મક હોય તો જ જે તે ઍમ્યુઝમૅન્ટ પાર્કને બુકીંગ લાઇસન્સ આપવામાં આવે છે. પોલીસ ઇન્સ્પેક્ટરે આ અભિપ્રાય સ્થળ તપાસ, વિવિધ સગવડો, ઍન્ટ્રી-ઍક્ઝિટ, ટ્રાફિક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, વગેરે ધ્યાનમાં લઈને આપવાનો હોય છે.
જોકે TRP ગેમ ઝોન પાસે આ પોલીસ લાઇસન્સ તો હતું, પરંતુ તેનો આધાર ખોટો હતો. એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલો અભિપ્રાય ખોટો હતો.
આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે બે પોલીસ ઇન્સ્પેક્ટરોને TRP ગેમ ઝોનના સંદર્ભમાં ખોટો અભિપ્રાય આપવા માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ડીજીપીએ જાહેર કરેલા ઑર્ડર પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. પટેલને આ બુકિંગ લાઇસન્સ માટે કોઈ પણ ચકાસણી વગર હકારાત્મક અભિપ્રાય આપવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સહાયે આ સસ્પેન્શનના હુકમમાં નોંધ્યું છે કે 'આ અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની પોતાની ફરજથી વિમુખ થયા છે, માટે તેમને પોતાના સ્થાનથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે.'