રાજકોટ ગેમ ઝોનની આગ પહેલાં ગુજરાતમાં ઘટેલી ત્રણ મોટી દુર્ઘટનાની તપાસ ક્યાં પહોંચી?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોનાં થયેલાં મૃત્યુ મામલે ગુજરાત સરકારે તપાસ માટે સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી છે.

આ એસઆઈટીને 72 કલાકમાં સરકારને અહેવાલ આપવા પણ જણાવાયું છે.

અહીં નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઘટેલી આવી કેટલીક દુર્ઘટનામાં આ પ્રકારે ક્યાંક એસઆઈટી, તો ક્યાંક તપાસપંચ કે ક્યાંક તપાસ પૅનલની રચના કરવામાં આવી હતી પરંતુ તપાસના અહેવાલ આવી ગયા બાદ પણ પીડિતોના પરિવારજનોની એવી લાગણી છે કે તેમને ન્યાય મળ્યો નથી.

આ અંગે જાણકારોનું માનવું છે કે એસઆઈટીના રિપોર્ટનાં તથ્યોને જો ચાર્જશીટનો ભાગ નહીં બનાવવામાં આવે તો આ રિપોર્ટનો કોઈ અર્થ સરતો નથી. કેટલાકનું એમ પણ કહેવું છે કે ઉચ્ચ અધિકારીઓ કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સોંપાય તો ગંભીરતા વધે અને પીડિતોના પરિવારજનોનો વિશ્વાસ પણ બેસે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ઘટેલીક આવી ત્રણ દુર્ઘટનાના કેસનો અમે અભ્યાસ કર્યો અને કેસ સાથે જોડાયેલા વકીલો અને પીડિતો સાથે વાતચીત કરી.

આ ત્રણ કેસ છે- સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, વડોદરાનો હરણી તળાવ બોટકાંડ અને મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના.

‘પાંચ વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો’

24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં અને 15 ઇજાગ્રસ્ત થયા હતા. આ વિદ્યાર્થીઓ અહીં આવેલા કૉચિંગ ક્લાસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

આ મામલે તત્કાલિન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તત્કાલિન શહેરી વિકાસ મંત્રાલયના પ્રિન્સિપલ સૅક્રેટરી મુકેશ પુરીની અધ્યક્ષતામાં તપાસ-સમિતિની રચના કરી હતી.

આ કેસમાં સુરત મહાનગરપાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ઇમારતના બિલ્ડર હરસુખ વેકરિયા, ઇમારતનું કામકાજ સંભાળનાર જિજ્ઞેશ પાઘડાલ અને કૉચિંગ ક્લાસના માલિક ભાર્ગવ ભુટાણીનો સમાવેશ થતો હતો.

આ ભયંકર આગની દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનારા પીડિતોનો આરોપ છે કે પાંચ વર્ષ થયાં બાદ પણ હજુ તેમને ન્યાય મળ્યો નથી.

આ આગકાંડમાં પોતાની વહાલસોયી દીકરી ગ્રીષ્માને ગુમાવનારા જયસુખભાઈ ગજેરા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “તમામ 14 આરોપીઓ આજે જામીન પર છે. 251 જેટલા સાક્ષીઓ છે પરંતુ કોર્ટમાં અડધાથી ઓછા સાક્ષીઓની જુબાની લેવાઈ છે. પાંચ વર્ષ થયાં આ આગકાંડને, એમાં હોમાનારા 22 લોકોના પરિવારજનોને હજુ ન્યાય મળ્યો નથી.”

જયસુખભાઈ પોતાનો રોષ ઠાલવતા કહે છે, “જ્યારે આ આગકાંડ થયો ત્યારે અમે સૌ પીડિતોએ ન્યાય ના મળે તો તક્ષશિલા બિલ્ડિંગમાં જ અગ્નિદાહ આપવાનું મન બનાવ્યું હતું પરંતુ તે વખતે અમને સરકારે આશ્વાસન આપ્યું, પણ તે હવે લાગે છે કે તે બધાં ઠાલાં આશ્વાસનો હતાં.”

વાત કરતાં તેમને ડૂમો ભરાઈ જાય છે. તેઓ કહે છે, “જે અધિકારીઓ સામે આરોપ હતા તેમને સસ્પેન્ડ કરવામાં તો આવ્યા પણ હવે તેમને ફરીથી ફરજ પર હાજર કરી દેવાયા છે.”

આ કેસ સુરતની સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યો છે. સરકાર તરફથી કેસ લડતા વકીલ પી. એન. પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “હાલ સાક્ષીઓનાં નિવેદન લેવાનું ચાલુ છે. હાઈકોર્ટમાં બે અરજી પૅન્ડિંગ છે. એક અરજી એક આરોપીએ તેમનું નામ કમી કરવા માટે કરી છે. ત્રણેય આરોપી એવા બિલ્ડરોની પત્નીઓનો પણ સહઆરોપી તરીકે સમાવેશ કરવા અંગેની અરજીની સુનાવણી ચાલી રહી છે.”

મુકેશ પુરીના તપાસ અહેવાલ વિશે વાતચીત કરતાં તેઓ કહે છે, “આ પ્રકારે જે તપાસ સમિતિનો રિપોર્ટ આવે છે તે ચાર્જશીટનો ભાગ નથી હોતો. છતાં ચાર્જશીટમાં ફાયર-બ્રિગેડ, વિદ્યુત બૉર્ડ અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનાં નામ છે. અમે કોર્ટમાં જણાવ્યું છે કે આખી બિલ્ડિંગ ગેરકાયદે ઊભી કરાયેલી છે.”

“જમીન એન.એ કરાવીને રેસિડેન્શિયલ ઉપયોગ માટે લેવાનો હેતુ હતો પરંતુ પાછળથી ત્યાં 'ભોલેનાથ શોપિંગ સેન્ટર' બની ગયું. ત્યારપછી તેને 'તક્ષશિલા આર્કેડ' નામ આપવામાં આવ્યું. ત્યારબાદ બિલ્ડરે ઇમ્પેક્ટ ફી ભરીને આ ગેરકાયદે ઇમારતને કાયદેસર બનાવી. નવાઈની વાત એ હતી કે 28-03-2011 પહેલાં તેને કાયદેસર કરવાનો નિયમ હતો પરંતુ તે બાદ તેને રેગ્યુલરાઇઝ્ડ કરવામાં આવી એટલે કે તેને કાયદેસર કરવામાં પણ ગેરકાયદેસરતાનો ઉપયોગ કર્યો.”

જયસુખ ગજેરા કહે છે, “અમે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે અરજી કરી હતી પરંતુ અમારી અરજી ફગાવી દેવાઈ. અમને ચાર લાખની સહાય આપી પણ આ પાંચ વર્ષમાં ન્યાય મેળવવાની લડતમાં તેના કરતાં અનેક ગણી રકમ વપરાઈ ગઈ, પણ ન્યાય ન મળ્યો.”

“ન્યાય ન મળતો હોય તો તપાસસમિતિનો શો અર્થ? ભલે અમને ન્યાય નથી મળ્યો પણ ન્યાય માટેની અમારી લડત ચાલુ રહેશે.”

પી. એન. પરમાર આ મામલે જણાવે છે, “હાલ નિવેદન અને પુરાવા લેવાના સ્ટેજ પર કેસ પહોંચી ગયો છે.”

જયસુખ ગજેરા બીબીસીને જણાવે છે કે "ભલે અમને ન્યાય મળે કે ન મળે, ભલે અમારાં ઘરબાર વેચાઈ જાય, હું મારી જાતને પણ વેચીને ન્યાય માટેની લડત લડીશ."

‘મોરબી કેસમાં એક પણ આરોપી જેલમાં નથી’

30મી ઑક્ટોબર, 2022ના રોજ રવિવારની સાંજે ઘટેલી મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ' ઓરેવા'ને સોંપવામાં આવ્યું હતું.

લગભદ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે ‘કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટ બૉલ્ટ’ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ ત્રણ હજાર લોકોની અવરજવર સહન ન કરી શક્યાં અને પૂલ તૂટી ગયો.

સમગ્ર દેશમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાના અને પુલને યોગ્ય મૅન્ટેનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોવાના આરોપો પણ થયા.

મોરબીમાં પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોએ એક ઍસોસિએશન બનાવ્યું છે. જેનું નામ તેમણે 'મોરબી ટ્રૅજડી વિક્ટિમ ઍસોસિએશન' રાખ્યું છે. આ ઍસોસિએશનમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 135 લોકો પૈકી 112 લોકોના પરિવારજનો સભ્ય છે.

આ પીડિત પરિવારજનોને પણ હજુ ન્યાય ન મળ્યો હોવાનો વસવસો છે.

નરેન્દ્ર પરમાર પણ પણ આ ઍસોસિએશનના સભ્ય છે. દુર્ઘટના વખતે તેઓ તેમનાં પુત્ર-પુત્રી સાથે પુલ ઉપર હતા. તેઓ અને પુત્ર બચી ગયા પરંતુ તેમની દસ વર્ષની ધ્વની તેમાં મૃત્યુ પામી.

નરેન્દ્ર પરમાર પોતે આ કેસના સાક્ષી પણ છે. તેઓ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં પોતાનો રોષ ઠાલવતાં કહે છે, “તમામ દસ આરોપીઓ હાલ જામીન પર છે. આ મામલે પણ ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરી હતી. તેના રિપોર્ટથી સંતોષ છે પરંતુ એસઆઈટીનો રિપોર્ટ એ ચાર્જશીટનો ભાગ નથી એટલે જ્યારે આરોપી જામીન માગે ત્યારે ચાર્જશીટમાં જે પ્રકારના આરોપો હોય તે પ્રમાણે કેસને જોવાય. ન્યાયીક પ્રક્રિયામાં ચાર્જશીટ મહત્ત્વની છે સીટનો રિપોર્ટ નહીં. જો એસઆઈટીનો રિપોર્ટ પણ ચાર્જશીટનો ભાગ બને તો તેની અસરકારકતા વધે.”

તેઓ વધુમાં ઉમેરે છે, “રિપોર્ટ તો સંતોષકારક છે પણ જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ નથી ભરાતાં?”

જોકે કાયદાના જાણકારો કહે છે કે એવું નથી કે એસઆઈટીનો રિપોર્ટ ચાર્જશીટનો ભાગ નથી. ચાર્જશીટ આ પ્રકારના તપાસ અહેવાલના આધારે જ દાખલ કરાતી હોય છે.

ગુજરાત હાઇકોર્ટના વકીલ રાજેન્દ્ર શુક્લ કહે છે, “ ચાર્જશીટ માત્ર કાયદાકીય પ્રક્રિયાઓ આધારીત હોય છે જ્યારે કે એસઆઈટી કે વિશેષ તપાસસમિતિ કે પંચનો રિપોર્ટ વિસ્તૃત હોય છે. તેમાં ભલામણો પણ હોય છે, સામાજિક કારણો પણ હોય છે. સમસ્યાના નિવારણ માટે કે રિફોર્મ માટેનાં સલાહ-સુચનો પણ હોય છે.”

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોના વકીલ તથા મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપ અગેચાણીયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અમને તેનાથી જરાય સંતોષ નથી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવાથી શું થાય? જવાબદાર સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?”

આ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી તે મામલો હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. બીજો એક કેસ મોરબીની જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે.

તેઓ કહે છે, “આખા મામલામાં 135 લોકો માર્યા ગયા છે અને આઈપીસી કલમ 302(હત્યાની કલમ)નો ઉલ્લેખ નથી. કલમ 304નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તમામ આરોપીઓ સરળતાથી જામીન મેળવી લે છે. હાલ તમામ આરોપીઓ જામીન પર છે. તેથી અમે 302ની કલમ ઉમેરવા માટેની અરજી પણ કોર્ટમાં કરી છે.”

“મુખ્ય તહોમતદાર અને ઓરેવાના માલિક જયસુખ પટેલને પણ સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે.”

નરેન્દ્ર પરમાર પણ આરોપ લગાવતાં કહે છે, “ચાર્જશીટમાં જવાબદારો સામે યોગ્ય આરોપો નથી મૂકવામાં આવ્યા. તેથી અમે વિશેષ તપાસની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે.”

રાજકોટમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે 'મોરબીમાં તમામ આરોપીઓ જામીન પર કેમ બહાર આવી ગયા?' તો આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું, “મોરબીની ઘટનામાં ચાર્જશીટમાં કોઈ જાતની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. આરોપીઓનો હાઈકોર્ટમાં જામીન અરજીનો કેસ ચાલ્યો. હાઈકોર્ટે પણ જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો, ત્યાર બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા છે. તમામ જગ્યાએ સરકારના વકીલો આરોપીઓ વિરુદ્ધ કેસ લડ્યા છે.”

‘નાની માછલી પકડાઈ પણ મગરમચ્છો ખુલ્લેઆમ ફરે છે’

19 જાન્યુઆરી, 2024ના રોજ વડોદરામાં હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આરોપો અનુસાર ‘14ની ક્ષમતા ધરાવતી બોટમાં 26 બાળકો સહિત 34 લોકોને બેસાડી દેવામાં આવ્યા હતા. મોટા ભાગનાં બાળકો સહિત અન્યોને લાઇફ જેકેટ નહોતાં અપાયાં.’ રાઇડ દરમિયાન બોટનું બૅલેન્સ બગડતાં ઊંધી વળવાને કારણે આ ઘટના ઘટી હતી.

વડોદરાના વાઘોડિયાસ્થિત ખાનગી શાળા 'ન્યૂ સનરાઇઝ સ્કૂલ'નાં ભૂલકાં શાળા દ્વારા આયોજિત પ્રવાસે ગયાં હતાં. જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનાની તપાસ માટે પણ એસઆઈટીની રચના કરવામાં આવી હતી.

ઘટનાના 58 દિવસ બાદ 15મી માર્ચ, 2024ના રોજ વડોદરા પોલીસે સ્થાનિક કોર્ટમાં 2819 પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી. 433 લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં. વિવિધ ફૉરેન્સિક તથા બોટના અને પોસ્ટમૉટમ ઉપરાંત અન્ય રિપોર્ટ પણ તેમાં સામેલ કરવામાં આવ્યા.

એફઆઈઆરમાં 18 આરોપીઓ છે. જ્યારે કે એસઆઈટીએ કુલ 20 આરોપીઓની ધરપકડ કરી હતી.

આ બોટ દુર્ઘટનામાં 9 વર્ષના વિશ્વ નિઝામાનું પણ કરૂણ મૃત્યુ થયું હતું.

વિશ્વના પિતા કલ્પેશ નિઝામા બીબીસી સાથે વાતચીતમાં જણાવે છે, “અમને ન્યાય મળ્યો નથી. મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીએ એ હોનારત બાદ અમને આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે. હવે, આ મામલે જે તપાસનો અહેવાલ છે તેમાં હરણી તળાવના વિકાસના નામે શાસકપક્ષ અને વિરોધપક્ષે એક મતે વિકાસના ઠરાવો કર્યા છે જેમાં બનાવટી અને ખોટા દસ્તાવેજોને ધ્યાનમાં લીધા નથી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં આ કાંડમાં સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સામે પણ પગલાં લેવાં જોઈએ.”

કલ્પેશની ફરિયાદ છે કે આ કેસમાં ગંભીર ગુના સાથોસાથ ભ્રષ્ટાચાર પણ જોડાયેલો છે. તેમનો આરોપ છે, “નાની માછલીઓને પકડી લેવામાં આવી છે અને મગરમચ્છો ખુલ્લેઆમ ફરે છે.”

આ કેસમાં પીડિતોના વકીલ હિતેશ ગુપ્તા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “20 આરોપીઓની ધરપકડ થઈ હતી, તે પૈકી 14 જામીન પર બહાર છે. જે લોકો જેલમાં છે તે પૈકી બોટનો કૉન્ટ્રેક્ટ લેનારા, તેને ચલાવનારા અને તેમાં તેમની સાથે જોડાયેલા લોકો સામેલ છે.”

તેઓ આરોપ લગાવતા કહે છે, “મહાનગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં નથી આવ્યાં. ”

આ દુર્ઘટનાના મામલે જે એસઆઈટી બનાવવામાં આવી હતી તેની ટીમમાં એક સભ્ય વડોદરાના સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા પણ હતા.

નિનામા બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવે છે, “અમે તો પુરાવા સહિત ચાર્જશીટ કોર્ટને આપી દીધી છે. હવે કોર્ટ તેમને જામીન આપ્યા છે. અમે ચાર્જશીટ રજૂ કરી તે પહેલાં તેમને કોઈ જામીન નથી મળ્યા.”

અમે તેમને પૂછ્યું કે પીડિતોને એવું લાગે છે કે તેમને ન્યાય મળ્યો નથી તો જવાબમાં મનોજ નિનામાએ કહ્યું, “મુખ્ય આરોપીઓ હજુ જેલમાંથી બહાર આવ્યા નથી. તેમને જામીન મળ્યા નથી. આ મામલે જેની સીધી ભૂમિકા છે એવો મુખ્ય આરોપી પરેશ શાહ હજુ જેલમાં જ છે. અમે સજ્જડ પુરાવાઓ એકત્ર કરીને કોર્ટને આપ્યા છે.”

એસઆઈટી શું છે અને શા માટે તેની રચના થાય છે?

એસઆઈટીનું ફુલ ફોર્મ છે 'સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ.' આ વિશેષ સમિતિ કે ટીમ છે જે વિશેષ મામલાની તપાસ માટે તેની રચના કરવામાં આવે છે.

કાયદામાં એવી કોઈ ખાસ જોગવાઈ નથી કે કયા મામલામાં વિશિષ્ઠ સ્વરૂપ એસઆઈટીની રચના કરવામાં આવે. પરંતુ ખાસ કરીને હાઈ-પ્રોફાઇલ મામલામાં એસઆઈટી રચવામાં આવતી હોય છે. ઘણીવાર એવું લાગે કે એક અધિકારીથી તપાસ શક્ય નથી ત્યારે તેમાં વધારે જાણકાર લોકોની ટીમ બનાવવામાં આવે છે. તેને તપાસસમિતિ અથવા તપાસ પૅનલ પણ કહેવાય છે.

વકીલ રાજેન્દ્ર શુક્લ જણાવે છે, “એસઆઈટીની રચના ત્યારે કરવામાં આવે છે જ્યારે લાગે છે કે વર્તમાન એજન્સી કોઈ વિશેષ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવા સક્ષમ નથી કે મામલો એવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ સાથે જોડાયેલો છે જે વર્તમાન એજન્સીની તપાસને પ્રભાવિત કરી શકે છે.”

આ એસઆઈટી રચના કરવાનો આદેશ સરકાર પણ આપી શકે છે અથવા તો કોર્ટ પણ.

હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ગોપીનાથ અમીન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “એસઆઈટીની રચના એ માત્ર પ્રજાનો રોષ ઠંડો પાડવા માટેની રાજકીય પ્રક્રિયા બનીને રહી ગઈ છે. જ્યારે તપાસ પ્રભાવિત કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં એસઆઈટીનો કોઈ અર્થ સરતો નથી.”

તેઓ કહે છે, “પહેલાં કમિશન ઑફ ઇન્ક્વાયરી ઍક્ટ મુજબ પંચ કે કમિશન બેસાડવામાં આવતું. નિવૃત્ત જજની તેમાં ટીમ હોય. તપાસ લાંબી ચાલે અને રિપોર્ટ આવે ત્યાં સુધી લોકો તેને ભૂલી જાય. કેટલાંક પંચના રિપોર્ટ તથ્યાત્મક હોય તો સરકાર તેને સ્વીકારે નહીં અને તેને વિધાનસભામાં કે સંસદમાં રજૂ જ ન કરે તેથી તેને સાર્વજનિક ન કરી શકાય. હવે સરકાર કમિશનના રિપોર્ટને જ ન સ્વીકારે તો આખી તપાસનું શું?”

“હવે પંચની રચના કરવાને બદલે એસઆઈટીની રચના થાય છે.”

6 ઑગષ્ટ, 2020ના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે 8 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. બીજી તરફ 27 નવેમ્બર, 2020ના રોજ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં પણ આગ લાગતાં 5 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ બંને મામલે પણ નિવૃત્ત જસ્ટિસ ડી. એ. મહેતાપંચની રચના કરવામાં આવી હતી. પહેલાં શ્રેય હૉસ્પટલની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ પૂજની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી હતી. પરંતુ જસ્ટિસ પૂજ તેમાંથી હઠી જતાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલની તપાસ કરતા જસ્ટિસ મહેતાને તેની તપાસ પણ સોંપવામાં આવી હતી.

રાજકોટ પોલીસે પણ આ ઉદય શિવાનંદ હૉસ્પિટલના આગકાંડ મામલે એસઆઈટીની રચના કરી હતી. શ્રેય હૉસ્પિટલની દુર્ઘટના કેસ પર નજર રાખતા વકીલ રાજેન્દ્ર શુક્લ કહે છે, “બધા આરોપીઓ જેલની બહાર છે.”

રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં તપાસનો અહેવાલ તો આવી ગયો પણ કોઈને સજા થઈ નથી. આવા તપાસ અહેવાલનો શો અર્થ?”

તેઓ વધુમાં ઉમેરે છે કે જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોઈ તપાસનો અર્થ સરતો નથી.

રાજેન્દ્ર શુક્લ કહે છે, “એસઆઈટી ડ્રામા બનીને રહી જાય છે. ગુજરાતમાં જે મોટી હોનારતો થઈ છે તેમાં સરકારી અધિકારીઓની ભૂમિકા કેમ ધ્યાને લેવામાં નથી આવી? મોરબીમાં ઘડિયાળ બનાવનારાને તમે પુલનું કામ શા માટે સોંપ્યું તેનો કોઈ જવાબ છે આ એસઆઈટી પાસે?”

અમે આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા અને કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. તેમના પીએ સાથે વાતચીત થઈ ત્યારે તેમણે મંત્રી કૉલ કરશે એવી વાત કરી હતી. આ અંગે કૅબિનેટ મંત્રીનો જવાબ આવતાં સ્ટોરીમાં ઉમેરી દેવાશે.