You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ આગ દુર્ઘટના : ગેમ ઝોનના સહમાલિક અને આરોપી પ્રકાશનું પણ મૃત્યુ, સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું?
રોજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ગેમ ઝોનના સહ-માલિક અને આરોપી પ્રકાશ હીરણ(જૈન)નું પણ મૃત્યુ થયું છે.
બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ આ વાતની પુષ્ટિ કરી હતી અને અને પ્રકાશનાં માતાના ડીએનએ મૃતક સાથે મૅચ થયા હોવાનું જણાવ્યું હતું.
ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટ્યા બાદ જે લોકોને આરોપીઓ બનાવાયા હતા, તેમાં પ્રકાશનું નામ પણ સામેલ હતું. દુર્ઘટના બાદ પ્રકાશ ગુમ હોવાના મીડિયા અહેવાલો પણ પ્રકાશિત થયા હતા. આ દરમિયાન ગેમ ઝોનમાં લાગેલી આગને ઠારી રહેલા પ્રકાશના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. અને બાદમાં મૃતકોમાં પ્રકાશનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટના ડીસીપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પ્રકાશનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર પ્રકાશ હીરણ (જૈન) રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ 'પ્રદ્યુમ્ન રૉયલ હાઇટ્સ'માં રહેતા હતા અને સિક્યૉરિટી ગાર્ડે પ્રકાશનો મૃતદેહ પરિવારને સોંપાઈ ગયો હોવાની પુષ્ટિ કરી હતી.
બીજી તરફ ઘટનાના ચાર દિવસ પછી ડીએનએ ટેસ્ટ બાદ ટીઆરપી ગેમ ઝોનની આગમાં મૃત્યુ પામનારાઓના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતદેહો પરિવારોને સોંપાતા શોકમય માહોલ, અત્યાર સુધીમાં કેટલા મૃતદેહોની ઓળખ થઈ?
"અમે શનિવારે છેલ્લે ફોન કર્યો હતો પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો. પછી સીધો જ એનો મૃતદેહ અમને પૅક કરીને આપવામાં આવ્યો. ત્યાં સુધી અમને તેના વિશે કોઈ માહિતી ન હતી. અમને તેનું મોં પણ જોવા ન મળ્યું."
આ શબ્દો રસીલાબહેન વાળાના છે જેમના પુત્ર સ્મિત વાળાનું રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
22 વર્ષીય સ્મિતનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવાયો હતો અને રાજકોટ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં જેમના ડીએનએ સૅમ્પલ મૅચ થઈ ચૂક્યાં છે એવા 25 મૃતદેહો તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે.
અન્ય મૃતદેહોની ઓળખની કામગીરી શરૂ છે. પરિવારો સુધી મૃતદેહો પહોંચતા પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બન્યો છે. તો બીજી તરફ થઈ રહેલી આ દુર્ધટનાની તપાસમાં પણ સતત 24 કલાક ટીમો કામ કરી રહી હોવાનો દાવો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ દાવો કર્યો હતો.
‘આખા ઘરની જવાબદારી સંભાળતો હતો’
મૃતક સ્મિતના પિતા મનીષભાઈ વાળા કહે છે કે, "શનિવારે પાંચ વાગ્યે અમારી વાત થઈ હતી, પાંચને વીસ મિનિટે તેણે સ્ટેટસ મૂક્યું હતું. પછી છ વાગ્યાથી ફોનની રિંગ જ ન વાગી. પછી અમે રાજકોટ પહોંચ્યા અને દુર્ઘટનાસ્થળે તેની બાઇક જોઈ એટલે ખ્યાલ આવી ગયો કે મારો છોકરો પણ ત્યાં જ ગયો હતો."
તેઓ કહે છે કે, "મારી સરકારને વિનંતી છે કે તે કડકમાં કડક પગલાં ભરે. મોરબીમાં આવી ઘટના બની, વડોદરામાં આવી ઘટના બની, પણ સરકાર કડક પગલાં ભરતી નથી."
મૃતક સ્મિતના મોટાભાઈ સચીન વાળાનું કહેવું છે કે તેઓ આગ લાગ્યા બાદ તરત જ ત્યાં પહોંચ્યા હતા. તેમણે અનેક હૉસ્પિટલોએ દોડાદોડી કરીને તેમના ભાઈ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડીએનએ ટેસ્ટ મૅચ થયા પછી જ તેમને તેમના ભાઈ વિશે માહિતી મળી હતી અને સીધો મૃતદેહ જ તેમને સોંપવામાં આવ્યો હતો.
તેમનાં માતા કહે છે, "સરકારે આટલી હદ સુધી બેદરકારી ન રાખવી જોઈએ. આટલાં માસૂમ બાળકો મરી ગયાં, તેની કડક સજા થવી જોઈએ. અમારું જે હતું એ તો જતું રહ્યું, હવે ન્યાય તો આપો."
અહીં ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય સ્મિતે ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા પાનની દુકાન ચલાવતા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે ઘર, દુકાનની બધી જ જવાબદારી સ્મિતનો શિરે હતી.
"જન્મદિવસની ઉજવણી માટે ગેમ ઝોનમાં ગયા હતા"
આ જ રીતે ભાવનગરના એક યુવાન ઓમદેવસિંહ ગોહિલનો મૃતદેહ પણ તેમના પરિવારને સોંપાયો હતો.
તેઓ ભાવનગરથી તેમના પરિવારને લેવા માટે મોરબી ગયા હતા.
તે દરમિયાન તેમનો જન્મદિવસો હોવાથી તેઓ રાજકોટ ગયા હતા અને આ ગેમ ઝોનમાં ગયા હતા.
પરંતુ ગેમ ઝોનમાં આગ લાગતાં તેઓ પણ ત્યાં ફસાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
બીબીસી સહયોગી અલ્પેશ ડાભીએ આપેલી માહિતી અનુસાર ઓમદેવસિંહ વ્યવસાયે ઍડવોકેટ હતા. તેમને આઠ વર્ષનો દીકરો છે.
આ દુર્ઘટનામાં તેમના બનેવી વિરેન્દ્રસિંહ અને તેમનો ભાણિયો ધર્મરાજસિંહ પણ મૃત્યુ પામ્યા હતા.
અત્યાર સુધીમાં પચ્ચીસ મૃતદેહો સોંપાયા
ડીએનએ સૅમ્પલની તપાસ પછી કુલ 25 મૃતદેહોની ઓળખ થઈ જતા તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે.
મૃતકોમાંથી 18 લોકો રાજકોટના, બે જામનગરના, બે વેરાવળના તથા એક-એક ગોંડલ, ભાવનગર અને સુરેન્દ્રનગરના છે.
જેમના મૃતદેહો સોંપાયા તે મૃતકોના નામ:
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રાજકોટ
- સ્મિત મનીષભાઈ વાળા, રાજકોટ
- સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રાજકોટ
- જીગ્નેશ કાળુભાઈ ગઢવી, રાજકોટ
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
- વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રાજકોટ
- આશાબહેન ચંદુભાઈ કાથડ, રાજકોટ
- સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, જામનગર
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, જામનગર
- જયંત અનીલભાઈ ઘોરેચા, રાજકોટ
- હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રાજકોટ
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રાજકોટ
- દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રનગર
- રાજભા પ્રદીપસિંહ ચૌહાણ, રાજકોટ
- શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, ગોંડલ
- નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રાજકોટ
- વિવેક અશોકભાઈ દુસારા, વેરાવળ
- ખુશાલી અશોકભાઈ મોડાસિયા, વેરાવળ
- ખ્યાતીબહેન રતિલાલભાઈ સાવલિયા,રાજકોટ
- હરિતાબહેન રતિલાલભાઈ સાવલિયા, રાજકોટ
- ટિશા અશોકભાઈ મોડાસિયા,રાજકોટ
- કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રાજકોટ
- મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રાજકોટ
- પ્રકાશ કનૈયાલાલ હિરણ,રાજકોટ
મૃતકોનાં નામ અને તેમના રહેઠાણની માહિતી વેસ્ટ ઝોન એસીપી રાધિકા ભારાઈએ બીબીસી સહયોગી બિપિન ટંકારિયાને આપી છે.
દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ અંગે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, "અત્યાર સુધી થયેલી તપાસનું રીવ્યૂ કરવા માટે બુધવારે મીટિંગ કરવામાં આવી હતી. સરકારે કડકમાં કડક તપાસ કરવાના આદેશ આપ્યા છે."
તેમણે કહ્યું હતું કે, "અમારી ટીમે દિવસ રાત 24 કલાક તપાસ કરી છે. આરએમસી, પોલીસ કે ફાયરવિભાગ તમામ જવાબદારોની પૂછપરછ થશે. આઈએએસ, આઈપીએસ તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે."
દુર્ધટના બાદ તરત જ કાટમાળ ખસેડી કેમ દેવામાં આવ્યો એ અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું, "લોકોના અવશેષો શોધવા માટે અમે દુર્ઘટનાસ્થળેથી અમે તમામ કાટમાળ ખસેડ્યો હતો. તેના પાછળ કોઈ બીજું કારણ નથી."