નકલી મહિલા પોલીસ બનીને મોટિવેશનલ ભાષણો આપ્યાં, ભાવિ પતિએ કેવી રીતે પકડી?

    • લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

“મહિલાઓ કંઈક બનવા માટે બહાર નીકળે છે.” તેણે એક વખત પોતાના ભાષણમાં આ વાત કરી હતી. જોકે, તે માટે તેણે ખોટો રસ્તો અપનાવ્યો અને એ રસ્તો તેને જેલ સુધી લઈ ગયો.

માલવિકા નામની મહિલાની હૈદરાબાદની સિકંદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે.

માલવિકા પોતાને એક પોલીસ અધિકારી બતાવીને એક વર્ષથી વધારે સમયથી લોકોને ઠગી રહી હતી.

માલવિકા નાલગોંડા જિલ્લાની રહેવાસી છે. આખું વર્ષ તે એક પોલીસ ડ્રેસમાં જ રહેતી અને લોકો સાથે પોલીસકર્મીની જેમ વ્યવહાર કરતી.

આ મહિલા રેલવેમાં ચેકિંગ કરતી હતી. ઉપરાંત સગાં-સંબંધીઓ, ઘરે, મંદિરે અને સમારંભમાં પણ પોલીસનો ડ્રેસ પહેરીને બધાની સામે દેખાડો કરતી હતી.

જોકે તેણી જ્યારે પોતાનાં જ લગ્નમાં પોલીસનો ડ્રેસ પહેરીને આવી ત્યારે તેના થનાર પતિને શંકા થઈ અને તેણીનો ભેદ બધાની સામે ખૂલી ગયો.

પરંતુ તે એક વર્ષ સુધી પોલીસની ખાખી વર્દી પહેરીને પોતાને પોલીસ ઑફિસર ગણાવીને ફરતી રહીં પરંતુ કોઈએ તેને પકડી કેમ નહીં?

હકીકતમાં શું થયું?

જદાલા માલવિકા નલગોંડા જિલ્લામાં આવેલા નરકટપલ્લીના રહેવાસી જદાલા યાદૈયાની દીકરી છે.

માલવિકાનું બાળપણનું સપનું એક પોલીસ અધિકારી બનવાનું હતું. તેમનાં માતા-પિતા પણ ઇચ્છતાં હતાં કે તેણી એક પોલીસ અધિકારી બને.

માલવિકાએ નિઝામ કૉલેજમાંથી એમએસસીનો અભ્યાસ કર્યો. તેણે 2018માં રેલવે સુરક્ષા દળ (આરપીએફ)માં એસઆઈ પદ માટે અરજી કરી હતી.

જોકે, શારીરિક પરીક્ષામાં દૃષ્ટી સંબંધિત કોઈ સમસ્યાને કારણે અસફળ રહી અને આ કારણે જે લેખિત પરીક્ષા પણ ન આપી શકી.

જોકે સંબંધીઓ અને પરિચિતોને લાગ્યું કે તે આ લેખિત પરિક્ષામાં સફળ થઈ છે અને જલદી જ નોકરી મળી જશે.

રેલવે સુરક્ષા દળના એસપી શેખ સલીમાએ કહ્યું, “તે શારીરિક ક્ષમતાની પરીક્ષામાં અસફળ રહી એટલે તે લેખિત પરીક્ષા આપવા માટે યોગ્ય ન હતી. જોકે તેણીએ માતા-પિતા અને સંબંધીઓને કહ્યું કે તેનેને પાછલા વર્ષે જ નોકરી મળી ગઈ. તેણીએ કહ્યું કે ટેકનિકલ સમસ્યાને કારણે મને પગાર નથી મળી રહ્યો પણ જલદી પગાર મળી જશે.”

ડ્રેસ કોડની જાણકારી મેળવી

પોલીસને મળેલી માહિતી પ્રમાણે માલવિકા એક વર્ષથી પોલીસ અધિકારી બનીને ફરતી રહી.

પોલીસે આપેલી જાણકારી મુજબ તેને રેલવે સુરક્ષા દળ અને પોલીસના ડ્રેસમાં શું ફરક છે તેના વિશે બધી જાણકારી મેળવી.

તેમણે હૈદરાબાદના એલબીનગરમાં રેલવે સુરક્ષા દળનો ડ્રેસ સિવડાવ્યો. સિકંદરાબાદમાં આરપીએફનો લોગો, સ્ટાર, શોલ્ટર બેજ, બૅલ્ટ અને બુટ ખરીદ્યાં. ત્યાર પછી તેણીએ બનાવટી ઓળખપત્ર પણ તૈયાર કર્યું. પોલીસે જણાવ્યું કે તેણે એવી રીતે તૈયારી કરી હતી કે તેને સાચે જ વિશાખા ડિવિઝનમાં નોકરી મળી હોય.

પોલીસે કહ્યું, “માલવિકા એક વર્ષથી નાલગોંડા-સિકંદરાબાદ માર્ગ પર અંડરકવર એસઆઈ (સબ ઇન્સ્પેક્ટર) રૂપે યાત્રા કરી રહી હતી. તેણીએ ત્રણ જાન્યુઆરી 2019ના રોજ બનાવટી ઓળખપત્ર પણ બનાવ્યું જેના પર લખ્યું હતું કે માલવિકા – સબ ઇન્સ્પેક્ટર. આ યુનિક નંબર એમઆર5732019વાળું આઈડી કાર્ડ હતું. પાછળની તરફ બ્લડ ગ્રૂપ અને એડ્રેસ લખેલું હતું.”

માલવિકાનું મહિલા દિવસ પર સન્માન પણ કરવામાં આવ્યું

માલવિકાએ આઠ માર્ચે નલગોંડાના એમઈએફ સંસ્થા દ્વારા આયોજિત મહિલા દિવસ સમારંભમા પણ ભાગ લીધો હતો. આ સમારંભમાં પણ પોલીસનો ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. સંસ્થાના સભ્યો દ્વારા તેણીનું સન્માન કરવામા આવ્યું હતું.

“એક મહિલા કંઈક બનવા માટે પોતાના ઘરથી બહાર નીકળે છે. મારી પત્ની આ કરશે, મારી દીકરી તેમ કરશે. વિશ્વાસ સાથે મોકલો, તેમને સ્વતંત્રતા આપો અને તેમને સમાજમાં આગળ વધવાના મોકા આપો”. તેણે આવું કહ્યું હતું અને તેની ધરપકડ પછી આ વીડિયો વાઇરલ થઈ ગયો.

પોલીસ જ્યારે સામે આવી ત્યારે...

એસપી સલીમાએ કહ્યું, “પોલીસને માહિતી મળી કે માલવિકા રેલવે ચેકિંગ કરી રહી હતી. ખાસ કરીને તેણી પાલનાડુ એક્સપ્રેસમાં તપાસ કરતી. તે એસઆઈ રેલવે બનીને એક વર્ષથી ચેકિંગ કરી રહી હતી પરંતુ તેના વિશે કોઈને ખબર ન હતી.”

“કોઈ પોલીસવાળાને જોતાંની સાથે જ તે જૅકેટ પહેરી લેતી. આમ પોલીસ ડ્રેસમાં હોવા છતાં તેને કોઈ ઓળખી ન શક્યું. આ સાથે જ કોઈને એ પણ ખબર ન હતી કે તે કયા રેલવે સ્ટેશન પર ડ્યૂટી કરી રહી છે. બની શકે કે તે ત્યાં જ રહેતી હોય.”

એસપી સલીમાએ ઉમેર્યું કે તેણે એક મોટા રેલવે સ્ટેશનની જગ્યાએ નાના સ્ટેશનની પસંદગી કરી, કારણ કે એવી શક્યતાઓ હતી કે રેલવે સ્ટેશન પર સાચા પોલીસ અધિકારી હોઈ શકે છે.

તેમણે કહ્યું કે એ વાતની તપાસ પણ થવી જોઈએ કે માલવિકાએ કોઈને ઠગ્યા છે કે નહીં.

માલવિકા દરેક જગ્યાએ પોલીસ ડ્રેસ પહેરીને જતી

માલવિકા દરેક જગ્યાએ પોલીસ ડ્રેસ પહેરીને જતી. તે પોલીસ ડ્રેસ પહેરીને મંદિર ગઈ હતી અને તેના માટે એક વિશેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના સંબંધીઓનાં લગ્નમાં પણ પોલીસ ડ્રેસ પહેરીને જતી.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે તે ખૂબ જ વ્યસ્ત છે તેવો દેખાડો કરતી, જાણે કે ડ્યૂટી પરથી ડાયરેક્ટ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવી હોય.

તે રેલવેમાં તપાસના નામે મફતમાં યાત્રા કરતી. પોલીસ ડ્રેસમાં રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર જાણીતી હસ્તીઓ સાથે તસવીરો પણ પોસ્ટ કરી છે.

માલવિકાના ફિયાન્સને શંકા ગઈ અને...

માર્ચના પહેલા મહિનામાં માલવિકાને નારકેટપલ્લીના એક યુવક સાથે પ્રેમ થયો. તેઓ આઈટી સૅક્ટરમાં કામ કરતા હતા. જોકે, માલવિકા પોલીસની વર્દી પહેરીને સાખરપુરી પહોંચી ગઈ અને તેને કારણે તેના ફિયાન્સને શંકા થઈ. આ કારણે આખો મામલો ખુલ્લો પડી ગયો.

બીબીસી સાથેની વાતચીતમાં એસપી શેખ સલીમાએ કહ્યું, “સમારંભ પછી પોલીસે રેલવે સુરક્ષા દળનો લોકોને પૂછ્યું કે શું માલવિકા નામની કોઈ વ્યક્તિ રેલવે સુરક્ષા દળમાં છે. ત્યાર પછી આરપીએફ, નલગોડા આરપીએફમાં પૂછપરછ કરવામાં આવી. પછી સ્પેશિયલ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આ નામની કોઈ વ્યક્તિ નથી.”

પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે તેના પર દસ દિવસ નજર રાખી. માલવિકા ક્યાં જાય છે અને શું કરે છે તેની માહિતી ગુપ્ત રીતે આરપીએફના મહાનિરીક્ષકને આપી. પછી સિકંદરાબાદ જીઆરપી પોલીસે તેની ધરપકડ કરી.

પોલીસે જાહેરાત કરી કે માલવિકાની 19 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે નલગોંડા રેલવે સ્ટેશન પર તપાસની તૈયારી કરી રહી હતી.

માલવિકા વિરુદ્ધ આઈપીસીની ધારા 170, 419 અને 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેમજ તેણે સિવડાવેલો પોલીસ ડ્રેસ, આરપીએફ લોગો, સ્ટાર, આરપીએફ શોલ્ડર બેજ, નેમ પ્લેટ અને બુટ પણ કબજે કરી લીધાં. આઈડી કાર્ડ પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે.

સલીમા શેખે કહ્યું, “તેને ખૂબ ભરોસો હતો. જોકે તેની શારીરિક ભાષા એક સાચા અધિકારી જેવી ન હતી. રેલવેમાં દસ લાખથી વધારે કર્મચારીઓ કામ કરે છે. દરેકને લાગ્યું કે આ તેલંગણામાં ચાલી રહ્યું છે પરંતુ કોઈ પણ કર્મચારી કે અધિકારીને આ વિશે શંકા ન હતી.”

નકલી પોલીસને કેવી રીતે ઓળખવી?

પહેલાં પણ કેટલાય બનાવટી પોલીસ અધિકારીઓ પકડાઈ ચૂક્યા છે.

ગયા વર્ષે ખમ્મમમાં પોલીસે કિરણ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે પોતાને વન વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને બનાવટી ઓળખપત્ર થકી લોકોને ઠગ્યા હતા.

2022માં વિશાખાપટ્ટનમના કોવવિરેડ્ડી શ્રીનિવાસ રાવ નામની વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.

હૈદરાબાદ પોલીસે વનસ્થલીપુરમથી અત્તિલી પ્રવીણ નામની એક વ્યક્તિને 2023માં મુખ્ય મંત્રી કાર્યાલયમાં અધિકારી હોવાનો દાવો કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.

એમએસસી કરેલી છોકરીનું બનાવટી પોલીસ બનવા પાછળનું કારણ શું છે? આ જાણીને રેલવે પોલીસ હેરાન થઈ ગઈ.

જો તમને આવી કોઈ વ્યક્તિ પર શંકા હોય તો તેનું ઓળખપત્ર જોઈને જાણકારી મેળવી શકાય છે.

એસપી શેખ સલીમાએ કહ્યું કે મોનોગ્રામવાળું કાર્ડ અલગ છે. તેમનો વ્યવહાર અને ભાષાને સમજવાનો પ્રયાસ કરો.

આઈપીએસ અધિકારી વીસી સજ્જનાર કહ્યું કે વ્યવહાર અને કપડાં થકી તમે બનાવટી અધિકારીને ઓળખ શકો છો.

'આવા અધિકારીઓનું વર્તન અને પહેરવેશ જુઓ'

અધિકારીઓના વર્તનમાં ફેરફાર જરૂર આવી રહ્યો છે. જો તેઓ કોઈ પણ કારણ વગર વધુ વાત કરવાનો કે ગમે તે વિષયો પર ચર્ચા કરવાની કોશિશ કરે તો તેનો અંદાજ લગાડી શકાય છે.

સજ્જનારે એ પણ કહ્યું કે મોટા ભાગે આવી વ્યક્તિઓની ઓળખાણ તેમના પહેરવેશથી જ થઈ શકે છે.

તેમણે કહ્યું કે અધિકારીઓ વિરુદ્ધ ત્રણ ધારા હેઠળ ગુનો નોંધી શકાય છે.

આઈપીસીની ધારા 419, 420 હેઠળ કેસ થઈ શકે. 419 હેઠળ જો વ્યક્તિ દોષી જાહેર થાય તો ત્રણ વર્ષની કેદ અથવા દંડ અથવા બન્ને થઈ શકે છે.

ધારા 170 હેઠળ આ એક બિનજામીનમાત્ર ગુનો છે અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

સજ્જનારે કહ્યું કે યુવાઓએ ધ્યાન આપવું જોઈએ કે એક વખત કેસ નોંધાયા પછી ફરીથી સરકારી નોકરીની પાત્રતા રહેતી નથી.