You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુશ્મનોના મૃતદેહોને રાંધીને ખાનારા ગૅંગ્સ્ટરોની ક્રૂરતાની કહાણી
- લેેખક, સેસિલિયા બારિયા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
મૅક્સિકોમાં સંગઠિત અપરાધ ટોળકીઓ જે ક્રૂરતા સાથે કામ કરે છે તેને જોતાં એવી કલ્પના કરવી મુશ્કેલ છે કે તેમની કોઈ પ્રકારની ધાર્મિક માન્યતા હોઈ શકે.
આ સશસ્ત્ર ટોળકીઓની પાછળ કોઈ ધર્મશાસ્ત્ર છે, જે નિર્દય રીતે પ્રતિસ્પર્ધીઓ તથા ગદ્દારોનું અપહરણ કરે છે, તેમને યાતના આપે છે, હત્યા કરે છે, શરીરના ટુકડા કરી નાખે છે અને માનવમાંસ ખાવાની ચરમસીમા સુધી જાય છે?
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના માનવવિજ્ઞાની ક્લાઉડિયો લોમ્નિટ્ઝ માને છે કે એક આધ્યાત્મિકતા આવી અપરાધી પ્રથાઓને નૈતિક સમર્થન આપે છે.
પોતાના પુસ્તક 'ફૉર અ પોલિટિકલ થિયોલોજી ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ'માં લોમ્નિટ્ઝે સંગઠિત અપરાધની ધાર્મિક માન્યતાઓ અને સત્તાધિશો સાથેના તેમના સંબંધની દુનિયા પર પ્રકાશ ફેંક્યો છે.
આ મૅક્સિકન સંશોધનકર્તાએ બીબીસી સાથેના ઈન્ટરવ્યૂમાં એવા પંથોનાં રાજકીય, સામાજિક અને ધાર્મિક સૂચિતાર્થો વિશે જણાવ્યું હતું જે સ્થાપિત સંસ્થાઓની બહાર કાર્ટેલ્સ દ્વારા ચલાવવામાં આવે છે. લોમ્નિટ્ઝ તેને દેશમાંનું “સમાંતર સાર્વભૌમત્વ” કહે છે.
લોમ્નિટ્ઝના જણાવ્યા મુજબ, અપરાધી સમૂહો દ્વારા નરભક્ષતા આ સંદર્ભમાં સર્જાય છે. તેઓ કહે છે, “નરભક્ષણ સાર્વજનિક નૈતિકતાના પાયાનું ઉલ્લંઘન છે. તેનાથી મોટું ઘૃણાસ્પદ કાર્ય બીજું કોઈ નથી.”
બીબીસી સાથેની મુલાકાતમાં લોમ્નિટ્ઝે તાજેતરના દાયકાઓમાં અપરાધી સમૂહોમાંના વિવિધ પ્રકારના નરભક્ષણની ચર્ચા, મૅક્સિકોમાંની કેટલીક મોટી ડ્રગ કાર્ટેલ્સ દ્વારા વિકસિત ધાર્મિક વિધિઓનો અર્થ પામવા માનવશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં કરી હતી.
સવાલઃ સંગઠિત અપરાધ જૂથો તેમના પોતાના સંપ્રદાય અને ધાર્મિક માન્યતાઓ ધરાવતા હોવાની વાત તમે આ પુસ્તકમાં કરી છે. આ ઘટનાના રાજકીય સૂચિતાર્થો શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોમ્નિટ્ઝઃ મૅક્સિકો એક દેશ છે, પરંતુ વૈકલ્પિક સાર્વભૌમ સત્તા ઊભરી રહી છે.
ધારો કે સંગઠિત અપરાધની પોતાની કેટલીક સત્તા છે. તેઓ પોતાનું સૈન્ય હોય તેવાં કપડાં પહેરે છે, તેઓ જમીન અધિકાર માટે કર વસૂલાત જેવું કામ કરે છે, કેટલાંક જૂથો પોતાને કૉર્પોરેશન કહે છે એટલે કે તેઓ અમલદારશાહી વિકસીત કરે છે.
શું આ સમાંતર સાર્વભૌમત્વ પણ સમાંતર સત્તાની રચના કરે છે?
સત્તાની પ્રારંભિક રચના સાથે એક પ્રકારની લશ્કરી અમલદારશાહી છે. તે અલગ સત્તા સ્થાપવાનો પ્રયાસ છે.
તેનું બીજું ઉદાહરણ મધર્સ ડે અથવા ચિલ્ડ્રન્સ ડે માટે સંગઠિત અપરાધ ટોળકીઓ દ્વારા કરવામાં આવતું ભેટોનું વિતરણ છે અથવા એક બૉસ છે, જે તેના નિયંત્રણ હેઠળના પ્રદેશમાંના તમામ ચર્ચ માટે ફૂલો લાવે છે. આ સમાંતર સત્તાની રચનાનાં ઉદાહરણ છે, કારણ કે તમે પહેલેથી જ 'રીડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ'માં સામેલ હો અને તમારા પ્રદેશના લોકોને ખોરાક આપતા હો ત્યારે સમાંતર સત્તાની રચના કરતા હો છો.
આ સાર્વભૌમત્વ રાજકીય વ્યવસ્થાને જન્મ આપે છે, એવું કહી શકાય?
પોલિટિકલ સિસ્ટમ નિશ્ચિત રીતે રાજકીય ધર્મશાસ્ત્ર છે, કારણ કે એકથી વધારે સમાંતર સત્તા હોય ત્યારે તે તડજોડને સામાન્ય બનાવવાનો એક માર્ગ છે. મૅક્સિકોમાં આજે આવી પરિસ્થિતિ છે.
પ્રબળ નૈતિકતાનું ઉલ્લંઘન
ચાલો આપણે આ પ્રકારની લશ્કરી અમલદારશાહીની ધાર્મિક માન્યતાઓ વિશે વાત કરીએ. મૅક્સિકોમાં સંગઠિત અપરાધનું ધર્મશાસ્ત્ર શું છે?
વૈકલ્પિક સાર્વભૌમત્વ માટે ગુપ્તતાના, મૌન રહેવાના કેટલાક ચોક્કસ કરાર જરૂરી હોય છે. તેમણે ગુપ્ત સમાજના વિચારને એક સાથે રાખવાની જરૂર હોય છે, જેમ કે પ્રભુત્વ ધરાવતા સમાજની અંદર એક એવો સમાજ, જે વ્યાપક રીતે અસ્વીકાર્ય હોય તેવાં કામ કરવા તૈયાર હોય.
તેમણે પોતાની આગવી નૈતિકતા, પ્રભુત્વ ધરાવતી નૈતિકતાથી અલગ નૈતિકતા બનાવવી પડે છે. તેથી ગુપ્ત સમાજોમાં અત્યંત અલગ પ્રકારની ધાર્મિક પ્રથાઓ બનાવવામાં આવે છે. જોકે, તેઓ ક્યારેક જે પ્રતીકોનો, છબીઓનો ઉપયોગ કરે છે તે સમાજમાંથી આવતી હોય છે.
પ્રભુત્વ ધરાવતી નૈતિકતાથી અલગાવ બહુ ચરમ પર હોઈ શકે છે. તેથી મેં પુસ્તકની શરૂઆત નરભક્ષણના વિષયથી કરી છે, કારણ કે માનવબલિ અને નરભક્ષણનો નિષેધ યહૂદી-ખ્રિસ્તી મૉરાલિટીનો આધાર છે. અને યહૂદી-ખ્રિસ્તી નૈતિકતા આધુનિક રાજ્યનો આધાર છે.
આપણે પ્રભુત્વ ધરાવતી નૈતિકતા અને સાર્વભૌમત્વ, જેનું તાત્પર્ય પવિત્રીકરણ સાથે છે, તેના ગંભીર ઉલ્લંઘનની વાત કરી રહ્યાં છીએ.
તમે લોકોની હત્યા કરીને તમારું જીવન જીવતા હો તો, તેના માટે જ બનેલી એક નૈતિકતા તમારી પાસે હશે. ઘર્મશાસ્ત્ર વિના, પરમાત્મા વિશેના, પવિત્રતા વિશેના ખ્યાલ વિના કોઈ સાર્વભૌમત્વ હોઈ શકે નહીં.
મૅક્સિકોમાં પ્રબળ નૈતિકતાના આ ઉલ્લંઘનને નક્કર આકાર કોણે આપ્યો?
દાખલા તરીકે, 'લા ફેમિલિયા મિચોકા'ના અને 'નાઈટ્સ ટેમ્પ્લર'ના સ્થાપક નાઝારિયો મોરેનો.
તેમનું બાળપણ દારૂડિયા પિતા સાથે ખેતરમાં પસાર થયું હતું. તેમણે એપાટિઝંગાન, મિકોઆકાનની માર્કેટમાં લૉડર તરીકે નોકરીની શરૂઆત કરી હતી. આ માણસ ખૂબ જ પ્રતિભાશાળી અને બહુ બહાદુર સાબિત થયો એટલે કે તે કંઈ પણ કરવા તૈયાર હતો.
આખરે તેઓ ‘લૉર્ડ’ બન્યા, કારણ કે તેઓ વારંવાર આ શબ્દનો ઉપયોગ લગભગ કુલીન સ્વરે કરે છે. તેમણે સંગઠિત ગુનાખોરી જૂથોની સ્થાપના કરી હતી. તેઓ અનેક ખેતરોના માલિક હતા, તેમની પાસે પુષ્કળ પૈસા હતા. તેઓ મિકોઆકાન સમાજમાં પોતાની ઓળખ સ્થાપવામાં સફળ થયા હતા.
ધાર્મિક માન્યતાઓ
તમે મૅક્સિકોમાં છેલ્લા ત્રણ કે ચાર દાયકામાં રાજકીય ધર્મશાસ્ત્રનું વિશ્લેષણ કરો તો તેમાં સંગઠિત અપરાધના મુખ્ય સંપ્રદાયો (કલ્ટ્સ), મુખ્ય નાર્કો કલ્ટ્સ ક્યા છે?
તે ધાર્મિક વિચારો છે, જે સમય સાથે બદલાય છે. જે જન્મે છે, અદૃશ્ય થઈ જાય છે. જેને અન્ય જૂથો અપનાવે છે. તે સાંસ્કૃતિક ક્ષિતિજને બદલાવે છે.
મેં હમણાં જ ઉલ્લેખ કર્યો તેમ એક નાઝારિઓ મોરેનો છે, જેમણે તેઓ પોતે જાણે કે એક વિચારધારા હોય તેમ નાઈટ ટેમ્પ્લરની નૈતિકતા બનવાનો પ્રયાસ કર્યો હતો.
બીજો કિસ્સો લોસ ઝેટાસનો છે. તેઓ સૈન્યના સ્પેશિયલ ફોર્સના અધિકારી હતા. તેમણે અલગ થઈને પોતાનું સંગઠન બનાવ્યું હતું. એક ચોક્કસ ઐતિહાસિક ક્ષણે તેમણે 'સાન્ટા મુર્તે' જેવો સંપ્રદાય અપનાવ્યો હતો.
તેઓ 'ગલ્ફ કાર્ટેલ' સાથે એકમેકની હત્યા કરી રહ્યા હતા અને ગલ્ફમાં રહેતા લોકોએ સાન જુડાસ ટેડિયોને તેમના આશ્રયદાતા તરીકે અપનાવ્યા હતા.
સામાન્ય રીતે એ બધા સેન્ટેરિયાથી માંડીને સાન જુડાસ ટેડિયો જેવા કેથોલિક ચર્ચના સત્તાવાર સંપ્રદાય સુધી થોડાં અંશે વિખેરાયેલા છે. આ બધાનું સહઅસ્તિત્વ હોઈ શકે છે, કારણ કે તેમાં કશું વિશિષ્ટ નથી.
એક જીસસ માલવર્ડે પણ છે...
હા, માલવર્ડે “ડ્રગ તસ્કરોના આશ્રયદાતા સંત” તરીકે ઓળખાય છે. તે સંત નથી, પરંતુ માદક પદાર્થોની હેરફેર કરતા માણસનો ખોવાયેલો આત્મા છે, ક્યુલિયાકનનો ડાકુ છે, જે તેઓ કહે છે તેમ અસહાય લોકોનો રક્ષણકર્તા એક ચોર હતો.
તમે પુસ્તકમાં ગુનાહિત ધર્મશાસ્ત્ર સાથે કેથલિક ધર્મના વિચારો તથા પ્રતીકોનું મિશ્રણ કર્યું છે તે રસપ્રદ છે..
કૅથલિક ધર્મમાંથી લેવામાં આવેલા તત્વોની આખી કલ્પના તેમાં છે. ત્યાં મધ્યવર્તી દેવતાઓ, જેઓ કૅથલિક પરંપરા અને સેન્ટ જુડ થડિયસના સંપ્રદાય જેવા અન્ય ધાર્મિક પંથો વચ્ચે સેતુ બાંધી આપે છે.
આ કિસ્સો એક મુખ્ય સંપ્રદાયનો છે, કારણ કે તે ડ્રગની હેરફેર કરનારાઓનો સંપ્રદાય અથવા સામાન્ય રીતે ગેરકાયદે અર્થતંત્ર તથા સમાજનો હિસ્સો હોય તેવા લોકોનો સંપ્રદાય હોઈ શકે છે. તેને કૅથલિક પેન્થિઓનમાં રાખી શકાય. આમાંથી કેટલાક “ગ્રેટ લૉર્ડ્સ”ને કુલિયાકનની માફક દફનાવવામાં આવ્યા છે.
સાન્ટા મુએર્ત તે 'વર્જિન ઑફ ગુઆડાલુપે'નું વિક્ષેપિત સંસ્કરણ છે. તે અનિશ્ચિતતાના આધ્યાત્મનો એક ભાગ છે. તેને ઘણીવાર વર્જિન ગણવામાં આવે છે. પવિત્ર શ્વેત મૃત્યુની, છોકરીને શ્વેત વસ્ત્રો પહેરાવવાની અને તેને વેદી પર મૂકવાની વાતો પણ થાય છે.
સંગઠિત અપરાધમાં માનવઅંગોનો આહાર
તમે સંગઠિત અપરાધમાં નરભક્ષકતા, માનવઅંગોના આહારનો અભ્યાસ કર્યો છે. તેઓ આવું શા માટે કરે છે?
નરભક્ષણ સાર્વજનિક નૈતિકતાના પાયાનું ઉલ્લંઘન છે. તેઓ માત્ર તેનું જ ઉલ્લંઘન કરતા નથી. તેઓ બળાત્કાર, જુલમ, હત્યા, અપહરણ પણ કરે છે, પરંતુ નરભક્ષકતામાં એક ધાર્મિક તત્ત્વ છે, જે પ્રભાવશાળી નૈતિકતાના આધારને સ્પર્શે છે.
આનાથી મોટી કોઈ ઘૃણા હોઈ શકે એ હું વિચારી પણ શકું એમ નથી.
આ ઘટના કેવી રીતે વિકસિત થઈ?
નરભક્ષકતાની ઉત્ક્રાંતિના ત્રણ તબક્કા છે. પ્રથમ એ છે, જેમાં કથિત માર્કોસેટાનિકોસ 1989માં માટામોરોસમાં પ્રગટ થયા હતા.
એ કિસ્સામાં બધું એક સેન્ટેરોની ધાર્મિક વિધિને આધિન હોય છે. સેન્ટેરો ધાર્મિક વિધિના નિષ્ણાત હોય છે અને તેઓ ધાર્મિક વિધિ દ્વારા જૂથને જાદુઈ રક્ષણ આપે છે. તેમાં માનવબલિનો પણ સમાવેશ થાય છે.
એડોલ્ફો કોન્સ્ટાન્ઝોએ ગલ્ફ કાર્ટેલના સભ્યોને તેવું આધ્યાત્મિક રક્ષણ આપ્યું હતું. તે સંદર્ભમાં ગુપ્ત સંબંધ બાંધવા માટે માનવ-બલિદાન આપવામાં આવ્યું હતું.
બીજો તબક્કો એ છે, જેમાં સામાન્ય રીતે હિટમૅન તરીકે કામ કરતા સૈનિકો, નવા સભ્યોની ભરતી કરતી વખતે નરભક્ષીતાનો ઉપયોગ શરૂ થયો હતો.
હત્યા કરવામાં આવી હોય તેવી, સામાન્ય રીતે બીજા ગ્રુપની વ્યક્તિના શરીરનો એક હિસ્સો ખવડાવીને તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. જો તેઓ એવું ન કરે તો તેમને ત્યાં જ મારી નાખવામાં આવે છે. તે સંગઠનમાં જોડાવાની કસોટી છે.
ત્રીજો તબક્કો સૌથી વધુ ભયંકર છે. તેમાં પ્રદેશ પર ટોળકીનું એટલું પ્રભુત્વ હોય છે કે માનવમાંસને સીધું પ્લૅટમાં મૂકી દેવામાં આવે છે.
તમે કોઈ ઉદાહરણ આપી શકશો?
ઝેટાઓમાં નરભક્ષકતાનાં ભયાનક અને કાતિલ ઉદાહરણો છે. તેઓ દેશદ્રોહીઓને મારી નાખે છે અને પોતે જાણે કે કસાઈ હોય તેમ તેનું માંસ રાંધે છે.
આપણે કોઈ ધાર્મિક વિધિમાં વ્યક્તિના હૃદયવાળું થોડું મિશ્રણ પીવાની વાત નથી કરતા. આપણે, માનવશરીરના સૌથી માંસલ હિસ્સા પગને રાંધીને 'તમાલે'ની વાનગીમાં ભેળવવાની વાત કરી રહ્યા છીએ.
ભોજન સમારંભમાં, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાતી પાર્ટીમાં આ 'તમાલે' પીરસવામાં આવે છે. તેમાં માનવમાંસનો આહાર કરવા લોકોને આમંત્રણ આપવામાં આવે છે.
અમુક રીતે ધાર્મિક બિરાદરીના અર્થમાં આ એક પ્રકારનો પ્રતીકવાદ છે.
સંદેશો એ હોય છે કે “આપણે ભલે આ સંગઠનના સભ્યો હોઈએ કે ન હોઈએ, પરંતુ આમાંથી ખાઈએ છીએ.” આ અશુભ બાબત નરભક્ષકતાનું એક સ્વરૂપ છે, જેનું મૅક્સિકોમાં દસ્તાવેજીકરણ થયું છે.
મિકોઆકનમાંના નાઈટ્સ ટેમ્પ્લરનાં અન્ય ઉદાહરણો છે. તેમાં નવા ભરતી કરવામાં આવેલા સૈનિકોને પીડિતના માંસનો ટુકડો ખાવા માટે દબાણ કરવામાં આવે છે, જેથી તે પીછેહઠ ન કરી શકે.
તે ટાબાસ્કોમાં, જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલમાં અથવા ગલ્ફ કાર્ટેલ દ્વારા કિડનેપ કરવામાં આવેલા મધ્ય અમેરિકન સ્થળાંતરીઓના કિસ્સામાં પણ થાય છે. તેમાંથી બચી ગયેલા હોન્ડુરાસના એક નાગરિકે 2021ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ખંડણીની ચૂકવણી કરવામાં આવી ત્યારે તેમને માનવમાંસ ખવડાવવામાં આવ્યું હતું.
ઝેટાસ પાર્ટીના કિસ્સામાં નરભક્ષકતા વિશે નિશ્ચિતતા હતી કે પછી તેઓ પાર્ટીઓમાં ખરેખર માનવમાંસ ખાતા હોવા બાબતે શંકા સર્જાઈ હતી?
તેમણે માનવમાંસના ભોજન સમારંભની ઑફર કરી હતી, પરંતુ તેઓ માનવમાંસ ખાતા હતા કે નહીં તે કહી શકાય નહીં.
દાખલા તરીકે હેરીબર્ટો લાઝકાનો. તેઓ એ વખતે લોસ ઝેટાસના વડા હતા. બધાને ડિનર માટે આવકારતી વખતે તેઓ કહેતા હતા કે 'તમેલેસ ડી જેન્ટે' નામની ખાસ વાનગી બનાવવામાં આવી છે.
પછી મોટેથી હસવાનો અવાજ સંભળાતો હતો. તે હાસ્ય શંકા સર્જે છે, કારણ કે તેઓ લોસ ઝેટાસનું વર્ચસ્વ છે એવા સમાજમાં ભાગીદાર બન્યા છે.
આ કિસ્સામાં નરભક્ષતા એક એન્ટ્રી ટેસ્ટને બદલે ખૂબ જ સ્પષ્ટ છે. નરભક્ષતાને એક શક્યતા તરીકે રજૂ કરવામાં આવે છે. એ તેમાં ભાગ લેનારાઓ વચ્ચે સંલગ્નતાનો સંકેત આપવાનો એક માર્ગ છે.
આવો બીજો કિસ્સો પણ છે. તેની વાત કરતી વખતે હું જે દસ્તાવેજોનું વિશ્લેષણ કરું છું તે એક માનવશાસ્ત્રી ઓસ્કર ફર્નાન્ડિઝનો છે. તેમણે તામોલિપાસના સાન ફર્નાન્ડોમાં હિંસાની તપાસ કરી હતી.
એ દસ્તાવેજમાં તેઓ જણાવે છે કે સાન ફર્નાન્ડો પાછા ફર્યા પછી એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તે ટેમલ્સથી નારાજ છે. તેનું કારણ એ છે કે તેમને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઝેટાઓ પૈકીના એકે તેમને કહ્યું હતું કે ભોજનમાં માણસનું શેકેલું માંસ પણ હતું.
બધાએ તે ખાધું હતું અને આ માણસ એ વિચારતો રહ્યો હતો કે તે ખરેખર સાચું હતું. તમે સાન ફર્નાન્ડોમાં રહેતા હો અને તમને લોસ ઝેટાસ સાથે સંબંધ રાખવાની ફરજ પાડવામાં આવી હોય તો એક સમયે બીજો કોઈ વિકલ્પ ન હતો. તમે તેમના ફૂડનો ઈનકાર કરી શકો નહીં.
આ બધાનો અભ્યાસ કર્યા પછી તમને કેવી લાગણી થાય છે?
આપણે જે અનુભવી રહ્યા છીએ તે ઘણું મોટું છે, ખૂબ જ ભયંકર છે અને આપણે આ બધામાંથી કેવી રીતે બહાર આવીશું તેની મને ખબર નથી, પરંતુ મને લાગે છે કે તેના વિશે વિચારવું જરૂરી છે. આ બધામાંથી બહાર આવવાની ક્ષમતા કેળવવા માટે વિચાર જરૂરી પગલું છે.
આ નરભક્ષકતા તમને અંગત રીતે મનુષ્યમાંથી આશા ગુમાવવાનું કારણ નથી બનતી?
સત્ય એ છે કે તેના લીધે હું આશા છોડતો નથી. આપણે જબરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ અને આપણે તેના વિશે વિચાર કરવા, તેને સમજવાનો પ્રયાસ કરવા તૈયાર ન હોઈએ તો આપણે માત્ર પ્રતિક્રિયા જ આપતા રહીશું.