You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનલૉક: ગુજરાતના આ 18 શહેરમાં કર્ફ્યુમુક્તિ, નિયંત્રણો હળવા કરાયા - Top News
ગુરૂવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં 36માંથી 18 શહેરમાં નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સરકારે વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરામાંથી કર્ફ્યુ મુક્તિ જાહેર કરી છે.
રાજ્યની આઠ મહાનગરપાલિકા (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર) ઉપરાંતના વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ 18 શહેરોમાં રાત્રિકર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.
આ શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નિષેધાત્મક આદેશો લાગુ રહેશે. આ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને તા. 30મી જૂન સુધીમાં ફરજિયાપણે વૅક્સિન લેવા માટે જણાવવામાં આવ્યું છે.
આ સિવાયના વિસ્તારોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરનારા લોકો, માલિકો અને સંચાલકોએ તા. 10મી જુલાઈ સુધીમાં વૅક્સિન લેવાની રહેશે.
આ શહેરોમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રિના નવ વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી હોમ-ડિલિવરી થઈ શકશે.
લગ્ન માટે (100), અંતિમવિધિ માટે 50 અને સામાજિક તથા ધાર્મિક પ્રસંગો માટે સ્થળની મહત્તમ સભ્યસંખ્યાના 50 ટકા અથવા તો 200ની મહત્તમ મર્યાદા લાગુ રહેશે.
વાંચનાલયો (60 ટકા), સિનેમાઘર-ઑડિટોરિયમ (50 ટકા) તથા એસટી બસો (75 ટકા) ક્ષમતા સાથે કાર્યરત રાખવાની છૂટ આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-ચીન સીમા વિવાદ પર વિદેશમંત્રી જયશંકરની ટિપ્પણી પર ચીનનો કડક જવાબ
ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર પ્રવર્તમાન તણાવનો નજીકના સમયમાં ઉકેલ આવતો નથી જણાતો.
મંગળવારે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તણાવ સાથે બે મહત્ત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે.
પહેલું એ કે સરહદ પર સતત સામે-સામે મોટાપાયે તહેનાતી થઈ રહી છે. બીજું કે ચીન ભારે સંખ્યામાં સેના તહેનાત નહીં કરવાનો તેનો લેખિત વાયદો પાળશે કે નહીં.
કતાર ઇકૉનૉમિક ફોરમ ઉપરથી વાત કરતી વેળાએ વિદેશમંત્રીએ આ વાત કહી હતી. જ્યાં તેમને ચીન સાથે સરહદ ઉપર તણાવ સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યો હતો.
એસ જયશંકરની આ ટિપ્પણી વિશે ચીનના વિદેશ મંત્રાલયને બુધવારે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.
ચીનનો કડક જવાબ
બુધવારે બ્લૂમબર્ગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિઆનને પૂછ્યું હતું, "ભારતના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સાથે જોડાયેલી વિવાદાસ્પદ સીમા ઉપર ચીન સૈનિકોની તહેનાતી તથા ચીન સીમા ઉપર સેના ઘટાડવાના વાયદાને પૂર્ણ કરશે કે નહીં ; આ બંને મુદ્દા બંને દેશો વચ્ચેના સંબંધમાં સૌથી મોટો પડકાર છે. આ અંગે ચીન શું કહેવા માગે છે?"
આ સવાલના જવાબમાં ચાઓ લિજિઆને કહ્યું, "ભારત-ચીન સરહદના પશ્ચિમીક્ષેત્રમાં ચીનના સૈનિકોની તહેનાતી એ સામાન્ય સુરક્ષાવ્યવસ્થા હેઠળ કરવામાં આવી છે."
"જેનો હેતુ સંબંધિત દેશની પેશકદમીનો જવાબ આપવાનો છે અને ચીન ઉપરના કોઈપણ પ્રકાના જોખમને પહોંચી વળવાનો છે."
"લાંબા સમયથી ભારત સરહદ ઉપર સૈનિકોની તહેનાતી વધારી રહ્યું છે અને અમારા વિસ્તારો પર કબજો કરતું રહ્યું છે. ભારત-ચીન સરહદ પર તણાવનો મૂળ મુદ્દો પણ એ જ છે."
"ચીને હંમેશા સરહદવિવાદને વાટાઘાટો દ્વારા ઉકેલવાની હિમાયત કરી છે. સરહદના વિવાદને દ્વિપક્ષીય સંબંધ સાથે જોડવાના વિરોધી છીએ."
એસ જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે ચીન સાથેના સરહદી વિવાદને ઉકેલવામાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન તથા ભારતના સભ્યપદવાળા ક્વૉડની કોઈ ભૂમિકા છે? તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રીએ કહ્યું :
"ક્વૉડનો સર્વસામાન્ય ઍજન્ડા છે. જેમાં દરિયાકિનારાની સુરક્ષા, સંપર્ક તથા વૅક્સિન સંબંધિત વ્યૂહરચનાનો સમાવેશ થાય છે."
"ચીન સાથેનો સરહદનો વિવાદ ક્વૉડ પહેલાંથી જ ચાલી રહ્યો છે અને આ તણાવની સાથે ક્વૉડનો કોઈ સંબંધ નથી."
બંને દેશોની ટિપ્પણીથી માલૂમ પડે છે કે તણાવ હજુ પણ યથાવત્ છે અને નજીકના સમયમાં તેનો ઉકેલ નહીં આવે.
સરહદ પરના વિવાદને ઉકેલવા માટેની સૈન્યસ્તરીય વાટાઘાટોનો પણ કોઈ ઉકેલ આવ્યો હોય તેમ નથી લાગતું.
મૅકફી ઍન્ટી વાઇરસ બનાવનાર જૉન મૅકફી જેલમાં મૃત્યુ પામ્યા
ઍન્ટી વાઇરસ સૉફ્ટવેયર 'મૅકફી'ને બનાવનાર ઉદ્યમી જૉન મૅકફી બાર્સિલોનાની એક જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃત્યુના થોડા કલાકો પહેલા તેમને સ્પેનની એક અદાલતે કરચોરીના એક કેસમાં અમેરિકા પરત મોકલવાનો ચુકાદો આપ્યો હતો.
સ્થાનિક જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે 75 વર્ષના મૅકફીને બચાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
અધિકારીઓનું કહેવું છે કે બધા સંકેત મૅકફીએ પોતે પોતાનો જીવ લઈ લીધો હોય, એ તરફ ઇશારો કરે છે.
ટેક વર્લ્ડમાં મૅકફી એક વિવાદિત વ્યક્તિત્વ હતા. તેમની કંપનીએ પ્રથમ કૉમર્શિયલ ઍન્ટી વાઇરસ સૉફ્ટવૅર લૉન્ચ કર્યું હતું.
તેમના આ લૉન્ચના પગલે દુનિયામાં ખર્વો ડૉલરની એક નવી ઇન્ડસ્ટ્રી ઊભી કરવામાં મદદ મળી.
પછી મૅકફીએ આ સૉફ્ટવૅર કંપની ઇન્ટેલને વેચી દીધી હતી.
ઑક્ટોબર 2020માં જૉન મૅકફી જ્યારે સ્પેનથી તુર્કીની ફ્લાઇટ પકડવા જઈ રહ્યા હતા ત્યારે કરચોરીના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જૉ મૅકફીએ કંસલટેન્ટ અને પબ્લિક સ્પીકર તરીકે સારી કમાણી કરી હતી પરંતુ તેમણે કથિત રૂપે ચાર વર્ષથી ટૅક્સ રિટર્ન ફાઇલ નહોતું કર્યું.
તેમના પર કમાણી છુપાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો આરોપ હતો કે મૅકફી પોતાની કમાણીને ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પોતાના નૉમિનીઝના નામે છુપાવતા હતા.
તેમના પર યૉટ અને રિયલ એસ્ટેટ પ્રૉપર્ટીઝની બેનામી પ્રોપર્ટી રાખવાનો આરોપ હતો.
બુધવારે સવારે સ્પેનની અદાલતે તેમને અમેરિકા મોકલવાનો ચુકાદો આપ્યો હતો.
મૅકફીનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો અને 1980ના દાયકામાં મૅકફી વાઇરસસ્કૅન લૉન્ચ કર્યા બાદ લોકપ્રિય થઈ ગયા હતા.
'મોદી અટક' વિરુદ્ધ કથિત ટિપ્પણી મુદ્દે બદનક્ષીનો સામનો કરી રહેલા રાહુલ સુરતમાં
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર 'મોદી અટક' અંગેની ટિપ્પણીને પગલે બદનક્ષીના કેસનો સામનો કરી રહેલા રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે.
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કથિત ટિપ્પણી કરી હતી.
ભાજપના એક ધારાસભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં પોતાનું નિવેદન રજૂ કરવામાં માટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરત મૅજિસ્ટ્રેટની કોર્ટમાં પહોચ્યા છે.
સુરતના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ એ.એન. દવેએ રાહુલ ગાંધીને એક સપ્તાહ પહેલાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરાયેલા કેસમાં પોતાનું અંતિમ નિવેદન રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
એપ્રિલ, 2019માં પોતાની ફરિયાદમાં પૂર્ણેશ મોદીએ કૉંગ્રેસના નેતા પર 'મોદી સમાજને અપમાનિત કરવાનો આરોપ' લગાવ્યો હતો.
13 એપ્રિલ, 2019માં કર્ણાટકમાં આયોજત એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ કથિત ટિપ્પણી કરી હતી.
એ વખતે રાહુલ ગાંધી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને મે, 2019માં આવેલાં ચૂંટણીપરિણામોમાં પક્ષના પરાજય બાદ પદ ત્યાગી દીધું હતું.
આ પહેલાં રાહુલ ઑક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર થઈને પોતાને 'નિર્દોષ' ગણાવ્યા હતા.
ભારતની 'મોંઘી રસી' ખરીદવાની ડીલ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ ઘેરાયા?
સમાચાર સંસ્થા રૉયટર્સના એક રિપોર્ટ અનુસાર બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ તેમના પર ભારતમાં બનેલી કૉવેક્સિન ખરીદવાનું દબાણ હોવા અંગે રાષ્ટ્રપતિ જાયર બૉલસોનારોને ચેતવ્યા હતા.
રૉયટર્સ સાથે આ વાત એ બેઠકમાં હાજર રહેલા એક સાંસદે કરી છે. એક સેનેટ પૅનલ બ્રાઝિલમાં કોવિડ મહામારીને પહોંચી વળવામાં સરકાર કેટલી કારગત રહી, એ અંગે તપાસ કરી રહી છે.
બુધવારે આ પૅનલના લૉજિસ્ટિક ડિપાર્ટમેન્ટના અધિકારી લુઇસ રિકાર્ડો મિરાંડાને પૂછપરછ માટે બોલાવાયા હતા.
બ્રાઝિલની સરકાર ભારતની મોંઘી રસીનો સોદો કરવા કેમ માગતી હતી અને ગત વર્ષે ફાઇઝરના પ્રસ્તાવને કેમ ફગાવી દેવાયો હતો એ અંગે સેનેટ કમિટી અને પ્રૉસિક્યુટર તપાસ કરી રહ્યાં છે.
મિરાંડાએ કમિટી સામે કહ્યું હતું કે તેમના પર રાષ્ટ્રપતિ બૉલસોનારોના નજીકના સહયોગી અને પૂર્વ આરોગ્યમંત્રી ઍડવર્ડો પાઝુએલોનાં નજીકના ઍલેક્સ લિઆલ મારિન્હોનું દબાણ હતું.
પૂછપરછના દસ્તાવેજો રૉયટર્સે જોયા છે.
મિરાંડાનું નિવેદન સૌ પહેલા 'ઓ ગ્લોબલ' અખબારમાં બુધવારે છપાયું હતું. તેમાં કહેવાયું હતું કે મિરાંડા 20 માર્ચે સંબંધિત ચિંતા સાથે રાષ્ટ્રપતિ બૉલસોનારો પાસે ગયા હતા.
મિરાંડાનું કહેવું છે કે તેમની પાસે દસ્તાવેજો પણ હતા.
મિરાંડાના મતે રાષ્ટ્રપતિએ આ અંગે ફેડરલ પોલીસ સાથે વાત કરવાનું તેમને આશ્વાસન આપ્યું હતું. જોકે, બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે હજુ સુધી કંઈ કહ્યું નથી.
મિરાંડાનું કહેવું છે, "આ લોકોના પૈસાની ખુલ્લેઆમ બરબાદીનો પ્રયાસ છે."
આ દરમિયાન બુધવારે રાષ્ટ્રપતિ બૉલસોનારોના સચિવ ઑનિક્સ લૉરેન્ઝોનીએ કહ્યું છે કે આરોપો બનાવટી દસ્તાવેજો પર આધારીત છે.
હાર્દિક પટેલને મંજૂરી વગર ગુજરાત બહાર જવાની પરવાનગી મળી
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને અમદવાદ સેશન્સ કોર્ટ દ્વારા બુધવારે પૂર્વ પરવાનગી વગર રાજ્ય બહાર ફરવા જવાની મંજૂરી આપી દેવાઈ હતી.
નોંધનીય છે કે આ ન્યાયાલય દ્વારા આ મંજૂરી આગામી એક વર્ષ સુધી જ આપવામાં આવી છે.
નોંધનીય છે કે પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ હતી. જેની સુનાવણી દરમિયાન તેઓ અમદાવાદની એક ટ્રાયલ કોર્ટમાં હાજર નહોતા રહ્યા. જે બાદ વર્ષ 2020માં અમદાવાદની સેશન્સ અદાલતે જાન્યુઆરી, 2020માં હાર્દિકના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.
જામીનની શરત પ્રમાણે હાર્દિક પટેલને પૂર્વમંજૂરી વગર ગુજરાત છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
જોકે, બુધવારે એડિશનલ સેશન્સ જજ બી. જે. ગણાત્રાએ આ શરત હળવી બનાવી અને હાર્દિક પટેલને આવી પરવાનગીની જરૂરિયાતમાંથી આંશિક મુક્તિ આપી હતી.
નોંધનીય છે કે હાર્દિક પટેલના વકીલે કોર્ટ સમક્ષ જામીનની આ શરત રદ કરવા માટે અરજી કરી હતી. જે બાદ જજે અરજી ગ્રાહ્ય રાખી એક વર્ષ માટે આ શરતમાથી મુક્તિ આપવાનું ઠરાવ્યું હતું.
રેકૉર્ડ રસીકરણ બાદ ઘટાડાને કારણે કૉંગ્રેસે રસીકરણની પ્રક્રિયાને ભાજપની 'PR ઇવેન્ટ' ગણાવી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસે બુધવારે રસીકરણના લાભાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને ટાંકીને મોદી સરકારની ટીકા કરી હતી.
નોંધનીય છે કે તે 21 જૂનના રોજ સમગ્ર દેશમાં રેકૉર્ડ સંખ્યામાં રસી આપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ બીજા જ દિવસે આ સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આ અંગે કહ્યું હતું કે, "જ્યાં સુધી વ્યાપક સ્તરે લોકોનું રસીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણો દેશ સુરક્ષિત નથી. પરંતુ સરકાર PR ઇવેન્ટની આગળ જવામાં અસમર્થ છે."
કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ 21 જૂનના રોજ 88.09 લાખ લોકોને રસી અપાયાનો કીર્તિમાન સ્થાપ્યા બાદ રસીના લાભાર્થીઓમાંની સંખ્યામાં થયેલા ઘટાડા માટે મોદી સરકારની ટીકા કરી હતી.
નોંધનીય છે કે સમગ્ર ભારતમાં મંગળવારે 53.4 લાખ ડોઝ જ આપી શકાયા હતા.
SCOની મિટિંગમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા-સલાહકારો
બુધવારે તાજિકિસ્તાનના દુશંબે ખાતે યોજાયેલ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ની સુરક્ષાપરિષદના સચિવોની મિટિંગમાં આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદ, કટ્ટરવાદ, અલગતાવાદ, આત્યંતિકવાદ, સંસ્થાગત ગુનાખોરી અને ડ્રગ ટ્રાફિકિંગ મુદ્દે ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે આ મિટિંગમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા-સલાહકાર અજિત દોવાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફ પણ હાજર રહ્યા હતા.
જોકે, આ મિટિંગમાં બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ નહોતી.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન તરફથી અગાઉથી જ આ બેઠક દરમિયાન કોઈ પણ દ્વિપક્ષીય વાતચીતની શક્યતા નકારી દેવાઈ હતી.
SCOમાં આઠ રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સમાવિષ્ટ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન તરફથી અગાઉથી જ આ બેઠક દરમિયાન કોઈ પણ દ્વિપક્ષીય વાતચીતની શક્યતા નકારી દેવાઈ હતી.
નોંધનીય છે કે SCOમાં આઠ રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સમાવિષ્ટ છે.