You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ કાર્લોસ 'ધ જૅકૉલ' જે ઓસામા બિન લાદેન કરતાં વધુ ખતરનાક હતો
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
30 ડિસેમ્બર 1973ના રોજ લંડનમાં એવી કડકડતી ઠંડી હતી કે પૉશ વિસ્તાર સેન્ટ જૉન્સવૂડમાં ફરી રહેલા એક લાંબા તગડા માણસે ફરવાળા જેકેટની ઉપર ઉની મફલરથી પોતાનો ચહેરોનો નીચેનો ભાગ ઢાંકી રાખ્યો હતો.
તેના જેકેટના ખિસ્સામાં ઇટાલીમાં બનેલી 9 એમએમની બેરેટા પિસ્તોલ હતી.
તે માણસે ધીમેથી 48 નંબરના ઘરનો લોખંડનો દરવાજો ખોલ્યો. એ ઘર મશહૂર રિટૅલ કંપની 'માર્ક્સ એન્ડ સ્પૅન્સર'ના વડાનું અને બ્રિટિશ ઝાયોનિસ્ટ ફેડરેશનના ઉપપ્રમુખ જૉસેફ ઍડવર્ડ સીફનું હતું.
કોલબેલ વાગી તે સાથે જ સીફનો પોર્ટુગીઝ બટલ મેન્યુઅલ પરલોએરાએ દરવાજો ખોલ્યો.
લાંબા તગડા માણસે એક પણ ક્ષણ બગાડ્યા વિના બટલરના માથા સામે પિસ્તોલ તાકીને કહ્યું, 'ટેક મી ટૂ સીફ.'
બટલર તે માણસ સાથે દાદર ચડી રહ્યો હતો ત્યારે સીફની અમેરિકન પત્ની લુઈસે ઉપરથી આ દૃશ્ય જોઈ લીધું. તે તરત પોતાના બેડરૂમ તરફ દોડી અને પોલીસને ફોન કર્યો.
સમય હતો સાંજના સાત વાગ્યાને બે મિનિટનો.
પિસ્તોલ જામ થઈ ગઈ
ત્યાં સુધીમાં બટલર તે માણસને લઈને સીફના કમરા સુધી પહોંચી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે એક મીટર દૂરથી સીફના ચહેરાનું નિશાન લઈને ફાયર કર્યું. સીફ નીચે પડીને બેહોશ થઈ ગયા.
તેણે સીફ પર બીજી વાર નિશાન લગાવ્યું, પણ ત્યાં સુધીમાં તેની પિસ્તોલ જામ થઈ ગઈ હતી.
બે મિનિટ પછી પોલીસ વાન આવીને સીફના મકાનની નીચે ઊભી રહી.
મિશન પૂરું થયું છે કે કેમ તેની ચકાસણી કર્યા વિના જ તે માણસે ત્યાંથી નાસી જવું પડ્યું.
બાદમાં ખ્યાલ આવ્યો હતો કે ગોળી સીફના ઉપરના હોઠને કાપીને દાંતને વાગી હતી.
થોડી વારમાં જ સીફનું ઑપરેશન કરીને ડૉક્ટરોએ ગોળીને સાથે તેમના જડબામાં ઘૂસી ગયેલા હાડકાના ટુકડા પણ કાઢ્યા.
આટલી નજીકથી ગોળી ખાધા પછીય પોતાની વાત કહેવા માટે સીફ જીવતા રહ્યા હતા.
ઓપેકના ઓઇલ મિનિસ્ટરોનું અપહરણ
હત્યાની કોશિશ કરનારા આ માણસની કારકિર્દીની આ શરૂઆત બહુ નિરાશાજનક રીતે થઈ હતી.
તેનું નામ હતું ઇલિચ રમિરેઝ સાંચેઝ, જે બાદમાં 'કાર્લોસ ધ જૅકૉલ' તરીકે કુખ્યાત થયો હતો.
આ ઘટના બાદ સીત્તેરના દાયકામાં જેટલા પણ મોટા ઉગ્રવાદી હુમલા થયા, તે દરેક પાછલ કાર્લોસનો હાથ હોવાનું કહેવાયું હતું.
મ્યુનિકમાં ઇઝરાયલી ખેલાડીઓની હત્યા થઈ હોય કે પછી પેરિસમાં જમણેરી અખબારો અને રેડિયો સ્ટેશન પર થયેલા હુમલા હોય કે હેગમાં ફ્રેન્ચ દૂતાવાસ પર થયેલો કબજો, દરેકમાં તેનું નામ સંડોવાયું હતું.
જોકે કાર્લોસે વિયેનામાં ક્રૂડ ઑઈલ ઉત્પાદક દેશોના મંત્રીઓનું અપહરણ કર્યું ત્યારે દુનિયાભરના લોકોમાં તેનું નામ જાણીતું થઈ ગયું હતું.
લઘરવઘર ગેંગ
21 ડિસેમ્બર 1975ની સવારે કાર્લોસે પોતાના દાઢી, મૂંછ અને કલમના વાળ થોડા ટૂંકા કરાવ્યા.
પછી ખાખી રંગનું પેન્ટ પહેર્યું. સલેટિયા રંગનો પુલઓવર પહેરીને તેના પર પિયેર કાર્દાનું ચામડાનું જેકેટ ચડાવ્યું.
કાર્લોસની ટીમમાં જર્મનીનો સાથી હાન્સ જોઆખિમ ક્લાઇન, મહિલા છાપામાર ક્રૉશેર ટાઇડમૅન અને ત્રણ આરબ ગેરીલા હતા.
તેઓએ પોતાની એડિડાસની બેગમાં શસ્ત્રો, ફ્યૂઝ, ડિટોનેટર્સ અને હેન્ડ ગ્રેનેડ્સ ભર્યા. કાર્લોસની જીવનકથા 'જેકાલ - ધ કમ્પ્લિસ્ટ સ્ટોરી ઑફ ધ લિજેન્ડરી ટેરરિસ્ટ'ના લેખ જૉન ફોલેન લખે છે,
'ધીમે ધીમે ચાલતા તેઓ ઓપેકનું મુખ્ય કાર્યાલય આવેલું હતું તે સાત માળની ઇમારતમાં પહોંચ્યા.'
'આ જ ઇમારતમાં કેનેડાના રાજદૂતની ઓફિસ હતી અને ટેક્સકો કંપનીની બ્રાંચ ઓફિસ પણ હતી. સવારથી જ ઇમારતમાં મંત્રીઓ અને તેમના સ્ટાફની આવનજાવન થઈ રહી હતી. તેથી હાજર ગાર્ડ્સને તેમની તલાશી લેવાની જરૂરત લાગી નહોતી.'
રૉયટર્સ વતી મંત્રીઓની બેઠકનું કવરેજ કરવા માટે આવેલા પત્રકાર સિડની વીલેન્ડે જૉન ફોલેનને જણાવ્યું હતું કે ''કાર્લોસની ગૅંગ થોડી લઘરવઘર લાગતી હતી.''
''કોઈ ઓછા મહત્ત્વના દેશના જૂનિયર સ્ટાફના લોકો હોય તેવું લાગતું હતું.''
''મને યાદ છે કે એસોસિએટેડ પ્રેસની બાર્થેલ્મી હીલીએ તેમને જોઈને મજાક પણ કરી હતી કે આ તો એંગોલાનું પ્રતિનિધિમંડળ લાગે છે.''
''તેઓ સીધા જ ઉપલા માળે જતા રહ્યા હતા. ત્યાં જઈને તેમણે બેગમાંથી શસ્ત્રો કાઢ્યા અને દોડીને જે સભાખંડમાં બધા મંત્રીઓ બેઠા હતા તેમાં ઘૂસી ગયા.''
શેખ યમનીની ઓળખ
કાર્લોસે સભાખંડમાં ઘૂસીને તરત જ છત પર ગોળીઓ છોડી. એક નકાબધારીએ બધા મંત્રીઓને કાર્પેટ પર લેટી જવા કહ્યું.
બાદમાં સાઉદી અરેબિયાના ઑઇલ મિનિસ્ટર શેખ યમનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મને એમ લાગ્યું કે ઓપેક દ્વારા ઑઇલની કિંમત વધારવામાં આવે છે તેનો વિરોધ કરવા માટે કેટલાક યુરોપિયન લોકોએ હુમલો કર્યો છે.'
ગભરાયેલા 45 વર્ષના મંત્રી યમનીએ તરત જ કુરાનની આયાત પઢવાનું શરૂ કરી દીધું હતું.
યમની કહે છે, ''કાર્લોસે વિદેશી લઢણની અરબીમાં ચીસ પાડીને કહ્યું કે યૂસુફ તમારા વિસ્ફોટકો જમીન પર રાખી દો. શું તને યમની મળ્યો? મેં સામેથી બૂમ પાડીને કહ્યું કે હું અહીં છું. બંદૂકધારીઓએ સૌના ચહેરા જોયા અને જેવી અમારી આંખો મળી કે તેમણે સાથીઓને કહ્યું કે આ જ યમની છે. તે પછી કાર્લોસ વેનેઝુએલાના મંત્રી સાથે બહુ માનથી વાતો કરવા લાગ્યો.''
કાર્લોસના સાથી ક્લાઇનને વાગી ગોળી
દરમિયાન ઑસ્ટ્રિયાના સુરક્ષા દળની એક ટુકડી મશીનગન અને બુલેટપ્રૂફ જેકેટ સાથે ઇમારતમાં દાખલ થઈ.
તે લોકો ઉપર આવ્યા કે તેમનું સ્વાગત કાર્લોસ અને તેના સાગરિતોએ ગોળીઓ વરસાવીને કર્યું.
દરમિયાન કમાન્ડોની એક ગોળી દિવાલ સાથે ટકરાઈને ક્લાઇનના પેટમાં લાગી. ક્લાઇન કૉરિડોરમાં આવેલા રસોડામાં ઘૂસી ગયો.
ગોળીબાર ચાલતો હતો તેની વચ્ચે તેણે સિગારેટ સળગાવી. તેણે સ્વૅટર ઊતારીને પોતાનો ઘા જોયો. તેણે જોયું કે પેટમાં કાણું પડી ગયું હતું, પણ તેમાંથી લોહી નીકળતું નહોતું.
બાદમાં હાન્સ જોઆખિમ ક્લાઇને 'લિબરેશન' નામના અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ''હું સભાખંડમાં કાર્લોસને મને થયેલી ઈજા બતાવવા ગયો ત્યારે કાર્લોસે મારા માથાને થપથપાની કહ્યું કે તું અહીં બેસીને બંધકો પર નજર રાખવાનું કામ કર. તે દરમિયાન ક્રૉશેર ટાઇડમૅન પણ અંદર આવી અને કહ્યું કે તેણે બે જણને ઠાર કર્યા છે. કાર્લોસે હસીને કહ્યું કે ગુડ, મેં પણ એક જણને માર્યો છે.''
પડદા સાથેની મોટી બસની માંગણી
કાર્લોસે ત્યારબાદ અજબ પ્રકારના અંદાજમાં અરબીમાં જાહેરાત કરી, 'અમે પેલેસ્ટાઇનના કમાન્ડો છીએ અને અમારું લક્ષ્ય સાઉદી અરેબીયા અને ઈરાન છે.'
ત્યાં હાજર એક બ્રિટિશ સેક્રેટરી ગ્રિસેલ્ડા કેરીના માધ્યમથી ઑસ્ટ્રિયન સરકારને હસ્તલિખિત સંદેશ મોકલાયો.
તેમાં જણાવાયું હતું કે આગામી 24 કલાક ઑસ્ટ્રેલિયન રેડિયો અને ટીવી પર દર બે કલાકે તેમનો સંદેશ પ્રસારિત થતો રહેવો જોઈએ.
તેમની માંગણી હતી કે, 'અમને એક મોટી બસ આપો, જેની બારીઓમાં પરદા લાગેલા હોવા જોઈએ. બીજા દિવસે સવારે સાત વાગ્યે તેમાં અમે બંધકોને વિયેના એરપોર્ટ લઈ જવાના છે. એરપોર્ટ પર અમારા માટે એક ડીસી 9 વિમાન તૈયાર રાખવું. અમને અને અમારા બંધકોને અમે કહીએ ત્યાં લઈ જવાના છે.'
કાર્લોસે એવી પણ માંગણી કરી હતી કે તેમના ઘાયલ સાથી ક્લાઇનને તરત જ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે.
ઑસ્ટ્રિયન સરકાર તે માટે તૈયાર થઈ ગઈ હતી. ક્લાઇનને સ્ટ્રેચર પર બહાર લવાયો ત્યારે તેણે જમણા હાથથી ઘાને દબાવી રાખ્યો હતો, જ્યારે ડાબા હાથથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.
ઍમ્બુલન્સમાં તેને ચડાવાયો ત્યાં સુધીમાં ક્લાઇન બેહોશ થઈ ગયો હતો.
તેનું ઑપરેશન થયું ત્યારે ખબર પડી કે ગોળી તેના શરીરમાં ઘૂસીને બે ભાગમાં વહેંચાઈ હતી. તેના મળાશય અને પાચક ગ્રંથીમાં તે ઘૂસી ગઈ હતી.
ક્લાઇનને સાથે લઈ જવાનો નિર્ણય
જૉન ફોલેને પુસ્તકમાં આગળ લખ્યું છે, 'કાર્લોસે ફરી સંદેશ મોકલ્યો કે તેમને સ્ટાફ સાથે એક વિમાન આપવામાં આવે.
ઘાયલ ક્લાઇનને પાછો પોતાની પાસે લાવવાની તેણે માગણી કરી. એક રેડિયો, 25 મીટર લાંબું દોરડું અને પાંચ કાતર પણ આપવામાં આવે તેવી માગણી કરી હતી.'
'આ તરફ હૉસ્પિટલમાં ક્લાઇનનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું કે ક્લાઇનને સારું થવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે. એવું પણ જણાવાયું કે તેને લાઇફ સપોર્ટ મશીન પર જીવતો રાખવામાં આવ્યો છે.'
'કાર્લોસે પોતાના સાથીઓ સાથે ચર્ચા કર્યા પછી કહ્યું કે ઉડ્ડયન દરમિયાન ક્લાઇનનું ભલે મોત થઈ જાય, અમે સાથે લઈ જવા માગીએ છીએ. અમે સાથે આવ્યા હતા, સાથે જવા માગીએ છીએ.'
યમનીને મારી નાખવાની ધમકી આપી
દરમિયાન કાર્લોસે સાઉદી અરેબિયાના ઑઇલ મિનિસ્ટર યમનીને ઇશારો કર્યો કે તેઓ સભાખંડમાંથી બહાર નીકળીને બીજા કમરામાં આવે.
યમની યાદ કરતાં કહે છે, ''તે કમરામાં અમે બંને એકલા જ હતા. કાર્લોસે મને સ્પષ્ટ કહ્યું કે છેલ્લે તમને મારી નાખવાના છે.''
''હું તમને જણાવવા માગું છું તમારી સામે નહીં, પણ આ તમારા દેશ સામેની કાર્યવાહી છે. તમે સારા માણસ છો. મેં કહ્યું કે તમે મને સારા ગણો છો તો પણ મારી નાખવા માગો છો.''
''કદાચ તમે મારા પાસેથી કશુંક ઇચ્છો છો. કાર્લોસે કહ્યું કે હું શા માટે તમારા પર દબાણ કરું. હું તો ઑસ્ટ્રિયાની સરકાર પર દબાણ લાવી રહ્યો છું, જેથી અમે અહીંથી નીકળી શકીએ. તમારી વાત છે ત્યાં સુધી હું તમને સાચી વાત જણાવી રહ્યો છું.''
યમનીની વસીયત
યમની વધુમાં જણાવે છે, ''મેં મારી વસીયત લખવાનું શરૂ કરી દીધું. કાર્લોસે કહ્યું કે સાડા ચાર વાગ્યે અમે તમને ઠાર કરીશું. હું ઝડપથી લખવા લાગ્યો.''
''ચારને વીસે તે ફરીથી કમરામાં આવ્યો. મેં મારી ઘડિયાળ સામે જોઈને કહ્યું કે હજી મારી દસ મિનિટ બાકી છે. તે હસવા લાગ્યો અને કહ્યું કે તમારે હજી લાંબું જીવવાનું છે.''
ડુક્કરના માસની સેન્ડવિચ પાછી મોકલી
ફોલેન લખે છે, 'સવારથી કાર્લોસ અને તેમના સાથીઓએ કશું ખાધું નહોતું. બંધકોએ પણ ભોજન લીધું નહોતું.''
''કાર્લોસે માગણી કરી કે 100 સેન્ડવીચ અને થોડા ફળો મોકલો. ઑસ્ટ્રિયન સરકારે તરત માગણી પૂરી કરી. જોકે તેમાં ડુક્કરના માંસની સેન્ડવીચ હતી.''
''કાર્લોસને ખબર પડી એટલે તરત પાછી મોકલાવી, કેમ કે બંધકોમાં મોટા ભાગના મુસ્લિમો હતા, જે ડુક્કરનું માસ ખાતા નથી.''
'કાર્લોસે કહ્યું કે ખાવા માટે ચિકન અને ચિપ્સ મોકલો. હિલ્ટન હોટલે તેનો બંદોબસ્ત કર્યો.'
'ઓપેકના મંત્રીઓ માટે રાતનું ભોજન આમ પણ ત્યાં જ યોજાવાનું હતું. ખાવાનું અંદર લવાયું ત્યારે સભાખંડની અંધારું હતું, કેમ કે સવારે જ કાર્લોસે બધા બલ્બોને ગોળીથી ફોડી નાખ્યા હતા.'
'મીણબત્તીઓ સળગાવીને ભોજન અંદર પીરસવામાં આવ્યું હતું.'
ડૉક્ટરને સાથે મોકલવાની તૈયારી
આ ઘટના અંગે પુસ્તક લખનારા ડેવિડ યોલપ લખે છે, 'તે રાત બંધકો માટે ખરાબ રીતે વીતિ હતી. ખુરસીઓ પર જ તેઓ બેઠા રહ્યા હતા.'
'કેટલાકે ફરસ પર લંબાવીને થોડો આરામ કર્યો. બીજા દિવસે સવારે સાત વાગ્યે પરદા સાથેની બસ ઓપેક મુખ્યાલયના પાછળના ભાગે આવીને ઊભી રહી.'
'કાર્લોસ બધા બંધકોને તેમાં બેસાડીને ઍરપૉર્ટ પર પહોંચ્યો. ત્યાં સુધીમાં ઘાયલ ક્લાઇનને લઈને ઍમ્બુલન્સ પણ ત્યાં પહોંચી હતી.'
'એક ડૉક્ટરે સામે ચાલીને કહ્યું કે પોતે વિમાનમાં સાથે આવવા તૈયાર છે. તેથી તેમની વાત માની લેવાઈ હતી.'
કાર્લોસ હતો સુંદરીઓનો શોખીન
22 ડિસેમ્બરની સવારે નવ વાગ્યે વિમાન ઊડ્યું તે પછી કાર્લોસનું ટેન્શન કંઈક ઓછું થયું. જોકે હજી પણ તેણે ભરેલી બંદૂક પોતાના ખોળામાં જ રાખી હતી.
શેખ યમની યાદ કરતા કહે છે, ''ઉડ્ડયન વખતે મેં જાતભાતના વિષયો પર કાર્લોસ સાથે વાતચીત કરી હતી.''
''સામાજિક, રાજકીય અને એટલું જ નહિ સેક્સ વિશે પણ વાતો થઈ. મને લાગે છે કે તેને શરાબ અને ખૂબસુરત છોકરીઓનો સાથ ગમતો હતો.''
''મને નથી લાગતું કે કોઈ વિચારધારા સાથે તેને કંઈ લેવાદેવા હોય.''
''મુસાફરી દરમિયાન તે મારી સાથે મજાક પણ કરી રહ્યો હતો. જોકે હું એ વાત ભૂલી શકતો નહોતો કે થોડી વાર પહેલાં તેણે મને મારી નાખવાની ધમકી આપી હતી.
મેં તેને પૂછી પણ લીધું હતું કે તમે અમારું શું કરવાના છો? કાર્લોસે કહ્યું કે આપણે પહેલાં અલ્જિયર્સ જઈશું. ત્યાં બે કલાક રોકાયા બાદ ટ્રિપોલી તરફ આગળ વધીશું.
શું લીબિયામાં કોઈ સમસ્યા છે એમ મેં પૂછ્યું હતું? કાર્લોસે તેનો ઇનકાર કરતાં કહ્યું કે ત્યાં વડાપ્રધાન ઍરપૉર્ટ પર આવીને સ્વાગત કરવાના છે. ત્યાંથી બગદાદ જવા માટે બોઇંગ વિમાન તૈયાર હશે.''
બાદમાં વેનેઝુએલાના મંત્રી હર્નાન્ડેઝ અકોસ્ટાએ પણ કહ્યું હતું કે, ''વિમાનમાં કાર્લોસ ફિલ્મસ્ટારની જેમ ઑટોગ્રાફ આપી રહ્યો હતો.''
ફ્લાઇટ દરમિયાન ક્રૉશૅર ટાઇડમેન વિમાનના પાછલા ભાગમાં ઘાયલ ક્લાઇન પાસે બેસીને તેનો પરસેવો લૂછતી રહી હતી. તેનો હોઠ સુકાઈ જતો હતો ત્યારે તેને પાણી પણ આપતી હતી.
અલ્જિરિયાના વિદેશ મંત્રીએ કર્યું સ્વાગત
અઢી કલાકના ઉડ્ડયન બાદ કાર્લોસનું વિમાન અલ્જિયર્સ ઍરપૉર્ટ પર પહોંચ્યું. કાર્લોસ નીચે ઊતર્યો કે અલ્જિરિયાના વિદેશ મંત્રી અબ્દુલ અઝીઝ બોતેફિલ્કાએ તેને ગળે મળીને સ્વાગત કર્યું હતું.
એક ઍમ્બુલન્સમાં ક્લાઇનને હૉસ્પિટલ મોકલી દેવાયો. કાર્લોસે ઍરપૉર્ટ પરથી જ 30 જેટલા બિનઆરબ મંત્રીઓ અને તેમના સાથીઓને છોડી મૂક્યા.
યમની અને ઈરાનના ગૃહ મંત્રી અમૂઝેગર સહિત 15 લોકોને વિમાનમાં જ બેસી રહેવા જણાવાયું હતું.
શરૂઆતમાં ઉમળકો દેખાડ્યો પણ બાદમાં અલ્જિરિયાની સરકારને કાર્લોસ સાથે માફક આવ્યું નહીં. કાર્લોસે એક વિમાનની માગણી કરી, પણ અલ્જિરિયાએ તેનો સ્વીકાર કર્યો નહીં.
છેવટે ઑસ્ટ્રિયાથી મળેલા વિમાનમાં જ બળતણ ભરવામાં આવ્યું. તેને ત્યાંથી ટ્રિપોલી લઈ જવાયું.
જોકે ત્યાં ધારણા હતી તેવી રીતે કાર્લોસનું સ્વાગત થયું નહીં. આ દરમિયાન કાર્લોસનો એક સાથી બીમાર પડી ગયો અને વિમાનમાં એક ખૂણામાં ઊલટી કરવા લાગ્યો.
ટ્યુનીશિયાએ વિમાન ઊતરવા દીધું નહીં
રાત્રે એક વાગ્યે વિમાન ટ્રિપોલીથી ફરી ઉડ્યું. વિમાન ટ્યુનિસ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ઍર ટ્રાફિક કન્ટ્રોલે તેને ત્યાં ઉતરાણ માટે મંજૂરી આપી નહીં.
કાર્લોસ પાસે અલ્જિયર્સ પાછા ફર્યા સિવાય કોઈ ઉપાય નહોતો.
કાર્લોસે ત્યાં મંત્રણા કર્યા પછી બધા જ બંધકોને મુક્ત કરવા માટેનો નિર્ણય કર્યો.
યમની યાદ કરતાં કહે છે, ''કાર્લોસે જાહેરાત કરી કે હું વિમાનની નીચે જાઉં છું. પાંચ મિનિટ પછી તમે પણ નીચે ઉતરી આવજો.''
''કાર્લોસે નીચે ઊતર્યો કે તેની સાથે તેની ટોળકી પણ નીચે ઊતરી ગઈ. મને ડર હતો કે તે લોકો ઊતરી જાય કે તરત જ વિમાનમાં વિસ્ફોટ ના થઈ જાય. પાંચ મિનિટ રાહ જોઈને મેં પણ નીચે ઊતરવાનો નિર્ણય કર્યો. જોકે મારી પહેલાં મારા એક સાથીએ નીચે ઊતરવાની કોશિશ કરી. તેમને ડર હતો કે કાર્લોસના લોકો સીડીઓ પાસે મને નિશાન બનાવવા માટે બેઠા હશે.''
કાર્લોસને પાંચ કરોડ ડૉલરની ખંડણી
બાદમાં ક્લાઇને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ''કાર્લોસે બાદમાં મને કહ્યું હતું કે તેમણે સાઉદી મંત્રી શેખ યમનીને એટલા માટે ના માર્યા કે અલ્જિરિયાની સરકારે તેમને પૈસા અને સુરક્ષા આપવાનું વચન આપ્યું હતું.''
વર્ષો બાદ આ વાતની પુષ્ટી થઈ હતી કે અલ્જિરિયાએ કાર્લોસને આ લોકોની જીવતા છોડી દેવા માટે પાંચ કરોડ ડૉલર આપ્યા હતા.
બાદમાં સાઉદી અરેબીયા અને ઈરાને તે નાણાં ચૂકવી આપ્યા હતા.
એવું પણ કહેવાય છે કે કાર્લોસે આ નાણાં પોતાને કામ સોંપનારા માલિકોને આપ્યા નહોતા.
તેણે પૈસા અંગત ઉપયોગ માટે રાખી લીધા હતા. જોકે તે એક અલગ જ કહાની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો