સવર્ણને અનામત આપવાનું બિલ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર બિનઅનામત વર્ગને અનામત આપવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

'યૂથ ફૉર ઇક્વાલિટી' નામના સમાજિક સંગઠન દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

સંગઠન સાથે જોડાયેલા ડૉ. કૌશલકાંત મિશ્રાનું માનવું છે કે આર્થિક આધાર પર અનામત લાગુ ના કરી શકાય એટલે આ બિલને રદબાતલ કરવું જોઈએ.

અરજીમાં એવું પણ કહેવાયું છે કે સવર્ણોને અનામત આપવા માટેનું બિલ બંધારણના મૂળભૂત લક્ષણ વિરુદ્ધ પણ છે.

નોંધની છે કે કેન્દ્રની મોદી સરકારે સવર્ણ સમુદાયને દસ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે.

આ અંગેનું બિલ લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે મંગળવાર અને ગુરુવારે પાસ કરવામાં આવ્યું છે.

અયોધ્યા કેસની સુનાવણી 29 જાન્યુઆરી સુધી ટળી

અયોધ્યામાં બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિના વિવાદ મામલે સુનાવણી હવે 29 જાન્યુઆરીએ થશે. આજે સુનાવણીની શરુઆતમાં જ જસ્ટિસ યૂ.યૂ. લલિત બૅન્ચમાંથી ખસી ગયા છે.

એક મુસ્લિમ અરજીકર્તાના વકીલ રાજીવ ધવને કહ્યું કે, "મહામહિમ, જસ્ટિસ લલિત અગાઉ 1997માં અયોધ્યા અપરાધ કેસમાં વકીલ તરીકે પેરવી કરી ચૂક્યા છે એટલે તેઓ આ બૅન્ચનો ભાગ ન હોવા જોઈએ."

ધવનની આ ટિપ્પણી પર બંધારણીય બૅન્ચના પાંચે જસ્ટિસે આ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

બંધારણીય બૅન્ચનું ગઠન થયા બાદ આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જસ્ટિસ યૂ. યૂ. લલિત આ કેસને નથી સાંભળવા માગતા જેથી સુનાવણી હાલ સ્થગિત કરવી પડશે.

સુનાવણીની સંવેદનશીલતા જોતા સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને બહાર મોટી સંખ્યામં સુરક્ષા ગોઠવવામાં આવી હતી.

સુપ્રીમની બંધારણીય બૅન્ચ 2010માં અલાહાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદા પર સુનાવણી કરવાની છે. આ ચુકાદા પર 14 જેટલી અપીલ કરવામાં આવેલી છે.

દિલ્હીમાં ગાયો માટે પીજી હૉસ્ટેલ શરૂ થશે

દિલ્હી સરકાર બુધવારે કહ્યું કે તેઓ ગાયો માટે પીજી હૉસ્ટેલ શરૂ કરશે.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય અનુસાર અહીં ગાયોના ખાન-પાનથી લઈને તેમની દેખરેખની તમામ સુવિધાઓ હશે.

હૉસ્ટેલની સુવિધા માટે ગાયના માલિકને નાણાં આપવા પડશે. તમામ ગાયો અને પાલતૂ પશુઓના સ્વાસ્થ્ય પર નિગરાની રાખવા માટે તેમના પર માઇક્રોચીપ પણ લગાવવામાં આવશે.

તમામ 272 વૉર્ડ્સમાં પશુ હૉસ્પિટલ પણ હશે. ધુમ્મન હેડા ગામમાં 18 એકરની જમીનમાં ગૌશાળાની સાથે વૃદ્ધાશ્રમ બનાવાવમાં આવશે. જ્યાં વૃદ્ધો ગાયોની સેવા કરી શકશે.

તમે આ વાંચ્યું કે નહીં?

બુલંદશહર હિંસા કેસમાં વૉન્ટેડ આરોપીની ધરપકડ

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં હિંસા વેળા પોલીસ અધિકારીની હત્યાના કેસમાં વૉન્ટેડ આરોપીની પોલીસે ગત રાત્રે ધરપકડ કરી લીધી હતી.

બુલંદશહરથી 37 કિમી દૂરથી શિખર અગ્રવાલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર શિખર ભાજપના યુવા મોર્ચાનો નેતા છે.

અહેવાલમાં કહેવાયું છે કે શિખર અગ્રવાલે ગત મહિને એક વીડિયો રિલીઝ કર્યો હતો. જેમાં હિંસા માટે પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંઘને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

તેમાં શિખર અગ્રવાલે કથિતરૂપે આરોપ લગાવ્યો હતો કે સુબોધ કુમારે તેમને ગાયના કંકાલ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહેલા વ્યક્તિઓ અને તેમને પોતાને અવરોધ્યા હતા. આથી તણાવ સર્જાયો હતો.

અત્રે નોંધવું કે બુલંદશહરમાં ગૌહત્યા મુદ્દે થયેલી હિંસા વેળા પોલીસ અધિકારી સુબોધ કુમારની ટોળાંએ હત્યા કરી નાખી.

પીએમ મોદીએ કહ્યું, 'આ બિલ બંધારણના નિર્માતાઓને શ્રદ્ધાંજલિ'

સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર અનામત આપવા માટે બંધારણમાં સંશોધન સંબંધી બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે.

હવે આ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવશે.

રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ટ્વીટ કર્યાં હતાં.

પહેલા ટ્વીટમાં લખ્યું, "ખુશ છું કે રાજ્યસભાએ સવર્ણ અનામત-બંધારણ (124મું સંશોધન) બિલ, 2019 પાસ કરી દીધું. આ બિલને વ્યાપક સમર્થન જોઈને ખુશી થાય છે. સદને જીવંત ચર્ચા જોઈ જેમાં ઘણા સભ્યોએ પોતાનો મત વ્યક્ત કર્યો."

ત્યારબાદના ટ્વીટમાં વડા પ્રધાન મોદીએ આ બિલના પાસ થવાને 'બંધારણના નિર્માતાઓ અને સ્વતંત્ર સેનાનીઓ માટે શ્રદ્ધાંજલિ ગણાવી. તેઓ એવા ભારતની કલ્પના કરતા હતા કે જે મજબૂત અને સમાવિષ્ટ હોય.'

પરેશ રાવલનો નસિરુદ્દીનને જવાબ, 'પથ્થર ઉઠાવીને નથી માર્યો'

હિન્દી ફિલ્મ અભિનેતા નસિરુદ્દીન શાહે તાજેતરમાં દેશના માહોલ વિશે ટિપ્પણી કરી હતી, "દેશના માહોલમાં ઘણું ઝેર ફેલાઈ ગયું છે."

નસિરુદ્દીન શાહની આ ટિપ્પણીનો જવાબ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે આપ્યો છે.

બીબીસી હિંદીના સહયોગી સંવાદદાતા મધુ પાલ સાથેની વાતમાં પરેશ રાવલે કહ્યું, "નસિર આવું કહી શક્યા, એ જ સાબિતી છે કે આ દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."

તેમણે એવું પણ કહ્યું, "તેમણે આટલું કહ્યું એમ છતાં કોઈએ પથ્થર ઉઠાવીને માર્યો નથી, ના તો કોઈએ તેમના વાળ પકડ્યા છે. તો પછી કઈ વાતનો ડર છે?"

ઇઝરાયલના પૂર્વ કૅબિનેટ મંત્રી ઈરાન માટે જાસૂસી કરતા હતા

ઇઝરાયલના પૂર્વ કૅબિનેટ મંત્રી ગોનેને સેગેવને ઈરાન માટે જાસૂસી કરવાના મામે 11 વર્ષની કેદની સજા કરાઈ છે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી.

સેગેવ 1990માં ઇઝરાયલના ઊર્જામંત્રી રહી ચૂક્યા છે. તેમણે પોતે ઈરાન માટે જાસૂસી કરવાની વાત કબૂલી છે.

તેમના પર ઇઝરાયલના અધિકારીઓ અને સેના સાથે જોડાયેલી માહિતી લીક કરવાનો આરોપ હતો.

સેગેવ નાઇજીરિયામાં રહેતા હતા અને તેમની મધ્ય આફ્રિકન દેશ ઇક્કીટોરિયલ ગિનીથી ધરપકડ કરાઈ છે. 11 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે તેમને સજા સંભળાવાશે.

ગુજરાતનાં 22 ઍન્કાઉન્ટર : અરજીકર્તાને તપાસ રિપોર્ટ આપવાનો સુપ્રીમનો આદેશ

વર્ષ 2002 થી 2006 વચ્ચે ગુજરાતમાં થયેલાં 22 ઍન્કાઉન્ટરને ફેક ગણાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી.

'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે કોર્ટે ગુજરાત સરકારના વિરોધ છતાં જસ્ટિસ એચ. એસ. બેદી પૅનલનો તપાસ રિપોર્ટ અરજીકર્તા જાવેદ અખ્તર અને બી. જી. વર્ગીસને આપવાનો આદેશ કર્યો છે.

આ રિપોર્ટની ગોપનીય રાખવાની ગુજરાત સરકારની દલીલને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખી હતી.

ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું કે હજુ સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને સ્વીકાર્યો નથી, પહેલા ગુજરાત સરકાર અને અરજીકર્તા પોતાનો વાંધા ચાર સપ્તાહમાં નોંધાવે. ત્યારબાદ કોર્ટ રિપોર્ટ સ્વીકારવા અંગે નિર્ણય આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો