રામમંદિર મુદ્દો : મોદી માટે સંકટ કે બનશે સંકટમોચન?

    • લેેખક, સુહાસ પલશીકર
    • પદ, સમાજશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ એટલે કે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં કેટલાંક ભાષણો આપ્યાં હતાં.

આ ભાષણોથી પ્રભાવિત થઈને મીડિયાના એક ભાગે ત્યાં સુધી કહી દીધું કે આરએસએસ બદલી ગયું છે.

આ ગણતરીએ આરએસએસની મૂળ રાજકીય સ્થિતિને જ નજર અંદાજ કરી દીધી.

જોકે, ત્યારબાદ આવે છે ભાગવતે દશેરા પર આપેલું ભાષણ. ભાગવતે સાફ કર્યું કે રામ મંદિરના મુદ્દા પર આરએસએસ પોતાના સ્ટેન્ડ પર અડગ છે.

ત્યારબાદથી લઈને અત્યારસુધી રામ મંદિર એક વાર ફરી સમાચારોમાં આવી ગયું છે.

હવે દેશમાં રામ મંદિરના મુદ્દા પર કૉન્ફરસ, રેલી અને અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે.

આવનારા દિવસોમાં રામ મંદિરના મુદ્દા પર અનેક કાર્યક્રમો અયોધ્યામાં પણ જોવા મળશે.

એવામાં સવાલ એ છે કે શું દેશમાં ફરી એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે આજથી પહેલાં 30 વર્ષ પહેલાં હતી? જો એવું થયું તો તેનું પરિણામ શું આવશે?

કેટલાક સવાલો જેના જવાબો હાલ સ્પષ્ટ નથી

જો ભૂતકાળની તરફ નજર નાખીયે તો કેટલાક સવાલોના જવાબ શોધવા રસપ્રદ બની શકે છે.

અયોધ્યા મુદ્દા પર વર્તમાન સમયના નવા અડવાણી અને વાજપેયી કોણ હશે? આ મુદ્દાથી થનારા ફાયદાનો લાભ કોણ ઉઠાવશે?

સૌથી મહત્ત્વની વાત એ છે કે અયોધ્યાના મુદ્દા પર ભારતની રાજનીતિ કઈ બાજુ આગળ વધશે?

30 વર્ષ પહેલાં રામ જન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરવાની જવાબદારી અડવાણીના ખભા પર હતી.

અડવાણીના નેતૃત્વમાં કારસેવા, રથયાત્રાઓ સમગ્ર દેશમાં કાઢવામાં આવી હતી.

જેનો ઉદ્દેશ હિંદુઓને રામ મંદિરના મુદ્દા પર એક કરવાનો હતો.

જેનું પરિણામ એ આવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી નાખવામાં આવી.

તમે આ વાંચ્યું કે નહીં?

6 ડિસેમ્બર 1992ની એ તારીખ

1992ની ડિસેમ્બર મહિનાની છઠ્ઠી તારીખ. અયોધ્યામાં બાબરી ધ્વંસ બાદ રામ જન્મભૂમિ આંદોલનની ગતિ ધીમી પડી ગઈ.

તેનું કારણ એ હતું કે આ આંદોલનથી જે રાજકીય ફાયદો મળી શકતો હતો તે ભાજપ ઉઠાવી ચૂક્યો હતો.

બીજું એ કે આ આંદોલન છતાં પણ ભાજપને બહુમતી મળી ન હતી.

ત્યારે એ નક્કી કરવામાં આવ્યું કે બીજા પક્ષો સાથે ગઠબંધન કરવા માટે વિવાદીત મુદ્દાઓને કોરાણે મૂકી દેવા જોઈએ.

ત્રીજું એ કે ભલે નાના સ્તરે હિંદુ ગૌરવની વાહવાહી થઈ હોય પરંતુ બાબરી ધ્વંશ બાદ સામાન્ય લોકો ખુલીને સામે આવ્યા નહીં. મીડિયાએ પણ બાબરી ધ્વંસની ખૂબ ટીકા કરી.

તેમ છતાં પણ અયોધ્યાની યાદોને બચાવી રાખવાની કોશિશ કરવામાં આવી.

પછી ભલે તે ભૂમિપૂજન હોય કે મંદિરના નિર્માણ માટે યોજના બનાવવાની હોય.

દર વર્ષે 6 ડિસેમ્બરે મનાવવામાં આવતો જશ્ન આ કડીનો જ એક ભાગ છે.

રામ મંદિર પર કોર્ટની તારીખ આ મુદ્દાની યાદ તાજી કરાવ્યા રાખે છે.

લિબ્રાહન કમીશનને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. એ તપાસ લાંબી ચાલી એટલે આ મુદ્દો આજે પણ હેડલાઇન બનતો રહ્યો.

આરએસએસ રામ મંદિરનો મુદ્દો કેમ ઉછાળી રહ્યો છે?

હવે જ્યારે 2014થી કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે આરએસએસ એકવાર ફરીથી કેમ રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને વિવાદ ઊભો કરવા માગે છે?

આ સવાલનો એક માસૂમ જવાબ એ હોઈ શકે કે આરએસએસ અને ભાજપ (ખાસ મોદી) વચ્ચે તણાવનો માહોલ છે. એટલે વિવાદ મોદીને સંકટમાં નાખવા માટે છે.

બની શકે કે આરએસએસ અને ભાજપ વચ્ચે મતભેદ હશે પરંતુ આ જવાબ પર્યાપ્ત નથી.

આ વખતે તો તેઓ પોતાના દમ પર સત્તા પર છે. એટલે એ વાત તો સંભવ નથી કે આરએસએસ અને મોદી અંદરની વાતને લઈને એકબીજા માટે સંકટ ઊભું કરે.

કેટલાક લોકો આ સવાલના જવાબ માટે બીજા પાસા તરફ ધ્યાન દોરે છે. ભાજપ અને આરએસએસ સત્તામાં છે ત્યાં સુધીમાં આ મામલાને ઉકેલી લેવા માગે છે જેથી રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ જાય.

કેટલાક ભોળા આરએસએસ સમર્થક જરૂર એવું વિચારતા હશે કે કેન્દ્રી તાકતવર મોદી સરકાર આસાનીથી રામ મંદિર બનાવી શકે છે. જોકે, હકીકત એવી નથી.

એ સંભવ જ નથી કે આ મુદ્દાને આટલો સરળતાથી ઉકેલી શકાય. ખાસ કરીને ત્યારે જ્યારે રામ મંદિર સાથે જોડાયેલા કેસોની સુનાવણી બાકી છે.

2019 પહેલાં ખતરો ઉઠાવશે મોદી સરકાર?

આ પુરા મામલામાં એ સવાલ મહત્ત્વનો છે કે સાડા વર્ષો સુધી આ મામલે નિર્જીવ મુદ્રામાં રહેનારી મોદી સરકાર અચાનક સજીવ થઈ જઈને પોતાના માટે સંકટ ઊભું કરશે?

તો આ સ્થિતિમાં ચૂંટણીની પહેલાં જ આ મુદ્દે કેમ સમાચારોમાં છે? સવાલના જવાબમાં તમારે ત્રણ પાસાં સમજવાં પડશે.

ભાજપ અને આરએસએ ખરેખર વધારે રામ ભક્ત નથી પરંતુ તેઓ આ મુદ્દાના રાજકીય ફાયદાને ધ્યાનમાં રાખીને આગળ વધે છે.

ગત ચૂંટણીઓમાં મોદીના નેતૃ્ત્વમાં ભાજપને સફળતા મળી. હાલની ચૂંટણીઓમાં મોદી મેજીક જરા ઓછો થયો છે.

સાથે ભાજપ પોતાની નાકામીને બદલે બીજા કોઈને જવાબદાર ઠેરવી શકે નહીં કારણ કે સત્તામાં ખુદ ભાજપ જ છે.

કોંગ્રેસ ખૂબ ઓછી જગ્યાએ સત્તામાં છે. આ સ્થિતિમાં ભાજપ લોકો સમક્ષ કોંગ્રેસને ગુનેગારની રીતે રજૂ કરી શકે નહીં.

આવી સ્થિતિમાં ભાજપ-આરએસએસે ચૂંટણીનું એવું ગણિત કર્યું હશે કે ભાવનાઓનો સહારો લઈને એક વધુ ચૂંટણી જીતી શકાશે.

ગયાં ચાર વર્ષોમાં લવ જેહાદ અને ગૌરક્ષાના મુદ્દા સતત હિંદુ સંગઠનો વચ્ચે સળગતા રહ્યા છે.

આ સાફ ગણિત છે કે સત્તાની નિષ્ફળતાઓ માટે અયોધ્યાના મુદ્દાને આગળ રાખીને ધાર્મિક ભાવનાઓ દ્વારા હિંદુત્વની રાજનીતિ કરવી.

ભારતની બુહમતી વસતિ હિંદુઓ છે. આ જૂનું ગણિત છે કે જો હિંદુઓને એક રાખીને પોતાના પક્ષમાં રાખવામાં આવે તો ચૂંટણીનાં પરિણામો પોતાના પક્ષમાં આવી શકે છે.

અડવાણીનું ગણિત હજી ચાલુ...

રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન અડવાણીનું પણ આ જ ગણિત હતું.

હિંદુ મતોની રાજનીતિએ 1989 બાદ ભાજપને ઘણો ફાયદો પહોંચાડ્યો છે.

એવામાં જો આગામી ચૂંટણી હિંદુ ગૌરવના નામ પર લડવામાં આવે તો તેમાં હેરાન થવા જેવી વાત નહીં હોય.

દેશનો વિકાસ અને હિંદુત્વ એક ચીજ છે, ગઈ ચૂંટણીઓમાં મોદી આ વાત સાફ કરી ચૂક્યા છે. મોદી હિંદુ સમ્રાટ અને વિકાસપુરુષ બંને છે.

'રામ મંદિર એટલે હિંદુંઓનું ગૌરવ' સંભાવના એવી છે કે આવી વાત પર મોટાભાગના હિંદુઓ આગામી ચૂંટણીઓમાં આકર્ષિત થઈ શકે છે.

રામના નામ પર અચાનક શરૂ થયેલી રાજનીતિ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ શરૂ કરવામાં આવી છે.

આથી એ વાત સાફ થઈ જાય છે કે ભાજપ આગામી ચૂંટણીમાં જીતને લઈને વિશ્વાસથી ભરેલી દેખાતી નથી.

વિવાદિત મુદ્દો પર કોણે હાથ નાખ્યો?

યાદ કરો, વર્ષ 2014 પછી જેટલા પણ વિવાદિત મુદ્દાઓ છે તે કોના તરફથી ઉઠાવવામાં આવ્યા છે.

આ નાનાં અથવા મોટાં સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ હતા જે સરકાર કે ભાજપના સ્ટ્રક્ચરનો હિસ્સો નથી.

ગૌરક્ષા જેવા અનેક મહત્ત્વના મુદાઓ પર મોદી એમ પણ મૌનવ્રત રાખે છે. જો એ એમ પણ કંઈ બોલે છે તો પણ સંતની જેમ... 'તમામ કામ બંધારણના દાયરામાં થવાં જોઈએ.'

કેટલાક વિશ્લેષ્કો આવા નિવેદનોને અલગ રીતે જુવે છે. તેઓ કહે છે કે મોદી હવે હિંદુ અને મુસ્લિમની વચ્ચે ભેદ રાખતા નથી.

હકીકત એ છે કે સત્તામાં આવ્યા બાદ ભાજપ અને આરએસએસ વચ્ચે કામની વહેંચણી કરવામાં આવી છે.

આર્થિક કાર્યક્રમો સાથે જોડાયેલાં કામોનું નેતૃ્ત્વ પક્ષ અને સરકાર કરશે. આરએસએસ આવા મામલામાં દખલ નહીં કરે.

બીજી તરફ આરએસએસ સંસ્કૃતિ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવશે. સંઘની જવાબદારીમાં ઉગ્ર મુદ્દાઓ પર સ્ટેન્ડ લેવાનું અને લોકોનો મત બનાવવાનું કામ રહ્યું.

વિવાદોથી અંતર

આ કામની વહેંચણીનું પરિણામ એ આવ્યું કે ભાજપ અને સરકાર ગૌરક્ષા, લવ જેહાદ અને ગેર-મુસ્લિમોની હત્યા સાથે જોડાયેલા લોકોથી અંતર રાખ્યું.

સરકાર એવો દાવો કરી શકે કે તે દેશના વિકાસનામાં ધ્યાન આપી રહી છે. પરંતુ આખરે સત્ય એ છે કે ભાજપનાં મૂળ આરએસએસમાં છે.

આરએસએસ માટે સાંસ્કૃતિક સત્તા પર કબ્જો કરવો સરકાર ચલાવવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

આ એજન્ડા અંતર્ગત કામ કરવાના મામલામાં સંઘ હાલ અભૂતપૂર્વ સ્થિતિમાં છે.

હાલ જે કોશિશ થતી દેખાઈ રહી છે તે રામ મંદિરના મુદ્દા પર અડવાણી સ્ટાઇલની રાજનીતિને આગળ વધારવા જેવી જ છે.

હિંદવાદી માળખા અને સંઘમાં અનેક પ્રકારના લોકો હોય છે. એક કે જેઓ રાજકીય ગણિતને ધ્યાનમાં રાખીને રાજનીતિ કરે છે.

એવા પણ લોકો છે જે શાંતિથી કામ કરીને સંસ્કૃતિની રાજનીતિ કરે છે. જોકે, કેટલાક એવા પણ લોકો છે, જે રાષ્ટ્રવાદી હિંદુ છે.

આવા લોકો માટે ભાજપનું સત્તામાં આવવું હિંદુ રાષ્ટ્રનો રસ્તો સાફ થવા જેવું છે.

એવા પણ લોકો છે જે ખરેખર માને છે કે રામ મંદિર માત્ર ભાજપની સરકારમાં જ બની શકે છે.

આ લોકો રામ મંદિરને ભાજપ સરકારની જવાબદારી માને છે. આ શ્રેણીના મોટાભાગના લોકો શહેરી હિંદુત્ત્વવાદી છે.

સંઘ અને ભાજપ બંને પર દબાણ

આ લોકોની આશાઓનું દબાણ ભાજપ અને સંઘ બંને પર છે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ રામ મંદિરના મુદ્દો સક્રિય થઈ ગયા છે. આ લોકો હિંદુઓને વધુથી વધુ એકજૂટ કરવા કોશિશ કરી રહ્યા છે.

રામ મંદિર આંદોલનની દિશા એ બાબત પર નિર્ભર કરશે કે આરએસએસ અને ભાજપ કઈ રીતે સ્વઘોષિત સમર્થકોને પહોંચી વડશે?

હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિનો એક મહત્ત્વનો પડાવ ત્યારે પૂરો થયો હતો, જ્યારે ભાજપ-આરએસએસ દ્વારા રામજન્મ ભૂમિના મુદ્દાને આગળ ધપાવવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન હિંદુ આઇડેન્ટીટી જાતિથી ઉપર રહી.

પણ હવે રામ મંદિરનો મુદ્દો એક નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુત્ત્વની રાજનીતિની વાત કરનારા લોકો સામે પણ નવા પડકારો છે.

આ લોકોએ ધર્મની વિરાસત અને અન્ય ધર્મ માટેના પાગલપનને એક એવી પેઢી સમક્ષ લઈ જવાનું છે જે કમ્યૂનિકેશન અને ટેકનૉલૉજીમાં માહેર છે.

જ્યારે અયોધ્યા આંદોલન આખરી ચરણમાં ચાલી રહ્યું હતું તે આર્થિક સુધારનો દોર હતો. ત્યારે ભારત વૈશ્વિકરણના શરૂઆતી પગથિયાં ચઢી રહ્યો હતો.

આ કારણે નવી તકો, નવી ચિંતાઓ અને નવી પરેશાની પણ પેદા થઈ હતી. એવું માનવામાં આવે છે કે વૈશ્વિકરણની પ્રક્રિયામાં લોકો તકનીક અને આર્થિક રીતે વિકસિત થયા પરંતુ સંસ્કૃતિના મામલે તેઓ આજે પણ ભૂતકાળ સાથે જોડાયેલા છે.

આથી વૈશ્વિકરણના પડછાયામાં જીવતી પેઢીને પણ તેનાથી અલગ નથી રાખી શકાતી.

બીજાને લઈને પાગલપન એટલે કે ગૌરવનો દોર

એવામાં જે લોકો અયોધ્યાના મુદ્દાને ઉઠાવી રહ્યા છે, સ્થિતિ તેમના પક્ષમાં આવી શકે છે.

હાલ એવો માહોલ છે, જેમાં બીજાને લઈને પાગલપણાને ગૌરવ સાથે જોડીને જોવામાં આવે છે.

'અમે હિંદુ છીએ.' 'અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.' આવી વાતો સરળતાથી ફેલાવવામાં આવી રહી છે.

જેને ધ્યાનમાં રાખતા અયોધ્યા આંદોલનનું નવું ચરણ નવી અને યુવા પેઢીના દિમાગમાં સાંપ્રદાયિક રાજનીતિના બીજ વાવી શકાય છે.

રામ મંદિરના મુદ્દા સાથે હિંદુ ધર્મ, પરંપરાઓ અને ભારતીય ઇતિહાસને નવી પેઢી સામે રજૂ કરવામાં આવશે. ચૂંટણી આવીને જતી રહેશે તેમાં ભાજપ જીતશે કાં તો હારશે.

પરંતુ આ સમયગાળા દરમિયાન 18 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા યુવાનોના દિમાગમાં જે છબી બનશે તે રહી જશે. આ બાબત ભારતના ભવિષ્યને પ્રભાવિત કરશે.

દેખીતી વાત છે કે આનો ફાયદો આરએસએસની સાંસ્કૃતિક રાજનીતિને મળશે. આ મામલે જે લોકો હિંદુઓની ધાર્મિક ભાવનાઓની રાજનીતિ કરશે તેમની નજર ભવિષ્યમાં રાજનૈતિક સત્તા અને સાંસ્કૃતિક સત્તા પર હશે.

અયોધ્યાના મુદ્દાને લઈને જે રાજનીતિ થઈ રહી છે તેનાથી સ્પષ્ટ છે કે ધર્મની રાજનીતિને ટાળવી મુશ્કેલ છે. મંદિર બનશે કે નહીં તે અલગ મુદ્દો છે પરંતુ આરએસએસની શરૂઆતની લડાઈમાં કોઈ અન્ય પ્રતિસ્પર્ધી નથી.

આરએસએસે પોતાની રાજનૈતિક દિશા 30 વર્ષ પહેલાં સ્પષ્ટ કરી દીધી હતી. હવે જ્યારે ફરીથી આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે તો તેને રોકનારું કોઈ નથી.

એવામાં એ સવાલ મનમાં ઊઠે છે કે શું આ બધી બાબતો ભારતીય લોકતંત્રને બગડવાના લક્ષણ સમાન નથી?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો