25મી નવેમ્બરની તૈયારી : અયોધ્યાના મુસ્લિમો ખરેખર ભયમાં છે?

    • લેેખક, સમીરાત્મજ મિશ્રા
    • પદ, બીબીસી હિંદી

છેલ્લા કેટલાક વખતથી અયોધ્યામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવનારા દિવસોમાં અયોધ્યામાં જે પ્રકારે સમીકરણો બદલાવાના છે, તેનાથી સામાન્ય લોકો પણ કંટાળી ગયા છે. પણ અહીંના મુસ્લિમ સમુદાયની ચિંતા અન્ય લોકોથી વધારે છે.

અયોધ્યાના વિવાદિત પરિસરથી થોડા અંતરે રહેતાં બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી સ્પષ્ટ ભય વ્યક્ત કરે છે.

તેઓ જણાવે છે, ''જો આવો જ માહોલ રહ્યો તો અમારે અયોધ્યા છોડી દેવું પડશે.''

સામે અયોધ્યાના અન્ય મુસ્લિમોમાં પણ લોકોના મેળાવડાના કારણે ડરનો માહોલ સર્જાયો છે.

આવતી 24 અને 25 નવેમ્બરના રોજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રામ મંદિર મુદ્દે સમર્થન મેળવવા અયોધ્યા પહોંચી રહ્યા છે.

તેમનો આ કાર્યક્રમ લગભગ એક મહિનાથી નક્કી છે. કાર્યક્રમની તૈયારીઓની તપાસ કરવા ગયા અઠવાડિયે શિવસેનાના સાંસદ સંજય રાઉત અયોધ્યા પહોંચ્યા હતા.

'અમે અયોધ્યા છોડી દઈશું'

આ કાર્યક્રમની જાહેરાત બાદ લગભગ આ જ કારણથી વિશ્વ હિન્દુ પરિષદે પણ 25 નવેમ્બરે 'અયોધ્યા ધર્મસભા'ની જાહેરાત કરી છે. તેમાં એક લાખથી વધુ લોકો જોડાશે એવો દાવો કરાઈ રહ્યો છે.

સંજય રાઉત અયોધ્યા પહોંચ્યા ત્યારે જ વીએચપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય પણ ત્યાં હાજર હતા. તેમણે બુધવારે લખનૌમાં એક પ્રેસ કૉન્ફરન્સ પણ યોજી હતી.

ચંપત રાયે જણાવ્યું, "મંદિર પર સુનાવણી ટળવાથી હિંદુઓમાં આક્રોશ છે. એક લાખ લોકો 25 તારીખે અયોધ્યા પહોંચશે. 125 કરોડ હિંદુ સમાજની લાગણીઓને પ્રાથમિકતા મળવી જોઈએ. એટલે જ આ ધર્મસભાનું આયોજન થઈ રહ્યું છે."

આ પહેલાં ગયા મહિને 'આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ'ના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ પણ અયોધ્યામાં રામ મંદીર માટે માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસી સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું કે, "વર્ષ 1992માં પણ આ જ રીતે ભીડ એકઠી થઈ હતી.''''એ વખતે કેટલીયે મસ્જિદો તોડી પડાઈ હતી અને મકાનો સળાગાવી દેવાયાં હતાં. બહારથી આવી રહેલા આ લોકોથી અયોધ્યાના મુસલમાનો ડરેલા છે."

''આ રીતે જ લોકોની ભીડ વધવાની હોય તો અમારી અને અન્ય મુસ્લિમાનોની સુરક્ષા વધારવી જોઈએ. જો સુરક્ષા નહીં વધે તો અમે 25 તારીખ પહેલાં અયોધ્યા છોડી દઈશું.''

આ વિશે વધુ વાંચો

'હિંદુઓને પણ અસર થશે'

ઈકબાલ અંસારી જણાવે છે, "અયોધ્યાના હિંદુઓ અને મુસ્લિમોને એકબીજા પ્રત્યે કોઈ જ તકલીફ નથી. તેમજ આ મેળાવડામાં પણ એ જ હિંદુઓ સામેલ થશે જે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય. બાકીના નહીં."

તેમના મતે, 'બહારથી આવતા લોકોને અહીંના હિંદુ કે મુસ્લિમ કોઈ જ નથી ઓળખતા. તેઓ મનમાં આવે તેવુ કરશે, તેમાં મુસ્લિમો તો હેરાન થશે જ સાથે હિંદુઓને પણ અસર પહોંચશે.'

જોકે, ઈકબાલ અનસારીની આ ચિંતાને રાજ્યના પોલિસ મહાનિદેશક ઓ.પી. સિંહેએ ગંભીરતાથી લીધી છે.

તેમણે બીબીસીને જણાવ્યુ છે કે ''માત્ર અયોધ્યા જ નહીં સમગ્ર રાજ્યના મુસ્લિમો પોતાને સુરક્ષિત સમજે. કોઈને કંઈ જ તકલીફ નહીં થાય.''

અયોધ્યામાં જ રહેતાં રઈસ અહેમદે કહ્યું, "આમ તો કોઈ ડરવા જેવું નથી લાગતું પરંતુ કોઈ એક સમાજના લાખ- ઢ લાખ લોકો એકઠા થતાં હોય અને એવું કહેવાતું હોય કે તેમનામાં મંદિર બાબતે આક્રોશ છે, તો થોડી ચિંતા તો થાય જ.''

જોકે, તેમણે ઉમેર્યું, ''જોઈએ શું થાય છે. અમે તો હવે અયોધ્યા છોડીને ક્યાંય નથી જવાના."

'મુસલમાન ડરે નહીં તો શું કરે?'

આ દરમિયાન શિવસેના અને વીએચપીના ઉદ્દેશ પર કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે.

મોહમ્મદ ઉમર કહે છે, ''અમે ત્રણ પેઢીથી અયોધ્યામાં રહીએ છીએ. અહીં દર વર્ષે મેળામાં કરોડો લોકો આવે છે.''

''ક્યારેય કોઈને વાંધો નથી પડ્યો. પણ વીએચપી, આરએસએસ અને શિવસેના જેવા લોકો જે રીતે સમૂહમાં આવી રહ્યા છે, તે જોતાં તેઓ ડરાવવા જ આવી રહ્યા છે.''

''સરકારે તેમને મંજૂરી જ આપવી ના જોઈએ. આવામાં મુસલમાન ડરે નહીં તો શું કરે?''

'આ વખતે પણ કઈંક થયું તો?'

અન્ય એક સ્થાનિક ઇશ્તિયાક અહેમદ જણાવે છે, ''જ્યારે-જ્યારે અહીં જાણીજોઈને ભીડ એકઠી થઈ છે, ત્યારે-ત્યારે કોઈને કોઈ બનાવ બન્યો જ છે.''

''આ વખતે પણ આવું થયું તો સરકાર હાથ અધ્ધર કરી લેશે. અયોધ્યાના હિંદુ-મુસલમાન બન્ને સારી રીતે આ વાત જાણે છે. લાખો લોકો અહીં આવશે. મંદિરને લઈને તેઓ ગુસ્સામાં છે.''

''હવે તમે જ કહો મુસલમાન ડરે નહીં? અને ડરે તો શું કરે? અહીંથી બહાર ચાલ્યો જશે.''

બીજી તરફ, વીએચપીના પ્રવક્તા શરદ શર્માનું કહેવું છે કે ધર્મસભામાં આવનારા લોકો જવાબદાર છે. તેમનાથી ડરવાની કોઈ જરૂર નથી.

તેમણે કહ્યું, ''ધર્મસભામાં જે પણ લોકો આવી રહ્યા છે તેઓ મંદિર બનાવવા માટે સરકાર પર દબાણ ઊભું કરવા અને સંકલ્પ લેવા માટે આવે છે.''

''આવામાં કોઈને ડરવાની જરૂર નથી. જે લોકો આવી રહ્યા છે અને તેમને બોલવનારા બધા જ જવાબદાર છે.''

'1992 જેવી સ્થિતિ નથી'

ફૈઝાબાદનું નામ બદલીને ભલે અયોધ્યા થયું, પણ આ એક અયોધ્યા અહીંનો નાનો કસબો વિસ્તાર છે. અન્ય વિસ્તારોની જેમ ત્યાંના લોકો પણ એકબીજાને ઓળખે છે અને સદ્ભાવથી રહે છે.

ઈકબાલ અંસારીનો દાવો છે કે સ્થાનિકોમાં આજ સુધી ક્યારેય કોઈ ઘર્ષણ થયું નથી. તેમને ડર માત્ર બહારથી આવતા લોકોનો જ છે.

સ્થાનિક પત્રકાર અને 'અયોધ્યા પ્રેસ ક્લબ'ના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિપાઠી કહે છે કે 1992 જેવી સ્થિતી નથી અને મુસ્લિમોએ ડરવાની પણ કોઈ જરૂર નથી.

તેમના મતે, "બધાને લાગે છે કે આ કવાયત 2019ની ચૂંટણી માટેની છે. ચાર વર્ષ સુધી વિશ્વ હિંદુ પરિષદે ન તો કોઈ સભા કરી છે કે ન કોઈ આંદોલન."

તેઓ ઉમેરે છે, "1992માં અહીં લોકો કરસેવા માટે આવેલા, ત્યારે મસ્જિદ હતી, એ ઢાંચો તોડી પડાયો. આજે એ સ્થિતી નથી. આજે ટેકનૉલોજી પણ ઘણી આગળ વધી ગઈ છે, કોઈ કંઈ પણ કરશે, તરત ધ્યાનમાં આવી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો