શહેરોનાં નામ પહેલાં અમિત શાહ પોતાનું નામ બદલે : ઇરફાન હબીબ

ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે શહેરો અને જિલ્લાઓનાં નામ બદલવાનું શરૂ કર્યું છે. જે બાદ ગુજરાતમાં અમદાવાદનું નામ બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે.

એ વચ્ચે જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબે કહ્યું છે કે પાર્ટીએ સૌથી પહેલાં તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અટક બદલવા અંગે વિચાર કરવો જોઈએ.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પ્રોફેસર હબીબે કહ્યું કે 'શાહ' સંસ્કૃત નહીં પણ ફારસી શબ્દ છે.

તેમણે એવું પણ કહ્યું કે જો તેઓ શહેરોનાં નામ બદલતા હોય તો, શરૂઆત પોતાનાં નામથી જ થવી જોઈએ.

તેમણે અમદાવાદના નામ બદલવા વિશે કહ્યું, "અમદાવાદ શહેર અહેમદ શાહે બનાવ્યું હતું, એ પહેલાં નજીકમાં કર્ણાવતી શહેર હતું. એટલે એ બન્નેને કોઈ સંબંધ નથી."

રૂપાણીના કાર્યક્રમમાં જ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતના ગિર સોમનાથ જિલ્લામાં યોજાયેલી મુખ્ય મંત્રી વિજય રૂપાણીની જનસભામાં એક ખેડૂતે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગિર-સોમનાથના પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠીના હવાલાથી લખ્યું છે કે મહર્ષિભાઈ ડોડિયા કોડિનાર તાલુકાના ડોળાસા ગામમાંના રહેવાસી છે.

મુખ્ય મંત્રીએ જેવું સંબોધન કરવાનું શરૂ કર્યું કે તરત આ ખેડૂતે જંતુનાશક દવા પીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ખેડૂતને વીરવાલની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

તેમના ખેતરના પ્રવેશ પર આવેલી પંચાયતની જમીન પરનાં દબાણો ન હટાવાતા તેઓ નારાજ હતા.

પંચાયતના પ્લોટ પરના દબાણોનાં કારણે તેઓ ખેતરમાં જઈ શકતા ન હતા.

આ પહેલાં પણ ગુજરાતમાં તાજેતરજમાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ બની હતી.

છત્તીસગઢમાં આજે 18 બેઠકો પર મતદાન

છત્તીસગઢમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે પહેલા તબક્કામાં 18 બેઠકો પર મતદાન થવાનું છે.

જે પૈકી 12 બેઠક અતિસંવેદનશીલ ગણાતા બસ્તર વિસ્તારમાં આવેલી છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં એવા આઠ જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર ગણાય છે.

મુખ્ય મંત્રી રમણસિંહ સહિત 190 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે.

રવિવારે મતદાન પહેલાંના દિવસે થયેલા હુમલામાં એક બીએસએફ જવાનનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં સુરક્ષાદળોના સવા લાખ જવાનોને તૈનાત કરાયા છે.

અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર પ્રતિબંધ?

ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યા બાદ ભાજપની સરકાર હવે સમગ્ર જિલ્લામાં દારૂ અને માંસ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા શ્રીકાંત શર્માએ રવિવારે કહ્યું હતું કે સરકાર દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકશે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા મ્યુનિસિપલ બોર્ડના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પહેલાંથી જ પ્રતિબંધ છે.

ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરી દેવાતા હવે માગ ઊઠી હતી કે સમગ્ર જિલ્લામાં માંસ અને દારૂ પર પ્રતિબંધ લાગવો જોઈએ.

આ માગણીને સ્વીકારીને પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી યુપી સરકારે દેખાડી છે.

ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું.

'એનડીટીવી'ની વેબસાઇટ પ્રમાણે પહેલી ઇનિંગમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવીને 133 રન કર્યા હતા. ભારતે 19 ઓવરમાં 137 રન કરીને વિજય મેળવ્યો હતો.

મિતાલી રાજે 56 રન અને સ્મૃતિ મંધાનાએ 26 રન કરીને ભારતીય ટીમ માટે જીતનો રસ્તો સરળ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ન્યૂઝીલૅન્ડ સામેની મેચમાં ભારતીય મહિલા ટીમનો વિજય થયો હતો. જેમાં કૅપ્ટન હરમનપ્રીતે સદી ફટકારી હતી.

બીજી તરફ વેસ્ટઇન્ડિઝ સામેની ભારતીય પુરષ ટીમની મૅચ પણ ભારતે જીતી લીધી છે.

એક રોમાંચક મુકાબલામાં છેલ્લા બૉલે ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો