ત્રણ ધર્મો માટે મહત્વનાં શહેરમાં ટ્રમ્પનો વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે અમેરિકા જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની રૂપે માન્યતા આપે છે.

સાથે જ તેમણે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરૂસલેમ લાવવા મંજૂરી આપી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે આ પગલાંની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને તેનાંથી મધ્યપૂર્વમાં શાંતિ પ્રક્રિયા તેજ થશે.

તમને આ વાંચવું પણ ગમશે:

ટ્રમ્પના આ નિર્ણયની પેલેસ્ટાઇન સહિત આરબ રાષ્ટ્રોએ ટીકા કરી છે.

શું માને છે પેલેસ્ટાઇનનો પક્ષ?

ગાઝા પટ્ટીના દક્ષિણી વિસ્તારમાં પેલેસ્ટાઇનના લોકોએ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાનની તસવીરોમાં આગ લગાવી વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

બીજી બાજુ, પેલેસ્ટાઇનના લોકોનું કહેવું છે કે આમ કરવું મૃત્યુને ભેંટવા સમાન છે.

પેલેસ્ટાઇનના સંગઠન હમાસના લીડર ઇસ્માઇલ હાનિયાએ કહ્યું, "પેલેસ્ટાઇનના લોકો આ ષડયંત્રને સફળ નહીં થવા દે. અમારી પાસે અમારી જમીન અને પવિત્ર સ્થળોને બચાવવા વિકલ્પ છે."

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે આ નિર્ણયને 'એક દાયકાથી મધ્યસ્થની ભૂમિકા નિભાવ્યા બાદ શાંતિ સમજૂતિમાં પોતાની ભૂમિકાથી અમેરિકાને પાછળ હટવાવાળું' ગણાવ્યું છે.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ પ્રયાસોને ઇરાદાપૂર્વક કમજોર બનાવવા આ પગલું નિંદનીય અને અસ્વીકાર્ય છે.

તેમણે જણાવ્યું છે કે જેરૂસલેમ પેલેસ્ટાઇનની અખંડ રાજધાની છે.

ઇઝરાયલે શું કહ્યું?

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.

તેમણે કહ્યું, "જેરૂસલેમ 79 વર્ષથી ઇઝરાયલની રાજધાની છે. ત્રણ શતાબ્દીઓથી તે અમારી આશાઓ, અમારાં સપનાં અને પ્રાર્થનાઓનું કેન્દ્ર રહ્યું છે. જેરૂસલેમ ત્રણ હજાર વર્ષોથી યહૂદીઓની રાજધાની છે."

મુસ્લિમ જગતની પ્રતિક્રિયા

અમેરિકાના મધ્યપૂર્વના મિત્ર દેશો વિરોધનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.

તુર્કીના વિદેશમંત્રીએ ટ્વીટ કર્યું છે, "આ નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રએ આ મામલે પાસ કરેલા પ્રસ્તાવ વિરૂદ્ધ છે."

સાઉદી અરેબિયાની મીડિયા અનુસાર, કિંગ સલમાને ટ્રમ્પને ફોન કરી કહ્યું છે, "અંતિમ સમજૂતિ પહેલા જેરૂસલેમની સ્થિતિ વિશે નક્કી કરવું શાંતિ પ્રક્રિયાને નુકસાન પહોંચાડશે અને વિસ્તારમાં તણાવ વધશે."

આંતરરાષ્ટ્રીય જગતની પ્રતિક્રિયા

આ પગલાંથી એવો સંકેત જઈ શકે કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ પડી નિર્ણય કરી રહ્યું છે અને જેરૂસલેમના પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલના કબજાને માન્યતા આપી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતોનિયો ગુટેરેસે કહ્યું, 'ટ્રમ્પનું નિવેદન ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિની સંભાવનાઓને બરબાદ કરશે.'

યુરોપીય સંઘે કહ્યું કે 'બે રાષ્ટ્રો વચ્ચે સમાધાન કરાવવા તરફ અર્થપૂર્ણ શાંતિ પ્રક્રિયા લાગુ કરવામાં આવે અને વાતચીતના મારફતે રસ્તો કાઢવામાં આવે.'

ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મેક્રોંએ કહ્યું, 'ટ્રમ્પનો નિર્ણય અફસોસજનક છે.'

ચીન અને રશિયાએ પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, 'આ નિર્ણયથી વિસ્તારમાં અશાંતિ ફેલાશે.'

બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ કહ્યું, 'બ્રિટનની સરકાર અમેરિકાના નિર્ણયથી અસંમત છે.'

શા માટે ચાલી રહ્યો છે વિવાદ?

જેરૂસલેમ યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે મહત્ત્વનું શહેર છે.

વર્ષ 1967નાં મધ્યપૂર્વનાં યુદ્ધ સુધી જેરૂસલેમના પશ્ચિમી વિસ્તાર પર જ ઇઝરાયલનો કબજો હતો.

જ્યાં ઇઝરાયલનું સંસદભવન પણ આવેલું છે. શહેરના પૂર્વ વિસ્તાર પર પેલેસ્ટાઇનનો કબજો હતો.

1967નાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલે પૂર્વ ભાગ પર પણ કબજો જમાવી જેરૂસલેમને પોતાની અવિભાજિત રાજઘાની ઘોષિત કરી હતી.

હજુ પણ પેલેસ્ટાઇન પૂર્વ જેરૂસલેમને પોતાની ભવિષ્યની રાજધાની ગણાવે છે અને તેના પર અધિકાર મેળવવા માટે આંતરારષ્ટ્રીય સ્તરે માગણી કરે છે.

1993માં મળ્યો ઉકેલ

વર્ષ 1993માં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે એક સંધિ થઈ હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર વિશેના નિર્ણયો ભવિષ્યની શાંતિમંત્રણાઓમાં થાય તેવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

તેથી ઇઝરાયલના સૌથી નજીકના મિત્રરાષ્ટ્ર અમેરિકાએ પણ તેમનું દૂતાવાસ તેલ અવીવમાં જ રાખ્યો છે.

બીજી તરફ, જેરૂસલેમના પર ઇઝરાયલના અધિકારને આંતરરાષ્ટ્રીય મંજૂરી ક્યારેય નથી મળી.

આ વિવાદના કારણે ઇઝરાયલમાં દૂતાવાસ સ્થાપનારા દરેક દેશોના દૂતાવાસ તેલ અવીવ શહેરમાં આવેલા છે.

જોકે, અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આગ્રહ છે કે અમેરિકન દૂતાવાસને જેરૂસલેમમાં ખસેડવો જોઈએ.

ટ્રમ્પનું કહેવું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સુમેળ કરાવવા માટે તેઓ આવું કરી રહ્યા છે.

ત્રણ ધર્મો માટે મહત્વનું શહેર

જેરૂસલેમના 'ધ ચર્ચ ઑફ ધ હોલી સેપલ્કર'ની યાત્રાએ દર વર્ષે હજારો ખ્રિસ્તીઓ પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવા માટે આવે છે.

ઈસુ ખ્રિસ્તને આ શહેરમાં જ વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા અને અહીં તેમનું દેહાંત થયું હતું. અહીં આવેલી 'મસ્જિદ અલ અક્સા' ઇસ્લામ ધર્મનું ત્રીજા નંબરનું સૌથી પવિત્ર સ્થાન છે.

ઇસ્લામી માન્યતા પ્રમાણે, મોહમ્મદ પયગંબરે મક્કાથી જેરૂસલેમનો પ્રવાસ એક રાતમાં કરી અહીં આત્માઓ સાથે વાતચીત કરી હતી.

આ સ્થળથી થોડે દૂર 'ડૉમ ઑફ ધ રૉક્સ' નામની જગ્યા છે, જ્યાં પવિત્ર પથ્થર રાખવામાં આવ્યો છે. મોહમ્મદ પયગંબરે અહીંથી જન્નત તરફ પ્રયાણ કર્યુ હોવાનું માનવામાં આવે છે.

'વૉલ ઑફ ધ માઉન્ટ' તરીકે ઓળખાતી દિવાલ અહીં આવેલી છે. એવું માનવામાં આવે છે કે એકસમયે અહીં યહૂદીઓનું પવિત્ર મંદિર હતું.

આ દિવાલની અંદર 'ધ હોલી ઑફ ધ હૉલીઝ' નામે ઓળખાતું યહૂદીઓનું સૌથી પવિત્ર ધર્મસ્થાન હોવાની માન્ચતા છે.

યહૂદીઓને માને છે કે આ સ્થળેથી જ વિશ્વનું નિર્માણ થયું હતું. કેટલાક યહૂદીઓની એવી પણ માન્યતા છે કે 'ડૉમ ઑફ ધ રૉક' જ વાસ્તવમાં 'હોલી ઑફ ધ હોલીઝ' છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો