You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલને કોંગ્રેસનું સુકાન સોંપવાની આટલી ઉતાવળ શા માટે?
રાહુલ ગાંધીને થોડા સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હાલ તો પક્ષના અધ્યક્ષપદ માટેની ચૂંટણી બાકી છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલના નામ પર મહોર લાગવી નિશ્ચિત છે.
કોંગ્રેસ પર હંમેશા નહેરુ-ગાંધી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે તેથી આ સમાચારનું કોઈને આશ્ચર્ય નથી થઈ રહ્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન જ રાહુલ ગાંધીને અધ્યક્ષપદ પદ સોંપવા માટેની આટલી ઉતાવળ શા માટે? આ સવાલ ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
બીબીસીના સંવાદદાતા વાત્સલ્ય રાયે વરિષ્ઠ પત્રકાર રામકૃપાલ સિંહ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? તેમણે આપેલા તારણો તેમના જ શબ્દોમાં વાંચો.
માત્ર ભાજપ રાહુલને નેતા માને છે
એક રીતે જોવામાં આવે તો મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારથી જ રાહુલ ગાંધીના હાથમાં સત્તા હતી.
આ વાતની સત્તાવાર જાહેરાત થવાથી થોડો ફરક પડશે, કારણ કે સોનિયા ગાંઘીના વિશ્વાસુ માણસો બીજા કોઈ હતા.
જ્યારે નવી પેઢી આવે છે ત્યારે તે પોતાની વિચારસરણી મુજબ સલાહકારોની પસંદગી કરે છે. આમ, આ પ્રકારનું પરિવર્તન આવશે.
કોંગ્રેસમાં આજે પણ એવી પરિસ્થિતિ છે કે રાહુલ ગાંધી સિવાય કોઈ વિકલ્પ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોનું માનસ પહેલાંથી જ એવું રહ્યું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ સત્તા સંભાળવા માટે તૈયાર હોય તો ઠીક છે, તેને સ્વીકારી લેવામાં આવે છે.
જો આવું ન હોત તો કોંગ્રેસ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ વિચારત કે હું શા માટે નહીં?
પ્રામાણિકતાથી જોઈએ તો હાલ તો માત્ર ભાજપ જ રાહુલ ગાંધીને નેતા માની રહ્યો છે.
બાકી કોઈએ હજુ સુધી એવું નથી કહ્યું કે વર્ષ 2019ની કેન્દ્ર સરકારમાં રાહુલ ગાંધી અમારા નેતા હશે.
મુલાયમસિંહ, માયાવતી કે લાલુપ્રસાદ યાદવ કોઈએ આવા સંકેતો નથી આપ્યા.
આટલી ઉતાવળ શા માટે?
મને કોંગ્રેસનું ટાઇમિંગ નથી સમજાતું. ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે તે સમયે આટલી ઉતાવળ શા માટે?
ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પણ આ નિર્ણય લઈ શકાયો હોત.
રાહુલે તેમનું સંપૂર્ણ સામર્થ્ય હાલ ગુજરાતની ચૂંટણીઓમાં લગાડ્યું છે.
આ સમયે રાહુલને અધ્યક્ષ બનાવવાની ઉતાવળ કરવાની વાત મારી સમજણ બહાર છે.
જોકે, કોંગ્રેસ કોને અધ્યક્ષ બનાવે છે અને કોને નથી બનાવતી એ કોંગ્રેસનો આંતરિક મામલો છે. આ મામલે ભાજપે કોઈ પ્રતિક્રિયા ન આપવી જોઈએ.
ભાજપને માત્ર કોંગ્રેસથી ભય
ભાજપે એ વાત સમજવાની જરૂર છે કે ભારતમાં કોંગ્રેસની સત્તા હેઠળ જ કોઈ વિપક્ષ યોગ્ય રીતે કામગીરી કરી શકે છે.
નરસિમ્હા રાવથી લઈને મનમોહનસિંહની સરકાર એ વાતનું ઉદાહરણ છે.
આ સરકારોને પૂર્ણ બહુમતી નહોતી છતાં પણ કોંગ્રેસની સત્તામાં સરકાર ચાલતી હતી.
પ્રાદેશિક પક્ષોના ટેકાથી બનેલી સરકાર ક્યારેય પાંચ વર્ષ પૂર્ણ નથી કરી શકતી.
તેથી ભાજપને પ્રાદેશિક પક્ષોનો ડર નથી પરંતુ જો વર્ષ 2004ની જેમ કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો સમજી લો કે તે મોટી ઇનિંગ રમશે.
કોંગ્રેસ ખૂબ નબળી પરિસ્થિતિમાં
ભાજપની રણનીતિ છે કે તેઓ કોંગ્રેસ પર સતત હુમલો કરવા માગે છે જેથી કોંગ્રેસ એટલી નબળી પડી જાય કે તે અન્ય પક્ષોનો ટેકો ન મેળવી શકે.
આજે કોંગ્રેસની એવી પરિસ્થિતિ થોડાઘણા અંશે થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળ, બિહાર કે ક્યાંય પણ કોંગ્રેસ એવી પરિસ્થિતિમાં નથી કે તે અન્ય પક્ષોને સાથ આપવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે. તમામ રાજ્યોમાં કોંગ્રેસ ત્રીજા અને ચોથા નંબરનો પક્ષ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો