ઓખી વાવાઝોડું વિખરાયું પરંતુ હજુ ચિંતા શા માટે?

અરબી સમુદ્રમાં ઊભું થયેલું 'ઓખી' વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું છે.

ગુજરાતમાં ભલે તેની અસર હળવી વર્તાઈ હોય, પરંતુ વૈજ્ઞાનિકોએ આ વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે.

અરબ સાગરમાં થઈ રહેલી આ ઉથલપાથલનું વૈજ્ઞાનિકો નિરીક્ષણ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો મુજબ, છેલ્લાં ચાર વર્ષોમાં વાવાઝોડાંની સંખ્યા વધી ગઈ છે. અરબ સાગરમાં તોફાનો ગત વર્ષોની સરખામણીમાં 46 ટકા વધ્યાં છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ પહેલાં બંગાળની ખાડીમાંથી વધારે તોફાનો ઊઠતાં હતાં, પરંતુ હવામાનમાં થતાં ફેરફારને લીધે અરબ સાગરમાં તોફાની લહેરો વધારે ઊઠી રહી છે.

અચાનક જ વાવાઝોડાં વધ્યાં?

વૈજ્ઞાનિકો પણ આ વિશે અભ્યાસ કરી રહ્યા છે કે અરબ સાગરમાં અચાનક જ વાવાઝોડાં કેમ વધ્યાં.

મુંબઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર. મણિ મુરલી કહે છે, "મુંબઈના સમુદ્રનું સ્તર 30 સેમી વધી શકે છે. સમુદ્રમાં જે લહેરો ઊઠે છે તે અત્યારે 1.5 મીટર ઊંચી હોય છે. વાવાઝોડા દરમિયાન તેની ઊંચાઇ 1.8 મીટર થઈ જાય છે."

દક્ષિણ ગુજરાતમાં સમુદ્રની લહેરો 1.6 મીટર ઊંચી ઉછળે છે. વાવાઝોડાના સમયે લહેરોની ઊંચાઈ દર વખતે વધતી જાય છે, જે ભવિષ્ય માટે ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે.

બ્રાઉન ક્લાઉડ

છેલ્લાં ચાર વર્ષમાં અરબ સાગરમાંથી 'નિલોફર', 'ચપાલા' અને 'મેઘ' વાવાઝોડાં ત્રાટક્યાં છે.

વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આ પ્રકારનાં વાવાઝોડાં ચોમાસા પહેલાં આવતા હોય છે.

પરંતુ છેલ્લાં તોફાનો ચોમાસું પૂરું થયા પછી એટલે કે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઊભા થઈ રહ્યાં છે.

જાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમનાં રિસર્ચ મુજબ ''આ પ્રકારનાં તોફાનોની તીવ્રતા વધારે હોય છે."

"આની પાછળ બ્રાઉન ક્લાઉડ જવાબદાર હોય છે. હવાનાં પ્રદૂષણને કારણે બ્રાઉન ક્લાઉડ બને છે જે બ્લેક કાર્બન પેદા કરે છે.''

ગ્લોબલ વૉર્મિંગ

વૈજ્ઞાનિકોએ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના વિસ્તારોનો ખાસ અભ્યાસ કર્યો હતો.

જેમાં જાણવા મળ્યું હતું કે આ પ્રકારનાં વાવાઝોડાંની સંખ્યા વધી જ નથી પરંતુ તેનો વિસ્તાર પણ વધી રહ્યો છે.

વર્લ્ડ બેન્કના 'ટર્ન ડાઉન ધ હિટ' નામના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો ગ્લોબલ વૉર્મિંગનું સ્તર ચાર સેમી પહોંચશે તો સમુદ્રનું સ્તર 100 સેમી સુધી વધી જશે.

જેની સીધી અસર ભારતના કોલકત્તા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા પર પડશે.

અરબ સાગરમાં ઊઠી રહેલાં આ તોફાનો ચિંતાજનક છે કારણ કે તેના કિનારે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો