'ઓખી' વાવાઝોડું વિખેરાયું, વરસાદની શક્યતા યથાવત્

ગુજરાતના મોટાભાગના વિસ્તારોના વાતાવારણમાં પલટો લાવનારું 'ઓખી' વાવાઝોડું વિખેરાયું છે.

ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં 'ઓખી' વાવાઝોડાની અસરના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો.

ગુજરાતના હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ ઓખી વાવાઝોડું હવે શાંત પડ્યું છે. અરબી સમુદ્રના મધ્યપૂર્વ ભાગ તરફથી આવી રહેલું આ વાવાઝોડું પાંચમી નવેમ્બરે બપોરે અઢી વાગ્યે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું.

વાવાઝોડું વિખેરાયું ત્યારે તેનું સ્થાન સુરતથી 290 કિમોમીટર દૂર અને મુંબઈથી 190 કિમોમીટર દૂર હતું. વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે-ધીમે નબળું પડ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

હવામાન વિભાગની એવી આગાહી છે કે વાવાઝોડું જમીન પર ત્રાટકે તે પહેલાં તેનું વિસર્જન થવાની શક્યતા છે.

વરસાદની શક્યતા

જો કે આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

છઠ્ઠી અને સાતમી ડિસેમ્બરે દીવ અને દમણ, દાદરા અને નગરહવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવો અથવા મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે.

સુરત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વધુ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે સુરત પહોંચ્યા હતા અને તંત્રની કામગીરી મુદ્દે ચર્ચા કરી હતી.

ફેલિન, નાદા, વરદાહ, નીલોફર જેવાં નામ ધરાવતાં વાવઝોડાં ભૂતકાળમાં ભારતના વિવિધ વિસ્તારોમાં કહેર વર્તાવી ચૂક્યાં છે.

હવામાન વિભાગ વાવાઝોડાને અવનવાં નામ આપતું રહે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે વાવાઝોડાને નામની શી જરૂર અને આ નામકરણ કેવી રીતે કરવામાં આવે છે?

નામની જરૂર શા માટે?

મોટાં વાવાઝોડાને નામ આપવાથી લોકો તેનાથી વધુ સાવચેત બને છે ઉપરાંત ટી.વી., રેડિયો અને અન્ય માધ્યમો પર તેના વિશેની ચર્ચા સરળ રહે છે.

હવામાન ખાતામાં ફરજ બજાવતા લોકો વાવાઝોડાને નામ આપવાનું આવું કારણ દર્શાવી રહ્યા છે.

દરેક વાવાઝોડાને નામ આપવામાં આવતું નથી. જેનાથી નોંધપાત્ર નુકસાન થવાની શક્યતા હોય તેવા વાવાઝોડાને જ નામ આપવામાં આવે છે. મોટાભાગે વાવાઝોડાને પુરુષ કે મહિલાનાં નામ આપવામાં આવે છે.

વર્ષનાં પહેલાં વાવાઝોડાને અંગ્રેજી મૂળાક્ષર 'એ'થી શરૂ થતું નામ આપવામાં આવે છે અને તેના પછીનાં વાવાઝોડાને મૂળાક્ષર 'બી'થી શરૂ થતું નામ આપવામાં આવે છે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલ કહે છે, "વાવાઝોડું જે દેશોમાં અસર કરે છે તે દેશો વાવાઝોડાં માટે અલગ-અલગ નામનો પ્રસ્તાવ આપતા હોય છે.

'ઓખી' નામ એ બાંગ્લાદેશના હવામાન વિભાગે આપ્યું હતું. વાવાઝોડનાં નામની યાદી પ્રમાણે એક પછી એક દેશે આપેલાં નામનો ક્રમ આવતો રહે છે."

વર્ષ દરમિયાન આવનારાં વાવાઝોડાઓને કયું નામ આપવું તે નિર્ધારિત કરવા દરેક દેશના હવામાન વિભાગ એક બેઠક યોજે છે.

મોટી તારાજી સર્જતાં વાવાઝોડાનાં નામોને ક્યારેય રિપીટ નથી કરવામાં આવતાં.

અશોક પટેલ કહે છે, "બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં આવતાં વાવાઝોડની અસર ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ઓમાન જેવા દેશો પર થાય છે."

"ત્યાં અસર કરતાં વાવાઝોડાની માહિતી એકત્ર કરવાનો અને પ્રચાર-પ્રસાર કરવાનું કામ વર્લ્ડ મીટિઓરોલૉજી ઓર્ગેનાઇઝેશને ભારતને આપી છે."

"ભારતે વાવાઝોડાંનાં વિવિધ નામ અને અન્ય દેશો સાથે તેના માહિતીસંચાર વિશેની જવાબદારી દિલ્હીસ્થિત 'રિજિયોનલ સ્પેશિઅલાઈઝ્ડ મીટિઓરોલૉજી સેન્ટર'(આરએસએમસી)ને આપી છે."

વાવાઝોડા કે ચક્રવાતને અંગ્રેજીમાં હરિકેન, સાઇક્લોન અને ટાઇફૂન એવાં નામથી ઓળખવામાં આવતાં હોય છે.

જોકે, આ તમામ વાવાઝોડાંમાં વધુ તફાવત નથી પરંતુ વાવાઝોડું કયા વિસ્તારને અસરગ્રસ્ત કરે છે તેના આધારે તેને આ અલગ-અલગ પ્રકારે ઓળખવામાં આવે છે.

હરિકેનઃ આ વિષુવવૃતીય વાવાઝોડું ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વીય પેસિફિક મહાસાગરમાં સર્જાય છે.

સાઇક્લોનઃ આ પ્રકારનું વાવાઝોડું હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સર્જાય છે.

ટાઇફૂનઃ ઉત્તર-પશ્ચિમી મહાસાગરમાં આ વાવાઝોડું સર્જાય છે.

કેવી રીતે સર્જાય છે વાવાઝોડું?

સમુદ્રનાં ગરમ પાણીના કારણે હવા ગરમ થઈ વધુ ઝડપથી ઉપરની તરફ જાય છે. આ હવા જ્યારે ઠંડી પડે છે ત્યારે તે નીચે રહેલી ગરમ હવા તેને વધુ ધક્કો આપે છે.

આ ચક્રના કારણે શક્તિશાળી પવન સર્જાય છે. વિષુવવૃતીય વાવાઝોડામાં રહેલો પવન કલાકના 117 કિલોમીટરથી પણ વધુની ઝડપ ધરાવે છે.

મોટાં વાવાઝોડાના કારણે ભયાનક તારાજી સર્જાઈ શકે છે, કારણ કે તેના કારણે જમીન પરના વિસ્તારોમાં પૂરનો ખતરો રહે છે.

જો કે આ પ્રકારનાં વિષુવવૃતીય વાવાઝોડાં જમીનના વિસ્તારોમાં વધુ દિવસો સુધી ટકી નથી શકતા કારણ કે જમીન પર તેમને બળ આપતું સમુદ્રનું ગરમ પાણી નથી હોતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો