પેગાસસ ફોન ટેપિંગ મામલામાં તપાસના અધિકાર મમતા બેનરજી પાસે છે?

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

પેગાસસ સ્પાયવૅર મારફતે રાજનેતાઓ, અધિકારીઓ અને પત્રકારોની જાસૂસીના મામલે જ્યાં કેન્દ્રની મોદી સરકારે અત્યાર સુધી કોઈ તપાસની વાત નથી કરી ત્યાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સરકારે આ આખા મામલાની તપાસ માટે બે સભ્યોનું પંચ નીમ્યું છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર અને કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય આ તપાસપંચના સભ્ય છે અને તેમને પોતાનો રિપૉર્ટ રજૂ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારના કહેવા મુજબ રાજ્યમાં રહેતી વ્યક્તિઓના મોબાઇલ ફોનનું કથિત રીતે ગેરકાયદેસર હૅકિંગ, નજર રાખવી, ટ્રૅકિંગ અને રેકૉર્ડિંગ સાથે સંબંધિત મામલા અંગે તપાસ પંચ અધિનિયમ 1952 ની કલમ ત્રણ હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે.

મમતા બેનરજીનું મોદી સરકાર પર નિશાન

પેગાસસ સ્પાયવૅર વિવાદમાં એવું સામે આવ્યું કે પશ્ચિમ બંગાળમાં વિધાસભા ચૂંટણી દરમિયાન મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક મુખરજી અને ચૂંટણી દરમિયાન બેનરજીના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સ્પાયવૅરના નિશાના પર હતા. આ મામલે મમતા બેનરજી પહેલા મોદી સરકાર પર એક "સર્વેલ્સ સ્ટેટ સ્થાપિત કરવાનો પ્રયત્ન" કરવાનો આરોપ લગાવી ચૂક્યાં છે.

આને જાહેરહિતનો મામલો જણાવીને હવે પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા ઇન્ટરસૅપ્શનની વિશ્વસનીય રૂપે તપાસ કરવા માટે એક સ્વતંત્ર સાર્વજનિક તપાસ કરાવી રહી છે.

પશ્ચિમ બંગાળ સરકારે આ તપાસને શરૂ કરવાનું એક કારણ એ પણ જણાવ્યું છે કે આ મામલાની તપાસ માટે કેન્દ્ર સરકારે કોઈ પહેલ નથી કરી.

મમતા બેનરજી સરકારનું કહેવું છે કે જો ઇન્ટરસૅપ્શનના આરોપ સાચા સાબિત થાય તો તેની સીધી અસર રાજ્યની પોલીસ અને જાહેરવ્યવસ્થા પર પડે છે અને આ બંને વિષય ભારતના બંધારણની અનુસૂચિ સાત હેઠળ રાજ્ય સરકારના કામકાજના ક્ષેત્રમાં આવે છે.

સાથે જ રાજય સરકારનું કહેવું છે કે આ મામલે રાજ્ય સરકાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્યોની શક્તિઓ અને વિશેષાધિકારો પર પણ અસર પડે છે અને આ બંને વિષય રાજ્યના કામકાજની અનુસૂચિ હેઠળ આવે છે. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે આ મામલો ક્રિમિનલ લૉ સાથે સંબંધિત છે જે સમવર્તી સૂચિનો વિષય છે.

કેન્દ્ર, રાજ્ય અને તપાસપંચ

તપાસપંચ અધિનિયમ 1952 હેઠળ કેન્દ્ર અને રાજ્ય બંને તપાસપંચ બનાવીને તપાસ શરૂ કરી શકે છે. આ કાયદાની જોગવાઈ મુજબ જો કેન્દ્ર સરકારે તપાસનો આદેશ આપ્યો હોય, તો કોઈ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની મંજૂરી વગર એક જ મામલે તપાસ માટે ત્યાર સુધી બીજું તપાસપંચ નિયુક્ત ન કરી શકે કે જ્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલું પંચ પોતાનું કામ પૂર્ણ ન કરી લે.

આ રીતે જો કોઈ રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હોય તો, કેન્દ્ર સરકાર તે મામલે તપાસ માટે બીજા પંચને ત્યાર સુધી ન નીમી શકે કે જ્યાર સુધી રાજ્ય સરકાર તરફથી નીમાયેલું પંચ પોતાનું કામ કરી રહ્યું હોય; અને જો કેન્દ્ર સરકાર એવું માનતી ન હોય કે તપાસનો વ્યાપ બે અથવા બેથી વધારે રાજ્યોમાં ફેલાયેલો છે.

તપાસપંચ અધિનિયમ 1952 અંતર્ગત આ રીતે પંચની પાસે એક સિવિલ કોર્ટની શક્તિઓ હોય છે જેનો ઉપયોગ કરીને તે ભારતના કોઈ પણ ભાગથી કોઈ પણ વ્યક્તિને સમન મોકલાવીને બોલાવી શકે છે. સાથે જ, આ તપાસપંચને કોઈ પણ દસ્તાવેજ શોધવા અને કોઈ પણ અદાલત અને કાર્યાલયથી કોઈ પણ જાહેર રેકર્ડ અથવા તેની પ્રતિની માગ કરવાનો અધિકાર હોય છે.

તપાસપંચનો વ્યાપ શું રહેશે?

પશ્ચિમ બંગાળ સરકારે જે પંચ રચ્યું છે તેનું મુખ્ય કામ એ જાણવાનું રહેશે કે શું રિપૉર્ટ કરવામાં આવેલા ઇન્ટરસૅપ્શન જેવી કોઈ ઘટના થઈ છે.

સાથે જ પંચ તેવા સરકાર અને બિનસરકારી લોકો સાથે પૂછપરછ કરશે જે આ પ્રકારના કથિત ઇન્ટરસૅપ્શનમાં સામેલ હતા. પંચ એ વ્યવસ્થાતંત્ર, સ્પાયવૅર અને મૅલવેરની તપાસ પણ કરશે જેનો ઉપયોગ આ પ્રકારના ઇન્ટરસૅપ્શનમાં કરાયો હતો.

તપાસપંચ એની પણ તપાસ કરશે કે શું ઇઝરાયલમાં એનએસઓ ગ્રૂપના પેગાસસ કે અન્ય કોઈ સંગઠનના કોઈ સ્પાયવૅર અથવા મૅલવેરનો ઉપયોગ ઇન્ટરસૅપ્શન માટે કરાયો હતો કે કરવામાં આવી રહ્યો છે.

આ તપાસપંચનું એક મુખ્ય કામ એવી પરિસ્થિતિની તપાસ કરવાનું હશે જેમાં કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના કહેવા પર આ કાર્યવાહી કરવામાં આવી હોય.

શું મમતા બેનરજીએ અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું?

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એકે ગાંગુલી કહે છે કે આ ઇન્ટરસેપ્શનનો મામલો પૂર્ણ રીતે કેન્દ્રીય સૂચિ અંતર્ગત આવે છે એઠલે રાજ્ય સરકાર પંચ ન રચી શકે અને આવું કરીને રાજ્ય સરકારે પોતાના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.

તેઓ કહે છે કે આ તપાસ પંચ અધિનિયમ 1952ના ધારા 3 હેઠળ રચવામાં આવ્યું છે અને ધારા 3 ઉપયુક્ત સરકારની વાત કરે છે. અધિનિયમના ધારા 2 (એ) હેઠળ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઉપયુક્ત સરકાર શું છે.

તપાસ પંચ અધિનિયમ 1952 ના ધારા 2(એ) હેઠળ બંધારણની સાતમી અનુસૂચિમાં સૂચિ 1,2 અને ત્રણમાં સૂચિબદ્ધ કોઈ પણ મામલાની તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર જ 'ઉપયુક્ત સરકાર' છે.

આ રીતે રાજ્ય સરકાર એવી પરિસ્થિતિમાં ઉપયુક્ત સરકાર છે જો તપાસનો વિષય બંધારણની સાતમી અનુસૂચિમાં સૂચિ બે અથવા ત્રણ અંતર્ગત આવેલો છે.

બંધારણની સાતમી અનુસૂચિમાં સૂચિ એકના વિષયો પર કેન્દ્ર સરકાર અને સૂચિ બેના વિષયો પર રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. સૂચિ 3 કૉન્કરેન્ટ અથવા સમવર્તી સૂચિ છે જેના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને નિર્ણય લઈ શકે છે.

જસ્ટિસ ગાંગુલી કહે છે, " ઇન્ટરસેપ્શનનો અર્થ છે સંચાર પ્રણાલીઓમાં અવરોધન. પોસ્ટ, ટેલીગ્રાફ, ટેલીફોન, વાયરલૅસ, પ્રસારણ અને સંચારના અન્ય સાધન કેન્દ્ર સરકારના કામકાજના ક્ષેત્રમાં આવે છે. આ રાજ્ય સરકારના ક્ષેત્રથી બહાર છે."

તેઓ કહે છે, "આ મામલો દૂરસંચાર કાયદા સાથે સંબંધિત છે અને દૂરસંચારને રાજ્યની સૂચિમાં સામેલ કરાયો છે ન સમવર્તી સૂચિમાં."

તેઓ કહે છે, "માની લો, કોઈ રક્ષા કરારમાં કૌભાંડ થયું હોત તો શું રાજ્ય સરકાર તેની તપાસ કરાવી છે? ના, કારણ કે રક્ષા સંબંધિત વિષય કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે. પરંતુ માની લો કે રૅશન સામગ્રીની ખરીદીમાં કૌભાંડ થાય તો તેની તપાસ રાજ્ય સરકાર કરાવી શકે છે કારણ કે આ વિષય રાજ્યની સૂચિ અંતર્ગત આવે છે."

જસ્ટિસ ગાંગુલી કહે છે, "ઉપયુક્ત સરકાર પંચની વિષયવસ્તુ સાથે સંબંધિત છે, જો તમે ઉપયુક્ત સરકાર નથી તો તેનો અર્થ છે કે તમારી પાસે અધિનિયમ હેઠળ અધિકાર નથી

'અધિકારી ક્ષેત્રનો મુદ્દો જ નથી'

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ નથી માનતા કે રાજ્ય સરકારે પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ નિર્ણય લીધો છે.

તેઓ કહે છે, " આ જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત વિષય છે. નિજતાના અધિકારની વાતો રાજ્ય સરકારનો વિષય છે. એ સંદર્ભમાં રાજ્યના લોકોનો સવાલ હોય તો આ રાજ્ય સરકારનો વિષય છે."

તેઓ કહે છે કે જો આ તપાસ દરમિયાન પંચને કોઈ એવી વાતની ખબર પડે કે આ કાર્યવાહી ક્યાંક બીજે પણ હાથ ધરવામાં આવી ગતી કે પછી અન્ય લોકોની પણ જાસૂસ થઈ છે તો તપાસનો રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકાર તેને અન્ય પ્રભાવિત રાજ્યની સરકારને પોતાના પર ઉચિત કાર્યવાહી કરવા માટે મોકલી શકે છે.

સિંહ કહે છે કે તેમના પ્રમાણે આ મામલામાં અધિકાર ક્ષેત્ર અથવા જ્યૂરિસ્ડિક્શનનો કોઈ મુદ્દો જ નથી. તેમના પ્રમાણે એ જોવું જરૂરી છે કે આવું કરવા પાછળ તેમનો હેતુ શું છે.

તેઓ કહે છે, " કેન્દ્ર સકારે વિચાર્યું નહોતું કે રાજ્ય સરકાર આવું પગલું લેશે, જો કેન્દ્ર સરકારે આવા પંચની રચના કરી હોત તો રાજ્ય સરકારને આવું કરવાનો અધિકાર ન રહેત. કેન્દ્રનો તપાસમાં રસ નહોતો કારણ કે મામલો કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટે આ પંચને સશક્ત કરવું જોઈએ અને અધિકાર ક્ષેત્રના મુદ્દા પર વિરામ મૂકવો જોઈએ"

વિકાસ સિંહના મતે સુપ્રીમ કોર્ટે આ મુદ્દાનું સ્વત: સંજ્ઞાન લેવું જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિજતા મૂળભૂત અધિકાર છે.

તેઓ કહે છે કે આ ગંભીર મુદ્દો છે અને આના ગંભીર પરિણામ હોઈ શકે છે.

બંધારણ શું કહે છે?

બીબીસીએ આ મામલા પર બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપ સાથે વાત કરી. તેઓ કહે છે, "મને લાગે છે કે ટર્મ્સ ઑફ રેફરેન્સ બહુ વ્યાપક છે અને રાજ્યની બહારની ઘટનાઓને કવર કરે છે, એ વાત પર શંકા છે કે તેને માન્યતા મળશે."

કશ્યપ કહે છે કે પંચ પશ્ચિમ બંગાળના નાગરિકો પર પડી રહેલા પ્રભાવની તપાસ તો કરી શકે છે પરંતુ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર તપાસ અથવા પૂછપરછ કરવાનો અધિકાર તેમને નથી. જો આ પંચ પોતાની તપાસ દરમિયાન ભારતના ગૃહમંત્રીની પૂછપરછ કરવા માગે તો કશ્યપ મુજબ - "તેનો અધિકાર પંચને નહીં હોય".

શું આ પંચને કેન્દ્ર સરકાર કાયદાકીય રીતે પડકાર આપી શકે છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "હા, કેન્દ્ર સરકાર કહી શકે છે કે આ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રની બહારની વાત છે. એ તર્ક પણ આપી શકાય છે કે તેઓ પોતાના રાજ્યની ક્ષેત્રીય સીમાની બહાર જાય છે. અદાલત ત્યારે પંચની વૈધતાની તપાસ કરશે કે જ્યારે એ જોવાનું હશે કે તે પોતાના સીમા ક્ષેત્રની બહાર જાય છે."

કશ્યપ મુજબ આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યના અધિકાર ક્ષેત્રની સીમાની બહાર જતી દેખાય છે. તેઓ કહે છે, " અદાલત વૈધતા અને અધિકાર ક્ષેત્રની સીમાના પ્રશ્નની તપાસ કરી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો