You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેડિકલના પ્રવેશમાં ઑલ ઇન્ડિયા ક્વૉટા હેઠળ OBCને 27 ટકા, EWSને 10 ટકા અનામત - આરોગ્ય મંત્રાલય TOP NEWS
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અને અનુસ્નાતક કોર્સમાં ઑલ ઇન્ડિયા ક્વૉટા સ્કીમ હેઠળ ઓબીસીને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે.
આ અનામત વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષથી એમબીબીએસ, એમ.ડી, એમ.એસ, ડિપ્લોમા, બીડીએસ અને એમડીએસ કોર્સમાં લાગુ પડશે.
દેશનાં બધાં રાજ્યોની મેડિકલ સંસ્થાઓમાં વર્ષ 1984માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 'ઑલ ઇન્ડિયા ક્વૉટા' (AIQ) લાગુ કરાયો હતો.
આ 'ઑલ ઇન્ડિયા ક્વૉટા' રાજ્યની મેડિકલ કૉલેજો કેન્દ્ર સરકારને જે બેઠકો ફાળવે છે એનો ભાગ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે બધાં રાજ્યો પોતાની મેડિકલ કૉલેજોની 15 ટકા અંડર ગ્રૅજ્યુએટ બેઠકો અને 50 ટકા પોસ્ટ ગ્રૅજ્યુએટ બેઠકો કેન્દ્ર સરકારને આપશે.
કેન્દ્ર સરકારના ભાગે આવેલી આ બેઠકોને 'ઑલ ઇન્ડિયા ક્વૉટા'નું નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકો પર દેશનાં કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.
આવું એ માટે કરાયું કારણ કે મોટાં ભાગનાં રાજ્યોની કૉલેજોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
'ઑલ ઇન્ડિયા ક્વૉટા'ની બેઠકોના કાઉન્સેલિંગનું કામ કેન્દ્રીય સ્વાસ્થ્યસેવા મહાનિદેશાલય (ડીજીએચએસ) કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાયની બેઠકો રાજ્યના ફાળે હોય છે અને તેના પર રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ કાઉન્સેલિંગ કરે છે.
આ બેઠકો મોટાં ભાગનાં રાજ્યોના વિદ્યાર્થીઓને જ ફાળવવામાં આવે છે. વર્ષ 1985થી 2007 સુધી ઑલ ઇન્ડિયા ક્વૉટાની બેઠકો પર અનામતની કોઈ જોગવાઈ નહોતી.
ભારતીય પુરુષ હૉકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં, હવે જાપાન સાથે મૅચ રમશે
ટોકિયો ઑલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમે આર્જન્ટિનાને 3-1થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે.
બૅડમિન્ટનમાં પી. વી. સિંધુના વિજય બાદ ભારત માટે આ એક સારા સમાચાર છે. હૉકીમાં પણ ભારતને મેડલની આશા વધી ગઈ છે.
પુલ-એ મૅચમાં ભારત સતત આર્જેન્ટિના પર ભારે પડ્યું, પરંતુ આર્જેન્ટિનાએ પણ સારો બચાવ કર્યો અને બરાબરની સ્થિતિ લાવી દીધી હતી. મૅચમાં હાફ ટાઇમ સુધી બંને ટીમ એક પણ ગોલ નહોતી કરી શકી.
પરંતુ હાફ ટાઇમ પછી ત્રીજો ક્વાર્ટર પૂરો થતાં પૂર્વે ભારતે એક ગોલ ફટકારી દીધો અને આગળ નીકળી ગયું હતું. જ્યારે આર્જેન્ટિનાની ટીમ સતત સંઘર્ષ કરતી નજરે પડી.
પહેલા હાફમાં એક પણ ગોલ નહોતો થયો, જોકે બીજા હાફમાં બંને ટીમોએ ત્રણ ગોલ કર્યા હતા.
એ બાદ ભારતે સતત બે ગોલ કર્યા. બીજો હાફ પૂરો થતાં પહેલાં વિવેક સાગરે એક ગોલ કરી ભારતને 2-1થી આગળ કર્યું હતું.
થોડી વાર પછી હરમનપ્રીત સિંહે એક ગૉલ કરીને ભારતનો વિજય પાક્કો કરી દીધો. હવે ભારત જાપાન સામે મૅચ રમશે.
બૅન્ક ડૂબે તો પાંચ લાખ સુધીની રકમ 90 દિવસમાં પરત મળશે - કેન્દ્ર સરકાર
બૅન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ જતાં ખાતેદારોને હવે મૉરેટોરીયમ હેઠળ માત્ર 90 દિવસમાં 5 લાખ સુધીનું વળતર મળી જશે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર લાખો થાપણદારોને રાહત આપતાં ડિપૉઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરંટી કૉર્પોરેશન (ડીઆઈસીજીસી) કાયદામાં સુધારાને કેન્દ્રીય કૅબિનેટે બુધવારે મંજૂરી આપી દીધી છે.
હવે સુધારાબિલ સંસદમાં રજૂ કરાશે. આ પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં ડીઆઈસીજીસી ઍક્ટ, 1961માં સુધારાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે થયેલી બેઠકમાં ડીઆઈસીજીસી કાયદામાં ફેરફારને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હવે કોઈ પણ બૅન્ક ડૂબતાં વીમા હેઠળ ખાતાધારકોને 90 દિવસની અંદર જ પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર મળી જશે.
ગત વર્ષોમાં અમુક બૅન્કો ડૂબતાં લાખો ખાતેદારો પરેશાન થઈ ગયા હતા. પરિણામે આરબીઆઈ અને સરકારે ડીઆઈસીજીસી કાયદામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
ડીઆઈસીજીસી તે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બૅન્ક નિષ્ફળ જાય તો તેના ખાતેદારોને તેમનાંખાતાંમાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળે.
પહેલાં આ રકમ માત્ર એક લાખ રૂપિયા હતી. જોકે ગયા વર્ષે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ (પીએમસી) બૅન્ક ડૂબતાં લાખો ખાતેદારોને રાહત આપવા માટે સરકારે વીમા હેઠળની એક લાખ રૂપિયાની રકમમાં પાંચ ગણો વધારો કરીને પાંચ લાખ રૂપિયા કરી હતી.
ટોક્યોમાં ભારતને વધુ એક મેડલની આશા, સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય બૅડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ બૅડમિન્ટનમાં સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેમણે ડૅન્માર્કનાં મિયા બ્લિચફેલ્ટને 21-15,21-13થી હરાવ્યાં.
આ પૂર્વે તેમણે ગ્રૂપ સ્ટેજનો પોતાનો બીજો મુકાબલો પણ જીતી લીધો હતો. ગ્રૂપ 'જે'ના મુકાબલામાં તેમણે હૉંગકૉંગનાં એનગાન યી ચેયુંગને 35 મિનિટમાં 21-9, 21-16થી હરાવી દીધાં હતાં.
સિંધુએ પહેલી મૅચ પણ જીતી લીધી હતી. આમ બન્ને જીત સાથે તેઓ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયાં હતાં. હવે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પણ જીતી લેતાં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે.
તેમના વિજયથી ભારતની મેડલની આશા વધી ગઈ છે.
ભારત સહિત રેડ લિસ્ટ દેશોના પ્રવાસ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ : સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાએ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરનારા નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જે લોકો આ રેડ લિસ્ટના દેશોમાં પ્રવાસ કરે તેમને આકરો દંડ કરવાની જોગવાઈ પણ કરાઈ છે.
'ગલ્ફ ન્યુઝ' અખબારે સાઉદી પ્રેસ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે સાઉદી નાગરિકોને રેડ લિસ્ટમાં સમાવિષ્ટ દેશોનો પ્રવાસ કરવા સામે ચેતવણી આપી છે કેમ કે આ દેશોમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
સાઉદીના રેડ લિસ્ટમાં યુએઈ, લિબિયા, સીરિયા, લેબેનોન, યમન, ઈરાન, તુર્કી, ઇથિયોપિયા, સોમાલિયા, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, વિયેતનામ અને ભારતનો સમાવેશ થાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો