પેગાસસ જાસૂસી કેસ : ભારતની લોકશાહી માટે કેટલો મોટો ખતરો?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

"એમાં કોઈ શંકા નથી કે તમારી પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે. આ એક એવી ઘૂસણખોરી છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. કોઈને પણ આ દિવસ જોવાનો વારો ન આવે."

ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'ના સહસંસ્થાપક સિદ્ધાર્થ વરદરાજને પેગાસસ મામલે આ જ વાત કહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ વરદરાજન પણ વિશ્વભરના એ કાર્યકર્તાઓ, પત્રકારો, રાજનેતાઓ અને વકીલોમાં સામેલ છે જેઓ જાસૂસી સોફ્ટવૅર ‘પેગાસસ’ના નિશાના પર હતા.

એક ઇઝરાયલી કંપની 'એનએસઓ ગ્રૂપ' આ સ્પાયવૅર અલગઅલગ દેશોની સરકારોને વેચે છે.

ન્યૂઝ વેબસાઇટ ‘ધ વાયર’ અનુસાર કંપનીના ક્લાયન્ટ્સને જે લોકોમાં રસ હતો તે સંબંધિત 50,000 નંબરોનો એક ડેટાબેઝ લીક થયો છે અને તેમાં 300થી વધુ નંબરો ભારતીય લોકોના છે.

પેગાસસ મામલો

‘ધ વાયર’ એ 16 આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સમાં છે જેમણે લીક થયેલા ડેટાબેઝ અને પેગાસસ સ્પાયવૅરના ઉપયોગ મામલે તપાસ કરી.

એ પહેલી વાર નથી કે ઇઝરાયલી કંપની એનએસઓ ગ્રૂપ પેગાસસ સ્પાયવૅરનો ઉલ્લેખ પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવવા મામલે થયો હોય.

આ સોફ્ટવૅર કોઈના સ્માર્ટફોનમાં યૂઝરની જાણકારી વગર જ ડિજિટલરૂપે ઘૂસણખોરી કરી શકે છે અને તેમાંથી તમામ જાણકારી અને મહિતીઓ ચોરી શકે છે.

વર્ષ 2019માં જ્યારે વૉટ્સઍપે આ વાતની પુષ્ટિ કરી અને કેટલાક યૂઝર્સને સ્પાયવૅર મારફતે ટાર્ગેટ કરાયા હતા ત્યારે ભારત સહિત વિશ્વભરના કેટલાક દેશોમાં આ મામલે હંગામો થયો હતો.

એ સમયે હૅકિંગની આ ઘટનામાં ભારતના 121 યૂઝર્સને ટાર્ગેટ કરાયા હતા જેમાં માનવાધિકાર કાર્યકર્તાઓ, સ્કૉલર અને પત્રકારો પણ સામેલ હતા. નિષ્ણાતોનું કહેવું હતું કે ભારતમાં આ ઘટના પાછળ સરકારી એજન્સીઓની ભૂમિકા હોઈ શકે છે.

એનએસઓ ગ્રૂપનો ઇનકાર

ત્યારે વૉટ્સઍપે એનએસઓ ગ્રૂપ પર કેસ કર્યો હતો અને પોતાના યૂઝર્સના 1400 મોબાઇલ ફોન પર પેગાસસ સ્પાયવૅર મારફતે સાયબર હુમલો થયાનો આરોપ લગાવ્યો હતો.

જોકે ડેટાબેઝ સાર્વજનિક થવાની નવી ઘટના મામલે વાત સ્પષ્ટ નથી કે લીક ક્યાંથી થઈ, હૅકિંગ માટે કોણે આદેશ આપ્યો હતો અને ખરેખરમાં કેટલા મોબાઇલ ફોન હૅંકિગનો શિકાર બન્યા.

વર્ષ 2019ની જેમ આ વખતે પણ એનએસઓ ગ્રૂપે એ વાતનો ઇન્કાર કર્યો છે કે તેમણે કોઈ ખોટું કામ નથી કર્યું. કંપનીએ જાસૂસીના આરોપોને પાયાવિહોણા અને વાસ્તવિકતાથી દૂર ગણાવ્યા છે.

કંપનીના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું, "પેગાસસના દુરુપયોગના તમામ વિશ્વાસપાત્ર દાવાઓની અમે તપાસ ચાલુ રાખીશું અને જે પણ નિષ્કર્ષ આવશે તેના આધારે જરૂરી પગલાં પણ લઈશું."

વળી આ જ રીતે વડા પ્રધાન મોદીની સરકારે પણ ગેરકાનૂની જાસૂસીના આરોપોનો ઇન્કાર કર્યો છે.

ફોન ટેપિંગની કાનૂની પ્રક્રિયા

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના આદેશથી જ દેશની સંપ્રભુતા અને એકતાના હિતમાં ફોન ટેપિંગ થઈ શકે છે.

થિંક ટૅન્ક ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના ફૅલો મનોજ જોશી કહે છે, "પરંતુ આદેશ જારી કરવાની પ્રકિયા ક્યારેય સ્પષ્ટ નથી રહી."

વર્ષ 2019ના જાસૂસીના મામલાને લઈને જ્યારે સંસદમાં ચર્ચા છેડાઈ ત્યારે વિપક્ષી સાંસદ કે.કે. રાગેશે સરકાર પાસે પેગાસસ વિશે કેટલાક સ્પષ્ટ સવાલો પૂછ્યા છે.

"પેગાસસ ભારતમાં કેવી રીતે આવ્યું? સરકાર વિરુદ્ધ લડી રહેલા લોકોને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? કોઈ એ વાત પર કેમ વિશ્વાસ કરશે કે દેશના રાજકીય નેતાઓની જાસૂસી માટે સોફ્ટવૅરના ઉપયોગ પાછળ સરકારની કોઈ ભૂમિકા નથી?"

ઇઝરાયલના એનએસઓ ગ્રૂપનું કહેવું છે કે તેઓ લોકોના જીવન બચાવવા માટે અને ચરમપંથી ગતિવિધિઓ તથા ગુનાહિત ગતિવિધિઓ રોકવા માટે પોતાની ટેકનોલૉજી માત્ર તપાસેલી સરકારોના કાનૂન લાગુ કરતી અને જાસૂસી એજન્સીઓને જ વેચે છે.

ભારતમાં લગભગ આવી દસ એજન્સી છે જેમને કાનૂની રીતે લોકોના ફોન ટેપ કરવાનો અધિકાર છે. તેમાં સૌથી તાકાતવર 143 વર્ષ જૂની સરકારી એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરો પણ છે.

આ દેશની સૌથી મોટી અને સૌથી તાકાતવર જાસૂસી એજન્સી છે અને તેની પાસે વ્યાપક સત્તા છે.

ફોન ટેપિંગના જૂના મામલા

ચરમપંથી હુમલાની આશંકાને પગલે રખાતી દેખરેખ સહિત આઈબી મોટા પદો પર નિયુક્ત થનારા જજ સહિતના અધિકારીઓની પૃષ્ઠભૂમિ ચેક કરે છે અને જે રીતે એક નિષ્ણાતોનું કહેવું છે તેમ, "રાજકીય જીવન અને ચૂંટણી પર દેખરેખ માટે."

જાસૂસી એજન્સીનો ઉતારચઢાવનો ઇતિહાસ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પર મિત્રો તથા વિરોધીઓની જાસૂસીમાં આ જાસૂસી એજન્સીઓના ઉપયોગના આરોપ લાગતા આવ્યા છે.

વર્ષ 1988માં કર્ણાટકના મુખ્ય મંત્રી રામકૃષ્ણ હેગડેએ આ આરોપો બાદ રાજીનામું આપી દીધું હતું કે તેમણે તેમના 50 સહયોગીઓ અને વિરોધીના ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હતો.

વર્ષ 1990માં ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે એ સમયની સરકારે 27 રાજનેતાના ફોન ટેપ કરાવ્યા હતા, જેમાં તેમનો નંબર પણ સામેલ હતો.

વર્ષ 2010માં કૉર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાએ મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારોની સાથે કરવામાં આવેલી વાતચીતના 100થી વધુ ટેપ મીડિયાને લીક કરી દીધા હતા. આ ટેપ ટૅક્સવિભાગે રેકૉર્ડ કર્યા હતા.

એ સમયે વિપક્ષ નેતા લાલકૃષ્ણ આડવાણીએ કહ્યું કે નીરા રાડિયા પ્રકરણ વોટરગેટ કૌભાંડની યાદ અપાવે છે.

અસંતુષ્ટો પર નજર

તકનીકી મામલાના જાણકાર અને પબ્લિક પૉલિસીના રિસર્ચર રોહિણી લક્ષાણે કહે છે, "જે બદલાવ હવે જોવા મળી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક દેખરેખના માપદંડો, ઝડપ અને રીતમાં જોવા મળે છે, જેનાથી અસંતુષ્ટો પર નજર રાખવામાં આવે છે."

અમેરિકાની જેમ ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા દેખરેખનો આદેશ આપવા માટે વિશેષ અદાલત નથી.

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને સાંસદ મનીષ તિવારીએ સંસદમાં જાસૂસી એજન્સીની સત્તા અને કામકાજના નિયમન માટે પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

મનીષ તિવારીએ બીબીસીને જણાવ્યું, "નાગરિકોની જાસૂસી કરી રહેલી આ એજન્સીઓ પર કોઈ દેખરેખ નથી. આવા કાનૂન માટે આ યોગ્ય સમય છે."

તેમણે કહ્યું કે તેઓ સંસદના વર્તમાન સત્રમાં પોતાનું પ્રાઇવેટ મેમ્બર બિલ ફરીથી રજૂ કરશે.

રોહિણી લક્ષાણે અનુસાર નવો મામલો એ તરફે ઇશારો કરે છે કે સરકાર કઈ હદ સુધી અને કેટલા વ્યાપક સ્તરે ઇલેક્ટ્રોનિક દેખરેખ રાખી શકે છે અને એવી જાસૂસી વિરુદ્ધ કોઈ સુરક્ષાત્મક ઉપાય નથી.

તેઓ કહે છે કે ભારતમાં દેખરેખ સાથે જોડાયેલી પ્રક્રિયામાં સુધારાની તાતી જરૂર છે.

સંસદમાં આ સપ્તાહે પેગાસસ સ્પાયવર મામલે સત્ર તોફાની રહી શકે છે.

રોહિણી લક્ષાણે કહે છે કે "મજબૂત સવાલો પૂછવાનો આ યોગ્ય સમય છે. રેકૉર્ડ કરવામાં આવેલા ડેટાનો શું ઉપયોગ કરાયો? ડેટાને ક્યાં રાખવામાં આવ્યો? સરકારમાંથી આ ડેટા સુધી કોની પહોંચ છે? શું સરકાર બહારની કોઈ વ્યક્તિને આ ડેટા સુધી પહોંચવાની છૂટ આપે છે? ડેટા સુરક્ષા મામલે શું પગલાં લેવાઈ રહ્યાં છે?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો