You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા પર જે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો એ કાયદો શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજદ્રોહ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ વિશે વિચાર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે ફરીથી સમીક્ષા કરવાની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ કાયદા અંતર્ગત નવા કોઈ કેસ નોંધાશે નહીં.
આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારની તપાસ પણ શરૂ કરી શકાશે નહીં.
તો ગુજરાતમાં હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર પણ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે પણ લોકો પર આ કાયદા અંતર્ગત ગુનો નોંધાયો છે, તેઓ રાહત તેમજ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.
થોડાક દિવસો અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ આ કાયદાની સમીક્ષા માટે તૈયાર છે. જોકે, પહેલાં સરકારે એમ પણ કહ્યું હતું કે આ કાયદો ખૂબ જરૂરી છે.
આઝાદી પહેલાં મહાત્મા ગાંધી તથા બાળ ગંગાધર ટિળક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124-અ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર, પત્રકાર રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પણ રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
તો આ અહેવાલમાં આપણે જાણીએ કે રાજદ્રોહની જોગવાઈ શું છે અને રાજદ્રોહના કેટલાક કિસ્સાઓની વાત કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં દાયકાઓથી સરકારો દ્વારા બ્રિટિશ સમયના કાયદાનો ઉપયોગ પત્રકારો, બૌદ્ધિકો, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સરકારની ટીકા કરનારાઓ વિરુદ્ધ થતો રહ્યો છે.
શું છે કાયદો અને જોગવાઈઓ?
ભારતીય દંડસંહિતાની કલમ 124-અ હેઠળ, જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલીને, લેખિત શબ્દો દ્વારા, સંકેત દ્વારા, દૃશ્ય પ્રતિનિધિત્વ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે ધૃણા કે તિરસ્કાર કે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરે કે ભારતમાં કાયદા મુજબ સ્થાપિત સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાવવાનો પ્રયાસ કરે તો તેની સામે રાજદ્રોહના આરોપ સબબ કેસ ચલાવી શકાય છે.
રાજદ્રોહએ બિનજામીનપાત્ર ગુનો છે, તેના ભંગ બદલ ગુનેગારને ત્રણ વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. ભારતમાં નવી શિક્ષણવ્યવસ્થા લાગુ કરનારા લૉર્ડ થૉમસ મૅકોલેએ 1870ના દાયકા દરમિયાન તેનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
1863થી 1870 દરમિયાન વહાબી વિચારધારા અને પ્રવૃત્તિએ તત્કાલીન સરકારની સામે જોખમ ઊભું કર્યું હતું, એટલે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશના સ્વતંત્રતાસેનાનીઓ પર પણ આ કલમ લગાવવામાં આવી હતી.
જ્યારે ગાંધીજી પર આ કલમ લાગુ કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે "નાગરિકની સ્વતંત્રતાને દબાવવા માટે તે ઘડવામાં આવી છે." 1947માં આઝાદી પછી પણ આ કાયદો ચાલુ રહેવા પામ્યો હતો. કૉંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના કે ગેરવહીવટના આરોપ મૂકનારા અને ઘણી વખત સામ્યવાદીઓ સામે પણ આ ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવતો હતો.
કેદારનાથ વિ. બિહાર રાજ્ય (1962)માં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે રાજદ્રોહની કાયદેસરતાને ગ્રાહ્ય રાખી હતી અને તેની વ્યાખ્યા કરી હતી.
અદાલતે ઠેરવ્યું હતું કે 124-એ હેઠળ માત્ર એ શબ્દો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થઈ શકે કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ તેવી મંછા હોય અથવા તો હિંસા ફેલાતી હોય. ત્યારથી એ કેસને સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે અને દરેક અદાલતમાં સુનાવણી વખતે તેને ટાંકવામાં આવે છે.
રાજદ્રોહની નોંધપાત્ર બાબતો
• ઘણી વખત રાજદ્રોહ અને દેશદ્રોહની વચ્ચે અવઢવ ઊભી થતી હોય છે. જ્યારે દેશ વિરુદ્ધ હથિયાર સાથે યુદ્ધ છેડવામાં આવે, દુશ્મન દેશ માટે જાસૂસી કરવી અથવા તો દેશના સશસ્ત્રબળોની ઉશ્કેરણી થાય તેવું કૃત્યુ દેશદ્રોહ હેઠળ આવે છે.
• નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા તૈયાર કરવામાં આવલા ક્રાઇમ ઇન ઇન્ડિયા (વૉલ્યુમ II, પૃષ્ઠ ક્રમાંક 846) પર આપવામાં આવેલી વિગતો મુજબ 17 રાજ્યમાં (અને કેન્દ્રશાસિત પ્રદેશમાં) 93 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 22 કર્ણાટકમાં દાખલ કરવામાં આવ્યા હતા, ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો ન હતો.
• બ્રિટનમાં 2000ના દાયકામાં આ કાયદાને નાબૂદ કરી દેવાયો, પરંતુ તેના પૂર્વ સંસ્થાનો ભારત, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં તે આજે પણ પ્રવર્તમાન છે.
• રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતી વખતે સરકારે સ્પષ્ટ કર્યું કે આ કાયદાને હઠાવવાની કોઈ યોજના નથી. "રાષ્ટ્રવિરોધી, ભાગલાવાદી તથા આતંકવાદી તત્ત્વોની સામે અસરકારક રીતે મુકાબલો કરવા માટે આ જોગવાઈઓ જરૂરી હોવાનુ જણાવ્યું હતું."
રાજદ્રોહના નોંધપાત્ર કિસ્સા
• ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તથા પાટીદાર અનામત આંદોલન સમયે તેમના સાથી અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 2015માં ગુજરાતમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમ બાદ ફાટી નીકળેલી હિંસા સંદર્ભે તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ જામીન ઉપર બહાર છે.
• જાન્યુઆરી-2021માં પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર, પત્રકાર રાજદીપ સરદેસાઈ તથા અન્યો વિરુદ્ધ દેશની રાજધાની નવી દિલ્હીમાં ખેડૂત આંદોલન સમયે ખોટી પોસ્ટ મૂકવા બદલ રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં સર્વોચ્ચ અદાલતે તેમની ધરપકડ ઉપર સ્ટે મૂક્યો હતો.
• જાન્યુઆરી-2016માં એ સમયના વિદ્યાર્થીનેતા કન્હૈયા કુમારની સામે દેશવિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપ સબબ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, તેઓ જામીન પર બહાર છે.
• 2012-'13 દરમિયાન તામિલનાડુમાં ન્યુક્લિયર પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લગભગ 23 હજાર લોકો વિરુદ્ધ રાજદ્રોહના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
• માર્ચ-2014માં ઉત્તર પ્રદેશમાં 60 કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ક્રિકેટ મૅચ દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કાયદા મંત્રાલયની સલાહ બાદ આ કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.
• ઑક્ટોબર-2020માં કેરળના પત્રકાર સિદ્દિક કપ્પન તથા અન્ય ત્રણ વિરુદ્ધ રાજદ્રોહના વિવિધ આરોપ સબબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ હાથરસમાં કથિત રીતે સામૂહિક દુષ્કર્મની ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે જઈ રહ્યા હતા.
• નવેમ્બર-2018માં મણિપુરના પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે રાજ્યના મુખ્ય મંત્રી એન. બિરેન્દ્રસિંહ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ફેસબુક પોસ્ટ મૂકી હતી. જે બદલ તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં હાઈકોર્ટે આ આરોપોને કાઢી નાખ્યા હતા.
વિચારણાની માગ જૂની
આંધ્ર પ્રદેશમાં બે ચેનલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન તથા સિદ્ધાર્થ લુથરાએ દલીલ આપી હતી કે આઈપીસીની કલમ 124-એ વાસ્તવમાં બંધારણમાં અનુચ્છેદ 19(1)(અ) હેઠળ આપવામાં આવેલી 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'નો ભંગ કરે છે.
સામાજિક કાર્યકરો અને પત્રકારોનો આરોપ છે કે સરકાર વિરુદ્ધ બોલતા અટકાવવા તથા ભય ફેલાવવા માટે આ કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવે છે. દેશની અદાલતોમાં કેસ ચાલતા સમય લાગે છે.
આ અરસામાં આરોપીએ તેનો પાસપૉર્ટ જમા કરાવી દેવાનો હોય છે, તે સરકારી નોકરી માટે લાયક નથી રહેતી, અદાલતમાં સુનાવણી દરમિયાન હાજર રહેવાનું હોય છે, આ સિવાય વકીલ અને અદાલતની ફી તો ખરી જ.
ઘણી વખત કેસ દાખલ કરાવનારાઓની અને કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારીઓની ગણતરી સજા થાય કે ન થાય, પરંતુ આરોપીની કનડગત કરવાની હોય છે, એવા આરોપ સામાજિક કાર્યકર લગાવે છે.
એ સમયે સર્વોચ્ચ અદાલતે અવલોક્યું હતું કે રાજદ્રોહની કલમને કારણે પ્રેસની સ્વતંત્રતા પર અસર પડે છે એટલે 124-અ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. ગુરૂવારે સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "અમે કાયદાના દુરુપયોગ તથા વહીવટી પાંખની કોઈ જવાબદારી ન હોવા અંગે ચિંતિત છીએ."
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ રાજદ્રોહના કાયદાને "ખૂબ જ વાંધાજનક અને તિરસ્કારને પાત્ર" જણાવીને કહ્યું હતું કે "જેટલા વહેલા આપણે તેમાંથી મુક્તિ મેળવી લઈએ, એટલું સારું." અલબત આ વાત તેમણે 1951માં કહી હતી અને આજે 2021 છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો