કોરોના વાઇરસ : અમેરિકા મહામારી પરનો કાબૂ કેમ ગુમાવી રહ્યું છે?

    • લેેખક, ડૅરિયસ બ્રુક્સ
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

અમેરિકાની લગભગ અડધોઅડધ વસતીનું રસીકરણ થઈ ગયું હોવા છતાં સંક્રમણ ઝડપભેર પ્રસરી રહ્યું છે અને દેશ મહામારી વિરુદ્ધની લડાઈમાં ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે.

આ ચેતવણી ચેપી રોગો વિશેના વ્હાઇટ હાઉસના સલાહકાર ઍન્થની ફાઉચીએ આપી છે.

તેઓ માને છે કે સુધારાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમેરિકામાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ફરી ઉછાળો આવશે.

વિશ્વમાં મહામારીને કારણે જ્યાં સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યાં હતાં એ અમેરિકા ખતરનાક સંભાવનાનો સામનો કરી રહ્યું છે.

જૂનના છેલ્લા સપ્તાહમાં અમેરિકામાં કોરોનાના નવા 92,000 કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા સાત દિવસમાં સંક્રમિતોની સંખ્યા વધીને પાંચ લાખના આંકડાને પાર કરી ગઈ છે.

આ સંજોગોમાં અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં SARS-CoV-2 વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટનો પ્રસાર નિરંકુશ થઈ ગયો છે.

તેમાં ખાસ કરીને દેશના દક્ષિણ-પૂર્વનાં રૂઢીચૂસ્ત રાજ્યોમાં રસીકરણના થંભી ગયેલા પ્રમાણે ઉમેરો કર્યો છે.

ફાઉચીએ સીએનએન ચેનલને રવિવારે કહ્યું હતું કે "વાસ્તવમાં આ જેમનું રસીકરણ નથી થયું એ લોકોની મહામારી છે."

જેમણે રસી નથી લીધી એ લોકો છે સમસ્યાનું મૂળ?

અમેરિકાના સર્જન જનરલ વિવેક મૂર્તિએ આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ને લીધે તાજેતરમાં મરણ પામેલા લોકો પૈકીના 99.5 ટકા લોકો અનવૅક્સિનેટેડ હતા એટલે કે તેમનું રસીકરણ થયું નહોતું.

'ધ ઍસોસિયશન ઑફ સ્ટેટ્સ ઍન્ડ ટૅરિટોરિયલ હેલ્થ વર્કર્સ'ના ડિરેક્ટર ડૉ. માર્કસ પ્લેસિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિની સમસ્યા દેશના એક પ્રદેશમાં કેન્દ્રિત છે.

ડૉ. પ્લેસિયાએ કહ્યું હતું કે "દક્ષિણ-પૂર્વનાં રાજ્યો અને અમેરિકાના મિડવેસ્ટમાંનાં કેટલાંક રાજ્યો, એમ મુખ્યત્વે છથી સાત રાજ્યોમાં સમસ્યા ગંભીર છે."

અલબામા, મિસિસિપી, આર્કાન્સાસ, જ્યોર્જિયા, ટૅનેસી અને ઑકલોહામા રાજ્યોમાં કૂલ પૈકીની 40 ટકાથી ઓછી વસતીનું જ સંપૂર્ણ રસીકરણ કરી શકાયું છે.

તેની સામે વૅર્મોન્ટ અને મૅસેચ્યુસેટ્સ જેવાં પૂર્વોત્તરનાં રાજ્યોમાં સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હોય એવા લોકોનું પ્રમાણ 65 ટકાથી વધુ છે.

રસીકરણનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતાં રાજ્યોમાં મોટા ભાગે રિપબ્લિકનોનું શાસન છે અને આ રાજ્યોના ગવર્નરો દેશની રોગપ્રતિકારનીતિ બાબતે ગયા વર્ષથી શંકા વ્યક્ત કરતા રહ્યા છે.

ડૉ. પ્લેસિયાએ કહ્યું હતું કે "મુખ્યત્વે આ અનવૅક્સિનેટેડ લોકોમાં પ્રવર્તતી સમસ્યા છે. તેથી અમે તેમને રસી લઈ લેવાની વિનવણી કરી રહ્યા છીએ."

થંભી ગયેલું રસીકરણ

અમેરિકામાં રસીકરણનો દર તાજેતરના મહિનાઓમાં સ્થિર થઈ ગયો છે.

એપ્રિલમાં અમેરિકાનો સમાવેશ વિશ્વમાં રસીના સૌથી વધુ દૈનિક ડોઝ આપનારા દેશોમાં થતો હતો, પણ એ પછી એ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમેરિકામાં હાલ આશરે 16.3 કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે, જે દેશની કુલ વસતીના 49 ટકા જેટલું છે.

દેશની કુલ વસતીમાં 18 ટકા લોકો 12 વર્ષથી ઓછી વયના છે અને તેમના માટેની રસીને મંજૂરી આપવામાં આવી નથી.

ડૉ. પ્લેસિયાના જણાવ્યા મુજબ, અનવૅક્સિનેટેડ લોકોમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાના તાજેતરના સમાચાર પછી અમેરિકામાં રસીકરણના દરમાં "થોડો વધારો" નોંધાયો છે.

ડૉ. પ્લેસિયાએ કહ્યું હતું કે "અમે તેમાં વધારો ઈચ્છીએ છીએ. તેમાં થોડુંક વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને નવી લહેર પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાયું છે. રસીકરણનો અસ્વીકાર કરતા હોય તેવા નહીં, પણ રસીકરણ કરાવવા માટે તૈયાર હોય તેવા લોકોનું ધ્યાન ખેંચાયું છે."

સીએનએનને આપેલી મુલાકાતમાં ઍન્થની ફાઉચીએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે એ વિસ્તારોના સ્થાનિક નેતાઓએ લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

આર્કાન્સાસ અને ફ્લોરિડા રાજ્યના રિપબ્લિકન પક્ષના ગવર્નરોએ ફાઉચીની સલાહની ભૂતકાળમાં ટીકા કરી હતી, પરંતુ હવે તેઓ તેમનાં રાજ્યોમાં રસીકરણને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ડેલ્ટા વૅરિયન્ટનો પ્રસાર

અમેરિકામાં રસીકરણનું ઓછું પ્રમાણ ધરાવતાં રાજ્યોમાં, કોવિડ-19ના ચેપ માટે કારણભૂત SARS-CoV-2 વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટના પ્રસારની સમસ્યાનો ઉમેરો થયો છે.

સત્તાવાળાઓ અને જાહેર આરોગ્યના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડેલ્ટા વૅરિયન્ટ અન્ય વૅરિયન્ટ કરતાં વધારે ચેપી છે.

જેમણે રસીનો એક પણ ડોઝ લીધો ન હોય એવા લોકોમાં આ વૅરિયન્ટનો ચેપ ઝડપભેર ફેલાય છે.

ડૉ. પ્લેસિયાએ કહ્યું હતું કે "આવા લોકોમાં થતા સંક્રમણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રસીકરણનો દર ઊંચો છે એવાં રાજ્યોમાં કોઈ મોટી સમસ્યા નથી, જોકે, એ રાજ્યોમાં સમસ્યાની શરૂઆત થઈ રહી છે. પરિસ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે."

રસીકરણમાં અત્યાર સુધી પાછળ ન રહેલાં ફ્લોરિડા (રસીકરણનો દર 48.5 ટકા) જેવાં રાજ્યોમાં ચેપ લાગવાનું તથા દર્દીઓનું હૉસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ બમણું કે ત્રણ ગણું થઈ રહ્યું છે.

મહામારી વિજ્ઞાની સૅલિન ગાઉન્ડરના જણાવ્યા મુજબ, રોગચાળાની શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે વાઇરસની વાહક હોય તેવી વ્યક્તિ, જેણે માસ્ક ન પહેર્યું હોય તેવી વ્યક્તિને માત્ર 15 મિનિટમાં ચેપ લગાવી શકે છે. ડેલ્ટા વૅરિયન્ટ તો તેના કરતાં પણ વધુ ઝડપે ફેલાય છે.

સૅલિન 'સ્ટાટ' નામની એક આરોગ્યવિષયક વેબસાઈટ માટે લખેલા લેખમાં જણાવ્યું હતું કે "ડેલ્ટા વૅરિયન્ટનો ચેપ 15 મિનિટમાં નહીં, પણ એક જ સેકંડમાં લાગી શકે છે."

ફાઉચીએ જણાવ્યું હતું કે જે લોકોને વાઇરસના સંક્રમણની શક્યતા હોય તેમને વધારાનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ કે નહીં તેની વિચારણા આરોગ્ય-સત્તાવાળાઓ કરી રહ્યા છે.

માસ્ક નહીં પહેરવાનું વલણ

ગયા વર્ષથી વિપરીત રીતે આ વર્ષના ઉનાળામાં અમેરિકનો ફરી વૅકેશન માણવા ઉમટી રહ્યા છે.

તેઓ માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કર્યા વિના કૉન્સર્ટ તથા રમતગમતના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને ગીચ રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યા છે.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને 13 મેએ જણાવ્યું હતું કે જેમનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે એ લોકો માસ્કના ઉપયોગ વિના ફરીથી સામાન્ય જીવન જીવી શકે છે. એ પછી નિયંત્રણો ઉઠાવી લેવાની અસર ઝડપભેર પ્રસરી રહી છે.

જોકે, મહામારીએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે જૂની નીતિનો અમલ ફરી કરાવવો જરૂરી છે કે કેમ એ દિશામાં વિચારવાનું સત્તાવાળાઓએ શરૂ કરી દીધું છે.

ફાઉચીએ સીએનએનને કહ્યું હતું કે "અમને લૉસ ઍન્જલસમાં, શિકાગોમાં અને ન્યૂ ઑર્લિઅન્સમાં એવું જોવા મળી રહ્યું છે. ઘણા અધિકારીઓ કહી રહ્યા છે કે સંપૂર્ણપણે રસીકરણ થઈ ગયું હોય એવા લોકો પણ માસ્ક પહેરતા રહે એ ડહાપણભર્યું છે."

ડૉ. પ્લેસિયા માને છે કે માસ્ક ઉપરાંત રસીકરણ જ ઉત્તમ ઉપાય છે.

તેમણે બીબીસીને કહ્યું હતું કે "વિજ્ઞાનમાંથી અમને જાણવા મળ્યું છે તે મુજબ, આ જ નક્કર નીતિ છે. આપણે લોકોને સંપૂર્ણપણે વૅક્સિનેટ કરી શક્યા કારણ કે આપણી પાસે સારી રસીઓ છે. સારી વાત એ છે કે બધી અત્યંત અસરકારક છે."

તેમણે ઉમેર્યું હતું કે "ડેલ્ટા વૅરિયન્ટથી સંક્રમિત લોકો ગંભીર રીતે બીમાર પડે અથવા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે કે તેમનું મૃત્યુ થાય એવી શક્યતા નથી."

ફરજિયાત રસીકરણ?

ચોક્કસ જીવનાવશ્યક ક્ષેત્રોમાંના કર્મચારીઓ માટે રસીકરણ અનિવાર્ય બનાવવું જોઈએ કે કેમ એ વિશેની ચર્ચા જાહેર સત્તાવાળાઓ અને સંગઠનોએ શરૂ કરી દીધી છે.

હૉસ્પિટલ્સમાં કામ કરનારા આરોગ્યકર્મચારીઓ માટે અનિવાર્ય રસીકરણની તરફેણ સંખ્યાબંધ મેડિકલ સંગઠનોએ રવિવારે એક સંયુક્ત નિવેદનમાં કરી હતી.

60 સંગઠનોની સહી ધરાવતા પત્રમાં જણાવવામાં આવ્યું હતું, 'મહામારીને પાછળ છોડવાનો અને આરોગ્યવિષયક નિયમોના ચૂસ્ત પાલનમાંથી મુક્તિનો મુખ્ય ઉપાય રસીકરણ જ છે.'

ન્યૂયૉર્કથી કૅલિફોર્નિયા સુધીના સત્તાવાળાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

આ સોમવારે 'વૅટરન્સ અફેર્સ વિભાગ' આરોગ્યકર્મચારીઓ સહિતના તેના કર્મચારીઓ માટે કામના નિયમો જાહેર કરનારો સૌપ્રથમ સરકારી વિભાગ બન્યો હતો.

એ નિયમોમાં કોવિડ-19 સામે ફરજિયાત રસીકરણનો સમાવેશ થાય છે.

સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત રસીકરણનો નિયમ લાદવાનો વ્હાઇટ હાઉસે ઇન્કાર કર્યો છે, પરંતુ કંપનીઓ માટે એવી શક્યતા પર પૂર્ણવિરામ મૂક્યું નથી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જૅન સાકીએ સોમવારે કહ્યું હતું કે "હૉસ્પિટલ્સ ઍસોસિયસનના આ પગલાને અમે નિશ્ચિત રીતે જ ટેકો આપીએ છીએ."

આ બાબતે જનમત બે વિભાગમાં વહેંચાયેલો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વેના આ મહિને પ્રકાશિત કરવામાં આવેલા તારણ મુજબ, આરોગ્યકર્મચારીઓના રસીકરણના સૂચનને 66 ટકા લોકોએ સમર્થન આપ્યું હતું.

જોકે, અન્ય કર્મચારીઓ માટે અનિવાર્ય રસીકરણની 50 ટકા લોકોએ તરફેણ કરી હતી અને 50 ટકા લોકોએ અસ્વીકાર કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો