નૂર મુકદ્દમની હત્યા, જેણે પાકિસ્તાનને હચમચાવી નાખ્યું

    • લેેખક, હુમૈરા કનોલ અને આબિદ હુસૈન
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં પૂર્વ રાજદૂતની દીકરીની હત્યાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે.

નૂર મુકદ્દમના મૃત્યુની કહાણી બહુ પીડાદાયક છે, કારણ આ કોઈ સામાન્ય મૃત્યુ નથી.

તાબૂતમાં લપટાયેલા નૂરનું માથું તેમના શરીરથી છૂટું પડી ગયું હતું. આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ નિર્દયતાથી કરવામાં આવેલી હત્યા છે.

નૂરની હત્યા બાદ તેમનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું. શંકાના આધારે નૂરના બાળપણના મિત્ર ઝહિર જાફરની ધરપકડ કરવામાં આવી છે. બંને પરિવારો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.

પોલીસ તપાસ મુજબ 20 જુલાઈએ ઇસ્લામાબાદમાં રહેતાં નૂર મુકદ્દમની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે ઘરમાં નૂરની હત્યા થઈ ત્યાં ઘટના વખતે ઘણા લોકો હાજર હતા.

નૂર મુકદ્દમના પિતા અને પૂર્વ રાજદૂત શૌકત મુકદ્દમે એફઆઈઆરમાં પોતાના મિત્ર ઝહિર જાફરનું નામ લખાવ્યું છે. શૌકત મુકદ્દમ દક્ષિણ કોરિયામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે.

પરિવાર હજુ આઘાતમાં છે

નૂરના મૃતદેહને દફનવિધિ માટે લઈ જતી વખતે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. પિતાએ નૂરના ચહેરા પર ઝૂકીને કહ્યું, મેં મારી દીકરીને અલ્લાહના હવાલે કરી છે.

તેઓ વારંવાર આ જ શબ્દો કહી રહ્યા હતા.

નૂર સાથે જે થયું તે વિશે તેમના પિતાને બહુ મોડેથી જાણ કરવામાં આવી હતી. તેઓ જ્યારે પૂછતા કે શું ગોળી વાગી છે, ત્યારે બધા 'હા' કહેતા હતા.

જનાજાની નમાજ માટે જ્યારે તાબૂત મસ્જિદમાં લાવવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ ખામોશ હતી. લોકોના ચહેરા પર એક દુઃખ અને આશ્ચર્ય હતું, જાણે કે કોઈની પાસે કહેવા માટે કંઈ નથી.

લોકો શોકમાં ડૂબેલા પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શોક વ્યક્ત કરનાર વ્યક્તિને સાથે મળતી વખતે પરિવારના લોકો બહુ સંયમ રાખતા હતા, પરંતુ તેમનાં આસું રોકાતાં નહોતાં.

કબ્રસ્તાનમાં હાજર નૂરના પિતા શૌકત મુકદ્દમ એક પથ્થરના ટેકાથી દીકરીની કબર પાસે બેઠા હતા. તેમણે કહ્યું કે હત્યાના દિવસે તેઓ સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં વ્યસ્ત હતા.

નૂરનાં એક મિત્રે જણાવ્યું કે તેઓ બહુ સારી વ્યક્તિ હતી. તેઓ શેરીનાં કૂતરાં અને બિલાડીને પણ ખવડાવતાં હતાં.

કબ્રસ્તાનમાં હાજર એક મહિલાએ જણાવ્યું, "અમે બધા બહુ પરેશાન છીએ. અમારાં બાળકો સુરક્ષિત નથી. અમે કેવી રીતે બાળકોની રક્ષા કરીએ? નૂરની જે પ્રકારે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, તે ક્ષમાને લાયક નથી. મુખ્ય ન્યાયાધીશે આ વાતની નોંધ લેવી જોઈએ."

નૂર ખરેખર નૂર હતાં

નૂરનાં મિત્ર આલિયા ગુલ કહે છે, તે ખરેખર નૂર હતી. ક્યારેય કોઈના વિશે ખરાબ વિચાર્યું નથી કે ખરાબ કહ્યું નથી. તે એક પૅન્ટર અને કૉમ્યુનિટી વર્કર હતી. દરેક મિત્રના જન્મદિવસે જાતે કાર્ડ બનાવતી હતી.

નૂરનાં મિત્રો કહે છે કે તેની સાથે જે થયું તે વિશે કોઈ કલ્પના પણ ન કરી શકે. નૂર જે ઘરે રહેતાં ત્યાં કેટલાક કર્મચારી પણ હતા.

મિત્રો કહે છે, "જે ઘરમાં આટલા બધા લોકો હોય ત્યાં આ પ્રકારની હત્યા થાય એ કોઈ વિચારી પણ ન શકે."

નૂરનાં મિત્રો કહે છે કે તેઓ બહુ નીચા સ્વરે બોલતાં. હત્યાના સમયે તેમણે મદદ માટે બૂમ પાડી હશે, પરંતુ કદાચ કોઈએ સાંભળી નહીં હોય.

શંકાના આધારે નૂરના મિત્ર ઝહિર જાફરની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેઓ ઇસ્લામાબાદની એક મોટી રિયલ એસ્ટેટ કંપનીના સીઈઓના દીકરા છે.

પોલીસનું શું કહેવું છે?

નૂર મુકદ્દમની દફનવિધિના અમુક કલાકો બાદ ઇસ્લામાબાદ પોલીસે તેમની હત્યાને લઈને પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપી ઝહિર જાફરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની માનસિક હાલત એકદમ સારી હતી. તેઓ સંપૂર્ણ ભાનમાં હતા.

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર વિશે વાત કરતી વખતે એસએસપી ઇન્વેસ્ટિગેશન અતાઉરહેમાને જણાવ્યું કે અગાઉ ક્યારેય આરોપીની માનસિક સ્થિતિ સારી નહોતી, પરંતુ જે દિવસે અમે તેમની ધરપકડ કરી તે દિવસે તેમની માનસિક સ્થિતિ એકદમ સારી હતી.

સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ઝહિર માનસિક રીતે પરેશાન હતા.

પોતાના નિવેદનમાં પોલીસે જણાવ્યું, તેઓ એકદમ ભાનમાં હતા. તેને બાંધવામાં આવ્યો હતો. તેણે બીજી વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

"જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકોએ તેને બાંધીને પકડી રાખ્યો હતો. ત્યાં સુધી તેઓ ભાનમાં હતા."

પોલીસ અનુસાર જો આરોપી હત્યામાં સામેલ હોવાનો ઇન્કાર કરે તો પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને કોર્ટમાં પુરાવા જ જોવામાં આવે છે.

પોલીસે દાવો કર્યા છે કે હત્યામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કબજે કરી લેવામાં આવ્યાં છે.

ઘટનાસ્થળેથી પોલીસે ચાકુ અને બંદૂક મળી આવ્યાં છે. પરંતુ પોલીસ કહે છે કે તપાસ અને મેડિકલ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

જોકે પોલીસ એ પણ કહી રહી છે કે બંદૂકમાં ગોળી ફસાઈ જવાના કારણે છૂટી નહોતી.

આરોપીની ઘટનાસ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેઓ રિમાન્ડ પર છે.

હત્યા અગાઉ શું થયું હશે તે પ્રશ્ન પર પોલીસનું કહેવું છે કે ઘરમાં હાજર કર્મચારીઓ મુજબ ઝઘડો થયો હતો. કયાં કારણસર ઝઘડો થયો હતો તે વિશે તપાસ ચાલી રહી છે.

પૂર્વ રાજદૂતની દીકરીની આ હત્યાથી નેતાઓ અને લોકો દુઃખ અને ગુસ્સો પ્રગટ કરી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો