ચીન : વિનાશકારી પૂર બાદ પ્રચંડ તોફાનનો ખતરો, ઑલિમ્પિકને શું અસર થશે?

ચીનમાં દાયકાઓના સૌથી ભયંકર પૂર બાદ હવે પૂર્વીય તટના વિસ્તારોમાં પ્રચંડ તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ચીનના મીડિયા રિપોર્ટ મુજબ ટાઇફૂન ઇન-ફા (જેને ચીનમાં યાનહુઆ નામથી ઓળખવામાં આવે છે) રવિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે ચીનના ઝાઉશાન શહેરમાં ટકરાયું છે.

ટાઇફૂન ઇન-ફાને જોતાં ચીનમાં જાહેર પરિવહનને બંધ રાખવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં આ પ્રચંડ તોફાનને કારણે ઝાડ પડી ગયાં છે અને પૂર પણ આવ્યું છે.

શાંઘાઈના દક્ષિણમાં આવેલા વ્યસ્ત બંદર પર લાંગરેલા જહાજોને ખાલી કરી દેવામાં આવ્યાં છે.

જોકે, હજી બહુ મોટા નુકસાનના સમાચાર નથી આવ્યા.

હાલમાં જ ચીનના મધ્ય ભાગમાં ઐતિહાસિક પૂર આવ્યું હતું, જેના કારણે કમસે કમ 58 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

પૂરને કારણે થયેલા નુકસાન અને ફસાયેલા લોકો માટે હજી ઇમર્જન્સી સેવાના કર્મીઓ બચાવકાર્યમાં લાગેલા છે.

ચીનમાં આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે.

ટાઇફૂન ઇન-ફાને કારણે પ્રભાવિત ક્ષેત્રમાં આવનારા દિવસોમાં મુશળધાર વરસાદ પડી શકે છે અને અધિકારીઓને ડર છે કે આનાથી પૂરને કારણે થયેલા વિનાશ પછી ચાલી રહેલા બચાવકાર્યમાં અડચણ આવશે.

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ટાઇફૂન ઇન-ફાને કારણે 137 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જાપાનની હવામાન એજન્સીના અનુમાન મુજબ આ તોફાન પશ્ચિમ તરફ આવેલા હાંગઝાઉ શહેર તરફ આગળ વધશે.

વિનાશકારી પૂરને કારણે ઊભા થયા અનેક પ્રશ્નો

ચીનની હવામાન એજન્સી નેશનલ મીટિરિયોલૉજિકલ સેન્ટર મુજબ આ તોફાનને કારણે રવિવારથી ચીનમાં આવનારા દિવસોમાં લાંબા ગાળા સુધી અતિભારે વરસાદ થઈ શકે છે.

તટીય વિસ્તારોમાં વેગીલા પવન, વરસાદ અને ઊંચી લહેરોને કારણે પરિસ્થિતિ વણસી શકે છે.

શિનહુઆ સમાચાર એજન્સી મુજબ ઝેન્જિયાંગ પ્રાન્તમાં શાળાઓ, બજારો અને વેપારી સંસ્થાનો બંધ રાખવા માટેની સૂચના અપાઈ છે.

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં જાહેર પાર્ક અને સંગ્રહાલયો બંધ કરાયાં છે.

ચીનમાં હાલમાં આવેલા વિનાશકારી પૂરને કારણે મોટાં શહેરોમાં પ્રાકૃતિક આપદા સામેની તૈયારીઓ અંગે પ્રશ્નો ઊભા થયા હતા.

હવામાનમાં આવેલા આ પરિવર્તનની પાછળ ક્લાઇમેટ ચેન્જ એક કારણ હોઈ શકે એવું નિષ્ણાતો માને છે.

આની પહેલા અમેરિકા અને કૅનેડામાં ભયંકર ગરમી પડી હતી અને ભારતમાં પણ મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અને પછી આવેલા પૂરે તબાહી મચાવી હતી.

ચીનમાં જ્યારે ટાઇફૂન ઇન-ફાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે જાપાનમાં એક અન્ય ઉષ્ણકટિબંધીય તોફાનનો ખતરો વર્તાઈ રહ્યો છે.

જાપાનમાં ટોક્યો ખાતે ઑલિમ્પિક યોજાઈ રહ્યો છે ત્યારે આ તોફાનને કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો