MSME કોરોના : નરેન્દ્ર મોદી સરકારના ત્રણ લાખ કરોડના પૅકેજમાં નાના-સૂક્ષ્મ એકમો માટે કશું નહીં - દૃષ્ટિકોણ

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બી. બી. સી. ગુજરાતી માટે

વિશ્વભરમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઍન્ટર્પ્રાઇઝિસને 'આર્થિક વિકાસના એન્જિન' તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વની મોટાભાગના અર્થવ્યવસ્થાઓમાં સંખ્યાની દૃષ્ટિએ કુલ ઉદ્યોગોનો 90 ટકાથી વધુ હિસ્સો આવાં યુનિટ્સ ધરાવે છે અને સૌથી વધુ રોજગાર ઉત્પન્ન કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે.

MSMEમાં ઓછું રોકાણ, ઑપરેશનલ ફ્લૅક્સિબિલિટી અને અનુકૂળ (Appropriate) ટેકનૉલૉજી વિકસિત કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

ભારતની વાત કરીએ તો માઇક્રો, લઘુ અને મધ્યમ એકમો પાસે દેશને નવી દિશા તરફ આગળ ધપાવવાની શક્તિ છે. આથી જ સરકારે તેમને પ્રાથમિકતા આપી છે.

માઇક્રો, લઘુ અને મધ્યમ એકમો દેશને કેટલી રોજગારી પૂરી પાડે છે અને નિકાસમાં તેમનો ફાળો કેટલો છે નીચેના ટેબલમાં સમજી શકાશે.

MSME, નિકાસ અને રોજગાર

MSME મંત્રાલયના ડેટા મુજબ, દેશમાં 633.36 લાખ કરોડ એકમો દ્વારા માઇક્રો, લઘુ અને મધ્યમ ઍન્ટર્પ્રાઇઝિસ 12 કરોડ લોકોને રોજગારી પૂરી પડે છે. જ્યારે દેશના કુલ ઉત્પાદનમાં 6.11 ટકા તેમજ સેવા ક્ષેત્રે 24.63 ટકા હિસ્સો ધરાવે છે.

લગભગ ત્રણ લાખ 31 હજાર એકમો મીડિયમ ઍન્ટર્પ્રાઇઝિસ (0.52 ટકા) અને પાંચ હજાર એકમો (0.01 ટકા) મીડિયમ બિઝનેસની શ્રેણી હેઠળ આવે છે.

હવે સરકારે વ્યાખ્યામાં કરેલા ફેરફારને સમજવા MSMEની જૂની અને નવી વ્યાખ્યા સમજવી પડશે.

MSMEની જૂની વ્યાખ્યા

માઇક્રો, લઘુ અને મધ્યમ ઍન્ટર્પ્રાઇઝિસ ઍક્ટ, 2006માં MSMEની વ્યાખ્યા નીચે મુજબ હતી :

ઉત્પાદન સાથે સંકળાયેલા એકમો માટે માઇક્રો ઍન્ટરપ્રાઇઝિસ - પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ મર્યાદા રૂ. 25 લાખથી વધુ ન હોવું જોઈએ, સ્મૉલ ઍન્ટર્પ્રાઇઝ - પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ રૂ. 25 લાખથી વધુ, પરંતુ રૂ. પાંચ કરોડથી વધુ ન હોવું જોઇએ.

આ સિવાય મીડિયમ ઍન્ટર્પ્રાઇઝ (ઉત્પાદનક્ષેત્ર) - પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ રૂ. પાંચ કરોડથી વધુ, પરંતુ રૂ. 10 કરોડથી વધુ ન હોવું જોઇએ.

એ જ રીતે સેવા પૂરી પાડતા એકમો માટેની એમ.એસ.એમ.ઈ.ની વ્યાખ્યા જેમાં માઇક્રો ઍન્ટર્પ્રાઇઝ - સાધનોમાં રોકાણ રૂ. 10 લાખથી વધુ ન હોવું જોઈએ, સ્મૉલ ઍન્ટર્પ્રાઇઝ - સાધનોમાં રોકાણ રૂ. 10 લાખથી વધુ, પરંતુ રૂ. બે કરોડથી વધુ ન હોવું જોઇએ, મીડિયમ ઍન્ટર્પ્રાઇઝ - સાધનોમાં રોકાણ રૂ. બે કરોડથી વધુ, પરંતુ રૂ. પાંચ કરોડથી વધુ ન હોવું જોઇએ.

MSMEની નવી વ્યાખ્યા

નવી વ્યાખ્યા પ્રમાણે માઇક્રો (સૂક્ષ્મ) ઍન્ટર્પ્રાઇઝની રોકાણની મર્યાદા રૂ. 25 લાખથી વધારી એક કરોડ રૂપિયા કરાઈ અને ટર્નઓવરની મર્યાદા રૂપિયા પાંચ કરોડ કરાઈ.

જ્યારે રૂ. 10 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 50 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા યુનિટ સ્મૉલ યુનિટમાં આવશે. રૂ. 20 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 100 કરોડ સુધી ટર્નઓવર ધરાવતા એકમો મીડિયમ યુનિટની કૅટેગરીમાં આવશે.

આમ સરકારે માઇક્રો, લઘુ અને મધ્યમ ઍન્ટર્પ્રાઇઝિસની વ્યાખ્યામાં ફેરફાર અને ટર્નઓવર લિમિટ વધારવા છતાં આ એકમો MSME ની શ્રેણીમાં જ આવશે.

MSME, લૉન અને ટર્નઓવર

હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ ભારત માટે 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી, જેમાંથી ત્રણ લાખ કરોડ MSM ઉદ્યોગોને જશે. તેમને ચાલુ મૂડી માટે કૉલેટ્રલ ગૅરંટી વગરની લૉન ઉપલબ્ધ થશે જેની સમયમર્યાદા ચાર વર્ષની રહેશે. તેમજ એક વરસ સુધીના હપ્તા ભરવામાંથી મુક્તિ મળશે.

જે એકમો 25 કરોડ રૂપિયા સુધીની બાકી લૉન અથવા રૂ. 100 કરોડ સુધીના MSME જ આ લૉન માટે પાત્ર ગણાશે. જેનો ફાયદો 45 લાખ એકમોને થશે.

યોજના અને આંકડાની ઇંદ્રજાળ

નાણામંત્રી નિર્મલા સિતારમણે MSME માટે જે યોજનાઓ બહાર પડી છે તે અને તેની સાથે વાસ્તવિક સ્થિતિને તપાસીએ તો.

આપણે અગાઉ ચર્ચા કરો ગયા તેમ દેશમાં કુલ 633.36 લાખ એકમો છે, તેમાંથી 630 લાખ એટલે કે 99.47 ટકા એકમો માઇક્રો એકમો તેમને આ નવી વ્યાખ્યાથી ફાયદો થવાનો નથી, કારણ કે તેમનું વરસનું ટર્નઓવર 25 લાખથી પણ નીચું હોય છે, તો આવા એકમો પાસે 25 કરોડની લૉન કેવી રીતે બાકી હોય? 100 કરોડના ટર્નઓવરનો તો સવાલ જ ઊભો નથી થતો.

હવે રહે ત્રણ લાખ 31 લાખ મીડિયમ ઍન્ટરપ્રાઇઝિસ એકમો જેની સંખ્યા કુલ એકમો માંડ-માંડ 0.52 ટકા જેટલી થવા જાય છે.

જ્યારે પાંચ લાખ મીડિયમ બિઝનેસ એકમો છે, જે કુલ એકમોમાં માંડ 0.01 ટકા હિસ્સો ધરાવે છે આવા એકમોમાંથી બહુ થોડા એકમો એવા હશે, જેમને પાત્રતાની શરત મુજબ 25 કરોડ રૂપિયા સુધીની બાકી લૉન હોય અથવા રૂ. 100 કરોડ સુધીનું ટર્નઓવર હોય.

એટલે એમ કહી શકાય કે સરકારના આ પૅકેજથી કહેવાતા માઇક્રો એકમો જે 99 ટકા છે તેમને ફાયદો થવાનો નથી અને જે સ્મૉલ, મીડિયમ એકમો છે તે એક ટકા જેટલા છે, જેમાંથી ઘણા ખરા એકમો 25 કરોડની લૉન કે 100 કરોડના ટર્નઓવરવાળા નહીં હોય.

આ જોતાં વડા પ્રધાનની આ યોજનાથી અમુક જ એકમોને લાભ થશે, એમ કહી શકાય.

કોનો લાભ, કોણ ખાટશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ કોહલી કમિટી બનાવી હતી, જેમાં માંદા એકમોને ફરીથી બેઠા કરવા માટે જે વ્યાખ્યા બનાવવામાં આવી હતી.

રિઝર્વ બૅન્કની વ્યાખ્યા પ્રમાણે, લૉન ભરવાની બાકી હોય અથવા લૉન ચૂકવણીમાં વાર લાગી હોય અથવા નેટવર્થમાં ધોવાણ થયું હોય તેવા એકમોની સંખ્યા પ્રમાણે દેશમાં 53થી 63 ટકા એકમો માંદા છે.

આમ જો દેશમાં આટલી મોટી સંખ્યામાં એકમો માંદા હોય તો મિનિસ્ટ્રી પ્રમાણે માત્ર ત્રણ લાખ 36 લાખ એકમો મીડિયમ કૅટેગરીમાં આવે છે તો આ 45 લાખ એકમો કયાં?

આમ સરકારે જે સહાય આપવાની શરતો મૂકી છે તે પ્રમાણે દેશમાં આંગળીને વેઢે ગણાય એટલા અને મોટેભાગે મોટા ઉદ્યોગો દ્વારા વિસ્તરણ પામેલાં એકમો કે જે MSMEની વ્યાખ્યામાં આવે છે તે હશે.

ટૅન્ડરની ટર્મિનૉલૉજી

આ ઉપરાંત અન્ય હકીકતો પણ સમજવા જેવી છે કેટલાક MSME સરકારી ટૅન્ડર ભરતા હોય છે તેમને લાભ આપવા રૂ. 200 કરોડ સુધીના ટૅન્ડરને ગ્લોબલ ટૅન્ડર નહીં ગણવાના નિર્ણયથી MSMEને ફાયદો થશે.

ઘણી વખત સરકારી કામકાજ કરતા એકમોના પૈસા લાંબા સમય સુધી ફસાયેલા રહેતા, તે હવે દોઢ મહિનામાં ચૂકવી દેવામાં આવશે.

રૂ. 200 કરોડ સુધીના ગ્લોબલ ટૅન્ડરમાં MSMEને લાભ આપવાની વાત છે, તો તેનો વાસ્તવિક લાભ કેટલી કંપનીઓને થશે?

જે કંપનીઓ રૂ. 200 કરોડનું ટૅન્ડર ભરી શકે તે એકમ ચોક્કસ મોટું જ હશે, પરંતુ MSMEની નવી વ્યાખ્યામાં ફિટ બેસતી હશે. આ યોજના પણ બહુ થોડી કંપનીઓને લાભ પહોંચાડશે.

આમ વિસ્તારપૂર્વક વિચારીએ તો ત્રણ લાખ કરોડનું પૅકેજ વાસ્તવમાં MSME એકમોના લાભાર્થે નથી.

EPF, ઍમ્પ્લૉયી અને ઍમ્પ્લૉયર

લૉકડાઉન વખતે સરકારે 100થી ઓછા કર્મચારી ધરાવતા એકમોમાં જે કર્મચારીઓનો પગાર 15,000થી ઓછો હોય તેવા કર્મચારીઓના પગારમાંથી પ્રૉવિડન્ટ ફંડ કાપવાને બદલે 24 ટકા પી.એફ.ની ચૂકવણી સરકાર કરશે, જેનું અમલીકરણ હવે ઑગસ્ટ મહિના સુધી લંબાવાયું છે.

મોટાભાગની MSME કંપનીઓ 5થી માંડી 25 કે વધારેમાં વધારે 50નો સ્ટાફ ધરાવતા હોય છે. આવા એકમોની સંખ્યા વધુ છે.

જ્યારે 100 જેટલો કે તેથી વધારે સ્ટાફ મોટા ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ પોસાય, તેથી આનો લાભ પણ મર્યાદિત સંખ્યામાં કંપનીઓને મળશે, કારણ કે મોટાભાગના માઇક્રો એટલે કે સ્મૉલ એકમોમાં પી.એફ. સિસ્ટમ હોતી નથી.

વાત રૂ. 20 હજાર કરોડની

જે એક્મો પહેલેથી મુશ્કેલીમાં છે તેવા બે MSMEને ગૌણ દેવા દ્વારા રૂ. 20,000 કરોડની રોકડ આપવામાં આવશે અને જેઓ સક્ષમ છે, પરંતુ કોરોનાને કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તેવા એકમો ને આગળ લાવવા માટે માટે 10,000 કરોડ રૂપિયાના ફંડ દ્વારા સહાય કરવામાં આવશે.

રિઝર્વ બૅન્કની વ્યાખ્યા પ્રમાણે લૉન ભરવાની બાકી હોય અથવા લૉન ચૂકવણીમાં વાર લાગી હોય અથવા નેટવર્થમાં ધોવાણ થયું હોય તેવા એકમોની સંખ્યા દેશમાં 53થી 63 ટકા છે.

દેશમાં MSME એકમોની સંખ્યા અંદાજિત 633 લાખ જેટલી છે, તેમાંથી લગભગ અડધા એકમો માંદા ગણીએ, તો સરકારે બે લાખ એકમોની સંખ્યા કેવી રીતે પસંદ કરી તે વિચારવા જેવું છે?

જીર્ણ એકમો માટે ઝાંઝવાનું જળ

આમ ઉપરોક્ત યોજનાઓ અને વાસ્તવિકતા વચ્ચે સામ્યતા દેખાતી નથી.

આ અંગે લાગતાં વળગતાં સંગઠનોએ તેમની પ્રતિક્રિયા આપી છે, તે મુજબ ઑલ ઇન્ડિયા ટ્રૅડ ફેડરેશને કહ્યું છે કે આનાથી મોટા એકમોને ફાયદો થશે, જ્યારે નાના એકમોને ફાયદો થશે નહીં.

ચેમ્બર્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કૉમર્સ અંડર ટેકિંગના પ્રમુખ ઉપકારસિંહ આહુજા અને સેક્રેટરી પંકજ શર્માએ કહ્યું હતું કે ત્રણ લાખ કરોડનું પૅકેજ માત્ર પ્રથમ દૃષ્ટિએ બહારથી આકર્ષક લાગે તેવું છે. પરંતુ આવી યોજના પહેલેથી જ મોજૂદ છે અને તેનાથી લાભ થયો નથી.

એજ રીતે ફેડેરૅશન ઑફ ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કૉમર્સ (FICO)ના ચૅરમૅન કે. કે. શેઠનું કહેવું છે કે આ સ્પેશિયલ રિલીફ ગેરમાર્ગે દોરનારી છે. આમ આ પૅકેજથી અમૂક જ એકમોને લાભ થશે બાકી મોટા ભાગના એકમોને આ સ્કીમનો લાભ થશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો