પોસ્ટ કોવિડ-19 : વૈશ્વિક અર્થતંત્ર કઈ દિશા તરફ જશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જ્યારે વિશ્વમાં કોઈ મોટી ઘટના ઘટે છે ત્યારે તેની અસર વરસો સુધી રહે છે. વિશ્વયુદ્ધ હોય અથવા જાપાન ઉપર ઝીંકાયેલો અણુબૉમ્બ હોય કે ભોપાલ જેવી ગૅસ-દુર્ઘટના હોય અથવા કાળક્રમે થતી મહામારી હોય- આ બધાની અસરોમાંથી વિશ્વને બહાર આવતાં વરસો લાગે છે.

2007માં એક અમેરિકન પરામાં મોર્ટગેજ ડિફોલ્ટથી શરૂ થયેલી કટોકટી 2010માં ગ્રીસને નાણાકીય સંકટ તરફ દોરી ગઈ અથવા તો 1929માં ન્યૂ યૉર્કમાં સ્ટૉક-માર્કેટ ક્રેશ થવાની ઘટના 1930ના દાયકામાં યુરોપમાં ફાસીવાદીઓના ઉદયમાં ફાળો આપશે?

વિશ્વનું અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલું એક અનંત જટિલ જાળું છે, જે આપણી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આર્થિક સંબંધોથી વીંટળાયેલું છે.

જેમ કે આપણે સ્ટોરમાંથી વસ્તુ ખરીદીએ છીએ અથવા નોકરીદાતા આપણને પગાર ચૂકવે છે અથવા બૅન્ક આપણને હોમ-લૉન આપે છે.

આ બધી પ્રત્યક્ષ આર્થિક પ્રવૃત્તિઓ બીજા કે ત્રીજા સ્તરની છે, પરંતુ આ ઉપરાંત વિશ્વમાં પરોક્ષ આર્થિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેનાં આર્થિક જોડાણો કેવી રીતે કાર્ય કરે છે તે કહેવું મુશ્કેલ બની જાય છે.

કોરોના પછીનું અર્થતંત્ર કેવું હશે?

કોરોના વાઇરસના કેર પછી આપણી આર્થિક તકલીફો બાબતે વિચાર કરીશું તો જણાશે કે એકબીજા સાથે આર્થિક સંબંધો સાથે જોડાયેલું આ જટિલ જાળું છે. સપ્લાય ચેઇન જ્યારે નષ્ટ થઈ જાય છે, ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર તેની શું અસર થાય છે.

કોરોના પછી કદાચ એક નવા જ વૈશ્વિક અર્થતંત્રની સંભાવનાનો ઉદય થશે.

કોલંબિયા યુનિવર્સિટીના ઇતિહાસકાર અને વિસ્તૃત વૈશ્વિક પ્રભાવોનું અધ્યયન કરનાર એડમ ટુઝે જણાવ્યું હતું કે આપણે સામાન્ય આર્થિક પ્રવૃત્તિને પાછી મેળવવા માટે સક્ષમ છીએ. આ સમય ભારે અનિશ્ચિતતાનો છે જે અગાઉ 2008ની ફાઇનાન્સિયલ કટોકટી કરતાં વધુ તીવ્ર છે. આવી અનિશ્ચિતતા વચ્ચે, વિશ્વની આર્થિક વ્યવસ્થા પાંચ વર્ષમાં કે પાંચ મહિનામાં કેવી હશે તે વિશે વધુ પડતાં આત્મવિશ્વાસથી આગાહીઓ કરવી મૂર્ખામી ગણાશે.

પરંતુ કોરોનાને કારણે ઉદભવેલી વૈશ્વિક આર્થિક અસ્થિરતા લાંબા સમયથી જે પ્રશ્નોની આપણે અવગણના કરતાં હતા તે તરફ ધ્યાન ખેંચે છે.

વૈશ્વિકીકરણે આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચીનમાં માળખાગત સુવિધાઓ વિકસી અને સસ્તી મજૂરીને કારણે ઉત્પાદન કિંમત ઘટતાં ગ્લોબલાઇઝેશનને કારણે વિશ્વના કોઈ પણ ખૂણેથી સસ્તું અને વધુ ઉત્પાદન મળી શકે તેવા દેશમાં રોકાણો વધ્યાં. પરિણામે ચીન વિશ્વમાં સૌથી દક્ષ અને સસ્તાં ઉત્પાદનો પ્રાપ્ત કરવા માટેનું કેન્દ્ર બન્યું.

પણ ટ્રમ્પના આગમન પછી અમેરિકાએ 'નેશન ફર્સ્ટ'ની પૉલિસી અપનાવી અને ચીન વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ ઉઠાવતું હતું તે જોઈ ચીન સામે ટ્રૅડ-વૉર જાહેર કરી દીધું. જેને COVID-19 થતાં તેની સપ્લાય ચેઇન ઉપર અસર થતાં અમેરિકા અને યુરોપ સહિતના દેશોએ વિચારને વધુ મજબૂત બનાવ્યો.

'એકબીજા પર નિર્ભરતાનું મૂલ્યાંકન કરાશે'

કોરોના પછી કોઈ પણ દેશ બીજા દેશ પર કેટલો નિર્ભર રહેવા માગે છે તેના પર પુનર્વિચાર કરવામાં આવશે તેવું એલિઝાબેથ (ઇકૉનૉમી, સિનિયર ફેલો, કાઉન્સિલ ઑફ ફોરેન રિલેશન)એ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે “હું નથી માનતી કે આ વિચારથી વૈશ્વિકીકરણનો અંત આવશે, પરંતુ આનાથી ટ્રમ્પના વહીવટી તંત્રમાં જે પ્રકારની વિચારધારા ચાલી રહી છે તેને વેગ મળશે. જે મુજબ અત્યારે કટોકટીના સમયમાં યુ.એસ.માં જોઈએ તેવી ટેકનૉલૉજી, સંસાધનો અને પૂરતી ઉત્પાદનક્ષમતા હોવી જોઈએ.”

ફ્રાન્સના નાણામંત્રીએ ફ્રેન્ચ કંપનીઓને ચીન અને અન્ય એશિયન દેશો પર ઓછું નિર્ભર બનવા માટે તેમની સપ્લાય ચેઇનનું ફરીથી મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો હોવાના અહેવાલ છે.

યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને જણાવ્યું છે કે તે અમુક તબીબી પુરવઠાની નિકાસ જપ્ત કરશે. સેનેટર લિન્ડસે ગ્રેહામે સૂચવ્યું હતું:

“યુનાઇટેડ સ્ટેટ્સે ચીનને વાઇરસને કાબૂ કરવામાં નિષ્ફળતા માટે સજા કરવી જોઈએ” જોકે કોરોના વાઇરસની અસર શરૂ થાય તે પહેલાં જ વૈશ્વિકીકરણની મર્યાદા સ્પષ્ટ થઈ રહી હતી.

વિશ્વ વ્યાપારમાં જી.ડી.પી.નો હિસ્સો 2008માં ટોચ પર પહોંચ્યા બાદ હવે સૌથી નીચેના સ્તરે રહ્યું છે? કોણ? રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચૂંટણીઓ અને ચીન સાથેના વેપારયુદ્ધની શરૂઆતથી જ બહુરાષ્ટ્રીય કંપનીઓએ તેમની કામગીરી અંગે પુનર્વિચારણા શરૂ કરી દીધી હતી.

કંપનીઓ હાલના સંયોગોમાં સ્થિતિસ્થાપકતા કેવી રીતે જાળવવી તેનો વિચાર કરી રહી છે.

વર્તમાન પરિસ્થિતિને જોતાં આ કંપનીઓ ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો જેવી કેટલીક ચીજોનું સ્થાનિક ઉત્પાદન થાય તેના ઉપર ભાર મૂકશે.

ચીને પણ પોતાની આર્થિક વ્યૂહરચના બદલી છે, જેનું લક્ષ્ય વિશ્વ માટે સસ્તાં ઉત્પાદનો બનાવતા કેન્દ્ર તરીકે રહેવાનું નહીં, પરંતુ હવે ચીન વિમાન અને ટેલિકૉમ્યુનિકેશન્સ જેવાં અદ્યતન ઉત્પાદનો બનાવવા તરફ ભાર આપશે.

'કોવિડને કારણે સંબંધોમાં ખેંચતાણ'

અત્યાર સુધી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ મુદ્દે આશંકાઓને કારણે અમેરિકનો, યુરોપિયનો અને જાપાનીઓ આ અંગે મોટા પ્રમાણમાં ચીન સાથે આધુનિક ટેકનૉલૉજી ક્ષેત્રે જોડાણ કામગીરી કરવામાં અચકાતા રહ્યા છે.

ટ્રમ્પ વહીવટ હેઠળ, યુનાઇટેડ સ્ટેટે પશ્ચિમ યુરોપમાં પણ તેના પરંપરાગત ટ્રૅડ પાર્ટનર્સ દેશો સાથે વ્યાપાર સંબંધો બગાડ્યા હતા. હવે કોવિડ-19ને કારણે કદાચ આ સંબંધોમાં તાણ વધતી જશે.

મહામારી બાદના સમય વિશે વાત કરતાં મોર્ગન સ્ટેન્લીના ચીફ ગ્લોબલ સ્ટ્રેટલિજસ્ટે કહ્યું છે, “ડી-ગ્લોબલાઇઝેશનનો ટ્રૅન્ડ COVID-19 પહેલાં જ શરૂ થઈ ગયો હતો.”

વર્લ્ડ-વૉર-1 દરમિયાન જ્યારે 1918માં ફ્લૂ ફેલાયો, ત્યારે તેણે વિશ્વની નાણાં-વ્યવસ્થા ઉપર ઊંડી અસર કરી હતી અને તે વખતે બ્રિટિશ પાઉન્ડ ધરાશાયી થયો હતો.

એવી જ બીજી ઘટના આજે સામે આવી છે. કોવિડ-19ને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા વિખેરાઈ ગઈ છે.

ફેડરલ બૅન્કે વિશ્વની 14 સેન્ટ્રલ બૅન્કો માટે સ્વેપ લાઇન ઊભી કરી છે, જેના વડે તેઓ સ્થાનિક બૅન્કોમાં ડૉલર પ્રવાહિત કરી શકે. આ વ્યવસ્થામાં જે તે દેશોને ટ્રેઝરી બૉન્ડ્સને કૉલેટરલ તરીકે ગીરવી મૂકીને ડૉલર મેળવાશે. આ પગલાં એ સુનિશ્ચિત કરવામાં મદદ કરી રહ્યાં છે કે ડૉલરની અછત વિશ્વના અર્થતંત્રને લથડવા દેશે નહીં. આ બાબતે યુરોપ અને ચીન અલગ મત ધરાવે છે. એક જાણીતા હિસ્ટોરિયને કહ્યું છે કે ડૉલર સિસ્ટમ એ સ્વાભાવિક રીતે સાઇકલ ચલાવવા જેવી સ્થિતિ છે, પરંતુ તમે સ્કિલ્ડચાલક છો તો તેના ઉપર બેસી મુસીબતોમાંથી તરી શકો છો.આમ ગ્લોબલાઇઝેશન પછી અંશત ડી-ગ્લોબલાઇઝેશનના સમયમાં વિશ્વના પ્રવાહોને ગણતરીમાં રાખી ભારતે પણ નવી નીતિ અખત્યાર કરવી પડશે.

જોકે વિશ્વ વ્યાપારમાં ભારતનો એક ટકા જેટલો હિસ્સો છે, ત્યારે આયાત ઉપર નિર્ભર રહેતા બલ્ક ડ્રગ્સ, ડાયસ્ટફ્સ અને કેમિકલ્સ જેવી પેદાશો ભારતમાં જ બને અને ભવિષ્યમાં પણ સપ્લાય ચેઇન તૂટે તો પણ આપણે સ્વનિર્ભર રહી શકીએ તેવી નીતિ અખત્યાર કરવી પડશે.

ચીન અને અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. હવે જોઈએ કોરોના પછીના સમયગાળામાં વિશ્વના દેશો કયું વલણ અખત્યાર કરે છે.

આ ચર્ચા સ્પષ્ટ રીતે એક વાત સાથે સહમત છે કે કોવિડ-19 બાદનું વિશ્વ અને એની વ્યવસ્થાઓ ઘણી બધી બદલાઈ ચૂકી હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો