કોરોના વાઇરસ : મૅન્યુફૅક્ચરિંગ પછી સેવાકીય પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતનું સર્વિસ સૅક્ટર જે દેશના જીડીપીમાં લગભગ 60 % ફાળો આપે છે તેનો એપ્રિલ મહિનાનો સર્વિસ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ છેલ્લાં 14 વર્ષમાં નીચામાં નીચી સપાટીએ જોવા મળ્યો છે. કોવિડ-19 રોગચાળાને કારણે તેની સેવાકીય પ્રવૃત્તિ પર અસર થતાં અને ગ્રાહકો લૉકડાઉન પરિસ્થિતિમાં હોવાથી સર્વિસ ક્ષેત્રે પી.એમ.આઈ. ઘટવા પામ્યો છે તેવું સર્વેનું તારણ છે.

સર્વિસ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સમાં (પી.એમ.આઈ.) એપ્રિલ માસમાં 5.4 ટકા ઘટાડો થવા પામ્યો હતો, જે માર્ચમાં 49.3 હતો. ડિસેમ્બર 2005 પછી સેવાકીય ક્ષેત્રે થયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

આપણે જાણીએ છીએ તેમ ઇન્ડેક્સ 50થી ઉપર હોય તો જે તે ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય, જ્યારે ઇન્ડેક્સ 50થી નીચે હોય તો જે તે ક્ષેત્રમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ કહેવાય છે.

એપ્રિલ મહિનાના સર્વેમાં મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ કરતાં સેવાકીય પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

લૉકડાઉનને લીધે નુકસાન

આ ક્ષેત્રે મંદી મૅન્યુફેક્ચરિંગ સૅક્ટરની તુલનામાં વધારે હતી. હેડલાઇન ઇન્ડેક્સમાં ઘટાડો કે જે 40 પૉઇન્ટથી નીચે છે તે બતાવે છે કે કડક લૉકડાઉન પગલાંને લીધે સર્વિસ અને મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર આવશ્યક રૂપે સંપૂર્ણ સ્થિર રહેવા પામ્યું છે.

આઈ.એચ.એસ. માર્કિટના અર્થશાસ્ત્રી જો હેઝે કહ્યું છે કે જી.ડી.પી.ના (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન) ડેટા સાથેની ઐતિહાસિક તુલના દર્શાવે છે કે એપ્રિલમાં ભારતના અર્થતંત્રમાં વાર્ષિક 15%ના દરે ઘટાડો થયો હતો.

હેઝે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે આર્થિક નુકસાન ભારતમાં અત્યાર સુધી દૂરસ્થ રહ્યું છે, પરંતુ વરતારો એ છે કે અર્થતંત્ર સૌથી ખરાબ સ્થિતિમાં મુકાશે. લૉકડાઉન પગલાં ધીમે-ધીમે હઠાવવામાં આવશે, ત્યારે વસ્તુઓ સુધરવાની શરૂઆત થશે.

ભારતના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન, જેને વિશ્વમાં સૌથી સખ્ત માનવામાં આવે છે, તેના પરિણામે મોટા પાયે ઉત્પાદન અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓને નુકસાન થયું છે.

રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યું કે લૉકડાઉનથી નાણાકીય વર્ષ 2021માં રિયલ જી.ડી.પી.માં 4 ટકા જેટલું કાયમી નુકસાન થઈ શકે છે.

ભારતનો બેરોજગારીનો દર 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 27.1%ના સ્તરે ગયો હતો અને એપ્રિલમાં લગભગ 121.5 મિલિયન ભારતીયોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી, એમ સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે.

મજૂરોની કમીને લીધે સમસ્યા

સરકારે મેની 17 તારીખ સુધી દેશવ્યાપી લૉકડાઉન લંબાવ્યું છે, પરંતુ સાથે-સાથે ગ્રીન અને ઑરૅન્જ ઝોનમાં કે જ્યાં કોરોના કેસોની સંખ્યા ઓછી છે તે જગ્યાઓ પર ઇકૉનૉમિક ઍક્ટિવિટી શરૂ કરવા માટેની જરૂરી નિયમનો અંતર્ગત છૂટછાટ પણ આપી છે. પણ બિઝનેસ કે ઉદ્યોગોને સપ્લાય ચેઇનના અભાવે અને મજૂરોની શૉર્ટેજને કારણે મોટા પ્રશ્નો ઊભા થયા છે.

આમ આર્થિક પ્રવૃત્તિમાં વિક્ષેપને કારણે ઘણા ઇકૉનૉમિસ્ટ ભારતનો વરસ 2021 માટેનો આર્થિક વિકાસદર ઘટશે તેવું માને છે. સ્વિસ બૅન્ક યુ.બી.એસ. માને છે કે જો મે મહિનાની મધ્યમમાં લૉકડાઉનના નિયમો હળવા થાય અને આર્થિક પ્રવૃત્તિ શરૂ થાય તો પણ આર્થિક વિકાસમાં 0.4 ટકાનો ઘટાડો આવશે.

એમના અંદાજ મુજબ જૂનના અંત સુધીમાં આર્થિક પ્રવૃત્તિ નૉર્મલ થશે તેવું લાગી રહ્યું છે જે થોડો વધુ આશાવાદી અંદાજ છે.

જો જૂન મહિનાના મધ્ય ગાળા સુધી લૉકડાઉન લંબાઈ ગયું તો ઇકૉનૉમી ઑગસ્ટ મહિનાના અંત સમય સુધી પાટા પર નહીં આવી શકે. એમ.એસ.એમ.ઈ. (માઇક્રૉ, સ્મોલ ઍન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી) તથા અન્ય નબળાં સૅક્ટરો માટે પૅકેજ જાહેર કર્યા હતા, જેથી બેરોજગારી વધે નહીં અને માગમાં વધારો થતાં આર્થિક વિકાસ જળવાઈ રહે. પરંતુ આ બધાની કોઈ ખાસ અસર દેખાતી નથી, કારણ કે જે ઔદ્યોગિક વસાહતો છે તે મોટે ભાગે રેડ ઝોનમાં આવી છે, જેથી ઉદ્યોગો શરૂ થયા નથી.

વળી મજૂરોની અને કાચા માલની તંગીની સમસ્યા જે ઉદ્યોગો શરૂ થયા છે, તેમને પણ સતાવી રહી છે તે જોતાં જ્યાં સુધી સંપૂર્ણ લૉકડાઉન ખૂલશે નહીં, ત્યાં લગી સપ્લાય ચેઇન સુચારુરૂપે શરૂ થશે નહીં.

વળી ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જે પરપ્રાંતીય મજૂરો પોતાના વતનમાં ગયા છે તેઓ જલદીથી પાછા વળે તેવું લાગતું નથી.

આર્થિક પ્રવૃત્તિ મંદ પડતાં તેની અસર દેશના ટૅક્સ કલેક્શન ઉપર પડશે જેની સીધી અસર બજેટમાં નિર્ધારિત કર લક્ષ્યાંકો પર પડશે. આથી સરકાર વધુ રાહતો જાહેર કરી શકશે નહીં.

'સરકાર વધુ રાહત આપી શકે તેમ નથી'

જોકે તાજેતરમાં ભારત સરકારે પેટ્રોલ અને ડિઝલ ઉપર ભારે એક્સાઇઝ ડ્યૂટી નાખી અંદાજે દોઢ લાખ કરોડ કરતાં વધુ સંભવિત રકમની જોગવાઈ કરી દીધી છે. આજે પેટ્રોલ કે ડીઝલના ગ્રાહક એક રૂપિયો ચૂકવે તેમાં 70 પૈસા સરકારી વેરા છે.

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, ભારત અન્ય દેશોની સરખામણીમાં પૅકેજ આપી શકે તેમ નથી.

આપણે કોરોનાની મોટી કિંમત ચૂકવવી પડશે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વિકાસદર નૅગેટિવ જઈ શકે છે. જોકે સુબ્રમણ્યમે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વરસના અંતમાં વિકાસદર બે ટકા જેટલો રહેશે.

એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “ઇકૉનૉમીમાં કશું મફત નથી હોતું તે વાત આપણે માનવી પડશે."“જો આપણે રાજકોષીય ખાધ 3.3 ટકાના લક્ષ્યાંક કરતાં વધારીશું, તો તેની અર્થવ્યવસ્થાની પાયાની બાબતો ઉપર અસર પડશે."

તેમણે કહું હતું કે 1918માં સ્પેનિશ ફ્લૂની મહામારી સમયે અર્થવ્યવસ્થા જાતે જ બેઠી થઈ હતી. સ્પેનિશ ફ્લૂ વખતે ભારતની અર્થવ્યવસ્થા વી આકારમાં હતી અને આ વખતે પણ તે વી શેપમાં છે. આ વાત સાથે સંમત થવું મુશ્કેલ લાગે છે. આ વખતે અર્થવ્યવસ્થામાં સુધારો ઘણો ધીમો હશે જે યુ શેપમાં હોય તે વધુ શક્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશનું કૉર્પોરેટ સૅક્ટર સરકારની પાસે મોટા પૅકેજની આશા રાખી રહ્યું છે, ત્યારે મુખ્ય આર્થિક સલાહકારનું આ નિવેદન નિર્દેશ કરે છે કે, સરકાર હવે કોઈ મોટાં પૅકેજ જાહેર કરવાના મૂડમાં કે સ્થિતિમાં નથી.

સરકારે જો કોઈ મોટાં પૅકેજ જાહેર કરવાં હોય તો એ માટે સરકારે નાણાકીય નુકસાનીમાંથી બહાર આવવા મોટા પ્રમાણમાં સરકારી તિજોરીમાં નાણાપ્રવાહ માટે ટૅક્સની આવક વધારવી પડશે અને ટૅક્સની આવક તો જ વધે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થાય.

આમ, હાલના તબક્કે સરકાર તરફથી કોઈ મોટી જાહેરાત થાય તેવું દેખાતું નથી.

'પૈસા આવે તો બૅલેન્સશીટ જળવાય'

આ ઝેરી ચક્રને તોડવા માટે સરકારે આઈ.એમ.એફ. (ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ) જેવી સંસ્થાઓ કે અન્ય પાસેથી વ્યાજે નાણાં લઈને પણ રાહતપૅકેજ જાહેર કરવાં જોઈએ. માત્ર ફિઝિકલ ડેફિસિટના લક્ષ્યાંકને પકડીને બેસી રહેવાથી દેશની આર્થિક ગતિવિધિ પુન: ધબકશે તેવી મુદ્દલ શક્યતા દેખાતી નથી.

ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન નિરાશાપ્રેરક છે. સરકાર તેની બૅલેન્સશીટ ત્યારે જ સારી કરી શકે, જ્યારે તેની તિજોરીમાં પૈસા આવે. આ પૈસા વ્યાપાર ઉદ્યોગ થકી આવવાના છે.

આ માટે સરકારી ખર્ચમાં કાપ અને વિશ્વની નાણાં સંસ્થાઓ પાસેથી ટૂંકા ગાળા માટે પૈસા મેળવીને અર્થવ્યવસ્થાના ચક્રો ગતિમાન કરવા મોટો ખરચ કરવો પડશે.

દેશમાં લૉકડાઉન હતું ત્યારે સરકારે બહાર પાડેલાં પૅકેજોનો કોઈ જ અર્થ સર્યો નથી. આ નાણાં આર.બી.આઈ. પાસેથી બૅન્કો સુધી પહોચ્યાં છે, પણ ઉદ્યોગ-ધંધા બંધ હોવાથી વ્યાજે નાણાં લેવાનું ઉદ્યોગોને પોષાય નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો