કોલકતામાં દુર્ગાપૂજાના પંડાલ કેવી રીતે મહિલા સામે અત્યાચારના વિરોધનો અવાજ બની રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંદીપ રૉય
- પદ, બીબીસી ન્યૂઝ
નવમી ઑગસ્ટે કોલકતાની સૌથી જૂની હૉસ્પિટલો પૈકીની એક આરજી કર હૉસ્પિટલમાંથી એક મહિલા ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે આખું શહેર હચમચી ઊઠ્યું હતું. આ મહિલા ડૉક્ટર પર રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં આરોપીને ઝડપથી પકડી લેવાયો હતો, પરંતુ સરકારી તંત્ર પર આ ઘટનામાં ઢાંકપિછોડો કરવાના અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપો લાગ્યા હતા, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
ત્યાર પછી કોલકતામાં દૈનિક વિરોધ પ્રદર્શનો યોજાયાં, માનવ સાંકળ રચીને અને મીણબત્તી સાથે રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો. હવે આ શહેરમાં અત્યાર સુધીના સૌથી ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે સૌથી મોટો ઉત્સવ શરૂ થયો છે.
કોલકતામાં દુર્ગાપૂજાના ઉત્સવની ઉજવણી પૂર્ણ થવામાં છે, જેમાં દસ ભુજાધારી દુર્ગા માતા પિતૃગૃહે પોતાના સમગ્ર પરિવારની મુલાકાતે આવે છે.

ઇમેજ સ્રોત, Swastik Pal

ઇમેજ સ્રોત, Swastik Pal
દુર્ગા પૂજાના પંડાલોમાં દુર્ગા માતા સિંહ પર વચ્ચે બિરાજમાન છે. તેમની આસપાસ તેમના સંતાન ગણાતા ગણેશ તથા કાર્તિકેય મોર પર સવાર છે.
તેવી જ રીતે લક્ષ્મી અને સરસ્વતી દેવી પણ હાજર છે. દુર્ગા માતા સામે પરાજિત પાડાના સ્વરૂપમાં દૈત્ય તેમના પગ પાસે છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.
આજકાલ લોકો માત્ર દેવતાઓને જોવા માટે પંડાલમાં નથી આવતા. પંડાલને હવે વિશેષ રીતે સજાવવામાં આવે છે.
કેટલાક પંડાલમાં દુબઈના બુર્જ ખલીફા જેવી ઇમારત અથવા સુંદરવનનાં મેન્ગ્રોવ જંગલો જેવા નમૂના બનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય કેટલાકમાં સામાજિક સંદેશ સાથેના સ્થાપનો હોય છે, જેમાં પાણી બચાવો, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના, હસ્તકલા બચાવો, વગેરે સંદેશ હોય છે.
વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Swastik Pal
તેના કારણે દુર્ગા પૂજાને વિશ્વના સૌથી મોટા સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કળાના સંગઠન માસ આર્ટ દ્વારા પસંદ કરાયેલી કેટલીક પૂજાઓને પ્રિવ્યૂ માટે મૂકાય છે, ખાસ કરીને વિદેશી મહેમાનો તેમાંથી કંઈક સમજ મેળવી શકે તેવો હેતુ છે.
તેના સેક્રેટરી, ધ્રુબજ્યોતિ બોઝ સુવો કહે છે કે, "શહેર કેવી રીતે સાર્વજનિક ગેલેરીમાં પરિવર્તિત થાય છે તે દેખાડવાનો હેતુ છે."
પરંતુ આ વર્ષે કોલકાતાના સૌથી મોટા સ્ટ્રીટ આર્ટ કાર્યક્રમ દુર્ગા પૂજામાં વિરોધ પ્રદર્શનોનું નિરુપણ કરવામાં આવ્યું છે.
પંડાલોમાં કેટલીક મૂર્તિઓ અલગ લાગે છે, અને દીવાલો પરની આર્ટવર્ક પણ મહિલા અને પ્રાણીઓની આકૃતિઓ સાથે વેદના અને વિરોધને પ્રતિબિંબિત કરે છે. સંપૂર્ણ લાલ, કાળા અને સફેદ રંગમાં વિરોધની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
9 ઑગસ્ટની રાત્રે આરજી કર મેડિકલ કૉલેજમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, ત્યાર પછી વિરોધ ફાટી નીકળ્યો હતો.

ઇમેજ સ્રોત, Swastik Pal
36 કલાકની થકવી નાખનારી શિફ્ટ પછી આરામ કરવા માટે નિર્ધારિત જગ્યા ન હોવાના કારણે ડૉક્ટર સેમિનાર રૂમમાં સૂઈ ગયાં હતાં. બીજા દિવસે મંચ પરથી તેમનો અર્ધનગ્ન દેહ મળી આવ્યો હતો, જેના પર ગંભીર ઈજાના નિશાન હતા.
વિઝ્યુઅલ આર્ટિસ્ટ સનાતન ડિંડા કહે છે, "આ ઘટનાઓની અસર પડી જ છે. હું વાસ્તવિકતાથી દૂર રહીને ચિત્રકામ નથી કરતો. હું મારી કૃતિમાં આસપાસના સમાજનું નિરુપણ કરું છું."
રેપ અને હત્યાની ઘટનાથી નારાજ સનાતન ડિંડાએ સરકાર સંચાલિત કળા સંસ્થામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ કહે છે, "હવે હું બીજા બધા સાથે રસ્તા પર છું. હવે મને કોઈનો ડર નથી."
સપ્ટેમ્બર મહિનામાં ડિંડા અને કુમારતુલીમાં કારીગરોની વસતીમાં દુર્ગાની છબીઓ બનાવનારા માટીકામના કારીગરોએ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે "આપણી દુર્ગા" તરીકે ઓળખાતી મહિલા માટે ન્યાયની માંગણી સાથે કૂચ કાઢી હતી.
ડિંડા કહે છે કે આ વર્ષે તેઓ દુર્ગાની જે છબીઓ પર કામ કરી રહ્યા છે, તેમાં તેમણે "સુધારણા" કર્યા છે.

ઇમેજ સ્રોત, Swastik Pal
દક્ષિણ કોલકાતાના બાઘા જતિન ખાતે દુર્ગા માતાના ચહેરા પર માતૃત્વના બદલે ઉગ્રતાના ભાવ છલકે છે. તેઓ જે સિંહ પર સવારી કરે છે તે તેમની છાતીમાંથી કૂદીને નીકળે છે.
અનિષ્ટને ખતમ કરવા માટે તેમના દશેય હાથમાં ભાલા છે. દીવાલો પરની કળાકૃતિઓમાં લાલ, કાળા અને સફેદ રંગમાં નગ્ન સ્ત્રીઓ અને પ્રાણીઓની આકૃતિઓ સાથે વેદના અને વિરોધ વ્યક્ત થાય છે.
વિરોધ પ્રદર્શિત કરવા માટે કળાનો ઉપયોગ એ કોઈ નવી વાત નથી.
1983માં ન્યૂ યોર્કના સબવેની દીવાલો પર કથિત રીતે ગ્રેફિટી લખતા એક વ્યક્તિની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અમેરિકન કલાકાર જિન મિશેલ બાસ્કિયાટે ડિફેસમેન્ટ નામે ચિત્ર બનાવ્યું હતું જે આ ઘટનાનું નિરુપણ કરે છે.

ઇમેજ સ્રોત, Swastik Pal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્લૅક લાઇવ્સ મેટર આંદોલન વખતે આ ચિત્ર ફરીથી ચર્ચામાં આવ્યું હતું. જેની હોલ્ઝર, કીથ હેરિંગ, ડિએગો રિવેરા અને બેંક્સી જેવા કલાકારોની કૃતિઓ કિએવથી લઈને વેસ્ટ બૅન્ક સુધીની દીવાલો પર પથરાયેલી છે અને તેમણે પણ રાજકીય સંદેશ આપવા માટે લાંબા સમયથી કળાનો ઉપયોગ કર્યો છે.
દુર્ગા પૂજાની કળા એ જાહેર કળા તો છે, પરંતુ તે એક ધાર્મિક તહેવારના કેન્દ્રમાં છે જે રાજ્યના અર્થતંત્રને ટેકો આપે છે.
બ્રિટિશ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 2019માં દુર્ગા પૂજાની આર્થિક અસર 4.5 અબજ ડૉલર કરતા વધુ હતુ. પશ્ચિમ બંગાળના જીડીપીમાં દુર્ગા પૂજાના તહેવારનો હિસ્સો લગભગ ત્રણ ટકા જેટલો છે.
આટલું બધું જ્યારે દાવ પર લાગેલું હોય ત્યારે પૂજાના આયોજકોએ સાવધાનીથી વર્તવું પડે છે. હજારોની સંખ્યામાં સામાન્ય માણસો ઉપદેશ સાંભળવા માટે નહીં પણ સારો સમય ગાળવા માટે પંડાલમાં આવતા હોય છે.
તેઓ જે સરકારનો વિરોધ કરે છે તેની પાસેથી જ નાણાકીય ગ્રાન્ટ પણ મેળવે છે. આ ઉપરાંત જુદી જુદી મંજૂરીઓ માટે અને ટ્રાફિકના નિયમન માટે પોલીસ સાથે કામ કરવું પડે છે.
તેના કારણે કેટલાકે સરકાર પાસેથી નાણાકીય સહાય લેવાનું જતું કર્યું છે.
પૂજા પંડાલમાં 'મહિલા સામે અત્યાચાર'ની થીમ

ઇમેજ સ્રોત, Swastik Pal
શહેરની ઉત્તરપૂર્વીય બાજુમાં આવેલા કંકુરગાચીમાં એક દુર્ગા પૂજા પંડાલમાં 'લજ્જા'ની થીમ રાખવામાં આવી છે. તેમાં દુર્ગાએ પોતાની આંખો ઢાંકેલી છે અને તેમનો સિંહ સફેદ ચાદરમાં લપેટાયેલી એક મહિલાના શરીર પર સતર્ક નજર રાખી રહ્યો છે.
તેના આયોજક દેખીતી રીતે જ પશ્ચિમ બંગાળના વિરોધપક્ષ સાથે સંકળાયેલા છે. તેની નજીકમાં બીજી એક પૂજામાં શોકગ્રસ્ત પરિવારની ઝાંખી બતાવાય છે.
તેમાં માતા પથારી પર બેઠાં છે, પિતા સિલાઈ મશીન પર છે અને ડોક્ટર પુત્રીનું ચિત્ર દિવાલ પર છે. અન્ય આયોજકો વધારે સાવચેત છે અને તેઓ રાજકીય વિવાદમાં પડવા નથી માગતા.
અર્જુનપુર અમરા સબાઈ ક્લબના પ્રમુખ મૌસુમી દત્તા કહે છે, "પરંતુ અમે હજી પણ આને એક મુદ્દો બનાવવા માંગીએ છીએ, ખાસ કરીને મહિલાઓની આગેવાની હેઠળની ક્લબ તરીકે તે મહત્ત્વનો મુદ્દો છે."

ઇમેજ સ્રોત, Swastik Pal
આ વર્ષની તેમની થીમ છે - ભેદભાવ. તેમાં કલાકારે દેવી દુર્ગાની મૂર્તિ પાછળ બૅકગ્રાઉન્ડમાં ભારતના બંધારણ અને સમાનતાની ખાતરી આપતી કલમોનો ઉપયોગ કર્યો છે. સ્થાનિક કલાકારો શેરી નાટકો દ્વારા બંધારણના વચન અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ દેખાડે છે.
થીમ અગાઉથી નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોલકાતાની ઘટનાએ તેની ગંભીરતા વધારી દીધી છે. મૌસુમી દત્તા કહે છે, "અમે આ વર્ષની દુર્ગા પૂજાને તહેવાર નહીં કહેવાનું નક્કી કર્યું છે." "તેના બદલે અમે તેને પ્રતિજ્ઞા કહીએ છીએ. અમે એક એવી દુનિયાનું સર્જન કરવાની પ્રતિજ્ઞા લીધી છે જ્યાં અમારે ન્યાય માગવા માટે શેરીઓમાં ઊતરી આવવાની જરૂર ન પડે."
મહિલા માટે ન્યાયની માંગ એ આમ પણ દુર્ગા પૂજા સાથે સંકળાતો વિષય છે. કારણ કે આ એવો તહેવાર છે જેમાં અનિષ્ટનો પરાજય થાય છે. એક પૂજાએ પહેલેથી જ તેની થીમ તરીકે મહિલા શક્તિ પસંદ કરી હતી જે હવે અત્યારના વાતાવરણ સાથે મેળ ખાય છે.
દુર્ગા પૂજાના થીમ ડિઝાઇનર્સ કહે છે કે વિરોધ ફાટી નીકળ્યો ત્યારે અમે પહેલેથી જ કામમાં ગળાડૂબ હતા.
સુસાંતા શિબાની પાલ કહે છે, "અગાઉ આવું થયું હોત તો વાત અલગ હતી. ઑગસ્ટ સુધીમાં આયોજકો અને મારી સાથે કામ કરતા લગભગ 450 લોકો સાથે મારું કામ નક્કી થઈ ગયું હતું. પરંતુ આ મુદ્દો મારી કળામાં "અજાગૃતપણે" પ્રવેશ્યો હતો."
તાલા પ્રતિતોય પૂજા માટે તેમની કૃતિ બિહીન (શૂન્યતા) 35,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જેમાં દર્શકને "બ્લૅક હોલ"નું દૃશ્ય જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Swastik Pal
તેમની દુર્ગાને કોઈ શરીર નથી, તેમનું જીવન ઝગમગતી મીણબત્તીના સ્વરૂપમાં રજૂ થાય છે. વિરોધ પ્રદર્શનમાં જે મીણબત્તીઓ હોય છે તેવી રીતે.
તેઓ કહે છે, "કોઈ દર્શક કદાચ તેને મારા વિરોધ તરીકે જોઈ શકે. હું તેને સંયોગ કહીશ. આરજી કર હૉસ્પિટલની ઘટના બની તે પહેલાં મેં આ કામ શરૂ કરી દીધું હતું."
કેટલાક લોકો દુર્ગા પૂજાની કળામાં વિરોધનો મૂડ લાવી રહ્યા છે, તો કેટલાક લોકો દુર્ગા પૂજામાં વિરોધની કળા લાવી રહ્યા છે. ચંદ્રેયી ચેટરજીનો પરિવાર 16 વર્ષથી કોલકાતામાં તેમના ઘરે દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યો છે. ચેટરજીએ ઘણા શેરી વિરોધમાં પણ ભાગ લીધો હતો.
તેઓ સ્વીકારે છે કે આ વર્ષે તેઓ ઉજવણી કરવાના મૂડમાં નથી. આ વખતે દુર્ગા પૂજા જરૂર થશે, પણ તે અલગ હશે. તેઓ કહે છે, "અમે માત્ર જરૂરી ધાર્મિક વિધિઓ કરીશું. તેનાથી વિશેષ કંઈ નહીં. ઉજવણીમાં જે કંઈ આવતું હોય, જેમ કે નૃત્ય, તેને આ વર્ષે દૂર કરવામાં આવી રહ્યું છે."
ચંદ્રેયી અને તેમના મિત્રોએ નાનકડો એક કલાત્મક બિલ્લો (બૅજ) પણ બનાવ્યો છે. તેમાં એક સળગતી મશાલને પકડી રાખનાર હાથ જોવા મળે છે. નીચે બંગાળીમાં લખેલું છે, "અમને ન્યાય જોઈએ છે."
ચેટરજી કહે છે, "હું આ બિલ્લો અમારી પૂજામાં આવનારા મિત્રો અને કુટુંબીજનોને આપીશ. અમે લોકોને યાદ અપાવવા માંગીએ છીએ કે અમારે ઘણી લાંબી મજલ કાપવાની છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












