કેરળથી બોલીવૂડ : હેમા કમિટીના રિપોર્ટથી કેવી રીતે ફરી છેડાઈ #MeTooની ચર્ચા?

હેમા કમિટી, કેરળ, મીટુ, બોલીવૂડ, મહિલાઓ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 2017 પછી બોલીવૂડમાં પણ #MeToo આંદોલન શરૂ થયું હતું અને તનુશ્રી દત્તાએ અવાજ ઉઠાવ્યો હતો
    • લેેખક, ઇસાદ્રિતા લાહિરી, સુમેધા પાલ
    • પદ, કોચી, મુંબઈ, બીબીસી ન્યૂઝ

દક્ષિણ ભારતના કેરળના ફિલ્મોદ્યોગમાં કામ કરતી એક મેક-અપ આર્ટિસ્ટ આખો દિવસ શૂટિંગ કર્યા પછી હોટલમાંના પોતાના રૂમમાં ઊંઘી રહી હતી. અડધી રાતે તેમને આભાસ થયો હતો કે કોઈ પુરુષ તેના પલંગની નીચેથી બહાર નીકળી રહ્યો છે.

53 વર્ષનાં રેવતી (નામ બદલ્યું છે) કહે છે, “મેં ચીસ પાડી હતી અને આસિસ્ટંટ ડિરેક્ટરના રૂમ ભણી ભાગી હતી. હું બહુ ગભરાઈ ગઈ હતી.”

રેવતીના કહેવા મુજબ, એ પુરુષ ફિલ્મના પ્રોડક્શન યુનિટનો હતો. તેમણે આ ઘટનાની ફરિયાદ પ્રોડક્શન હાઉસ અને પોલીસને કરી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

રેવતી કહે છે, “ફિલ્મના સેટ પર પોર્નોગ્રાફી અને સ્ત્રીઓને વાંકી નજરે નિહાળતા પુરુષોને મેં જોયા છે. ટેકનિશિયનો માટે કોઈ કેરેવાન કે બાયો ટૉઇલેટ હોતું નથી. ફિલ્મના સેટ અત્યારે પણ પુરુષોના વર્ચસ્વવાળી જગ્યા છે.”

રેવતી અને અન્ય અનેક મહિલાઓએ જસ્ટિસ હેમા કમિટી સમક્ષ પોતાના અનુભવ 2018માં શૅર કર્યા હતા.

તેના એક વર્ષ પહેલાં વિખ્યાત અભિનેત્રી સાથે જાતીય દુર્વ્યવહારની ઘટના પછી કેરળ સરકારે ત્રણ સભ્યોની જસ્ટિસ હેમા કમિટીની રચના કરી હતી. કમિટીએ તે ફિલ્મોદ્યોગમાં કામ કરતી મહિલાઓની ભયાનક હાલતની તપાસ કરી હતી અને 2019માં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.

એ અહેવાલ પાંચ વર્ષ પછી ગયા મહિને જાહેર કરવામાં આવ્યો હતો. તેનાં તારણોને ફિલ્મોદ્યોગમાં એક માઇલસ્ટૉન ગણવામાં આવે છે.

ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓએ કમિટી સાથે વાત કરતાં દાયકાઓ જૂના દુર્વ્યવહારની એવી ઘટનાઓ શૅર કરી હતી, જેનો સામનો તેમણે કરવો પડ્યો હતો અથવા તેને જોઈ હતી.

અનેક લોકો માટે તે વીમેન ઈન સિનેમા કલેક્ટિવ (ડબલ્યુસીસી) નામના એક સપોર્ટ ગ્રૂપના પ્રયાસોનું પરિણામ હતું. એ ગ્રૂપે મહિલાઓને અવાજ ઉઠાવવા પ્રેરિત કરી હતી.

ડબલ્યુસીસી કેવી રીતે કામ કરે છે અને શું છે પડકારો?

હેમા કમિટી, કેરળ, મીટુ, બોલીવૂડ, મહિલાઓ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WCC

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં ડબલ્યૂસીસીની પહેલી કૉન્ફરન્સ થઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2017માં જાતીય હિંસાના મામલે આક્રોશ ફાટી નીકળ્યા પછી ડબલ્યુસીસીની રચના થઈ હતી.

આ ઘટના પછી કેરળના ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓનો એક સમૂહ દાયકાઓ જૂના જાતીય દુર્વ્યવહારના મામલે વ્યાપક તપાસ માટે સરકાર પર દબાણ લાવવા એક થયો હતો.

આ રીતે હેમા કમિટીની રચના થઈ હતી.

તેની તપાસ આગળ વધી અને સમિતિએ રિપોર્ટ સોંપ્યો, જે 2024માં બહાર પાડવામાં આવ્યો હતો. ડબલ્યુસીસી માત્ર એક સપોર્ટ ગ્રૂપથી આગળ વધીને કેરળના ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ માટે પોતાની વણકહી કથાઓ શૅર કરવાનું એક મજબૂત પ્લૅટફૉર્મ બની ગયું.

રેવતી કહે છે, “આ એક બહેનપણું છે. ડબલ્યુસીસીને કારણે ફિલ્મોદ્યોગના પુરુષો થોડા સાવધ થઈ ગયા છે.”

ડબલ્યુસીસીમાં 60 સત્તાવાર સભ્ય છે. તેમાં વિખ્યાત ડિરેક્ટર અંજલિ મેનન પણ છે. અંજલિ મેનન ડબલ્યુસીસીનો સમાવેશ ડબલ્યુસીસીની 17 સંસ્થાપિકામાં થાય છે.

જોકે, આ ગ્રૂપમાં જોડાવા માટે મહિલાઓએ કિંમત પણ ચૂકવવી પડી હતી.

રેવતી કહે છે, “જેમણે અવાજ ઉઠાવ્યો હતો, તેમને ફિલ્મોદ્યોગમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.”

“લોકો અમારી સાથે કામ કરવા ઇચ્છતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે અમારા કારણે સમસ્યા સર્જાશે. ડબલ્યુસીસીનો હિસ્સો બનેલા અમારા પૈકીના મોટા ભાગના લોકોને આ સંગઠનમાં જોડાયા બાદ કોઈ કામ મળ્યું ન હતું.”

રેવતીના દાવા મુજબ, રાજ્યમાં ફિલ્મોદ્યોગના એકમાત્ર ટ્રેડ યુનિયન ફિલ્મ ઍમ્પ્લૉઇઝ ફેડરેશન ઑફ કેરળ (એફઈએફકે)ને તેમણે ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાંથી ક્યારેય કોઈ જવાબ મળ્યો ન હતો.

વીડિયો કૅપ્શન, Mumbai Film industry: #MeToo મૂવમેન્ટ પછી બોલિવૂડમાં સ્થિતિ બદલાઈ છે કે નહીં?

16 વર્ષ સુધી એફઈએફકેના મહામંત્રી તરીકે કામ કરી ચૂકેલા વિખ્યાત ફિલ્મનિર્માતા બી. ઉન્નીકૃષ્ણન કહે છે, “16 વર્ષમાં અમને કેટલી ફરિયાદો મળી હતી અને તેમાંથી કેટલીનું નિરાકરણ, કેવી રીતે કરવામાં આવ્યું હતું તેનો સ્પષ્ટ રેકૉર્ડ ફેડરેશન પાસે છે. તેથી ફરિયાદો પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું, એવું તમે ન કહી શકો.”

તેઓ ઉમેરે છે, “કોઈ સભ્યે ખાસ કરીને કાર્યસ્થળ સંબંધે કોઈ ફરિયાદ કરી હોય તો તેના નિવારણના પ્રયાસ પહેલાં યુનિયને કર્યા હતા. તેઓ નિરાકરણ ન કરી શકે તો તેને ફેડરેશન સમક્ષ રજૂ કરવામાં આવે છે.”

તેમના કહેવા મુજબ, “આ રિપોર્ટમાં એવું કશું જ ન હતું, જેના વિશે જાણકારી ન હોય.”

જોકે, રેવતી સામે અનેક પડકારો હતા. ભરણપોષણ માટે તેમણે તેમનું ઘર ગિરવી રાખવું પડ્યું હતું.

મેનન કહે છે, “કેટલીક મહિલાઓએ અમારી પાસે આવીને સીધું કહી દીધું હતું કે તેઓ ડબલ્યુસીસીનો હિસ્સો નહીં બને, પરંતુ બહાર રહીને ટેકો આપવાનું ચાલુ રાખશે.”

આ રીતે લગભગ 100 સભ્યોનું એક સોશિયલ મીડિયા ગ્રૂપ ‘ફ્રેન્ડ્સ ઑફ ડબલ્યુસીસી’ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ગ્રૂપ મહિલાઓ અને પુરુષો બન્ને માટે ખુલ્લું છે. આ ગ્રૂપમાં સભ્યો તેમની ફરિયાદો, કામ સંબંધી જાણકારી અને તકો બાબતે માહિતી શૅર કરી શકે છે.

ડબલ્યુસીસી ફિલ્મોધ્યોગમાં એક સિનેમા નીતિ બનાવવાની માગ કરતું રહ્યું છે. તે સંશોધન કરાવે છે, અહેવાલો પ્રકાશિત કરે છે અને આંકડાની સમીક્ષા માટે ચર્ચાસભાઓનું આયોજન કરે છે.

હેમા કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાની સાથે જ તેમના કામને ફિલ્મોદ્યોગમાં કામ કરતી અન્ય મહિલાઓનો સધિયારો સાંપડ્યો છે.

કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ફિલ્મોદ્યોગમાં કામ કરતી મહિલાઓએ પણ આ પ્રકારના કલેક્ટિવ બનાવવાની શરૂઆત કરી છે, જેથી તેઓ શોષણ અને કાર્યસ્થળે કરવામાં આવતા દુર્વ્યવહાર બાબતે વાત કરી શકે.

તેની અસર વિશ્વના સૌથી મોટા ફિલ્મોદ્યોગ-બોલીવૂડમાં પણ જોવા મળી છે.

#MeToo પછી બોલીવૂડમાં જાતીય સતામણીની ચર્ચા

હેમા કમિટી, કેરળ, મીટુ, બોલીવૂડ, મહિલાઓ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIMAL THANKACHAN

ઇમેજ કૅપ્શન, મલયાલી ફિલ્મકાર બી. ઉન્નીકૃષ્ણન

2017 પછી બોલીવૂડમાં પણ #MeToo આંદોલન શરૂ થયું હતું અને અનેક મહિલાઓએ આ ઉદ્યોગની કેટલીક જાણીતી વ્યક્તિઓ વિરુદ્ધ જાતીય શોષણના આક્ષેપ કર્યા હતા.

એ સમયે તનુશ્રી દત્તા લગભગ 30 વર્ષનાં હતાં અને તેઓ પોતાનો અવાજ ઉઠાવનાર પહેલી અભિનેત્રી હતાં.

તેમણે આક્ષેપો કર્યા પછી તેમના પર “અનપ્રોફેશનલ” હોવાનો સિક્કો મારવામાં આવ્યો હતો અને “પાગલ” ગણાવવામાં આવ્યાં હતાં. હવે તેઓ અધ્યાત્મ ભણી વળી ચૂક્યાં છે.

તનુશ્રી દત્તા કહે છે, “થોડાં વર્ષો સુધી એ મુશ્કેલ બની રહ્યું હતું. શરૂઆતમાં હું સમજી શકતી ન હતી કે શું ચાલી રહ્યું હતું. માત્ર એટલું જ સમજાયું હતું કે મારા તમામ પ્રોજેક્ટ્સ છીનવી લેવામાં આવ્યા હતા.”

છ વર્ષ પસાર થઈ ગયાં છે અને બીબીસીએ અનેક મહિલાઓ સાથે આ બાબતે વાત કરી છે. એ બધાનું કહેવું છે કે હજુ સુધી કોઈ ખાસ ફરક પડ્યો નથી.

ફિલ્મોદ્યોગ પર કાસ્ટિંગ કાઉચ અને મહિલાઓની જાતીય સતામણીના આરોપ લાંબા સમયથી લાગતા રહ્યા છે. કાસ્ટિંગ કાઉચમાં પુરુષ કોઈ સ્ત્રીને અભિનેત્રીની ભૂમિકા આપવાના બદલામાં જાતીય સંબંધની માગણી કરે છે.

હેમા કમિટી, કેરળ, મીટુ, બોલીવૂડ, મહિલાઓ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIMAL THANKACHAN

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી અર્ચના પદ્મિની ડબલ્યૂસીસીનાં સદસ્ય છે

2018માં પોતાનો #MeToo અનુભવ શૅર કરી ચૂકેલાં લેખિકા, નિર્માત્રી અને અભિનેત્રી વિંતા નંદા કહે છે, “બંધ દરવાજા પાછળ જે થઈ રહ્યું છે તે હવે વધારે ઘટ્ટ થઈ ગયું છે.”

તેઓ બોલીવૂડને વધારે સલામત બનાવવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે.

તેઓ કહે છે, “જેમણે અવાજ ઉઠાવ્યો હતો, તેમને ચૂપ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે દોષી લોકોએ મહિલાઓની સતામણીની નવી-નવી રીતો શોધવાનું ચાલુ રાખ્યું છે.”

તેમના કહેવા મુજબ, તેમણે આરોપો જાહેર કર્યા પછી તેમના હાથમાંથી અનેક પ્રોજેક્ટ્સ ચાલ્યા ગયા હતા.

જેન્ડર સેન્સિટિવિટી અને જાતીય સતામણીને રોકવાની તાલીમ આપતા ટ્રેનર અનુશા ખાન કહે છે, “નામ અને સ્થળ બદલી નાખીએ તો હેમા કમિટીના રિપોર્ટના તારણ બોલીવૂડ પર પણ લાગુ થાય છે.”

2018ના આક્ષેપો પછી ફિલ્મ સંગઠનોએ પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ ઍક્ટ ઑફ ઇન્ડિયા (પીઓએસએચ)નું પાલન કરવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેને કારણે અનિવાર્ય લૈંગિક સંવેદનશીલતાની ટ્રેનિંગમાં પરિવર્તન થયું અને ફિલ્મોના સેટ્સ પર ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર રાખવાની શરૂઆત થઈ.

હેમા કમિટીની રચના બાદ પણ મહિલાઓ પુરુષોની માનસકિતા અંગે શું વિચારે છે?

હેમા કમિટી, કેરળ, મીટુ, બોલીવૂડ, મહિલાઓ, જાતીય શોષણ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સિનેમેટોગ્રાફર જૂહી શર્મા

અનુશા ખાનના જણાવ્યા મુજબ, એક તરફ ફિલ્મોદ્યોગમાં જેન્ડર સેન્સિટિવિટી ટ્રેનિંગ બાબતે સમજ વધી રહી છે, પરંતુ તેની અસર થવાની બાકી છે અને સત્તાના ઢાંચામાં કોઈ ફરક પડ્યો નથી.

અમે 29 વર્ષીય કાવ્યા (નામ બદલ્યું છે)ને મળ્યા હતા. કાવ્યા 2016માં ફિલ્મનિર્માતા બનવા મુંબઈ આવ્યાં હતાં, પરંતુ પહેલા જ પ્રોજેક્ટમાં એક સ્થાપિત અભિનેતાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

કાવ્યા કહે છે, “એ ઘટનાથી મને બહુ આઘાત લાગ્યો હતો અને હું મારી જિંદગી બાબતે ડરી ગઈ હતી.”

કેરળના સિનેમા કલેક્ટિવની મહિલાઓની માફક બોલીવૂડમાં પણ મહિલાઓ પોતાના અનુભવ તથા ચિંતા શૅર કરી શકે એટલા માટે એક પ્લૅટફૉર્મ છે.

ફિલ્મોદ્યોગમાંની જૂજ મહિલા સિનેમેટોગ્રાફર પૈકીનાં એક જૂહી શર્માએ કોવિડ મહામારી દરમિયાન બિતચિત્ર કલેક્ટિવની સહ-સ્થાપના કરી હતી. તેઓ ઇન્ડિયન વીમેન ઇન સિનેમેટોગ્રાફી કલેક્ટિવનાં સભ્ય છે.

જૂહી કહે છે, “મહિલાઓએ એકઠા થવું પડશે અને એક સલામત સ્થળ બનાવવું પડશે, જ્યાં તેઓ સલાહ તથા સમર્થન માટે વરિષ્ઠ સભ્યોને મળી શકે.”

સમગ્ર વિશ્વમાં બિતચિત્ર કલેક્ટિવના 300 સભ્યો છે અને તે મહિલાઓને અનુદાન તથા સલાહની સાથે સલામતી ઉપલબ્ધ કરાવવા માટે એક સપોર્ટ સિસ્ટમ તરીકે પણ કામ કરે છે.

હેમા કમિટીના અહેવાલને પગલે ઉઠેલા સવાલોથી તેમનામાં આશા સર્જાઈ છે.

એક અભિનેત્રી અને ડબલ્યુસીસીનાં સભ્ય અર્ચના પદ્મિની કહે છે, “સરકારી રેગ્યુલેટરી સિસ્ટમ અથવા નજર રાખવા માટે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.”

“મને હજુ પણ લાગે છે કે અપરાધી આસપાસ જ રહેશે. તેઓ વધારે તાકાત સાથે પાછા આવશે. આ એક દુઃખદ સત્ય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.