હૉસ્પિટલોમાં મહિલા કર્મચારીઓની તકલીફો– ક્યારેક નશામાં ધૂત લોકો, ક્યારેક રાતે વધતો ડર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં નાઇટ શિફ્ટમાં સેકન્ડ યરની એક મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર અને પછી તેની હત્યાને પગલે સમગ્ર દેશમાં ડૉક્ટરો તથા મેડિકલ સ્ટુડન્ટ્સનું વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયું છે.

દિલ્હી, મુંબઈ, કોલકતા અને અન્ય શહેરોની હૉસ્પિટલોના ડૉક્ટરો કહ્યું છે કે બળાત્કાર અને હત્યાના મામલાની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ ફરજ પર પાછા ફરશે નહીં.

તેમણે આ ઘટનાની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. એ ઉપરાંત કાર્યસ્થળે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ખાસ કરીને મહિલાઓની સલામતી માટે એક કેન્દ્રીય કાયદો બનાવવાની માગ પણ કરી છે.

મેડિકલ જર્નલ લેન્સેટના એક અહેવાલ મુજબ, “ભારતમાં 2007થી 2019 દરમિયાન સ્વાસ્થ્ય કર્મચારીઓ વિરુદ્ધ હિંસક હુમલાના 153 મામલા નોંધાયા છે.”

તે અહેવાલ જણાવે છે કે “ભારતમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ વિરુદ્ધની હિંસા વિશેની ઇનસિક્યૉરિટી ઇનસાઇટ્સ (ટુ)ની સાથેની અમારી તપાસમાં 2020માં આવા 225 અને 2021માં 110 મામલાઓની ખબર પડી છે. તેમાં છેક નીચલા સ્તરના સ્વાસ્થ્ય કર્મચારીઓથી માંડીને હૉસ્પિટલ્સમાં જુનિયર ડૉક્ટર્સ પર થયેલી હિંસાનો સમાવેશ થાય છે.”

આ અહેવાલમાં 2020ના કેન્દ્રીય કાયદા એપિડેમિક ડિસીઝ (ઍમૅન્ડમૅન્ટ) ઍક્ટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એ કાયદામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેની હિંસાને દંડનીય અપરાધ બનાવવામાં આવી છે.

હૉસ્પિટલોમાં રાતપાળીમાં કામ કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓના ભય તથા ચિંતાને સમજવા માટે બીબીસીના સંવાદદાતાઓએ દેશની કેટલીક ટોચની તથા પ્રતિષ્ઠિત સરકારી હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી.

દિલ્હીઃ ‘દર્દીઓના નશામાં ધૂત સગાંનો સામનો અમારે વારંવાર કરવો પડે છે’

ઉમંગ પોદ્દાર, બીબીસી હિન્દી

રાત્રે લોકનાયક હૉસ્પિટલના બહારનો નજારો
ઇમેજ કૅપ્શન, રાત્રે લોકનાયક હૉસ્પિટલ બહારનું એક દૃશ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકનાયક હૉસ્પિટલ, જીબી પંત હૉસ્પિટલ અને લેડી હાર્ડિંગ કૉલેજ દિલ્હીમાંની ટોચની ત્રણ હૉસ્પિટલ છે. પહેલી બે હૉસ્પિટલ દિલ્હી સરકાર હેઠળ કામ કરે છે, જ્યારે ત્રીજી હોસ્પિટલ કેન્દ્ર સરકાર સંચાલિત છે.

લોકનાયક હૉસ્પિટલના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર છે, પરંતુ તે ચાલુ હાલતમાં નથી.

એક સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરે ફરિયાદ કરી હતી, “અહીંથી કોઈ પણ વ્યક્તિ રોકટોક વિના પસાર થઈ શકે છે.”

ત્રણેય હૉસ્પિટલ્સમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ વધારે કૅમેરા લગાવવામાં આવે તેવું ડૉક્ટર્સ ઇચ્છે છે.

લોકનાયક હૉસ્પિટલના એક વરિષ્ઠ રેસિડેન્ટ ડૉક્ટર આક્ષેપ કરે છે કે “આ કૅમેરા પર કોઈ નજર રાખતું નથી.”

લોકનાયક હૉસ્પિટલમાં કામ કરતાં એક નર્સે જણાવ્યું હતું કે ડૉક્ટર અને નર્સોને દર્દીઓના પરિવારની ધમકીનો ભય લાગતો હોય છે. “દર્દીઓના નશામાં ધૂત સગાંનો સામનો રાતે અમારે વારંવાર કરવો પડે છે.”

લોકનાયક હૉસ્પિટલમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કરી રહેલા ફર્સ્ટ યરના એક વિદ્યાર્થીએ કહ્યું હતું, “હૉસ્પિટલના કેટલાક હિસ્સામાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી. દર્દીઓની સાથે આવતાં લોકો હૉસ્પિટલ પરિસરમાં જમીન પર સૂતા હોય છે.”

આ ત્રણેય હૉસ્પિટલમાં રાતે સિક્યૉરિટી નામ પૂરતી હોય છે. હું અંદર ગયો ત્યારે કોઈએ મારું ચેકિંગ કર્યું ન હતું. બે ગાયનેકૉલૉજી ઇમરજન્સી વૉર્ડમાં મહિલા ગાર્ડ્સે મને ત્યાં આવવાનું કારણ જરૂર પૂછ્યું હતું, પરંતુ બીજો કોઈ સવાલ કર્યો ન હતો.

લોકનાયક હૉસ્પિટલના વાર્ડની બહાર લોકો ઊંઘી રહ્યાં હતા
ઇમેજ કૅપ્શન, લોકનાયક હૉસ્પિટલના વૉર્ડની બહાર લોકો ઊંઘતા હતા

રાજઘાટ નજીકની જીબી પંત હૉસ્પિટલમાં કામ કરતાં એક નર્સે કહ્યું હતું, “અમને વધારે સારી સિક્યૉરિટીની જરૂર છે. દર્દીઓના ઉપદ્રવી સગાં સાથે કામ પાર પાડી શકે તેવા બાઉન્સર્સ પણ જરૂરી છે.”

બે મહિલા ડૉક્ટરે જણાવ્યું હતું કે લોકનાયક હૉસ્પિટલમાં 24 કલાકની કૅન્ટીનની સુવિધા છે, પરંતુ ત્યાં સુધી જવામાં અસલામતીનો અનુભવ થાય છે.

એક વરિષ્ઠ રેસિડેન્ટ ડૉક્ટરે કહ્યું હતું, “હું તો મોટા ભાગે ભોજન ઑનલાઇન જ મંગાવી લઉં છું.”

લેડી હાર્ડિંગ કૉલેજના એક સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરે જણાવ્યું હતું કે રાતે મેડિકલ તપાસનો અર્થ પરિસરમાં દૂર આવેલી લૅબોરેટરી સુધી પગપાળા જવાનો છે.

લેડી હાર્ડિંગ કૉલેજના એક ઇન્ટર્ને ઉમેર્યું હતું, “ક્યારેક મહિલા ડૉક્ટરને દર્દીઓની તપાસ માટે એકલા વૉર્ડમાં મોકલવામાં આવે છે, જ્યાં મોટા ભાગના પુરુષો હોય છે. એ બંધ થવું જોઈએ.”

રાતપાળીમાં કામ કરતા કર્મચારીઓ માટેના રેસ્ટ રૂમ ગંદા અને અસલામત હોવાની ફરિયાદ પણ ડૉક્ટર્સે કરી હતી.

લોકનાયક હૉસ્પિટલમાં ગાયનેકૉલૉજી ઇમરજન્સી વૉર્ડના એક ડૉક્ટરે કહ્યું હતું, “અમને બહેતર રૂમ જોઈએ છે.”

લેડી હાર્ડિંગ કૉલેજની એક ઇન્ટર્ને જણાવ્યું હતું કે કેટલાક વિભાગોમાં મહિલા તથા પુરુષ ડૉક્ટર્સ માટે કૉમન રૂમ હોય છે.

અમે આ મુદ્દે વહીવટીતંત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે તેમના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છીએ.

લખનૌઃ ‘બહારના લોકો રોકટોક વિના આવી શકે છે’

સૈયદ મોઝિઝ ઈમામ, બીબીસી હિન્દી

કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીનો ગાંધી વાર્ડ
ઇમેજ કૅપ્શન, કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીનો ગાંધી વૉર્ડ

હું કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીમાં ગયો ત્યારે મુખ્ય દરવાજા પર બે ગાર્ડ તહેનાત હતા, પરંતુ ત્યાં આવતાં-જતાં લોકોની કોઈ તપાસ થતી ન હતી.

મેડિસિન વિભાગના દર્દી વૉર્ડમાં બે પુરુષ તથા મહિલા ગાર્ડ હાજર હતાં.

વરિષ્ઠ રેસિડેન્ટ ડૉક્ટર નીતાએ ફરિયાદ કરી હતી કે દર્દીઓની સાથે આવતાં લોકો ડ્યૂટી ડૉક્ટર્સ સાથે ખરાબ વર્તન કરે છે.

તેમણે કહ્યું હતું, “એ પરિસ્થિતિમાં અમે સિક્યૉરિટીને બોલાવીએ છીએ, જેઓ ભાગ્યે જ કશું કરે છે. આખરે અમારે તેમની સાથે કામ પાર પાડવું પડે છે.”

હૉસ્પિટલમાં લાઇટની પૂરતી વ્યવસ્થા નથી અને અનેક જગ્યાએ અંધારું હોય છે.

એમબીબીએસના લાસ્ટ યરનાં સ્ટુડન્ટ્સ ડૉ. હર્ષિતા અને ડૉ. નીતુએ જણાવ્યું હતું કે તેમને આસપાસ ફરતા અને કઠોર કૉમેન્ટ્સ કરતા અજાણ્યા લોકો ઘણી વાર જોવા મળે છે. વહીવટીતંત્રે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નિયંત્રણો લાદવાં જોઈએ.

ડૉ. હર્ષિતાના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલિંગ વધ્યું છે. તેથી કૅમ્પસ થોડું સલામત લાગે છે.

ડૉક્ટર્સે જણાવ્યું હતું કે ગર્લ્સ હૉસ્ટેલની બરાબર સામે ટ્રોમા સેન્ટરની બહાર મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી રહે છે.

ડૉ. આકાંક્ષા ઇચ્છે છે કે પરિસરમાં વધારે ગાર્ડ્સ, વધારે પ્રકાશ અને સીસીટીવી કૅમેરા હોવા જોઈએ.

અધિકારીઓ શું કહે છે?

કેજીએમ યુનિવર્સિટીના પ્રવક્તા ડૉ. સુધીરસિંહે કહ્યું હતું, “અમારી પાસે કૅમ્પસ, હૉસ્ટેલ અને વૉર્ડ્સમાં સલામતીની પૂરતી વ્યવસ્થા છે. અમારી પાસે પ્રોક્ટોરિયલ ટીમ અને હૉસ્ટેલમાં એક ટીમ છે. વૉર્ડ્સમાં સલામતી ગાર્ડ્સ છે. કૅમ્પસમાં કોઈ અનિચ્છનીય ઘટના બન્યાનું નોંધાયું નથી. વિશાખા ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. મુખ્ય જગ્યાઓ પર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે અને તેના પર નિયમિત રીતે નજર રાખવામાં આવે છે.”

ચેન્નાઈઃ ‘આરામ માટે કોઈ ઓરડો નથી’

શારદા વી, બીબીસી તામિલ

ચેન્નઈની ઓમાનદુરાર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ
ઇમેજ કૅપ્શન, ચેન્નાઈની ઓમાનદુરાર ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ

ચેન્નાઈની વચ્ચોવચ વાલજા રોજ પર ઓમાનદુરાર ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ આવેલી છે. હું રાત્રે 9.30 વાગ્યે તેના કૅમ્પસમાં મારી કાર પાર્ક કરવા પહોંચી ત્યારે એક ગાર્ડ પૂછપરછ કરવા આવ્યો હતો.

એડમિશન બ્લૉકની બહાર ઝાંખા પ્રકાશમાં ખુલ્લાં પગથિયાં પર દર્દીઓનાં સગાં બેઠાં હતાં. ઇમરજન્સીના પ્રવેશદ્વાર પર બે પોલીસ કર્મચારી ઊભા હતા.

રાતપાળીમાં ફરજ બજાવતા અબર્નો નામના એક ઇન્ટર્ને જણાવ્યું હતું કે કોલકાતાની ઘટનાને કારણે મહિલા કર્મચારીઓમાં ભય પેદા થયો છે. તેથી હૉસ્પિટલ વહીવટીતંત્રે સલામતી સંબંધી ચિંતાની ચર્ચા કરવા એક બેઠક યોજી હતી.

ઇન્ટર્નને સ્ટાફ રૂમનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હતું અને રૂમને લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તેમને સિટી પોલીસની ઍપ કવાલાનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી, જેથી તેઓ ઇમરજન્સી એલાર્મ મોકલી શકે, પરંતુ તેઓ માને છે કે “ક્યારેય પણ કશુંક થઈ શકે છે.”

ડૉક્ટર્સની સલામતીની માગણી સાથે યોજાયેલાં વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ ચૂકેલાં અબર્નાએ કહ્યું હતું, “વૉર્ડમાં ઇન્ટરકૉમ સુવિધા અને ઇમરજન્સી બટનથી મદદ મળશે.”

રાજ્યની ટોચની ઓમાનદુરાર મલ્ટી સ્પેશ્યિલિટી હૉસ્પિટલમાં રાતે 10 વાગ્યે ફરજ બજાવતાં એક સ્ટાફ નર્સે આરામ માટે કોઈ ઓરડો ન હોવાની ફરિયાદ કરી હતી.

રાતપાળીમાં કામ કરતા કર્મચારીઓને આરામ માટે એક ખુરશી અને લાંબી ડેસ્ક મળે છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ પોસ્ટ નજીક જ આવેલી છે અને તેમની પાસે પોલીસનો ફોન નંબર છે.

વહીવટીતંત્રે શું કહ્યું?

ઓમાનદુરાર મેડિકલ કૉલેજ હૉસ્પિટલના ડીન ડૉ. એ અરવિંદે કહ્યું હતું, “લેક્ચર હૉલમાંથી બહાર નીકળવાનાં બે દ્વાર છે. ત્યાં હવે પહેરો ગોઠવવામાં આવ્યો છે. કૅમ્પસમાં સીસીટીવી કૅમેરાની સંખ્યા વધારવામાં આવી રહી છે. કૅમ્પસમાં રાતપાળીમાં 20 સલામતી કર્મચારીઓ તહેનાત છે. આસિસ્ટંટ રેસિડેન્ટ મેડિકલ ઑફિસર કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા 24 કલાક કૅમ્પસમાં હાજર હોય છે.”

હૈદરાબાદઃ ‘હું સલામતી અનુભવતી નથી’

બાલા સતીશ, બીબીસી તેલુગુ

હૈદરાબાદની ઉસ્માનિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કોલકાતાની ઘટનામાં ન્યાયની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું
ઇમેજ કૅપ્શન, હૈદરાબાદની ઉસ્માનિયા મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ કોલકાતાની ઘટનામાં ન્યાયની માગ સાથે પ્રદર્શન કર્યું હતું

કોલકાતાની ઘટનામાં ન્યાયની માગ સાથેના આંદોલનમાં હૈદરાબાદની ઉસ્માનિયા મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

હું સોમવારે રાતે 11.40થી 12.50 દરમિયાન કૅમ્પસમાં ગયો હતો અને રાતપાળીમાં ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારીઓ સાથે વાત કરી હતી.

આંદોલનમાં ભાગ લેનાર એક ઇન્ટર્ન ડૉ. હરિનીએ કહ્યું હતું, “અમને અસલામતીનો અનુભવ થાય છે. કૅમ્પસમાં કેટલીક જગ્યાઓ સલામત નથી.”

તેમણે ઉમેર્યું હતું, “રાતે કામ કરતી વખતે અમારે એક વિભાગની ઇમારતથી દૂર બીજી ઇમારતમાં જવું પડે છે. એ ઇમારતોમાં કે તેના માર્ગમાં કોઈ ગાર્ડ હોતા નથી. સલામતીની અન્ય વ્યવસ્થા પણ નથી.”

હૉસ્પિટલથી પીજી હૉસ્ટેલ વચ્ચેના માર્ગ પર પૂરતા પ્રકાશની વ્યવસ્થા ન હોવાથી લોકો નારાજ છે. એક મહિલા ડૉક્ટરે પુરુષ તથા મહિલા ડૉક્ટર્સ માટે આરામના અલગ-અલગ ઓરડા ન હોવાની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું, “મહિલા અને પુરુષ ડૉક્ટર્સને પલંગ પણ બાજુ-બાજુમાં જ છે. તેથી હું અસહજ છું અને સલામતી અનુભવાતી નથી. તેથી હું રાતે નજીકની મારી હૉસ્ટેલમાં ચાલી જાઉં છું.”

તેમણે ઉમેર્યું હતું, “એક વખત સવારે હું મારી બાઈક પર હૉસ્ટેલ જઈ રહી હતી ત્યારે કેટલાક છોકરાઓએ મારો પીછો કર્યો હતો. એ બહુ ડરામણું હતું.”

કેઝ્યુઅલ્ટી વૉર્ડની બહાર પોલીસ જોવા મળી હતી. એ સિવાય દરેક પ્રવેશદ્વાર પર અનેક પ્રાઇવેટ ગાર્ડ્સ તહેનાત હતા.

અમે વહીવટીતંત્રના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છીએ. જવાબ મળશે ત્યારે રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.

ચંદીગઢઃ ‘હુમલો થયો ત્યારે કોઈ સિક્યૉરિટી ન હતી’

સરબજિતસિંહ ધાલીવાલ, બીબીસી પંજાબી

પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ

રેસિડેન્ટ ડૉક્ટર્સે હડતાળ પાડી હોવાથી પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચની સેવાઓને માઠી અસર થઈ છે.

હું રાતે લગભગ 11 વાગ્યે કૅમ્પસમાં ગયો હતો. બે સિક્યૉરિટી ગાર્ડ્સ ટ્રોમા સેન્ટરના દરવાજા બહાર દર્દીઓ અને અન્ય લોકોને પૂછપરછ કરી રહ્યા હતા.

પ્રવેશદ્વાર પર ચંદીગઢ પોલીસ સંચાલિત એક હેલ્પ સેન્ટર છે. ત્યાં મહિલા અધિકારી પણ તહેનાત છે.

વૉર્ડની અંદર નર્સ, ડૉક્ટર અને પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ હાજર હતાં. ટ્રોમા સેન્ટરની પાસે એક બેનર લગાવવામાં આવ્યું હતું. તેના પર લખ્યું હતું, “અમને ન્યાય જોઈએ છે.”

બેંગલુરુનાં રહેવાસી અને પીજીઆઈમાં કામ કરતાં ડૉ. પૂજાએ કહ્યું હતું, “શહેરની સરખામણીએ અહીં સલામતીની વધારે વ્યવસ્થા છે.”

તેમણે ઉમેર્યું હતું, “દર્દીઓનાં સગાંએ અનેક વખત ડૉક્ટરો પર હુમલા કર્યા હોવાથી મારા પિતા બહુ ચિંતિત છે.”

બીજી તરફ મોહાલીની સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉ. ગગનદીપસિંહે કહ્યું હતું, “અહીં પૂરતી સલામતી નથી.”

એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું, “છઠ્ઠી ઑગસ્ટે એક દર્દીના પરિવારજનોએ પટિયાલા પાસે એક બાળરોગ નિષ્ણાત પર હુમલો કર્યો હતો. એ બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. એ સમયે હૉસ્પિટલમાં કોઈ સિક્યૉરિટી ન હતી.”

આ સંદર્ભે પીજીઆઈના જૉઇન્ટ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પંકજ અરોડાએ બીબીસીને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં સલામતીની પૂરતી વ્યવસ્થા અને સીસીટીવી કૅમેરા છે.

તેમણે કહ્યું હતું, “ડૉક્ટર્સને કોઈ ફરિયાદ હશે તો તેનું નિરાકરણ કરવામાં આવશે.”

અમદાવાદઃ ‘ડૉક્ટર્સના રૂમમાં સીસીટીવી નથી’

લક્ષ્મી પટેલ, બીબીસી ગુજરાતી

અમદાવાદ સ્થિત સિવિલ હૉસ્પિટલ
ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલ

રાની અમદાવાદસ્થિત સિવિલ હૉસ્પિટલમાં કામ કરે છે.

તેમણે કહ્યું હતું, “અમે પીજી હૉસ્ટેલથી હૉસ્પિટલ સુધી નાઇટ શિફ્ટ માટે પગપાળા જઈએ છીએ. રસ્તા પર પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટ્સ નથી. એ ઉપરાંત માર્ગ પર સલામતીની વ્યવસ્થા પણ નથી.”

તેમણે ઉમેર્યું હતું, “અમે સલામતીની વ્યવસ્થા કરવા હૉસ્પિટલના વહીવટીતંત્રને કહ્યું છે, કારણ કે અમે 24 કલાકની શિફ્ટ કરીએ છીએ. નાઇટ શિફ્ટમાં મહિલા ડૉક્ટર્સ મોટા ભાગે વૉર્ડમાંના ડૉક્ટર રૂમમાં આરામ કરતી હોય છે.”

એક અન્ય મહિલા તબીબે જણાવ્યું હતું કે દર્દીઓના પરિવારજનો ઘણી વાર રૂમમાં આવે છે અને ગેરવર્તન કરે છે. રૂમમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા નથી.

સિવિલ હૉસ્પિટલના સૌથી મહત્ત્વના વૉર્ડ એટલે ટ્રોમા સેન્ટરની બહાર આઠ સિક્યૉરિટી ગાર્ડ્સ હાજર હતા, પરંતુ તેઓ રાતે વૉર્ડમાં આવતા લોકોને કોઈ પૂછપરછ કરતા નથી.

હું એક વૉર્ડમાં પ્રવેશી અને પછી બીજા વૉર્ડમાં ગઈ હતી, પરંતુ કોઈએ મને સવાલ કર્યો ન હતો.

સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે બીબીસીને કહ્યું હતું, “હૉસ્પિટલમાં સલામતીની મજબૂત વ્યવસ્થા છે.”

તેમણે ઉમેર્યું હતું, “જુનિયર ડૉક્ટર્સના ઍસોસિયેશને લાઇટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમે તે દિશામાં કામ શરૂ કરી દીધું છે.”

મુંબઈઃ ‘ક્યારેક મદદ માટે કોઈ હોતું નથી’

દીપાલી જગતાપ, બીબીસી મરાઠી

જે જે હૉસ્પિટલ મુંબઈ
ઇમેજ કૅપ્શન, જેજે હૉસ્પિટલ, મુંબઈ

એક મહિલા તબીબે જણાવ્યું હતું કે ક્યારેક અમારી આસપાસ મદદ માટે કોઈ હાજર હોતું નથી.

સોમવારે મોડી સાંજે જેજે હોસ્પિટલના પ્રવેશદ્વાર પર સિક્યૉરિટી ગાર્ડ્સ હાજર હતા. અમે હૉસ્પિટલના કૅમ્પસમાં જઈ શકતાં હતાં, પરંતુ પરવાનગી વિના મેડિકલ વૉર્ડમાં જવાની છૂટ ન હતી.

અલબત્ત, એક મહિલા તબીબ અને નર્સે જણાવ્યું હતું કે નાઇટ શિફ્ટ દરમિયાન સલામતી અનુભવાતી નથી.

રેસિડેન્ટ ડૉક્ટર અદિતિ કનાડેએ કહ્યું હતું, “વહીવટીતંત્રે મેડિકલ વૉર્ડ અને કૅમ્પસની બહાર સિક્યૉરિટી ગાર્ડ્સની સંખ્યા વધારવી જોઈએ. હૉસ્પિટલનું કૅમ્પસ વિશાળ છે અને તેમાં અનેક વિસ્તારોમાં લાઇટ નથી. તેથી મને રાતે હૉસ્ટેલથી મેડિકલ વૉર્ડ સુધી જવામાં ડર લાગે છે.”

તેમણે ઉમેર્યું હતું, “એક વખત મૃતક દર્દીના પરિવારજનો ગુસ્સે થયા હતા. વાત એટલી વણસી હતી કે તેમને શાંત કરવા માટે કર્મચારીઓએ રૂમ બદલવી પડી હતી.”

અદિતિ કનાડેએ કહ્યું હતું, “અનેક રૂમ અને કૉરિડૉરમાં સીસીટીવી કૅમેરા નથી. દરેક જગ્યાએ સીસીટીવી કૅમેરા હોવા જોઈએ. ઑપરેશન થિયેટરની પાસે મહિલા ડૉક્ટર્સ માટે અલગ રૂમ હોવો જોઈએ, પરંતુ એવું નથી.”

નર્સ હેમલતા ગજબેએ પણ પૂરતી સલામતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું, “દર્દીઓના પરિવારજનો ઘણી વાર ગાળો બોલે છે. ઘણા નશાની હાલતમાં હોય છે અને કેટલાક લોકો રાજકીય દબાણ લાવવાના પ્રયાસ પણ કરે છે. ક્યારેક વિકટ પરિસ્થિતિમાં અમારી મદદ માટે કોઈ આસપાસ હોતું નથી.”

જેજે હોસ્પિટલનાં ડીન પલ્લવી સાપલેને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કશું જણાવ્યું ન હતું.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.