કોલકતા રેપ-મર્ડર કેસ : મમતા બેનરજીની છબી અને રાજકારણ પર કેટલી ગંભીર અસર થઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, કોલકતા
કોલકતાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસને કારણે પશ્ચિમ બંગાળમાં રાજકીય પારો ચઢ્યો છે.
વિરોધપ્રદર્શન, બંધ અને હિંસાની ઘટનાઓ વચ્ચે હવે પ્રદેશના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ દિલ્હી મુલાકાત લઈ આવ્યા છે.
ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજૂમદાર અને વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર પણ આપ્યું હતું.
રાજ્યપાલે આ પહેલાં 27 ઑગસ્ટે નિવેદન જાહેર કરીને પશ્ચિમ બંગ છાત્ર સમાજ દ્વારા આયોજીત કરવામાં આવેલી “નબન્ના માર્ચ” (સચિવાલય પર પ્રદર્શન) દરમિયાન થયેલી હિંસાની ઘટનાને લઇને રાજ્ય સરકારની આલોચના કરી હતી.
ભાજપે રાજ્યપાલને જે આવેદનપત્ર સોંપ્યું તેમાં મમતા બેનરજીએ બુધવારે આપેલા નિવેદનનો ઉલ્લેખ છે.
બેનરજીએ આ નિવેદન તૃણમૂલ કૉંગ્રેસ વિદ્યાર્થી પરિષદનાં સ્થાપના દિવસના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં આપ્યું હતું.
આ દરમિયાન મુખ્ય મંત્રીએ કહ્યું, “પશ્ચિમ બંગાળને ભડકે બાળવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જો પશ્ચિમ બંગાળ સળગશે તો આસામ, પૂર્વોતર રાજ્ય, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે.”
મમતા બેનરજી દબાણમાં છે?

ઇમેજ સ્રોત, BBC HINDI
ભાજપ શાસિત રાજ્યના મુખ્ય મંત્રીઓએ મમતા બેનરજીના આ નિવેદનની આલોચના કરી હતી, જેમાં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ પણ સામેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુખ્ય મંત્રી મમતા બેનરજીના અન્ય એક નિવેદનની પણ ટિકા થઈ રહી છે.
આ નિવેદનમાં મુખ્ય મંત્રીએ હડતાળ કરી રહેલા ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની સલાહ આપતાં કહ્યું હતું કે સરકાર તે લોકોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. કારણ કે એવું થશે તો તેમનું ભવિષ્ય ખરાબ થઈ જશે.
પશ્ચિમ બંગાળના રાજકારણ પર નજર રાખનારા લોકો માને છે કે મુખ્ય મંત્રીના નિવેદનથી લાગે છે કે આર.જી. કર મેડિકલ કૉલેજમાં બળાત્કાર અને હત્યાની ઘટના પછી સામાન્ય લોકોના ગુસ્સાને કારણે મમતા બેનરજી દબાણમાં છે.
કેટલાક જાણકારો કહે છે કે મમતા બેનરજી પહેલી વખત આ પ્રકારના દબાણમાં જોવાં મળી રહ્યાં છે.
જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેઓ જલદી જ આ દબાણમાંથી બહાર નીકળી જશે.
રાજકીય વિશ્લેષક પ્રોસેનજીત બોસે કહ્યું, “એ વાત સત્ય છે કે મમતા બેનરજી પ્રથમ વખત આંદોલનનો સામનો નથી કરી રહ્યાં. જોકે, આ વખતે તેઓ દબાણ હેઠળ છે કારણ કે સામાન્ય લોકો વચ્ચે તેમના શાસન શૈલીની ટીકા થઈ રહી છે.”
પ્રોસેનજીત બોસે કહ્યું, “મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને લઈને પશ્ચિમ બંગાળ સરકારનો આ પ્રકારે રેકૉર્ડ નથી, જેમાં કોઈ પીડિતાને ન્યાય મળ્યો હોય અથવા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનારાઓ ક્યારેય કાયદાના સકંજામાં લીધા હોય.”
બોસે કહ્યું કે આર.જી. મેડિકલ કૉલેજની ઘટના પછી સામાન્ય લોકો અને ખાસ કરીને મહિલાઓનો ગુસ્સો વધારે દેખાય છે. આ વાતનો અંદાજો તૃણમૂલ કૉંગ્રેસના નેતા, રાજ્ય સરકાર અથવા મમતા બેનરજીને પણ ન હતો.
તેમણે ઉમેર્યું કે કોલકતા પોલીસે આ કેસમાં જે રીતે ભૂમિકા ભજવી જેમ કે એફઆઈઆર નોંધવામાં મોડું કર્યું, પીડિતાનાં માતા-પિતાને ખોટી જાણકારી આપવી અથવા ઘટનામાં “સિવિલ વૉલેન્ટિયર”નું સામેલ થવું. આ બધી જ વાતને કારણે લોકોનો ગુસ્સો વધ્યો.
બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક બોસે કહ્યું, “ઘણી બાબતો એકસાથે બની. જેમ કે મેડિકલ કૉલેજનાં આચાર્ય અને વરિષ્ઠ વહીવટીકર્તાઓની ભૂમિકા. આરોપી સંજય રાય પણ પોલીસના સિવિલ વૉલિન્ટિયરનો ભાગ હતા. ત્યારબાદ 14 અને 15 ઑગસ્ટની રાતે આર.જી. કર મેડિકલ કૉલેજમાં વિરોધ કરી રહેલા જૂનિયર ડૉક્ટરો પર ભીડે હુમલો કર્યો. આ કારણે કોલકતા પોલીસની છબી તો ખરડાઈ જ તદ્દઉપરાંત પશ્ચિમ બંગાળની સરકારે પણ સામાન્ય લોકોના સવાલોનો સામનો કરવો પડ્યો.”
એક જ ઘટના આ પ્રદર્શનનોનું મુખ્ય કારણ નથી

પીડિતાના પરિવારજનો અને જૂનિયર ડૉક્ટર ગુસ્સે હોવા છતાં આર.જી. કર મેડિકલ કૉલેજના આચાર્ય સંદીપ ઘોષ પર વહીવટી કાર્યવાહી ન કરવામાં આવી અને તેમને કોલકતા નેશનલ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના આચાર્ય બનાવી દીધા.
એ પણ ત્યારે જ્યારે તેમની વિરુદ્ધ વહીવટી અનિયમતિતાના આરોપોની લેખિત ફરિયાદ રાજ્ય સરકાર પાસે હતી.
આ કારણે જ પશ્ચિમ બંગાળ સરકારના વલણને લઈને કોલકતા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ નિંદા કરી હતી. ત્યારબાદ લોકોનો ગુસ્સો રાજ્ય સરકાર અને મમતા બેનરજી પર વધ્યો.
આ પ્રથમ વખત થયું છે કે સામાન્ય લોકોની સાથે-સાથે બધા જ વિપક્ષી દળો જેવા કે કૉંગ્રેસ અને ડાબેરીઓએ પણ મમતા બેનરજી વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
રાજકીય વિશ્લેષક દિવાકર રૉયનું કહેવું છે કે લોકોનો જે ગુસ્સો વહીવટીતંત્ર પર ફૂટ્યો છે તે માત્ર એક જ ઘટનાને કારણે નથી, પરંતુ ઘણા મુદાઓને લઈને છે. આ મુદે લોકોમાં ગુસ્સો પહેલાથી જ હતો.
તેમણે કહ્યું કે પાર્ટીની અંદર અભિષેક બેનરજી ઘણી વખત આ મુદો ઉઠાવી ચૂક્યાં છે કે રાજ્ય વહીવટીતંત્ર સરખી રીતે કામ કરી રહ્યું નથી.
બેનરજીએ કહ્યું હતું, “વહીવટીતંત્ર જે રીતે ચાલી રહ્યું હતું તેને લઈને લોકોમાં પહેલાંથી જ ગુસ્સો હતો. લોકોના પ્રતિનિધિઓની વાત ચોકી પ્રભારી અને સ્થાનિક વહીવટી આધિકારીઓ સાંભળતા જ ન હતા.”
એક રીતે જોઇએ તો પશ્ચિમ બંગાળમાં લોકોનો ભરોસો રાજકીય પાર્ટીઓ પરથી ઘટી રહ્યો છે. કારણ કે કોઇપણ રાજકીય પક્ષના નેતાઓની ભાષા તમે સાંભળો તો તે ઉશ્કેરણીજનક હોય છે.
આ આરોપ પહેલા ડાબેરી પક્ષો પર લાગતા હતા. જોકે, તૃણમૂલ કૉંગ્રેસ, ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ પર પણ હવે આ પ્રકારના આરોપો લાગી રહ્યા છે. આ કારણે સામાન્ય લોકોનો ગુસ્સો વધી રહ્યો હતો. જોકે, આર.જી. કર મેડિકલ કૉલેજની ઘટના પછી લોકોની ધીરજ ખૂટી ગઈ છે.
મમતા બેનરજીની છબી પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર સુબીર ભૌમિક માને છે કે એવું પ્રથમ વખત થયું છે કે સામાન્ય લોકો વચ્ચે મમતા બેનરજીની છબી ખરાબ થઈ છે. કારણ કે કોલકતા પોલીસ અને હૉસ્પિટલના વહીવટી તંત્ર પર તરત જ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.
જોકે, ભૌમિક માને છે, “મમતા ચોક્કસપણે દબાણમાં દેખાય છે. જોકે, તેઓ આ દબાણમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમની પાસે હજુ પણ કેટલીક રણનીતિઓ છે. તેમણે બળાત્કારના આરોપીને ફાંસી આપવા માટે કાયદો લાવવાની વાત પણ કરી છે. તેમની પાસે બીજી પણ રણનીતિઓ છે. આ કારણે એ કહેવું યોગ્ય નથી કે તેમનો ખેલ ખતમ થઈ ગયો. ખેલ ખતમ થયો નથી. જોકે, ભાજપના લોકો આ મોકાનો ફાયદો મેળવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે.”
જાણકાર કહે છે કે જે પ્રકારનું દબાણ છેલ્લા એક-બે દિવસમાં મમતા બેનરજી સામે વધ્યું છે. તેમાંથી બહાર નીકળવા માટે તેઓ આક્રમક વલણ પણ દેખાડે છે.
રાજ્ય સરકારે જે પ્રકારે ભારત બંધ દરમિયાન કરેલી ધરપકડ હોય કે “પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ”ની નબન્ના માર્ચ કરનાર લોકો પર કાયદાકીય કાર્યવાહી હોય. તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કહે છે કે આ પ્રકારની કાર્યવાહીઓ થકી તેઓ (મમતા બેનરજી) ફરીથી સ્થિતિ પોતાના કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
તૃણમૂલ કૉંગ્રેસના નેતા માને છે કે જે પ્રકારનું રાજકારણ વિપક્ષ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેના માટે મમતા બેનરજીનું આક્રમક વલણ જ યોગ્ય છે.
તૃણમૂલ કૉંગ્રેસના નેતા જયપ્રકાશ મજૂમદારે કહ્યું, “ભાજપે હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે તૃણમૂલને હરાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કર્યા. જોકે, લોકોએ ભાજપને નકારી દીધો.”
તેમણે કહ્યું, “ભાજપ હવે આર.જી. કર ઘટનાને લઇને પોતાની રાજનીતિ ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને રાજ્યમાં હિંસા અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરે છે.”
મજૂમદારે કહ્યું કે રાજ્ય સરકારે ઘટના પર તરત જ કાર્યવાહી કરી અને એક આરોપીને કેટલાક કલાકોમાં જ પકડી પાડ્યા.
તેમના કહેવા પ્રમાણે, "ત્યારબાદ આ મામલો સીબીઆઈ પાસે ચાલ્યો ગયો તો સવાલ સીબીઆઈ પર થવો જોઇએ કે આટલા દિવસોમાં તપાસમાં શું પ્રગતિ થઈ છે? આ ઘટનાને લઇને રાજ્યને અશાંત કરવાનું ષડયંત્ર છે? મમતા બેનરજીએ આ ષડયંત્રનો ભાંડો ફોડ્યો છે."
મજૂમદારનો આરોપ છે કે કેન્દ્ર સરકાર અને ભાજપ રાજ્યપાલ થકી પશ્ચિમ બંગાળને અસ્થિર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પહેલાં પણ સંદેશખાલીને લઈને ભાજપે પશ્ચિમ બંગાળ સરકારની વિરુદ્ધ માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ જગન્નાથ ચેટરજીએ આ આરોપને નકાર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યપાલ પોતાનો બંધારણીય ઘર્મ નિભાવી રહ્યાં છે. જોકે, તેમની વિરુદ્ધ પણ ષડયંત્ર કરવામાં આવ્યું છે.
ચેટરજીએ કહ્યું, “પશ્ચિમ બંગાળમાં અરાજકતાનો માહોલ પશ્ચિમ બંગાળની સરકારે જ ઊભો કર્યો છે. જે રીતે ભૂતકાળમાં સામંતવાદી વ્યવસ્થા હતી તેવી જ રીતે સરકાર ચાલી રહી છે. બધા જ કાયદાઓ નેવે મૂકી દીધા છે.”
જગન્નાથ ચેટરજીએ કહ્યું, “સિવિલ વૉલેન્ટિયરની ભૂમિકાની જ વાત કરીએ. સિવિલ વૉલેન્ટિયર કોણ છે અને તેમની નિમણૂક કેવી રીતે થઈ? આ લોકો પોલીસની સાથે કોઇપણ પ્રકારની તાલીમ વગર કેવી રીતે કામ કરે છે. તે પૈકી જ એક સિવિલ વૉલેન્ટિયર આર.જી. કર મેડિકલ કૉલેજની ઘટનામાં આરોપી છે. આ બધા લોકો તૃણમૂલ પાર્ટીના કૅડરનાં લોકો છે જે સામાન્ય લોકોનું શોષણ કરે છે. અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ તો અમે અરાજક કેવી રીતે બન્યા?”
ડૉક્ટરોનું પ્રદર્શન યથાવત્

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારની બપોરે કોલકતાના સૌથી વ્યસ્ત વિસ્તારમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીની માર્ચ શાંતિપૂર્વક આગળ વધી રહી છે. આ બધા જ જૂનિયર ડૉક્ટર અને નર્સિંગના વિદ્યાર્થીઓ છે. આ પૈકી કેટલાક આર.જી. કર મેડિકલ કૉલેજના તો કેટલાક લોકો બીજી મેડિકલ સંસ્થાઓના છે.
“અમને ન્યાય જોઇએ” જેવા પોસ્ટર તેમના હાથમાં હતાં. આ લોકો નવ ઑગસ્ટે થયેલી મેડિકલના વિદ્યાર્થીના બળાત્કાર અને હત્યાના આરોપી પર કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.
શેરી નાટકો વડે આ વિદ્યાર્થીઓ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન ડૉક્ટરોનું છે જેઓ પોતાના સહકર્મીની હત્યા અને બળાત્કારના દોષીઓ માટે સજાની માંગણી કરી રહ્યા છે. જોકે, આ આંદોલન કરી રહેલા ડૉક્ટરોનો અવાજ રાજકીય હિંસા અને નિવેદનોના અવાજ હેઠળ દબાઈ રહ્યો છે.
કોલકતાના શ્યામ બજાર વિસ્તારમાં વિરોધ માર્ચ કાઢી રહેલા જૂનિયર ડૉક્ટરો પૈકી એક અનુપમ કાંતિ બાલાએ કહ્યું કે મુખ્ય મુદો હવે ગૌણ થઈ રહ્યો છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારા સાથી, સહાધ્યાયી સાથે બળાત્કાર થયો અને પછી હત્યા કરી દેવામાં આવી. કોલકતા પોલીસે તપાસ કરી અને સીબીઆઈ તપાસ કરી રહી છે. જોકે, પરિણામ શું આવ્યું. નવ ઑગસ્ટની ઘટના છે અને અત્યાર સુધી માત્ર એક જ ધરપકડ થઈ છે.
અનુપમ કાંતિએ કહ્યું, “કોલકતા પોલીસે આ મામલે જે પ્રકારનું વલણ દાખવ્યું છે તેને કારણે કોલકતા પોલીસને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ફટકાર મળી હતી. પરંતુ સીબીઆઈ હવે શું કરી રહી છે? ખબર નહીં અમારા સહધ્યાયીને ન્યાય મળશે કે નહીં. અમને ગુસ્સા કરતા વધારે દુ:ખ છે.”
પ્રદર્શનમાં સામેલ બીજા એક ડૉક્ટર અનુપમ રૉયે કહ્યું “અમારી માંગણીઓ તરફ હવે કોઈની નજર નથી. રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે કુસ્તી રમે છે. અમારૂં ભવિષ્ય, અમારી માંગણીઓ, પીડિતાને ન્યાય કે અમારી સુરક્ષા; આ બધા જ મુદાઓ રાજકીય દળોની રાજનીતિમાં દબાઈ ગયા છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












