કોણ છે 'શ્રેષ્ઠ સર્જન'માંથી વિવાદાસ્પદ તબીબ બનેલા સંદીપ ઘોષ

સંદીપ ઘોષની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સંદીપ ઘોષ ઉપર સીબીઆઈ તથા એસઆઈટીની તપાસમાં સહકાર નહીં આપવાનો આરોપ
    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, કોલકતાથી

કોલકતાની આર. જી. કર કૉલેજ અને હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી શખ્સની ધરપકડ થઈ ગઈ, પરંતુ હવે કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ કુમાર ઘોષ ઉપર અનેક પ્રકારના આરોપ લાગી રહ્યા છે.

કોલકતાના પોલીસ મહાનિરીક્ષક પ્રણવકુમારની અધ્યક્ષતામાં કોલકતા પોલીસની સ્પેશિયલ ઇન્વૅસ્ટિગૅશન ટીમે (એસઆઈટી) ઘોષ સામેની તપાસની ઝડપ વધારી દીધી છે. આ સમિતિએ નિર્ધારિત સમયગાળામાં તેનો રિપોર્ટ સુપ્રત કરવાનો છે.

તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, વારંવાર નોટિસ મોકલવા છતાં સંદિપ ઘોષ વિશેષ તપાસ દળ સામે હાજર નથી થયા. દરમિયાન એસઆઈટીના અધિકારીઓએ હૉસ્પિટલના રેકૉર્ડ્સ ચકાસવાનું શરૂ કરી દીધું છે.

અગાઉ ઘોષના હાથ નીચે કામ કરનારા અખ્તર અલીએ કેન્દ્ર તથા રાજ્યના સતર્કતા આયોગને લેખિત નિવેદન આપીને ઘોષ ઉપર આર્થિક ગોટાળા સહિત અનેક પ્રકારના આરોપ મૂક્યા હતા.

અખ્તર અલી આ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેડન્ટપદે રહ્યા છે, પરંતુ હાલ તેમની બદલી મુર્શિદાબાદ કરી દેવામાં આવી છે.

ફરિયાદીની બદલી

પશ્ચિમ બંગાળની મહિલા દ્વારા વિરોધપ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આર. જી. કર હૉસ્પિટલની ઘટના પછી પશ્ચિમ બંગાળની મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો

તા. નવમી ઑગસ્ટે આર. જી. કર હૉસ્પિટલમાં મહિલા તબીબ સાથે રેપ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે કૉલેજના તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષ તથા અન્યોએ પહેલાં તેમને ફોન કરીને કહ્યું હતું કે, 'તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે.'

આ ઘટનાક્રમમાં સંદીપ ઘોષ, તેમના વાઇસ પ્રિન્સિપાલ, ડીન, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તથા મહિલા વિદ્યાર્થિનીના વિભાગના વરિષ્ઠ તબીબોએ શું ભૂમિકા ભજવી છે, તેના વિશે તપાસ હાથ ધરી છે.

સંદીપ ઘોષે પણ આરજી કર કૉલેજમાંથી અભ્યાસ કર્યો હોવાથી અખ્તર અલીનો આરોપ છે કે 'સંદીપ ઘોષ હૉસ્પિટલની આખી સિસ્ટમ જાણે છે તથા તેનો દુરુપયોગ કર્યો છે.' આ સિવાય અખ્તરે પૂર્વ પ્રિન્સિપાલ ઉપર આર્થિક ગેરરીતિ આચરવાના આરોપ પણ મૂક્યા હતા.

અખ્તરનું કહેવું છે કે તેમણે આ અંગે રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી, એ પછી વર્ષ 2023માં મુર્શિદાબાદ ખાતે તેમની બદલી કરી દેવાઈ હતી, એ પછી ઘોષને તેમના પદ ઉપર બહાલ કરી દેવાયા અને અખ્તરની બદલી મુર્શિદાબાદ કરી દેવામાં આવી.

શ્રેષ્ઠ સર્જનથી સીબીઆઈના શિકંજા સુધી

વીડિયો કૅપ્શન, મરાઠવાડા : દલિતો સાથે ભોજનમાં પણ કેવો ભેદભાવ થતો હતો?

સંદીપ કુમાર કોલકતાના બોનગાંવ વિસ્તારના છે. ભણતર સમયે તેઓ ખૂબ જ હોંશિયાર ઉત્સાહી હતા.

સ્થાનિક શાળા-હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને તેઓ મેડિકલની તૈયારી કરવા લાગ્યા. સંદીપ ઘોષને કોલકતાની સૌથી મોટી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો અને અહીંથી જ તેમની કારકિર્દી શરૂ થઈ.

અહીંથી તેમણે એમબીબીએસની ડિગ્રી લીધી અને ઑર્થોપેડિક સર્જન તરીકે કાઠું કાઢ્યું. તેમની ગણતરી કોલકતાના ટોચના ઑર્થોપેડિક સર્જનોમાં થાય છે.

વર્ષ 2021માં તેમને શહેરની કોલકતા નેશનલ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના વાઇસ-પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. એજ વર્ષે તેમને આર. જી. કર હૉસ્પિટલમાં પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા.

એ પછી અનેક વખત તેમનું નામ વિવાદોમાં સપડાયું છે અને હાલમાં સીબીઆઈ પણ તેમને ઘેરી રહી છે.

ગત શુક્રવારે કોલકતા હાઇકોર્ટનાં જજ રાજશ્રી ભારદ્વાજની સિંગલ જજ બેંચે ડૉ. સંદીપ ઘોષ ઉપર લાગેલા આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી.

ઉચ્ચ અદાલત દ્વારા સીબીઆઈને ત્રણ અઠવાડિયામાં તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, ઘોષના વકીલ આ ચુકાદાને પડકારવાની વાત કહી રહ્યા છે

સંદીપ ઘોષને જાણનારા શું કહે છે?

વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલાં મહિલા તબીબની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કોલકતાની ઘટના બાદ દેશભરના તબીબોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને તેમણે વિરોધપ્રદર્શન આયોજિત કર્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. શમ્સ મુસાફિર આર. જી. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ઘોષને શ્રેષ્ઠ સર્જન તથા ઉત્તમ વહીવટકર્તા માને છે. તેમના કહેવા પ્રમાણે :

"ઘોષને વહીવટી પદભાર મળ્યો, એ પછી કૉન્ટ્રાક્ટર અને વેપારી લોકો તેમની આસપાસ ફરવા લાગ્યા હતા. અહીંથી રાજકીય લોકો સાથે તેમની નિકટતા વધવા લાગી હતી. એ પછી તેમણે જૂના મિત્રો અને વિદ્યાર્થીઓને મળવાનું બંધ કરી દીધું. ત્યારબાદ અનેક વિવાદોમાં સપડાયા અને હવે સીબીઆઈના શિકંજામાં ફસાયા છે. એક શ્રેષ્ઠ તબીબ તેમના લક્ષ્ય પરથી ભટકી ગયા, એ વાતનો મને અફસોસ છે."

સંદીપ ઘોષના મિત્રો અને નિકટના લોકોનું કહેવું છે કે જ્યારથી તેઓ પોતાના વ્યવસાયના લોકો સાથે ઓછા અને રાજનેતાઓ કે વેપારીઓ સાથે વધુ હળવામળવા લાગ્યા, ત્યારથી લોકો તેમનાથી દૂર થતા ગયા.

ડૉ. બિપ્લવ ચંદ્ર અને ઘોષ આર. જી. કર મેડિકલ કૉલેજમાં સહપાઠી હતા. ડૉ. બિપ્લવ ચંદ્રના કહેવા પ્રમાણે, "વિદ્યાર્થી અને તબીબ તરીકે તેઓ એટલા સારા હતા કે લોકો તેમનાથી પ્રેરિત થતા, પરંતુ જ્યારથી તેમને પ્રશાસનિક પદ મળ્યું હતું, ત્યારથી તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો. આ દરમિયાન તેમની ઉપર આરોપ લાગ્યા હતા અને તેમની બદલી કરી દેવાઈ હતી. એ સમયે તેમણે કેટલાક વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરાવડાવ્યો હતો."

ઘોષના એક મિત્રે નામ ન છાપવાની શરતે કહ્યું કે ઘોષ 'રાજકારણનો ભોગ બન્યા છે.'

તેઓ કહે છે, "હવે કોઈ ઘોષને સમર્થન આપવા માટે આગળ નથી આવી રહ્યું, જેમણે તેનો ખૂબ જ લાભ લીધો, તેઓ પણ નહીં. જે લોકોને કારણે ઘોષ પોતાના મિત્રોથી દૂર થઈ ગયા, એ લોકોએ હવે ઘોષ સાથે છેડો ફાડી નાખ્યો છે. ડૉ. સંદીપ ઘોષ એકલા પડી ગયા."

સંદીપ ઘોષના નિર્ણયો સામે પીઆઈએલ

આરજી કર હૉસ્પિટલ ખાતે સીઆઈએસએફના અધિકારીઓની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટના આદેશ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સે કોલકતાની આર. જી. કર હૉસ્પિટલની સુરક્ષાવ્યવસ્થા સંભાળી

કોલકતા રેપ કેસની તપાસ કરી રહેલી ટીમે પણ અખ્તર અલીને બોલાવીને તેમની પાસેથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી હતી.

આ સિવાય અલી દ્વારા બુધવારે કોલકતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે ઘોષ દ્વારા લેવાયેલા નિર્ણયો અને ગેરરીતિઓનો ઉલ્લેખ કર્યો હતો.

અખ્તર અલીની ફરિયાદના આધારે રાજ્યના વિજલન્સ ડિપાર્ટમેન્ટે તા. 20 જુલાઈ 2023ના રોજ આરોગ્યવિભાગના મુખ્ય સચિવને પત્ર લખીને આરજી કર કૉલેજમાં ચાલી રહેલી ગેરરીતિઓ વિશે તપાસ હાથ ધરવા ભલામણ કરી હતી.

સીબીઆઈ ઉપરાંત રાજ્ય પોલીસની એસઆઈટીએ પણ તપાસમાં 'સહયોગ' આપવા માટે અનેક વખત સંદીપ ઘોષને બોલાવ્યા હતા. વર્ષ 2021માં રાજ્યના કૅગે પણ આર. જી. કર હૉસ્પિટલમાં ચાલી રહેલી નાણાકીય ગેરરીતિઓ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. કૅગનું કહેવું હતું કે વારંવાર નોટિસો મોકલવા છતાં ઘોષે ગેરરીતિઓ વિશે કોઈ સ્પષ્ટીકરણ નહોતું આપ્યું.

એક તપાસનીશ અધિકારીના કહેવા પ્રમાણે, વર્ષ 2021માં સંદીપ ઘોષે આરજી કર હૉસ્પિટલના પ્રિન્સિપાલ તરીકેનો પદભાર સંભાળ્યો, એ પછી અત્યારસુધી જેટલાં ટૅન્ડર કાઢ્યાં અથવા જે કોઈ નિર્ણય લીધા, તેની સઘન ચકાસણી થઈ રહી છે.

ઘોષનું રાજીનામું

સંદીપ ઘોષની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 'પ્રશાસનિક પદભાર સંભાળ્યા પછી સંદીપ ઘોષ તેમના મિત્રોથી વિમુખ થઈ ગયા'

મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યા બાદ વિવાદ વકરતા સંદીપ ઘોષે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું હતું. તેમણે પોતાના રાજીનામામાં લખ્યું હતું, "હું આ અપમાન સહન કરી શકું એમ નથી. મારી સામેના તમામ આરોપ પાયાવિહાણા છે. વિદ્યાર્થીઓને મારી વિરૂદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે, આની પાછળ રાજકારણ છે."

જોકે, ઘોષના રાજીનામા પછી ગણતરીની કલાકોમાં જ રાજ્યની મમતા બેનર્જી સરકારે તેમની બદલી કોલકતા નેશનલ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં પ્રિન્સિપાલ તરીકે કરી દીધી હતી.

જ્યારે કોલકતા હાઇકોર્ટમાં આના વિશે સુનાવણી હાથ ધરવામાં આવી, ત્યારે બેન્ચે રાજ્ય સરકારના આ નિર્ણયની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને સંદીપ ઘોષને રજા ઉપર ઉતરી જવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે રાજ્ય સરકારના નિર્ણય ઉપર સવાલ ઉઠાવતા હતું કે આટલી જલદી સંદીપ ઘોષને બીજી કોઈ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ કેવી રીતે બનાવી શકાય? આ પછી પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય વિભાગે ડૉ. સુહિતા પાલને નવાં પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કર્યાં હતાં. આ સિવાય નવા વાઇસ-પ્રિન્સિપાલ અને મેડિકલ સુપરિન્ડેન્ટની નિમણૂકો પણ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓના વ્યાપક પછી બુધવારના (તા. 21) મોડી સાંજે સરકારે આ તમામ નિમણૂકોને રદ કરી દીધી.

સરકારના નવા અધ્યાદેશ મુજબ, માનસકુમાર બૅનર્જીને કૉલેજના નવા આચાર્ય બનાવવામાં આવ્યા છે.

સત્તારૂઢ તૃણમુલ કૉંગ્રેસના જ વરિષ્ઠ નેતા ને રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય શાંતનુ સેને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા, એ પછી સેનને પ્રવક્તાપદેથી હઠાવી દેવાયા હતા. સેન ઉપરાંત અનેક નેતાઓએ સંદીપ ઘોષની ઉપર આરોપ મૂક્યા હતા.

રાજ્યસભાના સંસદસભ્ય સુખેન્દુ રૉય પણ આ ઘટના પછી સંદીપ ઘોષના સમગ્ર કાર્યકાળની તપાસ કરવાની માગ કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સંસદસભ્ય શમીક ભટ્ટાચાર્યે બીબીસી સાથે વાતચીત વેળાએ કહ્યું, "સંદીપ ઘોષની સઘન પૂછપરછ થવી જોઈએ અને તેમની સામે પણ તપાસ થવી જોઈએ. તપાસ રિપૉર્ટમાં ઘોષને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, છતાં જેણે ફરિયાદ કરી, તેની બદલી કરી દેવામાં આવી હતી. સત્તારૂઢ લોકો સાથે સાંઠગાંઠ વગર આમ થવું શક્ય નથી."

સીબીઆઈ દ્વારા સંદીપ ઘોષની સતત પૂછપરછ થઈ રહી છે, એટલે તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેમની તરફથી જો કોઈ જવાબ આવશે તો તેને પણ અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

સાંઠગાંઠ અંગે ટીએમસીનો જવાબ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મહિલાઓની સુરક્ષા માટે કોલકતામાં રેલી કાઢી હતી તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મહિલાઓની સુરક્ષા માટે કોલકતામાં રેલી કાઢી હતી

તૃણમુલ કૉંગ્રેસના પ્રવક્તા જય પ્રકાશ મજૂમદારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે સંદીપ ઘોષના સમગ્ર કાર્યકાળની તપાસ કરવા માટે એસઆઈટી બનાવી છે.

તેમનું કહેવું હતું કે 'ઘોષ ઉપર જે આરોપ લાગ્યા છે, તે રાજ્યના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ મળ્યા છે, જેની ઉપર અગાઉથી કાર્યવાહી થઈ રહી હતી.'

તેઓ કહે છે, "રાજ્ય સરકાર દ્વારા સંદીપ ઘોષને સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે, એ વાત ખોટી છે. વિપક્ષ દ્વારા કાલ્પનિક આરોપ મૂકવામાં આવી રહ્યા છે."

"દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એટલા માટે જ રાજ્ય સરકારે આ આરોપોને ધ્યાને લઈને તેની ઉપર એફઆઈઆર કરી છે, એટલું જ નહીં, સમગ્ર કાર્યકાળ દરમિયાન એમણે જે કોઈ નિર્ણય લીધા છે, ચાહે તે કોઈપણ પ્રકારના હોય, તેની તપાસ હાથ ધરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં તેના પરિણામ પણ જોવા મળશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.