કોલકાતા રેપ-મર્ડર કેસ: શું કારણ છે કે મમતા બેનરજી પહેલી વખત આટલા દબાણમાં છે?

ચિંતાજનક મુદ્રામાં મમતા બેનરજીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, કોલકતાથી, બીબીસી હિંદી માટે

"આરજી કર હૉસ્પિટલની ઘટનાના આરોપીને રવિવાર સુધી ફાંસી આપવામાં આવે....બાંગ્લાદેશની જેમ અહીં પણ મારી સરકાર ઊથલાવાના પ્રયાસ ચાલી રહ્યા છે...મને સત્તાની કોઈ લાલચ નથી....આ ઘટના અંગે સીપીએમ અને ભાજપ રાજકારણ રમી રહ્યા છે...આરજી કર હૉસ્પિટલમાં થયેલા હુમલામાં વામ અને રામનો હાથ છે."

આરજી કર હૉસ્પિટલમાં જુનિયર મહિલા સાથે બળાત્કાર અને હત્યાના કેસ મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં આવાં નિવેદન કર્યાં છે. આ પહેલાં બેનરજીએ આ પ્રકારનાં નિવેદન નથી આપ્યાં, એટલે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ઉપરોક્ત ઘટનાને કારણે મમતા બેનરજી દબાણ હેઠળ છે ?

શું તેમને આશંકા છે કે તેમની સૌથી મોટી વોટબૅન્ક વિખેરાઈ જશે ? શું મુખ્ય મંત્રી તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન પહેલી વખત તેમની સામે આટલી મોટી મુશ્કેલી છે?

માર્ગ પર ઊતર્યાં મમતા

મમતા બેનર્જી તથા પાર્ટીનાં મહિલા નેતાઓની તસવીર

ઇમેજ સ્રોત, Prabhakar Mani Tiwari

ઇમેજ કૅપ્શન, વામ અને રામ રાજકારણ કરી રહ્યા હોવાનો મમતા બેનરજીનો આરોપ

બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવાની માગ સાથે શુક્રવારે સાંજે મમતા બેનરજી રસ્તા ઉપર ઊતર્યાં હતાં, જેના કારણે ચર્ચાઓ, સવાલો અને અટકળોને વેગ મળ્યો.

સામાન્ય રીતે મમતા બેનરજી આ પ્રકારની ઘટનાના વિરોધમાં રસ્તા ઉપર નથી ઊતરતાં. છેલ્લે તેમણે સીએએના વિરોધમાં રસ્તા ઉપર ઊતરીને આંદોલન કર્યું હતું. આ સિવાય તેઓ ચૂંટણી દરમિયાન પગપાળા ચાલીને જનસંપર્ક કરે છે.

સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ અને સરકારની ભૂમિકા ઉપર સવાલ ઊભા થયા છે. બીજી બાજુ, 'રિક્લેઇમ ધ નાઇટ' અભિયાનને મહિલાઓનું સ્વયંભૂ સમર્થન હાંસલ થઈ રહ્યું છે. આ વિરોધપ્રદર્શનોને કારણે શું, મમતા બેનરજીની મજબૂત વોટબૅન્ક તેમનાં હાથમાંથી સરકી રહી છે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલ પશ્ચિમ બંગાળમાં કોઈ ચૂંટણી નથી, તો પણ વિપક્ષ આ મુદ્દાને જીવંત રાખવાની તથા આગમી વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરશે.

ભાજપ-સીપીએમ આક્રમક, મમતા સતર્ક

વીડિયો કૅપ્શન, Banaskantha નાં Drone Didi જે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી કમાય છે લાખો રૂપિયા

કોલકતાની ઘટના મુદ્દે ભાજપ તથા સીપીએમે મમતા બેનરજી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. રાહુલ ગાંધી તથા અધીર રંજન ચૌધરી જેવા કૉંગ્રેસના નેતાઓએ પણ મુખ્ય મંત્રી વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી છે.

શુક્રવારે સાંજે મમતા બેનરજીએ કોલકતાના મૌલાલીથી ધર્મતલ્લા સુધીના દોઢેક કિલોમીટરના અંતરની પદયાત્રા કરી હતી, જેમાં પાર્ટીના સંસદસભ્યો, ધારાસભ્યો તથા અન્ય નેતા જોડાયા હતા. આ લોકોએ પોસ્ટર, બેનર તથા પ્રતીકો દ્વારા દોષિતને ફાંસી આપવાની માગ કરી રહ્યા હતા.

સૌથી આગળ ચાલી રહેલાં મમતાએ તેમના સ્વભાવને અનુરૂપ વચ્ચે-વચ્ચે અટકીને લોકો સાથે વાતો કરી હતી. સામાન્ય રીતે તેમના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હોય છે, પરંતુ પદયાત્રા દરમિયાન તેમનાં વદન ઉપર ચિંતાની રેખાઓ જણાતી હતી.

પદયાત્રા દરમિયાન બીબીસીએ કેટલાક લોકો સાથે વાત કરી, પરંતુ તેઓ ફોટોગ્રાફ પડાવવા સહમત ન થયા.

'મમતા અને સરકાર ફસાયાં છે'

રાજકીય વિશ્લેષક શીખા મુખર્જીની તસવીર

ઇમેજ સ્રોત, Prabhakar Mani Tiwari

ઇમેજ કૅપ્શન, શીખા મુખરજી

જે રસ્તા ઉપરથી મમતાની યાત્રા પસાર થઈ, ત્યાં જ સેવાનિવૃત્ત શિક્ષક મંજૂનાથ વિશ્વાસ પણ રહે છે. તેમનું કહેવું હતું, "આ વખતે મમતા તથા તેમની સરકાર ફસાયાં છે. પ્રિન્સિપાલનો બચાવ કરવો, રાજીનામાંના ગણતરીના કલાકોમાં જ તેમને નવું પોસ્ટિંગ આપવું, જેવા નિર્ણયો તેમના માટે ગળાની ફાંસ બની રહ્યા છે. જો તેમણે સમગ્ર મામલે ઢાંકપિછાડો કરવાનો પ્રયાસ ન કર્યો હોત, તો આજે તેમણે રસ્તા ઉપર ઊતરવું ન પડ્યું હોત."

વિશ્વાસના કહેવા પ્રમાણે, વિપક્ષને કોઈ મુદ્દો જોઈતો હતો, તે મળી ગયો. એ જ રસ્તા ઉપર દુકાન ચલાવતા મોહમ્મદ સાબીરનું કહેવું છે, "મુખ્ય મંત્રી મહિલા છે. છતાં એક મહિલા સાથે આટલી બર્બર ઘટના ઘટવા છતાં તેમની પાસેથી અપેક્ષા હોય, એટલી સક્રિયતા સાથે તેમણે કાર્યવાહી ન કરી."

તેમનું કહેવું છે કે આ મુદ્દે સીબીઆઈ તપાસ કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારનો ટ્રૅકરેકૉર્ડ સારો નથી. વિપક્ષના આક્રમણની ધાર બુઠ્ઠી કરવા માટે રાજ્યના સામાન્ય નાગરિકોની જેમ મમતા પણ દોષિતો માટે ફાંસીની સજાની માગ કરી રહ્યાં છે.

'વામ અને રામ' ઉપર આરોપ

આંદોલનકારી તથા કોલકતા પોલીસ વચ્ચે ચકમકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓનો સ્વયંભૂ આક્રોશ મમતા બેનરજી માટે ચિંતાનો વિષય હોવાનો રાજકીય નિષ્ણાતોનો મત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પગપાળા ચાલ્યા બાદ મમતાએ જાહેરસભાને સંબોધિત કરી અને વિપક્ષ ઉપર શાબ્દિકપ્રહાર કર્યા અને દોષિતો માટે ફાંસીની સજાની માગનો પુનર્રોચ્ચાર કર્યો.

મમતા બેનરજીએ કહ્યું કે જ્યારે હાથરસ, ઉન્નાવ અને મણિપુર જેવી ઘટનાઓ ઘટી, ત્યારે કેન્દ્ર સરકારે કેટલી ટીમો મોકલી હતી ? બંગાળમાં કોઈને ઉંદર પણ કાતરી જાય, તોય 55 ટીમ મોકલી દેવામાં આવે છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે 164 લોકોની વિશેષ ટીમ બનાવી હતી અને તપાસ પૂર્ણ કરવા માટે રવિવાર સુધીનો સમય માંગ્યો હતો. તપાસપ્રક્રિયા લાંબી હોય છે અને તેમાં સમય લાગે, પરંતુ કોઈને વિશ્વાસ ન બેઠો. આ અંગે રાજકારણ રમવામાં આવ્યું. હવે સીબીઆઈ તપાસ કરે રવિવાર સુધીમાં દોષિતોને ફાંસીની સજા અપાવે.

મમતા બેનરજીએ તેમની સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ તથા સશક્તિકરણ માટે કેવાં-કેવાં પગલાં લીધાં છે તથા યોજનાઓ શરૂ કરી છે, તેની યાદી પણ ગણાવી હતી.

તેમણે 'વામ અને રામ' શબ્દપ્રયોગ કરીને, વિપક્ષ વિશેષ કરીને ડાબેરી પક્ષો તથા ભાજપ ઉપર આ મામલે રાજકારણ કરવાનો આરોપ મૂક્યો.

આ પહેલાં વર્ષ 2012માં કોલકતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં ચાલતી ગાડીમાં મહિલા સાથે બળાત્કાર થયો હતો. ત્યારે તેમણે 'સજાવેલો મામાલો' કહ્યો હતો, જેના કારણે તેમની ભારે ટીકા થઈ હતી.

વર્ષ 2013માં કામદુનીમાં 20 વર્ષીય કૉલેજની વિદ્યાર્થીની સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે પણ નબળી તપાસને કારણે દોષિતોને સામાન્ય સજા થઈ હોવાના આરોપ લાગ્યા હતા. ગત વર્ષે કોલકતા હાઈકોર્ટે આ દોષિતોની સજા માફ કરી દીધી હતી, જેના કારણે મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે દર વખતે મમતા આ પ્રકારના રાજકીય વંટોળોમાંખી સફળતાપૂર્વક બહાર નીકળ્યાં છે, પરંતુ આરજી કર હૉસ્પિટલની ઘટનામાં મહિલાઓની સુરક્ષા તથા સરકારની પારદર્શકતા મામલે મમતા સરકાર કઠેડામાં છે.

મમતા બનરજી પર ઢાંકપિછાડાના આરોપ

આરજી કર હૉસ્પિટલ બહાર સુરક્ષાવ્યવસ્થાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકતા પોલીસે 164 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી હોવાનો મમતાનો દાવો

જાણકારોના કહેવા પ્રમાણે, સામાન્ય લોકોમાં આ ઘટના પછી જે રીતે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઢાંકપિછાડો કરવાના પ્રયાસ થયા, તેના કારણે આક્રોશ ફાટી નીકળ્યો.

પહેલાં તો નવ કલાક સુધી આ ઘટના વિશે કોઈ માહિતી ન મળી. એ પછી મૃતકના પરિવારજનોને કહેવામાં આવ્યું કે તેમનાં દીકરી બીમાર છે. એ પછી ફોન કરીને કહેવામાં આવ્યું કે તેમણે આત્મહત્યા કરી છે. જ્યારે મૃતકનાં માતા-પિતા હૉસ્પિટલે પહોંચ્યાં, તો પોલીસકાર્યવાહીના નામે ત્રણ કલાક સુધી તેમને બેસાડી રખાયાં.

પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું રાજીનામું સ્વીકારવાના બદલે તેમને અન્ય એક હૉસ્પિટલમાં નિમણૂક આપવામાં આવી. આને કારણે તબીબી વિદ્યાર્થીઓ તથા જુનિયર ડૉક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો.

સમાજ વિજ્ઞાનના પૂર્વ પ્રાધ્યાપક અનિરૂદ્ધ પાલના કહેવા પ્રમાણે, "શિક્ષક ભરતીમાં ગેરરીતિ, રાશન તથા કોલસા કૌભાંડ, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ગેરકાયદે લોકોમાં આક્રોશ અદાલતોના બર્બર ચુકાદા તથા તેમાં તૃણમુલ નેતાઓની સંડોવણીને કારણે હતો તથા તેને બહાર કાઢવાનું કામ આરજી કરની ઘટનાએ કર્યું. આને કારણે મમતા બેનરજી માટે મુશ્કેલી ઊભી થઈ."

રાજકીય વિશ્લેષક શીખા મુખરજીના કહેવા પ્રમાણે, "પદયાત્રા કરીને મમતાએ વિપક્ષને રાજકીય જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષના હુમલા તેમના માટે ચિંતાનું કારણ નથી."

"આ પહેલાં તેઓ સંદેશખાલી જેવા હુમલાઓને પણ સફળતાપૂર્વક પાર કરી ગયાં છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ તેમની સામે ઊતરી છે, જે તેમના માટે ચિંતાજનક છે."

"મહિલાઓ મમતા બેનરજીની મોટી વોટબૅન્ક છે અને વર્ષ 2008ની પંચાયતી ચૂંટણીઓથી તેમની સાથે છે. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેમને ભારે ટક્કર આપી હતી, પરંતુ આ વોટબૅન્કના સહારે જ તેઓ ત્રીજી વખત સત્તા સુધી પહોંચી શક્યાં હતાં."

શીખાનું કહેવું છે કે મહિલાઓની નારાજગીને દૂર કરવાનો કોઈ ઉપાય મમતાને સૂજી નથી રહ્યો. આ સિવાય રિક્લેમ ધ નાઇટ આંદોલનને સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે તેમની ચિંતાઓ વધી જવા પામી છે.

વિધાનસભા ચૂંટણીને આડે બે વર્ષ જેટલો સમય રહ્યો છે. આ સંજોગોમાં જો મહિલાઓનો સરકાર પરથી મોહભંગ થાય તો મમતા તથા તૃણમુલ કૉંગ્રેસની રાજકીય કારકિર્દી જોખમમાં મૂકાઈ શકે છે.

મમતાની મોટી મુશ્કેલી

દેખાવકારી વિદ્યાર્થીઓની તસવીર

ઇમેજ સ્રોત, Prabhakar Mani Tiwari

ઇમેજ કૅપ્શન, આરજી કર હૉસ્પિટલમાં થયેલી તોડફોડમાં તૃણુલ કૉંગ્રેસની સંડોવણી હોવાનો ભાજપનો આરોપ

વિપક્ષ ભાજપ અને સીપીએ પહેલા દિવસથી જ આ મામલે સરકાર અને પોલીસની સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સીપીએમની વિદ્યાર્થી તથા યુવા પાંખે આરજી કર સહિત રાજ્યભરમાં અનેકસ્થળોએ વિરોધપ્રદર્શન કર્યાં છે.

ભાજપ પણ આ મુદ્દે સતત સરકાર ઉપર પ્રહાર કરી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આરોપ મૂક્યો હતો કે ટીએમસીના ગુંડાઓ આરજી કાર હૉસ્પિટલમાં થયેલા હુમલા માટે જવાબદાર હતા.

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશાધ્યક્ષ સુકાંત મજૂમદાર કોલકતા પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની માગ કરી ચૂક્યા છે. શુક્રવારે બપોરે બે કલાક માટે પાર્ટીએ ચક્કાજામનું એલાન આપ્યું હતું. આ દરમિયાન મજૂમદારની અટકાયત પણ કરવામાં આવી હતી.

ઇન્ડિયા ગઠબંધનના સાથીપક્ષ કૉંગ્રેસે પણ રાજ્યની મમતા બેનરજી સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા છે અને આ ઘટનામાં ઢાંકપિછાડો કરવાનો સરકાર ઉપર આરોપ મૂક્યો છે.

મમતા જાણે છે કે આ ઘટનાના દૂરગામી પરિણામો આવી શકે છે, એટલે જ તેઓ કોલકતાના પોલીસ કમિશનર પાસે દરરોજ પત્રકારપરિષદ કરાવીને ખુલાસા અને સ્પષ્ટતા કરાવી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર તાપસ મુખરજીના કહેવા પ્રમાણે, "મમતા બેનરજીની ચિંતા વિપક્ષના પ્રહારોની નહીં, પરંતુ મહિલા વોટબૅન્ક સરકવાની છે. એટલે જ સીબીઆઈને તપાસ સોંપાઈ, એ પછી પણ તેઓ એવાં કેટલાંક નિવેદન કરી રહ્યાં છે, જે તેમનાં સ્વભાવ સાથે મેળ નથી ખાતાં."

વીડિયો કૅપ્શન, મુંબઈમાં યુવતીઓની છેડતીને કારણે તેમની રમત પર લગામ લાગી?

સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ બીબીસીના કહ્યું, "મમતા બેનરજીની માગ પ્રમાણે, રવિવાર સુધીમાંત પાસ પૂર્ણ કરવી શક્ય નથી. અનેક પાસાઓની તપાસ ચાલી રહી છે. દસ્તાવેજો ચકાસાઈ રહ્યા છે."

"આ સિવાય ડઝનબંધ લોકોની પૂછપરછ ચાલી રહી છે. આ સિવાય સીસીટીવી ફૂટેજ ચકાસવામાં પણ સમય લાગી શકે છે."

શુક્રવારે સીબીઆઈએ મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ સેન સાથે લાંબી પૂછપરછ કરી હતી. આ સિવાય મૃતક જે વિભાગમાં કામ કરતાં હતાં, તેના વડા સહિત ન્ય બે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય પણ અનેક લોકોની પૂછતાછ કરવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે અગાઉના અનેક કેસની જેમ આ મામલે પણ સરકારને વંટોળમાંથી બહાર કાઢવામાં મમતા સફળ રહે છે કે નહીં, તે તો સમય જ કહેશે, પરંતુ હાલ તેમની સામે મહિલા વોટબૅન્ક સરકી જવાનો ભય ચોક્કસ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.