મુગલ ગાર્ડન બન્યો અમૃત ઉદ્યાન : રાષ્ટ્રપતિ ભવનના આ બગીચા વિશે કેટલું જાણો છો આપ?

    • લેેખક, વિવેક શુક્લા
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
  • મોદી સરકારે શનિવારે રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનનું નામ મુગલ ગાર્ડનથી બદલીને અમૃત ઉદ્યાન રાખવાનો નિર્ણય કર્યો હતો
  • આ ગાર્ડન તેની સુંદરતા માટે વિખ્યાત છે
  • તેનાં ફૂલ, ઝાડ અને સુંદરતાનો વૈભવ અદ્વિતીય મનાય છે
  • ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ફેબ્રુઆરીમાં મુગલ ગાર્ડન સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય કર્યો હતો
  • તેની સુંદરતા અને તેના પાછળની કહાણીનું સુંદર વર્ણન વાંચો બીબીસીના આ અહેવાલમાં

મોદી સરકારે એક મોટો નિર્ણય લેતાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં બનેલ મુગલ ગાર્ડનનું નામ અમૃત ઉદ્યાન કરી નાખ્યું.

રાષ્ટ્રપતિ ભવનનો આ બગીચો વર્ષ 1928-29માં બન્યો હતો.

મુગલ ગાર્ડનનું નામ બદલવાની માગ હિંદુ મહાસભાએ કરી હતી. વર્ષ 2019માં હિંદુ મહાસભાએ માંગ કરી હતી કે ગાર્ડનનું નામ બદલીને રાજેન્દ્ર પ્રસાદ ઉદ્યાન કરી દેવાય.

એ સમયે આ માગ નહોતી માનવામાં આવી. પરંતુ હવે દિલ્હીની એક ઓળખ બની ચૂકેલ મુગલ ગાર્ડનને આ નવું નામ આપી દેવાયું છે.

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં 15 એકરમાં ફેલાયેલા મુગલ ગાર્ડનને બનાવવાની પ્રેરણા, જમ્મુ-કાશ્મીરના મુગલ ગાર્ડન, તાજમહલની આસપાસ ફેલાયેલા બગીચા અને ભારત અને પર્શિયાનાં ચિત્રોમાંથી મળી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડન બનાવવાનો આઇડિયા કોનો હતો?

સામાન્યપણે એવું મનાય છે કે રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડન બનાવવાનો આઇડિયા સર એડવિન લુટિએંસનો હતો.

જોકે, સત્ય એ છે કે આ વિચાર, એ સમયે ઉદ્યાનવિભાગના નિદેશક વિલિયમ મુસ્ટોનો હતો. તેઓ નવી દિલ્હીના મુખ્ય આર્કિટેક્ટ એડવિન લુટિએંસની દેખરેખ હેઠળ કામ કરી રહ્યા હતા.

એવું મનાય છે કે વિલિયમ મુસ્ટોને મુગલ ગાર્ડનને હરિયાળીભર્યો બનાવવાની જવાબદારી અપાઈ હતી.

આ વિશે સર એડવિન લુટિએંસ અને વિલિયમ મુસ્ટો વચ્ચે લાંબી વાતચીત અને સલાહ-મસલત થઈ. અંતે બંને, બાગબાનીની બે પરંપરાઓના મેળથી મુગલ ગાર્ડન બનાવવા અંગે સંમત થયા.

એવું નક્કી થયું કે રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનમાં મુગલો અને અંગ્રેજી પરંપરાઓ મેળવીને છોડ લગાવવામાં આવે.

સર એડવિન લુટિએંસે મુગલ ગાર્ડન તૈયાર કરવા માટે વિલિયમ મુસ્ટોને પૂરી છૂટ આપી હતી. એ વાત પણ સત્ય છે કે વિલિયમે પોતાના કામથી લુટિએંસને નિરાશ નહોતા કર્યા.

લુટિએંસનાં પત્નીએ મુગલ ગાર્ડન પર શું લખ્યું?

ક્રિસ્ટોફર હસીના પુસ્તક, ‘ધ લાઇફ ઑફ સર એડવિન લુટિએંસ’ (1950)માં લુટિએંસનાં પત્ની એમિલી બુલવર-લિટને મુગલ ગાર્ડનનાં મુક્ત મને વખાણ કર્યાં.

તેમણે લખ્યું છે કે, “અહીં એટલાં બધાં ફૂલો લગાવાયાં છે કે એવું લાગે છે કે જાણે રંગોની ખુશબોદાર રંગોળી બનાવાઈ છે અને જ્યારે ફુવારો સતત ચાલે છે, ત્યારે માહોલમાં જરાકેય ખટાશ જણાતી નથી. આ ગોળાકાર બગીચો પોતાની સુંદરતામાં બધાને માત આપે છે અને તેની પ્રશંસાને શબ્દોના વાડામાં ન બાંધી શકાય.”

મુગલ ગાર્ડની સુંદરતા

મુગલ ગાર્ડન વિશ્વનાં તમામ પ્રખ્યાત ફૂલોની સુંદરતા અને ખુશબોથી તરબતર છે.

જેમ કે અહીં નેધરલૅન્ડ્સનાં ટ્યૂલિય છે, બ્રાઝિલનાં ઑર્કિડ, જાપાનનાં ચેરી બ્લૉસમ અને બીજાં મોસમી ફૂલ, તેમજ અહીં ચીનનાં કમળનાં ફૂલો પણ છે.

અહીં મુગલ નહેરો, ચબૂતરા અને ફૂલોની ઝાડીઓનો યુરોપનાં ફૂલો, લૉન અને એકાંત આપનારી વાડનો ગજબ મેળ જોવા મળે છે.

મુગલ ગાર્ડનમાં 159 પ્રકારનાં ગુલાબ

મુગલ ગાર્ડનનાં ગુલાબ અહીંની સૌથી મોટી ખાસિયત છે. અહીં ગુલાબોની 159 જાતો હાજર છે.

તેમાં એડોરા, મૃણાલિની, તાજ મહેલ, એફિલ ટાવર, મૉડર્ન આર્ટ, બ્લૅક લૅડી, પૅરાડાઇઝ, બ્લૂ મૂન અને લૅડી ઍક્સ સામેલ છે.

મુગલ ગાર્ડનમાં પ્રખ્યાત લોકો જેમ કે મધર ટેરેસા, રાજા રામમોહન રાય, જૉન એફ કૅનેડી, મહારાણી એલિઝાબેથ, ક્રિશ્ચિન ડાયોરનાં નામવાળાં ગુલાબ પણ છે.

બગીચામાં મહાભારતનાં પાત્ર જેમ કે અર્જુન અને ભીમનાં નામનાં ફૂલો પણ છે.

ગુલાબની તમામ જાતો સિવાય ટ્યૂલિય, કુમુદિની અને બીજાં મોસમી ફૂલો પણ ત્યાંની ખૂબસૂરતી વધારે છે.

રાષ્ટ્રપતિ ભવનના બગીચામાં મોસમી ફૂલોની 70 જાતો છે, તેમાં વિદેશી ગોળ ફૂલ અને શિયાળામાં જોવા મળતાં ફૂલો સામેલ છે.

ફૂલોની ક્યારીઓના કિનારે કિનારે એલાઇસમ, ગુલબહાર અને બનફ્શાની કતારો લગાવાઈ છે.

અહીં મૌલશ્રી, અમલતાસ અને પારિજાત જેવાં ઘણાં ખૂબસૂરત ફૂલોવાળાં ઝાડ પણ જોવા મળે છે.

મુગલ ગાર્ડનના ગુમનામ નાયક

આ સિવાય આપણે મુગલ ગાર્ડનને તેના આ ખૂબસૂરત રંગો આપનારા માળીઓને ન ભૂલવા જોઈએ, જેઓ પોતાના ખૂન-પરસેવાની મહેનતથી મુગલ ગાર્ડનને તેનું શાનદાર સ્વરૂપ આપે છે.

અમિતા બાવિસ્કર પોતાના પુસ્તક, ‘ધ ફર્સ્ટ ગાર્ડન ઑફ ધ રિપબ્લિક’માં લખે છે કે, “વસંતની મોસમમાં જે લાખો લોકો ખૂબસૂરત બગીચાને જોવા આવે છે, તેમને કદાચ જ એ વાતની ખબર હશે કે આ બગીચાને મનમોહક અને ખૂબસૂરત ગુલિસ્તાન બનાવવા માટે મહીનાઓની મહેનત અને આયોજન લાગે છે.”

તેઓ લખે છે કે, “સપ્ટેમ્બરમાં ફૂલોના છોડોની ભૂરી કલમો લગાડવામાં આવે છે, જે ફેબ્રુઆરીમાં ઇન્દ્રધનુષ અને ખુશબોના ઝરણાની જેમ સામે આવે છે. સત્ય તો એ છે કે મુગલ ગાર્ડનના માળી દિવસ-રાત અથાક મહેનત કરે છે, અને તેમની મહેનતથી આ ગુલિસ્તાન ખીલી ઊઠે છે.”

મુગલ ગાર્ડનમાં કામ કરનારા માળી સૈની જાતિમાંથી આવે છે, અને તેમની અગાઉની પેઢીઓ પણ અહીં જ કામ કરતી હતી.

આ લોકોની ઘણી પેઢીઓ આ બગીચાની સુંદરતા વધારવાના કામમાં પસાર થઈ ગઈ. આ લોકો મોટા ભાગે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં રહે જ છે.

રાષ્ટ્રપતિ ભવનના માળીઓની એકથી બીજા સ્થળે બદલી નથી થતી. આ લોકો, કેન્દ્રીય લોક નિર્માણ ભવન (CPWD) માટે કામ કરે છે.

જ્યારે પણ તમે મુગલ ગાર્ડનમાં ફરવા જાઓ, તો આ ગુમનામ નાયકોને પણ યાદ રાખજો, જેમની મહેનતથી મુગલ ગાર્ડનને તેની નકાશીકામ જેવી ખૂબસૂરતી મળે છે.

મુગલ ગાર્ડનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓનું યોગદાન

મુગલ ગાર્ડનને વધુ બહેતર અને મનમોહક બનાવવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિર્દેશ પર હર્બલ ગાર્ડન, દૃષ્ટિહીનો માટે ટેક્સટાઇલ ગાર્ડન, સંગીતમય બગીચો, જૈવ ઈંધણ પાર્ક અને પોષક બગીચા જેવા ઘણા બગીચા જોડાવ્યા.

ડૉક્ટર કલામે અહીં બે ઝૂંપડીઓ પણ બનાવડાવી હતી, એક તો થિંકિંગ હટ એટલે કે ‘વૈચારિક ઝૂંપડી’ અને ‘અમર ઝૂંપડી’.

ડૉક્ટર કલામ અહીં બેસીને પોતાના મિત્રો સાથે વાતચીત કરતા, અને અહીં બેસીને તેમણે પોતાના પુસ્તક, ‘ઇનડૉમિટેબલ સ્પિરિટ’નો શ્રેષ્ઠ ભાગ લખ્યો હતો.

ડૉક્ટર કલામ અગાઉના અને બાદના રાષ્ટ્રપતિઓએ પણ મુગલ ગાર્ડનને વધુ ખૂબસૂરત બનાવવામાં યોગદાન આપ્યું હતું. ઉદાહરણ તરીકે કે. આર. નારાયણને 1998માં વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્રને અહીં વરસાદનું પાણી જમા કરવાનાં યંત્ર મૂકવા જણાવ્યું હતું, જેનાથી રાષ્ટ્રપતિ ભવનમાં ભૂગર્ભ જળના સ્તરને બહેતર કરી શકાય.

2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ અહીં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી સાફ કરાયેલ પાણી, છોડની સિંચાઈને કામ લાગી શકે અને તેને એક તળાવમાં પણ ભરવામાં આવતું હતું, જેથી જળ વિસ્તારોનાં પક્ષીઓ પણ અહીં આવ્યાં.

જો આપણે ખૂબ પુરાણા સમયની વાત કરીએ, તો દેશના ત્રીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીર હુસૈનને વિદેશથી ગુલાબની નવી જાતો મગાવવા અને રસદાર છોડો સંરક્ષણ માટે કાંચનું ગરમ ઘર બનાવડાવા માટે યાદ કરાય છે.

આવી જ રીતે નીલમ સંજીવ રેડ્ડીએ લીંબુના નાના છોડ ઉગાડવાની પ્રેરણા આપી.

આર. વેંકટરમણને દક્ષિણ ભારતથી કેળાની નવી નવી જાતો લાવીને અહીં લગાડવા માટે યાદ કરાય છે.

કે. આર. નારાયણનનાં પત્ની ઉષા નારાયણે અહીં ટ્યૂલિપ અને ઇકેબાનાનાં ફૂલોની કતારો લગાવડાવી.

પ્રતિભા પાટીલ દાલિખાના ફળ મોકલવા માટે જાણીતાં છે.

રાષ્ટ્રપતિ ભવનમાં જન્મ લેવાનું સૌભાગ્ય

ભારતીય મહિલા ફૂટબૉલ ટીમના કોચ રહેલાં આનંદી બરુઆ રાષ્ટ્રપતિ ભવનમાં જ પેદા થયાં હતાં.

આનંદી એ સમયને યાદ કરતાં કહે છે કે, “મારાં માતાપિતા કહેતા કે ફેબ્રુઆરીમાં મુગલ ગાર્ડનનને બધાને માટે ખોલવાનો નિર્ણય દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે લીધો હતો.”

આનંદી બરુઆએ પોતાની જિંદગીના લગભગ ત્રણ દાયકા રાષ્ટ્રપતિ ભવનમાં જ પસાર કર્યા.

તેઓ કહે છે કે તેમની પેઢીના લોકોને આને અમૃત ઉદ્યાન કહેતા શીખવામાં થોડો સમય લાગશે, “આખરે તેનું જૂનું નામ અમારી યાદોમાં ખૂબ ઊંડે સુધી છવાયેલું છે.”