અમીષ સાહેબા : બૅન્ક મૅનેજરથી અમદાવાદના પ્રથમ ઇન્ટરનેશનલ અમ્પાયર બનવા સુધીની કહાણી

વર્ષ 2007 અને ડિસેમ્બર મહિનો. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતામાં ટેસ્ટ મૅચ રમાતી હતી અને તેમાંય પાકિસ્તાનને ફોલોઓનથી બચવું જરૂરી હતું, ભારતને ફોલોઓન કરવા માટે ત્રણ વિકેટની જરૂર હતી અને આ સંજોગોમાં ઇડન ગાર્ડન્સની વિકેટ ઉપર હરભજનસિંઘ અને અનિલ કુંબલે જેવા બે ખતરનાક સ્પિનર બૉલિંગ કરતા હોય ત્યારે સ્વાભાવિકપણે જ પરિસ્થિતિ તંગ હોય.

આ બંને ટીમ મેદાન પર નબળી પડે ત્યારે ગમે તેવાં બહાનાં નીકળતાં હોય છે.

આ તટસ્થ અમ્પાયરનો જમાનો હતો અને એમાંય જો અમ્પાયર ભારત અથવા પાકિસ્તાનનો હોય તો કોઈથી ભૂલ ન થાય તો પણ સામસામે પક્ષે અનેક બહાનાં વિવાદનું કારણ બની જતા હોય છે.

આ સંજોગોમાં આવી કટોકટીભરી ક્ષણોમાં મૅચમાં મેદાન પરના અમ્પાયર બીમાર પડ્યા અને તેમને સ્થાને થર્ડ અમ્પાયરને મેદાન પર જવું પડ્યું.

આ અમ્પાયર હતા અમીષ સાહેબા.

રણજી ટ્રૉફીના એક ક્રિકેટરની અમદાવાદના ઇન્ટરનેશનલ અમ્પાયર બનવાની કહાણી

  • ગુજરાતના રણજી ક્રિકેટર તરીકે કારકિર્દી શરૂ કરી વર્લ્ડક્લાસ અમ્પાયર બનવા સુધીની મજલ કાપનાર અમીષ સાહેબાની કહાણી ઘણા લોકો નથી જાણતા
  • અમિષ સાહેબા ગુજરાતની ટીમ માટે 80ના દાયકામાં રણજી ટ્રૉફીમાં રમી ચૂક્યા છે
  • તેઓ એક ક્રિકેટિંગ પરિવારમાંથી આવતા હતા
  • એક ક્રિકેટર અમ્પાયર બને તે 90ના દાયકામાં મોટી વાત કહેવાતી
  • અમીષ સાહેબાને તેમની કારકિર્દી દરમિયાન તટસ્થ અમ્પાયરિંગ અને પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે યાદ રખાય છે

ભારત -પાક.ની ફુલ ટેન્શનવાળી મૅચમાં જ્યારે ફિલ્ડ અમ્પાયરિંગની જવાબદારી આવી પડી

એક ક્રિકેટ પરિવારમાંથી આવતા અમીષ સાહેબા 1980ના દાયકામાં ગુજરાત માટે રણજી ટ્રૉફીમાં રમ્યા તે અગાઉ તેમના પિતા મહેશ સાહેબા 1960ના દાયકામાં ગુજરાત માટે રમ્યા હતા અને તેમના કાકા અશોક સાહેબા 1975 સુધી ગુજરાત માટે રણજી ટ્રૉફીમાં રમ્યા હતા.

અશોક સાહેબાના પુત્ર અને અમીષ સાહેબાના પિતરાઈ સમ્રાટ સાહેબા તથા અમીષ સાહેબાના પુત્ર વૈશલ સાહેબા પણ ક્રિકેટ રમ્યા, પરંતુ તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સ્થાન હાંસલ કરી શક્યા ન હતા.

હવે વાત કરીએ અમીષ સાહેબાના એ દિવસના અનુભવની.

ભારતને સાત વિકેટની જરૂર અને ભજ્જી તથા કુંબલે જેવા ખતરનાક બૉલર સામે બેટિંગમાં પાકિસ્તાનના અડીખમ બૅટ્સમૅન ઇંઝમામ ઉલ હક હતા.

ઇંઝમામ લગભગ 75-80 રન કરી ચૂકયા હતા. આ સમયે ફિલ્ડ અમ્પાયર બિલી ડોક્ટ્રોવ બીમાર પડી ગયા.

તેમને મેદાન પરથી પરત ફરવું પડ્યું.

મૅચ રેફરી રંજન મદુગાલેએ અમીષભાઈ તરફ નજર કરી અને જાણે પોતાને બેટિંગમાં જવાનું હોય તેટલી જ ત્વરાથી મૂળ ગુજરાતી અમીષભાઈ જગ્યા પરથી બેઠા થઈ ગયા અને પાંચેક મિનિટમાં તો તેઓ ઇડન ગાર્ડન્સની પીચ પર પોતાને સ્થાને ઊભા હતા.

આવા તંગ માહોલમાં ભારતીય બૉલરો લગભગ દરેક બૉલે અપીલ કરતા હતા.

તેમાંય બૅટ અને પેડ પર બોલ ટકરાય ત્યારે સ્વાભાવિકપણે જ લેગ બિફોર વિકેટની અપીલ થતી હોય છે એવું જ આ મૅચમાં સતત બનતું રહ્યું.

સાથી અમ્પાયરો અને સહકર્મીઓએ કરી પ્રશંસા

ભારત માટે વસીમ જાફરે બેવડી સદી તથા સૌરવ ગાંગુલી અને લક્ષ્મણે સદી ફટકારી હતી એટલે ભારતનો સ્કોર 616 રન હતો.

પાકિસ્તાનને ગમે તેમ કરીને 417 રન કરવાના હતા. ઇંઝમામે શાનદાર અણનમ સદી ફટકારીને આ સ્કોર તો વટાવી દીધો.

પાકિસ્તાન ફોલોઓન થયું નહીં અને અંતે મૅચ ડ્રો રહી પણ આ મૅચ અમીષ સાહેબાના એ થોડા કલાકના અમ્પાયરિંગ માટે યાદ રહી ગઈ.

મૅચ બાદ રેફરી રંજન મદુગાલે, બિલી ડોક્ટ્રોવ તથા સાથી અમ્પાયર સાઉથ આફ્રિકાના રૂડી કોર્ટ્ઝને પણ તેમના અમ્પાયરિંગની પ્રશંસા કરી હતી.

કોલકાતાની એ મૅચ અગાઉ તેમણે હજી મહિના પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પાંચ મૅચની વનડે સિરીઝની તમામ મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું જેમાંથી મુંબઈ, ગુવાહાટી અને ગ્વાલિયર ખાતે તેઓ ફિલ્ડ અમ્પાયર હતા જ્યારે બાકીની બે મૅચોમાં તેઓ ટીવી અમ્પાયર હતા.

દરમિયાન ગ્વાલિયરની મૅચમાં પણ એવી જ તંગ ક્ષણ આવી હતી જ્યારે ભારતના ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના શાહીદ આફ્રિદી વચ્ચે મેદાન પર જ ચડભડ થઈ ગઈ હતી.

આ મામલો તો ખૂબ ચગ્યો હતો પરંતુ તત્ક્ષણ બંને ખેલાડીને શાંત પાડીને રમત આગળ ધપાવવાની કપરી જવાબદારી અમીષ સાહેબાએ ઉઠાવી હતી.

ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવાની ચાહમાં બન્યા અમ્પાયર

ભારતના તેમના સમયના મોટા ભાગના સ્ટાર કે સુપરસ્ટાર ક્રિકેટરે હંમેશાં અમીષ સાહેબાની પ્રશંસા કરી છે તેમજ તેમને સંપૂર્ણપણે આદર આપ્યો છે.

આ જ કારણે તેઓ પોતાની અમ્પાયર તરીકેની કારકિર્દી લંબાવી શક્યા હતા.

એક ક્રિકેટર અમ્પાયર બને તે 1990ના દાયકામાં ભારતમાં મોટી વાત કહેવાતી હતી.

એવા સમયે 1989માં પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા બાદ અમીષ સાહેબાએ અમ્પાયર તરીકે કારકિર્દી આગળ ધપાવવાનો નિર્ણય લીધો.

તેઓ શોખને કારણે જ અમ્પાયર બન્યા હતા તેવું નથી પણ તેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવા માગતા હતા, નહીંતર તેમની પાસે બૅન્ક મૅનેજર જેવો સારો હોદ્દો હતો.

અહીં એક આડવાત કરી લઈએ તો અન્ય ઘણા ક્રિકેટર પોતાની ક્રિકેટની આવડતને કારણે બૅન્કમાં નોકરી મેળવી શકતા હતા.

એ સમયે વિવિધ બૅન્કો પણ જે તે ખેલાડીને નોકરી આપતી હતી જેમાં અજિત વાડેકરથી માંડીને બિશન બેદી અને ગુંડપ્પા વિશ્વનાથનો પણ સમાવેશ થઈ જાય છે.

ગુજરાતના તો મોટા ભાગના ક્રિકેટર વિવિધ બૅન્કમાં જોબ કરતા હતા.

પણ, અમીષ સાહેબાએ ક્રિકેટના જોરે નહીં પરંતુ બૅન્કની અઘરી પરીક્ષા પાસ કરીને નોકરી મેળવી હતી.

અમદાવાદના સૌપ્રથમ ઇન્ટરનેશનલ અમ્પાયર

આજે અમ્પાયર તરીકે નિવૃત્ત થયા બાદ પણ તેઓ બીસીસીઆઈની અમ્પાયરોની સમિતિના ચૅરમૅન છે અને આવનારી પેઢીને સતત માર્ગદર્શન આપતા રહે છે.

અમીષ સાહેબાએ 1990-91માં ફર્સ્ટ ક્લાસ અમ્પાયર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાતમાં કોઈને એવી અપેક્ષા નહીં હોય કે તેઓ એક સમયે અમદાવાદના સૌપ્રથમ ટેસ્ટ કે ઇન્ટરનેશનલ અમ્પાયર બનશે.

પણ, થોડાં જ વર્ષોમાં તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની પૅનલમાં આવી ગયા અને આઇસીસી ટેસ્ટ અમ્પાયરનો દરજ્જો પ્રાપ્ત કર્યો.

તેઓ વનડે અને ટી20 વર્લ્ડકપમાં ફરજ બજાવી ચૂક્યા છે તો આઇપીએલમાં પણ સંખ્યાબંધ મૅચોમાં તેમણે અમ્પાયરિંગ કર્યું છે.

તેમણે પાકિસ્તાનની ઘણી મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે અને તેમાં ભાગ્યેજ કોઈ વિવાદ સર્જાયા હશે.

1959ની 15મી નવેમ્બરે અમદાવાદમાં જન્મેલા અમીષ સાહેબાએ 30 વર્ષની આસપાસ તો ક્રિકેટ છોડીને અમ્પાયરિંગનો પ્રારંભ કરી દીધો હતો.

ભારતમાં સ્પિન પીચ હોય કે વિદેશની ઝડપી અને બાઉન્સી વિકેટ હોય આ તમામ પર તેમની કામગીરી એકધારી ઝડપથી આગળ ધપતી રહી હતી.

તેમણે ફર્સ્ટ ક્લાસ મૅચ અને તેમાંથી 92 રણજી ટ્રૉફી મૅચ સહિત એટલી બધી મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે કે રણજી ટ્રૉફીની તેમણે રમેલી 15 મૅચ વિસાતમાં નથી પરંતુ તેમાં પણ તેમણે લગભગ 30ની સરેરાશથી 728 રન ફટકાર્યા હતા જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થતો હતો.

હજી એ સમય ચાલતો હતો જ્યારે ગુજરાતની ટીમ વર્ષમાં માંડ ચારેક મૅચ રમતી હતી.

અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અગાઉ માત્ર ગુજરાત સ્ટેડિયમ નામ હતું) પર 1984ના જાન્યુઆરીમાં પહેલી વાર રણજી ટ્રૉફી મૅચ રમાઈ તેમાં અમીષ સાહેબા રમ્યા હતા.

થોડાં વર્ષો બાદ તેઓ અમ્પાયરિંગ કરતા હતા અને આ ઐતિહાસિક મેદાન પર પણ તેમણે સંખ્યાબંધ મૅચોમાં ફરજ બજાવી છે.

અમીષ સાહેબા અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતના પ્રથમ ઇન્ટરનેશનલ અમ્પાયર છે તેમ છતાં તેઓ આજે પણ માને છે અને તેમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ગુજરાત વધુને વધુ ઉચ્ચ કક્ષાના અમ્પાયર રજૂ કરી શકશે.