IPL 2023 : કૃણાલ પંડ્યાએ કેવી રીતે પોતાના ભાઈ હાર્દિકની ટીમ પાસેથી છીનવી લીધો નંબર-1નો તાજ?

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મને ખબર હતી જ કે બૉલિંગ માટે મને જલદી ઊતારવામાં આવશે. જ્યારે ભૂમિકા સ્પષ્ટ હોય તો વસ્તુઓ આપોઆપ ઠીક થઈ જાય છે."

'પ્લેયર ઓફ ધ મૅચ' કૃણાલ પંડ્યા મૅચ બાદ એ જ બોલ્યા જે મૅચ દરમિયાન તેમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળ્યું.

તેમણે ઑલરાઉન્ડર તરીકે ગજબનું પર્ફોમન્સ આપ્યું.

બીજી ઓવરના છેલ્લા બૉલ પર વાગેલા છગ્ગાને કારણે સ્કોરબૉર્ડ પર માત્ર 10 રન જ હતા પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન કે એલ રાહુલે કાઇલ મેયર્સની જગ્યાએ કૃણાલ પંડ્યાને બૉલિંગ આપી દીધી.

તેમનો આ અખતરો કામે લાગ્યો અને પોતાની પહેલી જ ઓવરમાં કૃણાલે મયંક અગ્રવાલને પેવેલિયન ભેગા કર્યા અને પછી જે થયું તેણે આખી મૅચની સ્ક્રિપ્ટ લખી દીધી.

મૅચનું પાસું પલટી નાખ્યું

મૅચની પાંચમી ઓવરના છેલ્લા બે બૉલ પર સતત ચોગ્ગા ખાધા બાદ પણ રાહુલે તેમના પર વિશ્વાસ રાખ્યો અને આઠમી ઓવર આપી.

રાહુલનો આ વિશ્વાસ અને ટુર્નામેન્ટ પહેલાં પોતાની બૉલિંગ પર કરેલી મહેનત કૃણાલને કામ લાગી.

આ ઓવરમાં સતત બે વિકેટ લઈને કૃણાલે એવો ઝટકો આપ્યો કે હૈદરાબાદની ટીમ તેની બહાર ન નીકળી શકી.

કૃણાલે આઈપીએલ પહેલાં થોડા સમય માટે બ્રેક લીધો હતો અને ખૂબ મહેનત કરી હતી અને જ્યારે તેઓ મેદાનમાં પાછા ફર્યા તો ગજબનું ઑલરાઉન્ડ પ્રદર્શન આપ્યું.

મૅચ બાદ તેમણે કહ્યું, "હું પરિણામ વિશે વધારે નથી વિચારતો. છેલ્લા ચાર મહિના બ્રેક લીધો. ખૂબ મહેનત કરી, ખાસ કરીને બૉલિંગ પર અને પોતાની બૉલિંગ ઍક્શન પર. જેનું પરિણામ જોવા મળી રહ્યું છે."

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે તેમને ચાર નંબર પર બેટિંગ કરવી પસંદ છે. જ્યાં આઈપીએલના શરૂઆતી કરિયર દરમિયાન તેઓ બેટિંગ કરતા આવતા હતા.

કૃણાલ પંડ્યાના આ જ ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે આ આઈપીએલમાં એક પણ મૅચ ન હારનારી તેમના ભાઈ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે ધકેલાઈ ગઈ છે. જ્યારે લખનઉની ટીમ છઠ્ઠાથી પહેલા ક્રમાંકે પહોંચી ગઈ છે.

લખનઉ સુપર જાયન્ટ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

  • આઈપીએલની 10મી મૅચ પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા અને દસમા નંબરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ.
  • હૈદરાબાદ માટે ટૉસ જીતવા સિવાય કંઈ સારું ન થયું, તેમની સતત વિકેટો પડતી રહી.
  • હૈદરાબાદની અડધી ટીમ 94 રન પર પેવેલિયનભેગી થઈ ગઈ હતી અને 20 ઓવરમાં તેઓ 121 રન જ બનાવી શક્યા.
  • લખનઉ સુપર જાયન્ટ્સે આ લક્ષ્યાંક 24 બૉલ બાકી હતા ત્યારે જ પાર કરી દીધો હતો.
  • કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ લીધી અને 34 રન બનાવ્યા. જેના કારણે તેમને 'પ્લેયર ઓફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા.
  • લખનઉની ત્રણ મૅચોમાં બીજી જીત. હૈદરાબાદની સતત બીજી હાર.
  • પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સને પાછળ મૂકીને લખનઉની ટીમ નંબર-1 પર પહોંચી.

ત્રણેય સ્પિનરો ચમક્યા, માર્ક વુડ યાદ ન આવ્યા

પાવરપ્લેમાં દરમિયાન હૈદરાબાદે 50 રનમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી અને આ ત્રણેય વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી.

ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લીધા બાદ કૃણાલે ચોથી ઓવરમાં માત્ર એક રન આપ્યો.

કૃણાલ બાદ રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રાએ જવાબદારી ઉપાડી.

રવિ બિશ્નોઈએ બ્રૂકને આઉટ કર્યા તો અમિત મિશ્રાએ એક જ ઓવરમાં બે બૅટ્સમેનોને પેવેલિયનભેગા કર્યા.

લખનઉની ટીમ આ આઈપીએલમાં અત્યાર સુધીના સૌથી સફળ બૉલર માર્ક વુડ અને આવેશ ખાન વગર મેદાને ઊતરી હતી પરંતુ કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈએ તેમની યાદ ન આવવા દીધી.

આ ત્રણેય સ્પિન બૉલર્સે કુલ 12 ઓવર નાખી અને હૈદરાબાદની આઠ પૈકી છ વિકેટ લીધી.

40 વર્ષીય અમિત મિશ્રાનો જાદુ

2008થી આઈપીએલ રમી રહેલા અમિત મિશ્રા ગત વર્ષે નવેમ્બરમાં 40 વર્ષના થઈ ચૂક્યા છે.

તેઓ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ચોથા નંબરે છે. સાથે જ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ત્રણ હૅટ્રિક લેવાનો રૅકોર્ડ પણ તેમના જ નામે છે.

તેમ છતાં ગઈ સિઝનમાં તેમને કોઈએ ખરીદ્યા ન હતા.

આ વખતે જ્યારે લખનઉને તેમને પોતાની ટીમમાં લીધા તો તેમણે ટ્વીટ કરીને સારા પ્રદર્શનનો વાયદો કર્યો હતો. જે આ મૅચમાં તેમણે પૂરો પણ કર્યો.

આ મૅચમાં અમિત મિશ્રાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઊતારવામાં આવ્યા અને નિયમાનુસાર તેમણે આખી મૅચ દરમિયાન મેદાનમાં નહોતું રહેવાનું પરંતુ તેઓ જેટલો સમય પણ રહ્યા અને ગજબનું રમ્યા.

તેમણે અદભુત કૅચ પકડ્યા અને બે વિકેટો લીધી. જે રીતે તેમણે ડાઇવ લગાવીને કૅચ પકડ્યા, તે ખરેખર જોવાલાયક હતા.

તેમના સિવાય હૈદરાબાદના બૉલર ભુવનેશ્વર કુમારે પણ અદભુત કૅચ પકડ્યો. પોતાના જ બૉલ પર તેમણે દીપક હુડાનો કૅચ ડાઇવ લગાવીને પકડ્યો. જેને 'કૅચ ઓફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યો.

હૈદરાબાદની સૌથી મોટી ભૂલ

હૈદરાબાદ માટે ટૉસ જીતવા સિવાય આ મૅચમાં બીજું કંઈ સારું ન થયું.

હૈદરાબાદના કોઈ બૅટ્સમૅન વિકેટ પર ન ટકી શક્યા અને તેમની ટીમ ટર્ન લેતી પીચ પ્રમાણે બૅટ્સમૅનોના ક્રમમાં ફેરફાર કરી ન શકી.

તેમણે અબ્દુલ સમદને બેટિંગ માટે હૅરી બ્રૂક બાદ મોકલ્યાં.

ભલે બ્રૂકે ગયા વર્ષે પાકિસ્તાન સામે (9 ઇનિંગમાં 809 રન બનાવીને) ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું, પણ ટર્ન લેતી પીચ પર સ્પિન બૉલર્સને પહોંચી વળવામાં ભારતીય બૅટ્સમૅનો વધુ સારા છે, તે વાત કોઈથી અજાણ નથી.

તેનો જ પુરાવો અબ્દુલ સમદે આપ્યો અને તેઓ 10 બૉલમાં 21 રન બનાવીને અણનમ રહ્યા.

આ મૅચમાં હૈદરાબાદના 10માંથી છ બૅટ્સમૅનો 10થી વધુ રન બનાવી શક્યા નહોતા.

આઈપીએલ 2023નો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર

ઑક્શન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના તમામ લોકોએ વખાણ કર્યા હતા. પરંતુ તેઓ સતત બીજી મૅચ હારી ચૂક્યા છે.

એ ચિંતાનો વિષય તો છે જ, સાથેસાથે એમ પણ લાગે છે કે ટીમ મૅનેજમૅન્ટે ટીમના સંયોજન પર પણ કામ કરવું પડશે.

121 રનની ઇનિંગ સાથે હૈદરાબાદે 24 કલાકમાં જ આઈપીએલ 2023ના સૌથી ઓછા સ્કોરનો બેંગલોરનો રૅકર્ડ પોતાને નામ કર્યો છે.

એક દિવસ પહેલાં જ રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઇટરાઇડર્સ સામે 123 રન બનાવ્યા હતા.