You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CSK vs LSG: ધોનીએ લગાવ્યો છગ્ગો અને ટ્રૅન્ડિંગમાં આવી ગયા ગૌતમ ગંભીર, આવું કેમ થયું?
ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી મૅચમાં બંને ટીમોએ કુલ મળીને 415થી વધુ રન બનાવ્યા હતા. બંને ટીમના બૅટ્સમૅનોએ 22 છગ્ગા અને 28 ચોગ્ગા ફટકાર્યા હતા.
આ મૅચમાં સૌથી નિર્ણાયક શું હતું, તે વિશે મૅચ પૂરી થયા બાદ લાઇવ પ્રસારણ દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું હતું કે, “માહીભાઈના બે છગ્ગા નિર્ણાયક રહ્યા હતા. છેલ્લી ઓવરમાં ફટકારેલા બે છગ્ગા જ નિર્ણાયક સાબિત થયા છે.”
સુરેશ રૈના અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચેની મિત્રતા ઘણી ચર્ચામાં રહી છે અને સુરેશ રૈના, માત્ર ટીમ ઇન્ડિયા જ નહીં, પરંતુ ચેન્નાઈની ટીમમાં પણ ધોનીની કપ્તાનીમાં રમી રહ્યા છે. જોકે રૈનાની વાતમાં દમ છે.
41 વર્ષના ધોની ચેન્નાઈની ઇનિંગની છેલ્લી ઓવરમાં જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે આખું સ્ટેડિયમ ધોની-ધોનીના અવાજથી ગુંજી ઊઠ્યું હતું.
તેમની સામે બૉલર માર્ક વુડ હતા, જે છેલ્લી મૅચમાં જ મૅચ વિનર તરીકે ઊભરી આવ્યા હતા. જોકે ધોનીએ પ્રથમ બૉલે ડીપ થર્ડમૅનની બહાર છગ્ગો ફટકાર્યો હતો. 150 કિલોમિટરથી વધુની સ્પીડવાળા બૉલની સામે ધોનીએ બૅટનું જોર બતાવ્યું હતું.
બીજો બૉલ બાઉન્સર તરીકે આવ્યો અને આ વખતે ધોનીનો શૉટ સ્ક્વેર લેગ બાઉન્ડરીથી ઘણો દૂર જઈને પડ્યો હતો.
બે બૉલમાં સતત બે છગ્ગા માર્યા બાદ ત્રીજા બૉલમાં પણ ધોનીએ છગ્ગો મારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે વખતે તેમનો કૅચ પકડાઈ ગયો હતો.
ધોનીના છગ્ગાના ચાહકો
ઇનિંગની અંતિમ ઓવરના ત્રણ બૉલમાં મારેલા બે છગ્ગાથી તેમની મહત્ત્વાકાંક્ષાનો અંદાજો લગાવી શકાય છે. ચેન્નાઈએ આખરે આ મૅચમાં એ 12 રનથી જીત મેળવી હતી, એટલે કે ધોનીના બે છગ્ગા જ નિર્ણાયક સાબિત થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીના માત્ર ત્રણ બૉલની આ ઇનિંગે જિયો સિનેમાના લાઇવ સ્ટ્રીમમાં પણ નવો રૅકૉર્ડ સર્જી દીધો છે. તેમની બેટિંગ દરમિયાન લગભગ 1.7 કરોડ લોકો મૅચ જોઈ રહ્યા હતા.
જિયો સિનેમા અનુસાર, આ સિઝનમાં દર્શકોની સંખ્યા સૌથી વધુ રહી હતી.
એટલું જ નહીં, આ ઇનિંગ દરમિયાન જ આઈપીએલ મૅચમાં ધોનીએ તેમના પાંચ હજાર રન પૂરા કર્યા છે. તેઓ આ મુકામ સુધી પહોંચનારા પાંચમા અને કુલ મળીને સાતમા બૅટ્સમૅન બન્યા છે.
તેમના પહેલાં વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વૉર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સ પણ આ મુકામને હાંસલ કરી શક્યા હતા.
આ સૂચિમાં 6706 રન સાથે વિરાટ કોહલી સૌથી ઉપર છે.
ગંભીર કેમ રહ્યા ટ્રૅન્ડમાં?
એ જાણવું પણ ઓછું રસપ્રદ નથી કે ધોનીની આ બેટિંગ બાદ સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ટ્રૅન્ડમાં રહ્યા હતા. તેનું કારણ પણ રસપ્રદ છે.
2011ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચ બે એપ્રિલે રમાઈ હતી. શ્રીલંકા સામેની એ મૅચમાં ભારત તરફથી સૌથી વધુ 97 રનની ઇનિંગ ગૌતમ ગંભીરે રમી હતી, પરંતુ આ જીત ધોનીના હૅલિકોપ્ટર શૉટથી મારવામાં આવેલા છગ્ગાના કારણે યાદગાર રહી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈની આ મૅચ પણ 3 એપ્રિલે રમાઈ હતી અને તેમાં ધોનીના બે છગ્ગાએ જીતનું જે અંતર બનાવ્યું, એ સમયે ગંભીર લખનઉના સ્ટેડિયમમાં ટીમમાં મેન્ટૉર તરીકે હાજર હતા.
લોકોએ સોશિયલ મીડિયા પર ધોનીના છગ્ગા અને ગૌતમ ગંભીરના ડ્રેસિંગ રૂમની તસવીરોના મીમ્સ બનાવીને શૅર કરવાનું શરૂ કરી દીધું હતું અને જોતજોતામાં ગૌતમ ગંભીર ટ્રૅન્ડમાં રહ્યા હતા.
'કૅપ્ટન કૂલ'ની ફાસ્ટ બૉલરોને ચોખ્ખી ચેતવણી
જ્યારે લખનઉ માટે કાયલ મેયર્સ અને લોકેશ રાહુલે પાંચ ઓવરમાં 73 રન બનાવીને ધમાકેદાર શરૂઆત કરી, ત્યારે પણ કપ્તાન ધોનીએ સંયમ જાળવી રાખ્યો હતો અને મોઇન અલીને ઓવર આપી હતી.
પહેલાં મોઇન અલીએ મેયર્સને પેવેલિયન મોકલ્યા અને ત્યાર બાદ વધુ ત્રણ વિકેટ લઈને મૅચ પલટી કાઢી હતી.
ધોનીએ મોઇન અલી સાથે બીજા છેડેથી મિચેલ સૅન્ટનરનો ઉપયોગ કર્યો હતો. સૅન્ટનર એ વિશ્વાસ પર ખરા ઊતર્યા અને પ્રથમ ઓવરમાં દીપક હુડ્ડાને પેવેલિયન પરત કર્યા.
સૅન્ટનરે મોઇન અલી સાથે લખનઉની ઇનિંગ પર બ્રૅક મારી દીધી. ધોનીએ રવીન્દ્ર જાડેજાની જગ્યાએ સૅન્ટનરનો ઉપયોગ કર્યો અને તેમના જેવા ઓછા અનુભવી ઝડપી બૉલર પર પણ વિશ્વાસ કર્યો હતો.
જોકે અંતિમ ઓવરમાં રાજવર્ધન હેંગારગેકર અને તુષાર દેશપાંડેના વાઇડ અને નો બૉલ છતાં મૅચ રોમાંચક રહી હતી.
મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, “ફાસ્ટ બૉલિંગમાં અમારે હજી થોડો સુધારો કરવો પડશે. પરિસ્થિતિ પ્રમાણે અમારે બૉલિંગ કરવાની જરૂર છે. મહત્ત્વનું એ છે કે વિરોધી ટીમના બૉલર્સ શું કરી રહ્યા છે, તેની પર સતત નજર રાખવી.”
ધોનીએ વધુમાં ઉમેર્યું કે, “હજુ વધુ એક વાત કે બૉલર્સે બને તો એક પણ નો બૉલ નથી નાખવાનો અને ઓછા વાઇડ નાખવાના છે. કારણ કે અમે બૉલિંગમાં ઘણી બધી ઍક્સ્ટ્રા ડિલિવરી નાખી રહ્યા છીએ, તેથી તેમણે આગળ જતા કોઈ પણ સમયે નવા કપ્તાનની નીચે રમવા તૈયાર રહેવું પડશે, કારણ કે આ મારી બીજી ચેતવણી છે.”
આવું ધોનીએ એટલા માટે કહ્યું કારણ કે ચેન્નાઈ સુપરકિંગ્સે લખનઉ સુપરજાયન્ટ્સ સામે બૉલિંગ કરતા 13 વાઇડ્સ અને 3 નો બૉલ નાખ્યા હતા અને આની પહેલાં ગુજરાત ટાઇટન્સ સામે પણ ચેન્નાઈ સુપરકિંગ્સના બૉલર્સે 4 વાઇડ્સ અને 2 નો બૉલ નાખ્યા હતા.
ધોનીએ સંકેત આપી દીધો છે કે તેઓ આઈપીએલમાં લાંબા સમય સુધી રમશે નહીં, પરંતુ જ્યાં સુધી રમશે, ત્યાં સુધી મેદાનમાં તેઓ છવાયેલા રહેશે.
એ મૅચના અન્ય સિતારા પણ ઝળક્યા
આ મૅચના અસલી વિનર મોઇન અલી સાબિત થયા છે. તેમણે ચાર ઓવરમાં 26 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
તેમણે કાયલ મેયર્સ, લોકેશ રાહુલ, કૃણાલ પંડ્યા સિવાય માર્કસ સ્ટોઇનિસની વિકેટ લીધી. તેના કારણે લખનઉની ટીમ છેલ્લે સુધી ટકી ન શકી. મોઇન અલીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સતત બીજી મૅચમાં ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરી. 31 બૉલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી તેઓએ 57 રન બનાવ્યા હતા.
લખનઉની ટીમ ભલે ન જીતી, પરંતુ કાયલ મેયર્સે 22 બૉલમાં 8 ફોર અને બે છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા, જે યાદગાર ઇનિંગ રહેશે.