સલીમ દુરાનીએ જ્યારે ઇંગ્લૅન્ડના બૉલરને કહી દીધું, 'જા બૉલ શોધ અને બૉલિંગ કર'

ભારતના પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની ઉંમરે જામનગરસ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે.

તેમના પરિવારજનોના કહેવા પ્રમાણે તેમની ઉંમરના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી અશક્ત રહેતા હતા.

સલીમભાઈના ભત્રીજા સાજીદભાઈના કહેવા પ્રમાણે, ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

તેમણે કહ્યું, "અમે લોકો તાત્કાલિક ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તેમણે તપાસ્યું તો તેમનું બ્લડ પ્રેશર ઓછું જણાતું હતું એટલે ડૉક્ટર દવા આપીને રવાના થયા હતા."

ત્યાર પછી સાજીદભાઈના પત્નીએ તેમને જમાડ્યા હતા અને પછી તેઓ સૂઈ ગયા હતા.

સાજીદભાઈ જણાવે છે, "હું રાત્રે નોકરી પર હતો અને મારી પત્નીએ રોજા રાખ્યા હોવાથી તે ત્રણેક વાગે ઊઠી. ઉઠ્યાં બાદ તે બાપુજી (સલીમભાઈ)ને જોવા ગઈ તો એને કંઈક ગડબડ લાગી. એણે મને ફોન કર્યો અને હું સીધો ઘરે આવ્યો."

ત્યાર પછી સવારે આઠ વાગ્યે ડૉક્ટરને બોલાવતાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ક્રિકેટમાં ભારતના આક્રમક અંદાજની શરૂઆતના સ્ટાર ક્રિકેટર

ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા ઘણા જાણીતા લોકો સલીમ દુરાનીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

પોતાના જમાનામાં ભારતનાં સૌથી શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણાતા સલીમ દુરાની વિશે કહેવામાં આવે છે કે તેઓ દર્શકો કહે એ ખૂણામાં છગ્ગા ફટકારતા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને જાણીતા ખેલાડી રવિ શાસ્ત્રીએ તેમની એક પુરાણી તસવીર ટ્વીટ કરીને તેમને યાદ કર્યા.

જ્યારે ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે એક ટ્વીટમાં લખ્યું કે સલીમ દુરાની અર્જુન ઍવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા.

ક્રિકેટર કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું, "પ્રભાવશાળી, વિશાળ હ્રદયના અને તેજસ્વી સલીમ દુરાની હવે આપણી વચ્ચે નથી. હું ઈચ્છું છું કે યુવા પેઢી તેમના વિશે વધુ વાર્તા સાંભળી શકે."

કૉંગ્રેસ નેતા શશી થરૂરે સલીમ દુરાનીને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું, "દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન વિશે સાંભળીને દુખ થયું. કાબુલમાં જન્મેલા સલીમ દુરાની લોકોને ખુશ કરી દેતા હતા અને લોકોના મનપસંદ હતા."

આજે આપણે આ જ ધુરંધર ઑલરાઉન્ડરની કારકિર્દી અને જીવનના કેટલાક વણસાંભળ્યા રસપ્રદ કિસ્સા જાણીશું.

ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કેવી રીતે થયો?

1960માં ભારતીય પસંદગીકાર લાલા અમરનાથની સૂચનાથી કેટલાક યુવાન ક્રિકેટરોને ભારતીય ટીમની સાથે રાખવામાં આવ્યા હતા જેથી તેમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ મળી રહે. આ યુવાનોમાં દુરાની પણ હતા.

મુંબઈ ટેસ્ટની આગલી રાત્રે લાલા અમરનાથે સૂચના આપી કે મોડી રાત સુધી બહાર ફરતા નહીં, રૂમમાં પરત આવી જજો.

દુરાની સમજ્યા કે લેઇટ નાઇટ પાર્ટીનો ઇનકાર કરે છે. અને તેઓ સમય પ્રમાણે રૂમમાં આવી ગયા. બીજે દિવસે લાલા અમરનાથે બોલાવીને કહ્યું કે જશુ પટેલ બીમાર હોવાથી આ ટેસ્ટમાં તમારે રમવાનું છે.

આખી રાત પથારીમાં પડખાં ફેરવતા રહ્યા બાદ બીજે દિવસે સવારે તેઓ ભારત માટે ટેસ્ટ રમી રહ્યા હતા પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે રણજીમાં પ્રારંભે સદી ફટકારનારા આ ઑલરાઉન્ડરને દસમા ક્રમે બેટિંગમાં મોકલાયા હતા.

આમ સલીમ દુરાનીએ ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો. સ્થળ હતું બ્રેબૉર્ન સ્ટેડિયમ અને હરીફ હતી રિચી બેનોની ઑસ્ટ્રેલિયન ટીમ.

ત્યાર પછી તો તેઓ આવી 29 ટેસ્ટ રમ્યા જેમાં એક સદી અને સાત અડધી સદી સાથે 25.04ની સરેરાશથી 1202 રન ફટકાર્યા અને બૉલિંગમાં 75 વિકેટ પણ ખેરવી.

મૅચમાં દસ વિકેટ પણ ઝડપી અને ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી.

'જા બૉલ શોધ અને બૉલિંગ કર'

સચીન તેંડુલકર કે સુનિલ ગાવસ્કર જેટલી તો તેમને મેદાન પર લોકપ્રિયતા સાંપડી નહીં હોય પણ 1973ની ઇંગ્લૅન્ડ સામેની કાનપુર ટેસ્ટ અગાઉ તેમને પડતા મૂકાયા ત્યારે ગ્રીન પાર્ક સ્ટેડિયમ પર 'નો દુરાની, નો ટેસ્ટ'નાં બૅનર જોવાં મળ્યાં હતાં.

એ મૅચ અગાઉની ચેન્નાઈના ચૅપોક ખાતેની ટેસ્ટમાં ભારતનો ટાર્ગેટ 86 રનનો હતો ત્યારે સ્કોર ચાર વિકેટે 51 થઈ ગયો હતો. સલીમ દુરાની અને મનસૂર અલી ખાન પટૌડી વચ્ચે નાની પણ મહત્ત્વની ભાગીદારી થઈ રહી હતી ત્યારે ઇંગ્લૅન્ડના સ્પિનર નોર્મન ગિફોર્ડના એક બૉલ પર સલીમભાઈએ મિડવિકેટ પર ઑન ડિમાન્ડ સિક્સર ફટકારી દીધી.

નોર્મન ગિફોર્ડ તેમની પાસે આવ્યો અને કહ્યું, "દુરી (દુરાની) તું આ રીતે ક્રૉસ બૅટ રમી શકે નહીં."

સામે પક્ષે જવાબ મળ્યો, "ગમે તે હોય મારી સામે ડિમાન્ડ હતી અને હવે અમારે માંડ 20 રનની જરૂર છે, જા બૉલ શોધ અને બૉલિંગ કર."

અંતે ભારતે મૅચ જીતી લીધી પણ દુરાની 38 રન ફટકારીને આઉટ થઈ ગયા હતા. આ હતો સલીમ દુરાનીનો આત્મવિશ્વાસ. આવા જ આત્મવિશ્વાસના જોરે તેઓ સિક્સર ફટકારતા રહ્યા, ફિલ્મોમાં કામ કરતા રહ્યા.

જ્યારે દેવ આનંદે પૂછ્યું, 'હિરો બનોગે?'

અફઘાનિસ્તાન (કાબુલમાં, 1934ની પહેલી ડિસેમ્બરે)માં જન્મેલા એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીને 2018માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ ત્યારે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ એ મૅચમાં હાજર પણ રહ્યા હતા.

સલીમ દુરાની એક ક્રિકેટર તરીકે તો લોકપ્રિય હતા જ સાથે-સાથે તેમણે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

1973માં મહાન અભિનેતા દેવ આનંદે તેમને સવાલ કર્યો... હિરો બનોગે? અને તેમણે ઑફર સ્વીકારી લીધી. ફિલ્મ ચરિત્રમાં તેમણે પરવીન બાબી (તેઓ પણ મૂળ ગુજરાતી) સાથે કામ કર્યું હતું ત્યાર પછી તો તેમને અશોકકુમાર અને મીનાકુમારી સાથે સારી મિત્રતા હતી.

સાઉથમાં તેઓ શિવાજી ગણેશન અને જેમિની ગણેશનના મિત્ર હતા તો કોલકાતામાં મહાન ગાયક અને સંગીતકાર હેમંતકુમાર સાથે સલીમ દુરાનીને એવો જ ઘરોબો હતો.

હકીકતમાં એ સમયે ઉદ્યોગપતિથી માંડીને રાજકારણીથી અને મહારાજાઓ સુધીની હસ્તીઓ તેમની મિત્રતા ઇચ્છતી હતી.

જોકે સામાન્ય માનવી તેમને વધુ પસંદ હતા. તેનું ઉદાહરણ એ છે કે સલીમ દુરાનીએ કારકિર્દીનો પ્રારંભ ઑસ્ટ્રેલિયા સામેની જાન્યુઆરી 1960થી કર્યો તેઓ વખતે દસમા ક્રમે રમવા આવ્યા હતા. એ જમાનામાં સુપરફાસ્ટ બૉલર રે લિન્ડવોલના પ્રથમ જ બોલે તેમણે એક રન લઈ લીધો. આ વાતને યાદ કરીને એક વાર દુરાનીએ કહ્યું હતું કે એ ટેસ્ટ બાદ વતન જામનગર પરત ફર્યો ત્યારે લોકો મને મળીને એમ કહેતા હતા કે શું વાત છે લિન્ડવોલના પહેલા જ બૉલે રન લઈ લીધો કમાલ કરી દીધી.

જોકે સામે પક્ષે સામાન્ય માનવી સાથેનો સલીમ દુરાનીનો વ્યવહાર પણ એવો જ રહેતો હતો.

હંમેશાં મદદ કરવા તત્પર

એક વાર શિયાળાની રાત્રે એક વૃદ્ધ ભિખારીએ તેમની પાસે મદદની યાચના કરી અને સલીમ દુરાનીએ પોતાનું સ્વેટર અને દસ રૂપિયા (એ જમાનામાં દસ રૂપિયા મોટી રકમ હતી) આપી દીધા.

એ સ્વેટર રાજસ્થાન ક્રિકેટ ટીમનું સત્તાવાર સ્વેટર હતું કેમ કે એ વખતે તેઓ રાજસ્થાન માટે રણજી ટ્રૉફી રમતા હતા.

સ્વેટર આપીને તેઓ કારમાં બેસી ગયા પણ સાથી ખેલાડીએ યાદ અપાવ્યું કે તે સત્તાવાર સ્વેટર આપી દીધું છે તો તકલીફમાં મૂકાઈ જઈશ.

સલીમ દુરાનીએ ગાડી ઘુમાવાનો આદેશ આપ્યો પણ ઘણી શોધખોળ છતાં તે ભિખારીને પત્તો લાગ્યો નહીં.

જોકે આ તો આમ આદમીની વાત થઈ પણ એક વાર શિયાળામાં ટ્રેનની મુસાફરી દરમિયાન તેમણે સુનિલ ગાવસ્કરને પોતાનો કોટ આપી દીધો હતો જેથી ગાવસ્કર ઠંડીથી બચી શકે, પોતે આખી રાત ધ્રુજતા રહ્યા પણ ગાવસ્કરે સારી રીતે ઊંઘ માણી લીધી.

સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય

1971માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં કેરેબિયન્સ સામે ટેસ્ટ અને ત્યાર બાદ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

આ સિરીઝથી તમામ ક્રિકેટપ્રેમી વાકેફ હશે. અજિત વાડેકરની એ સફળતા, સુનિલ ગાવસ્કરની એ પ્રથમ ટેસ્ટ આ તમામ બાબતો સૌને યાદ હશે પરંતુ પૉર્ટ ઑફ સ્પેન ખાતેની માર્ચ 1971ની એ ટેસ્ટમાં ચોથા દિવસની સવારનો એક કિસ્સો ભાગ્યે જ કોઈને યાદ હશે.

બન્યું એવું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમે એક વિકેટે 150 રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો અને રૉય ફ્રેડરિક્સ અને ચાર્લી ડેવિસ મજબૂતીથી રમી રહ્યા હતા.

પ્રસન્ના, બિશનસિંઘ બેદી અને વેંકટરાઘવન જેવા ત્રણ-ત્રણ સ્પિનર વિકેટ ખેરવી શકતા ન હતા. ક્લાઇવ લૉઇડ જામી ગયા હતા.

એવામાં ડ્રિન્ક્સ આવ્યું અને ભારતના એક સ્પિનરે (કામચલાઉ) અચનાક જ કૅપ્ટન અજિત વાડેકર પાસેથી બૉલ આંચકી લીધો. તેમણે પડકાર ફેંક્યો કે તમારા આ કહેવાતા મહાન સ્પિનર પાસે લૉઇડને આઉટ કરવાની તાકાત નથી.

ડ્રિન્ક્સ પછીની ઓવરમાં એ બૉલરે લૉઇડને આઉટ કર્યા અને તરત જ મહાન ગેરી સૉબર્સને પૅવેલિયન ભેગા કરી દીધા. એમાંય સૉબર્સને તો ક્લીન બોલ્ડ કરી દીધા. બસ, ત્યાર બાદ તેમણે કૅપ્ટનને બૉલ પરત આપીને કહી દીધું હવે તમારા સ્પિનર્સ પાસે બૉલિંગ કરાવો.

આ બે વિકેટે મૅચનું પાસું પલટી નાખ્યું અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે.

ભારતે સાત વિકેટથી મૅચ જીતી લીધી અને સિરીઝ પણ અંકે કરી લીધી. આ બૉલર એટલે ભારતીય ક્રિકેટના સૌથી મહાન તો નહીં પરંતુ સૌથી લોકપ્રિય એવા સલીમ દુરાની.

આજે ટેલિવિઝન અને સોશિયલ મીડિયાને કારણે ક્રિકેટરોને જેવી લોકપ્રિયતા સાંપડે છે તેવી લોકપ્રિયતા આજથી 50 વર્ષ અગાઉ સલીમ દુરાનીને સાંપડી હતી.

ભારતીય ક્રિકેટની ચર્ચા થતી હોય અને દુરાનીનો ઉલ્લેખ થાય નહીં તે બની શકે જ નહીં. તેનું વધુ એક ઉદાહરણ છે 1993-94ની દુલીપ ટ્રૉફી મૅચ. એ વખતે રવિ શાસ્ત્રી, સચીન તેંડુલકર અને સંજય માંજરેકર સુપર સ્ટાર મનાતા હતા.

રાજકોટમાં વેસ્ટ ઝોનની ટીમ સાઉથ સામે દુલીપ ટ્રૉફીની મૅચ રમતી હતી અને અચાનક જ સલીમભાઈનું આગમન થયું.

તેમને જોતાં જ રવિ શાસ્ત્રી અને માંજરેકર પોતાના સ્થાને બેઠા થઈ ગયા અને સલીમભાઈનું સ્વાગત કર્યું. ક્રિકેટ છોડ્યાને એ વખતે તો તેમને બે દાયકા થઈ ગયા હતા પરંતુ લોકપ્રિયતા અકબંધ.