You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા : સિએટલ જાતિગત ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ શહેર બન્યું
અમેરિકામાં જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર સિએટલ પ્રથમ શહેર બન્યું છે. સિએટલ સિટી કાઉન્સિલે મંગળવારે શહેરના ભેદભાવ વિરોધી કાયદામાં જાતિનો ઉમેરો કર્યો છે.
6-1 મતથી પસાર થયેલા વટહુકમના સમર્થકોએ જણાવ્યું હતું કે જાતિ આધારિત ભેદભાવ રાષ્ટ્રીય અને ધાર્મિક સીમાઓનો દુરુપયોગ કરે છે અને આવા કાયદા વગર તેનો ભોગ બનેલા લોકોનું રક્ષણ નહીં થાય.
પૃષ્ઠભૂમિ
સિએટલની સિટી કાઉન્સિલમાં હિંદુ પ્રતિનિધિ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેણે ભારતીય મૂળના લોકોમાં ચર્ચા જગાવી હતી.
આ પ્રસ્તાવ જાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે વટહુકમ લાવવા સંબંધિત હતો.
ક્ષમા સાવંત નામનાં પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત પર મંગળવારે કાઉન્સિલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે બાદ સિએટલ અમેરિકાનું પ્રથમ શહેર બની ગયું, જ્યાં જાતિગત ભેદભાવ ગેરકાયદેસર બની ગયો છે.
આ અંગે દક્ષિણ એશિયન સમુદાયમાં પણ વિભાજન જોવા મળ્યું છે. આ સમુદાયના લોકો સંખ્યામાં ઓછા હોવા છતાં સિએટલમાં તેને એક પ્રભાવશાળી જૂથ તરીકે જોવામાં આવે છે.
અમેરિકાની સિટી કાઉન્સિલમાં રજૂ કરવામાં આવેલો આ પ્રકારનો પ્રથમ પ્રસ્તાવ છે. સમર્થકો તેને સામાજિક ન્યાય અને સમાનતા લાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.
બીજી તરફ તેનો વિરોધ કરનારાઓની સંખ્યા પણ એટલી જ છે. તેમનો આરોપ છે કે આ પ્રસ્તાવનો હેતુ દક્ષિણ એશિયાના લોકોને અને તેમાં પણ ખાસ કરીને ભારતીય અમેરિકનોને નિશાન બનાવવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્ષમા સાવંત પોતે ઉચ્ચ જાતિમાંથી આવે છે. તેમણે કહ્યું, "આપણે એ સમજવાની જરૂર છે કે ભલે અમેરિકામાં દલિતો સાથે ભેદભાવ દક્ષિણ એશિયા જેટલો દેખાતો નથી. પણ ત્યાં એ દરેક જગ્યાએ જોવા મળે છે. અહીં પણ ભેદભાવ એ વાસ્તવિક્તા છે."
ભારતીય મૂળનાં ઘણાં અમેરિકનોનું માનવું છે કે જાતિને નીતિનો ભાગ બનાવવાથી અમેરિકામાં 'હિંદુફોબિયા'ની ઘટનાઓ વધી શકે છે.
અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 42 લાખથી વધુ છે
છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં 10 હિંદુ મંદિરો અને પાંચ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધી અને મરાઠા રાજ છત્રપતિ શિવાજીની પ્રતિમાનો સમાવેશ થાય છે. કેટલાક લોકો આ ઘટનાઓને હિંદુ સમુદાયને ડરાવવાના પ્રયાસ તરીકે જોતા હતા.
અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસતી ઇમિગ્રન્ટ્સમાં બીજા ક્રમે છે.
અમેરિકન કૉમ્યુનિટી સર્વેના 2018ના આંકડાને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે અમેરિકામાં ભારતીય મૂળના 42 લાખ લોકો રહે છે.
સિએટલ સિટી કાઉન્સિલનો વટહુકમ 2021માં સાન્ટા ક્લૅરા હ્યુમન રાઇટ્સ કમિશનમાં 'ઇક્વાલિટી લૅબ' દ્વારા લાવવામાં આવેલા વટહુકમ જેવો જ છે.
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોના વાંધાઓ સાંભળ્યા બાદ એ પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો હતો.
સિએટલમાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં 'ઇક્વાલિટી લૅબ'ના જાતિ આધારિત સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રસ્તાવમાં હિંદુ શબ્દનો ઉપયોગ કરાયો નથી પણ જાતિગત સર્વેની વાતને લઈને વિવાદ છેડાયો છે.
આંબેડકર ફુલે નેટવર્ક ઑફ અમેરિકન દલિત્સ ઍન્ડ બહુજન્સે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવાયું છે કે "જાતિને વિશેષ રૂપથી સંરક્ષિત કૅટેગરીમાં સામેલ કરવાથી દક્ષિણ એશિયા મૂળના તમામ લોકો અનુચિત રીતે અલગ થઈ જશે. તેમાં દલિત અને બહુજન સમાજ પણ સામેલ છે."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "જો આ પ્રસ્તાવ પસાર થશે તો આ કાયદા અંતર્ગત સિએટલના નોકરીદાતાઓ દક્ષિણ એશિયાના લોકોને નોકરી પર રાખે, તેની શક્યતા ઘટી જશે. તે દલિતો અને બહુજન સહિત તમામ દક્ષિણ એશિયન લોકો માટે રોજગારીની તકો પર અસર કરશે."
અધિકારો માટે અવાજ ઉઠાવતી સંસ્થા 'ઇક્વાલિટી લૅબ' દ્વારા સોમવારે સિટી કાઉન્સિલના સભ્યોને આ પ્રસ્તાવની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, "અમે લાંબા સમયથી જાણીએ છીએ કે અમેરિકાની શાળાઓ અને કાર્યસ્થળોમાં વંશીય ભેદભાવ જોવા મળે છે, તેમ છતાં આ એક છુપાયેલો મુદ્દો છે."
પ્રસ્તાવના વિરોધમાં તર્ક
કૉએલિએશન ઑફ હિંદુઝ ઑફ નૉર્થ અમેરિકાના પુષ્પિતા પ્રસાદ કહે છે, "એ જોવું ભયાનક છે કે હેટ ગ્રૂપ્સના ખોટા ડેટા પર આધારિત અપ્રમાણિત દાવા દ્વારા એક અલ્પસંખ્યક સમુદાયને ખુલ્લેઆમ અલગ કરવામાં આવી રહ્યો છે."
પુષ્પિતા પ્રસાદનું જૂથ અમેરિકામાં આ પ્રકારના પ્રસ્તાવો વિરુદ્ધ અભિયાન ચલાવે છે.
તેઓ કહે છે, "પ્રસ્તાવિત ખરડો અલ્પસંખ્યક સમુદાય (દક્ષિણ એશિયન લોકો)ના નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરશે કારણ કે પહેલી વાત એ છે કે એ તેમને અલગ કરે છે. બીજી વાત છે કે એ માને છે કે દક્ષિણ એશિયાના લોકો વચ્ચે અન્ય માનવીય સમુદાયો કરતા વધુ ભેદભાવ છે અને ત્રીજી વાત એ છે કે આ અનુમાન હેટ ગ્રૂપ્સના ખોટા ડેટા આધારિત કરવામાં આવ્યું છે."
પ્રસ્તાવના પક્ષ અને વિરોધમાં સાર્વજનિક રીતે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
કૉએલિએશન ઑફ હિંદુઝ ઑફ નૉર્થ અમેરિકા દ્વારા શહેરના કાઉન્સિલરો અને દક્ષિણ એશિયાના લોકોને હજારો ઈ-મેઇલ મોકલવામાં આવ્યા છે. તેમણે વિરોધ કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું.
અંદાજે 100 સંગઠનો અને વેપારી સંગઠનોએ આ અઠવાડિયે સિએટલ સિટી કાઉન્સિલને પત્ર મોકલ્યા અને તેમને પ્રસ્તાવના વિરુદ્ધમાં મતદાન કરવા અપીલ કરી હતી.
કૉએલિએશન ઑફ હિંદુઝ ઑફ નૉર્થ અમેરિકાના પ્રમુખ નિકુંજ ત્રિવેદીએ કહ્યું, "પ્રસ્તાવિત ખરડો જો અમલમાં આવી ગયો તો માની લેવામાં આવશે કે આ સમગ્ર સમુદાય, ખાસ કરીને અમેરિકામાં રહેતા હિંદુ જાતિ આધારિત ભેદભાવના દોષિત છે, સિવાય કે તેઓ ખુદને નિર્દોષ સાબિત ન કરે. આ અમેરિકન સંસ્કૃતિ નથી અને તે ખોટું છે."
બીજી તરફ, પ્રસ્તાવ રજૂ કરનાર પ્રતિનિધિ ક્ષમા સાવંત પણ મતદાન પહેલાં પોતાના પ્રચારને વેગ આપવામાં વ્યસ્ત હતાં.
તેમણે બે ભારતીય-અમેરિકન કૉંગ્રેસમૅન રો ખન્ના અને પ્રમિલા જયપાલને પત્ર લખીને સમર્થન માગ્યું હતું.
ભારતમાં જાતિ આધારિત ભેદભાવ પર વર્ષ 1948માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 1950માં આ નીતિને બંધારણમાં પણ સામેલ કરવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો