ટોક્યો ઑલિમ્પિક: એ ઐતિહાસિક અંચઈઓ અને વિવાદો જેમાં ઑલિમ્પિકનું નામ ખરડાયું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આધુનિક ઑલિમ્પિક રમતો અજબગજબની ઘટનાઓની સાક્ષી રહી છે. સાથોસાથ ઑલિમ્પિક રમતોત્સવમાં છેતરપિંડી, કૌભાંડ, પ્રતિબંધિત દવાઓ, રાજકીય વિરોધ અને હિંસાની ઘટનાઓ પણ બનતી રહી છે.

વર્ષ 1896માં ઍથેન્સમાં પ્રથમ ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો તે માત્ર પુરુષો માટે હતો. તેમાં મોટા ભાગે ગ્રીક ખેલાડીઓ હતા અથવા તે વખતે ગ્રીસમાં આવેલા પ્રવાસીઓ.

ડેવિડ ગોલ્ડબ્લેટ પોતાના પુસ્તક 'ધ ગેઇમ્સ'માં લખે છે, "1900માં પેરિસમાં મેના મધ્યથી ઑક્ટોબર સુધી એટલે સાડા ત્રણ મહિના રમતોત્સવ ચાલ્યો હતો. તે વખતે કોઈ ઉદ્ધાટન સમારોહ કે સમાપન સમારોહ પણ થયો ન હતો. વિજેતાઓને કોઈ પદક પણ અપાયાં નહોતાં અને તરણસ્પર્ધા સીન નદીના ગંદા પાણીમાં યોજાઈ હતી."

તે પછીનો ઑલિમ્પિક પણ વ્યવસ્થિત રીતે યોજાયો નહોતો અને રમતોત્સવ મહિનાઓ સુધી ચાલતો હતો. ખેલ માટે કોઈ નિશ્ચિત નિયમો પણ ન હતા.

ઍથ્લીટ્સની દોડ રવિવારે યોજાવી જોઈએ કે નહીં તેની ચર્ચા ચાલ્યા કરતી અને ભાગ લેનારાઓને પૈસા આપવા કે નહીં તેની પણ ચર્ચાઓ થયા કરતી.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિનો આગ્રહ એવો હતો કે ખેલાડીઓ પ્રોફેશનલ ન હોવા જોઈએ અને એમને રમતમાંથી કોઈ પૈસા ન મળવા જોઈએ. આને કારણે જે ખેલાડીઓ અમીર ન હતા તેમનાં માટે રમતોત્સવમાં ભાગ લેવાનું મુશ્કેલ બની ગયું હતું.

કારમાં લિફ્ટ લઈને પૂરી કરી મૅરેથૉન દોડ

1904માં ઑલિમ્પિક રમતોત્સવમાં અમેરિકાના ફ્રેડ લોર્જે ભારે ગરમી અને તડકા વચ્ચે ધૂળિયા રસ્તા પર દોડીને મૅરેથૉન દોડ જીતી હતી. જોકે પછી ખબર પડી કે તેમણે દોડની વચ્ચે થોડો સમય માટે પોતાના ટ્રેનરની કારમાં લિફ્ટ લઈ લીધી હતી.

તેમને પદક આપવાની તૈયારી હતી ત્યારે તેમણે કબૂલ કરી લીધું કે કારમાં લિફ્ટ લીધી હતી. તેથી એ પદક પછી ટૉમસ હિક્સને આપવામાં આવ્યો.

લંડનમાં 1908માં યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવમાં મૅરેથૉન દોડની લંબાઈ એક કિલોમીટર વધારી દેવાઈ હતી, જેથી વિન્ડસર કેસલમાં બેસીને રાજપરિવારના સભ્યો રેસ જોઈ શકે.

1972માં મ્યુનિક ઑલિમ્પિકમાં મૅરેથૉન રેસમાં વચ્ચેથી એક જણ દોડવા લાગ્યો હતો અને વિજેતા તરીકે સ્ટેડિયમમાં ઘૂસી ગયો હતો. જોકે સજાગ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો.

મહિલા ખેલાડીઓને મનાઈ

પ્રથમ ઑલિમ્પિક રમતોત્સવમાં કોઈ મહિલા ખેલાડીએ ભાગ લીધો ન હતો. 1900માં પેરિસ ઑલિમ્પિકમાં પહેલી વાર મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો.

જોકે 1928ના ઍમ્સ્ટરડેમ ઑલિમ્પિક સુધી ઍથ્લેટિક્સ અને જિમ્નાસ્ટિક્સમાં યુવતીઓને ભાગ લેવાની મનાઈ હતી.

1928માં ઑલિમ્પિક રમતોત્સવમાં 800 મીટરની દોડમાં અનેક મહિલા ઍથ્લીટ દોડ પૂરી કરી શકી ન હતી અને ટ્રેક પર ઢળી પડી હતી.

આ કારણે 200 મીટરથી વધારે લાંબી દોડમાં મહિલાઓના ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1960માં રોમ ઑલિમ્પિક સુધી આ પ્રતિબંધ રહ્યો હતો.

જિમ થૉર્પ પાસેથી છીનવી લેવાયું સુવર્ણપદક

ઘણા દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ એવું કહેતી રહી કે ખેલાડીઓએ પૈસા માટે ભાગ લેવો જોઈએ નહીં.

1912માં સ્ટૉકહોમ ઑલિમ્પિકમાં જિમ થૉર્પે પેન્ટાથ્લૉન અને ડિકેથ્લૉનમાં સુવર્ણપદક જિત્યા હતા, પણ તે પાછાં લઈ લેવાયાં હતાં. થૉર્પે બૅઝબૉલ રમવા માટે મામૂલી રકમ લીધી છે એવી ખબર પડી એટલે પદક પાછાં લઈ લેવાયાં હતાં.

70 વર્ષ પછી થૉર્પના પરિવારને આખરે 1982માં આ પદક આપવામાં આવ્યાં.

સ્ટૉકહોમ પછી ઑલિમ્પિક રમતોત્સવમાં ઍથ્લીટ્સ વ્યક્તિગત રીતે ન રમી શકે તેવો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

બ્રિટનની સેનાના ઑફિસર આર્નોલ્ડ જેક્સનને રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા ન હતા. તેમણે વ્યક્તિગત રીતે રમતમાં ભાગ લીધો અને 1500 મીટર દોડમાં સુવર્ણપદક મેળવ્યું હતું.

રૅફરીની બેઇમાની

1920ના એન્ટવર્પ ઑલિમ્પિકમાં બીજા વિશ્વયુદ્ધમાં હારેલા જર્મની, તુર્કી, હંગેરી અને ઑસ્ટ્રિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને સોવિયેત સંઘને પણ બાકાત રાખવામાં આવ્યું હતું.

ફૂટબૉલમાં યજમાન બેલ્જિયમ અને ચેકોસ્લોવેકિયા વચ્ચે સ્પર્ધા હતી. પ્રથમ હાફમાં શરૂઆતમાં જ બે ગોલ સાથે બેલ્જિયમ આગળ નીકળી ગયું હતું એટલે તે પછી ચેક ખેલાડીઓએ મારામારી શરૂ કરી દીધી હતી.

હાફ ટાઇમની થોડી વાર પહેલાં રૅફરીએ ચેકના ગોલકીપર કારેલ સ્ટિનરને હિંસક પ્રયાસો બદલ બહાર મોકલી દીધા. આના વિરોધમાં આખી ચેક ટીમ મેદાની બહાર જતી રહી અને બેલ્જિયમને વિજેતા જાહેર કરવામાં આવ્યું.

આના કારણે દર્શકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને ચેક ધ્વજને ફાડી નાખવામાં આવ્યો. પોતાના ખેલાડીઓને ખભે બેસાડીને બહાર લાવવામાં આવ્યા.

ઑલિમ્પિક રમતોત્સવમાં રાજકારણ

1936માં બર્લિન ઑલિમ્પિકમાં જર્મનીના ચાન્સેલર ઍડોલ્ફ હિટલરે ખેલનો ઉપયોગ નાઝી વિચારધારાનો પ્રચાર કરવા માટે કર્યો હતો.

હિટલર માનતા કે ગોરી ચામડીવાળા આર્ય જર્મન ખેલાડીઓ બીજા દેશોના ઍથ્લીટ્સથી ચડિયાતા છે. તેમની માન્યતા ખોટી પડી અને અશ્વેત અમેરિકન જેસી ઑવેન્સે ઍથ્લેટિક્સમાં ચાર સુવર્ણપદક જીતી લીધાં.

એ જ રીતે 400 મીટરમાં આર્ચી વિલિયમેસ, 800 મીટરમાં જૉન વુડરફ અને ઊંચી કૂદમાં કોર્નેલિયસ જૉન્સન વિજેતા થયા.

આ બધા અશ્વેત ખેલાડીઓ હતા. હિટલરના સાથીદાર ગોબેલ્સે પોતાની ડાયરીમાં આ વાતને 'કલંક' સમાન ગણાવી હતી.

ગુલામ દેશોની સામેલગીરીથી વિવાદ

1936ના ઑલિમ્પિક રમતોત્સવમાં મૅરેથૉન દોડમાં કોરિયાના બે ખેલાડીઓ સોન કી ચુંગ અને નેમ સંગ યોંગને સુવર્ણ અને કાંસ્યપદક મળ્યાં. પરંતુ પદક અર્પણ કરતી વખતે જાપાની રાષ્ટ્રગીત વગાડાયું, કેમ કે તે વખતે કોરિયા પર જાપાનનું શાસન હતું.

જર્નલ ઑફ ઑલિમ્પિક હિસ્ટ્રીમાં કે. લેનાર્જે લખ્યું છે, "આ બંને ખેલાડીઓએ માથું નીચે રાખીને શાંતિપૂર્વક રીતે વિરોધ કર્યો. આ બંને ખેલાડીઓને કિતઈ સોન અને શારયૂ નાન એવા ખોટાં જાપાની નામ સાથે ઑલિમ્પિક રમતોત્સવમાં સામેલ કરવામાં આવ્યા હતા."

"બંને ખેલાડી વતન પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક અખબારોએ તસવીરો છાપી હતી, પણ તેમાંથી જાપાનનો ધ્વજ હઠાવી દેવાયો હતો. જાપાન સરકારે અખબારના સંપાદકોની ધરપકડ કરી હતી."

આવું જ 1936ના ઑલિમ્પિકમાં ભારતના હૉકીના ખેલાડીઓ સાથે થયું હતું. બ્રિટિશરાજ વખતે ભારતની ટીમને સુવર્ણપદક મળ્યું, પરંતુ બ્રિટનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને યુનિયન જેક ફ્લૅગ ફરકાવવામાં આવ્યો હતો.

જોકે, બહુ ઓછા લોકોને ખ્યાલ હશે ફાઇનલ મૅચ શરૂ થતાં પહેલાં ટીમના મૅનેજર પંકજ ગુપ્તાએ ખિસ્સામાંથી તિરંગો ઝંડો કાઢ્યો હતો અને ખેલાડીઓને ઉત્સાહથી ભરી દીધા હતા.

તિરંગાને સેલ્યુટ કરીને જ તમામ ખેલાડીઓ મેદાનમાં ઊતર્યા હતા અને જર્મનીની હૉકી ટીમને 8-1થી હરાવી દીધી હતી.

રાજકીય કારણસર ઑલિમ્પિકનો બહિષ્કાર

પચાસથી એંસી સુધીના દાયકાઓ દરમિયાન શીતયુદ્ધની અસર ઑલિમ્પિક રમતોત્સવમાં દેખાતી રહી હતી. સામસામે અસલી યુદ્ધમાં નહીં ઊતરેલા દેશો એક બીજાના ખેલાડીઓને હરાવી દેવા માટેની કોશિશમાં રહેતા.

1956ના મેલબર્ન ઑલિમ્પિકથી રાજકારણ વધારે તેજ બન્યું હતું. સોવિયેત સંઘ અને હંગેરીની વૉટરપોલો મૅચ વખતે બંને ટીમો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી.

આ મૅચને 'બ્લડ ઇન ધ વૉટર' તરીકે ઓળખવામાં આવે છે. આ મૅચ પહેલાં જ સોવિયેત સંઘની સેના હંગેરીમાં ઘૂસી ગઈ હતી.

ઇઝરાયલની નીતિઓનો વિરોધ કરવા માટે આરબ દેશોએ પણ ઑલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો.

વર્ષ 1976માં ન્યૂઝીલૅન્ડે પોતાની રગ્બી ટીમને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે મંજૂરી આપી હતી. તેના વિરોધમાં આફ્રિકાના દેશોએ મોન્ટ્રિયલ ઑલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો.

1980માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાં સેના મોકલી તેના વિરોધમાં પશ્ચિમના અમેરિકાના 65 જેટલા મિત્ર દેશોએ ઑલિમ્પિક રમતોત્સવનો બહિષ્કાર કર્યો હતો. તે પછી 12 સામ્યવાદી દેશોએ 1984માં લૉસ એન્જલસ ઑલિમ્પિકનો વિરોધ કરીને હિસાબ સરભર કર્યો હતો.

લંડનમાં રમતોત્સવ સામે ક્રિકેટ મેદાન મારી ગઈ

1948માં બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ લંડનમાં ઑલિમ્પિક યોજાઈ હતી, પણ તે વખતે આયોજકો પાસે બહુ ઓછું ભંડોળ હતું. તેથી તે વખતે 'ઑસ્ટેરિટી ગેઇમ્સ' એવું નામ રમતોત્સવને અપાયું હતું.

આયોજન સમિતિએ જાહેરાત કરી કે ઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને સાબુ આપવામાં આવશે, પણ પોતાના ટુવાલ ઘરેથી લાવવાના રહેશે.

આજે એ વાત અજબ લાગશે કે સ્પર્ધા પૂરી થાય તે પછી વપરાયેલા ફૂટબૉલ, બાસ્કેટબૉલ અને અન્ય સાધનોની હરાજી કરવામાં આવતી હતી.

લંડનમાં જોકે મોટા પાયે આયોજન છતાં દર્શકોને ડૉન બ્રેડમૅનની છેલ્લી ક્રિકેટ મૅચમાં વધારે રસ પડ્યો હતો.

દક્ષિણ આફ્રિકાને રમતોત્સવમાંથી હઠાવાયું

1964ના ટોક્યો ઑલિમ્પિકમાં રંગભેદી નીતિ બદલ દક્ષિણ આફ્રિકાને ઑલિમ્પિક રમતોત્સવમાં પ્રતિબંધિત કરાયું હતું.

1992માં બાર્સેલોના ઑલિમ્પિકથી જ દક્ષિણ આફ્રિકાને સ્થાન મળ્યું હતું.

આ વર્ષો દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ બીજા દેશોના નાગરિક બનીને ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેતા રહ્યા હતા.

1984માં 3000 મીટર સ્ટીપલચૅઝ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાનાં ઍથ્લીટ જોલા બડે બ્રિટનનાં નાગરિક તરીકે ભાગ લીધો હતો. જોકે તેમને કોઈ પદક મળ્યું ન હતું અને અન્ય એક ઍથ્લીટ સાથે ટકરાઈને તે પડી ગયાં હતાં.

મેક્સિકોમાં અશ્વેત ખેલાડીઓની 'બ્લૅક પાવર સેલ્યુટ'

60ના દાયકામાં ઑલિમ્પિક રમતોત્સવનું ટીવી પ્રસારણ દુનિયાભરમમાં થવા લાગ્યું હતું.

1968માં મેક્સિકો રમતોત્સવમાં અમેરિકાના બે અશ્વેત ઍથ્લીટ ટૉમી સ્મિથ અને જૉન કાર્લોસએ 200 મીટર દોડ જીતીને પોડિયમ પરથી 'બ્લૅક પાવર સેલ્યુટ' મારી હતી.

અમેરિકામાં અશ્વેત લોકો માટે અધિકારોની લડતને ટેકો આપવા માટે તેમણે આવું કર્યું હતું. તે વખતે અમેરિકામાં આ ખૂબ મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો.

ત્રીસ વર્ષ પછી પોતાની આત્મકથા 'સાઇલન્ટ જેશ્ચ્રર' શ્ચરમાં ટૉમ સ્મિથે લખ્યું હતું કે 'બ્લૅક પાવર સેલ્યુટ' એ માનવાધિકારની સેલ્યૂટ હતી. એ સ્પર્ધામાં રજત પદક વિજેતા ઓસ્ટ્રેલિયાના ઍથ્લીટ પીટર નૉર્મને પણ તેમના સમર્થનમાં બાવડે કાળી પટ્ટી બાંધી હતી. જોકે અમેરિકન ખેલાડીઓની આ રીતને દર્શકોએ પસંદ કરી ન હતી.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ પણ તેમના પર પ્રતિબંધ મૂકીને તેમને અમેરિકા પરત મોકલી દીધા.

જોકે ઑલિમ્પિક સમિતિએ તેમનાં પદકો પરત લીધાં ન હતાં. 2006માં આ ઍથ્લીટને ટેકો આપનારા પીટર નૉર્મનનું અવસાન થયું ત્યારે બંને ખેલાડીઓ તેમની અંતિમવિધિમાં જોડાયા હતા.

મ્યુનિકમાં ઇઝરાયલના ખેલાડીઓ પર હુમલો

1972માં મ્યુનિક ઑલિમ્પિકમાં પેલેસ્ટાઇની ઉદ્દામવાદીઓએ ઑલિમ્પિક વિલેજ પર હુમલો કર્યો હતો અને ઇઝરાયલની ટીમના ખેલાડીઓને કબજે લીધા હતા.

આ ઉદ્દામવાદીઓ ઍથ્લીટ્સના વેશમાં ઑલિમ્પિક વિલેજમાં ઘૂસ્યા હતા. જર્મનના સુરક્ષાદળોએ તેમને છોડાવવા ઑપરેશન હાથ ધર્યું, પણ તેમાં ઇઝરાયલના 11 ખેલાડીઓ, 5 ઉદ્દામવાદીઓ અને એક જવાનનું મોત થયું હતું.

આ ઘટના પછી ઑલિમ્પિક રમતોત્સવમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી. આ પછી જે પણ દેશો ઑલિમ્પિક રમતોત્સવના યજમાન બન્યા, ત્યાં રાજકીય સ્થિતિ પ્રમાણે વિરોધ થતો રહ્યો હતો.

દાખલા તરીકે 2008માં ચીનમાં ઑલિમ્પિકનું આયોજન થયું ત્યારે માનવાધિકાર બાબતે અનેક દેશોએ ચીનની ટીકા કરી હતી.

દુનિયામાં જ્યાં પણ ઑલિમ્પિક મશાલ ગઈ, ત્યાં ચીનવિરોધી દેખાવો થયા હતા. કેટલીક જગ્યાએ મશાલ છીનવી લેવાની કોશિશ થઈ હતી.

ઑલિમ્પિક યજમાનપદ માટે લાંચનો આરોપ

90ના દાયકામાં મોટો વિવાદ થયો હતો કે ઑલિમ્પિક રમતોત્સવની યજમાની આપવા માટે પોતાનો મત આપવા માટે સમિતિના કેટલાક સભ્યોએ લાંચ લીધી હતી.

લાંચ ઉપરાંત ઑલિમ્પિક રમતોત્સવમાં મૅચ ફિક્સિંગના પણ આરોપ લાગ્યા હતા.

મોએરા બટરફિલ્ડે પોતાના પુસ્તક 'ઑલિમ્પિક સ્કૅન્ડલ'માં લખ્યું છે, "1988ના સીઉલ ઑલિમ્પિક રમતોત્સવમાં વેલ્ટરવેટ મુક્કાબાજીની ફાઇનલમાં અમેરિકાના મુક્કાબાજ રૉય જોન્સ દક્ષિણ કોરિયાના મુક્કાબાજ પાર્ક સી હુન સામે હારી ગયા."

"દર્શકો અને બૉક્સિંગના જાણકારોને દેખાતું હતું કે અમેરિકાનો મુક્કાબાજ વધારે મજબૂત છે અને તે જ જીતશે. બાદમાં પત્રકારોએ શોધી કાઢ્યું હતું કે દક્ષિણ કોરિયાના અબજપતિએ પોતાના દેશના મુક્કાબાજની જીત માટે મોટી રકમ આપી હતી. બાદમાં એક જજે પણ કબૂલાત કરી હતી કે તેમણે સ્કોરિંગમાં ભૂલો કરી હતી."

પ્રતિબંધિત દવાઓનું વધતું ચલણ

પ્રતિબંધિત દવાઓના ઉપયોગના મામલે અનેક ઑલિમ્પિક ખેલાડીઓ બદનામ થયા છે. તેનું પ્રથમ ઉદાહરણ 1904ના ઑલિમ્પિકમાં જોવા મળ્યું હતું.

મૅરેથૉન દોડ જીતનારા અમેરિકાના ઍથ્લીટ ટૉમસ હિક્સે દોડ પહેલાં સ્ટ્રિચનીનનું ઇન્જેક્શન લીધું હતું અને દોડ વખતે બ્રાન્ડી પીધી હતી.

1920ના ઍન્ટવર્પ ઑલિમ્પિક રમતોત્સવમાં 100 મીટરની દોડ પહેલાં અમેરિકાના ઍથ્લીટ ચાર્લી પેડકે ચેરી અને કાચાં ઈંડાંનું પીણું પીધું હતું અને જીતી ગયા.

1960ના રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં ડેનમાર્કના સાઇક્લિસ્ટ નડ એનમાર્ક જેન્સન 100 કિલોમીટર સાઇકલ ચલાવીને પડી ગયા અને મૃત્યુ પામ્યા હતા.

પોસ્ટમૉર્ટમમાં લૂ લાગવાથી મોત થયાનું જણાયું હતું. પરંતુ બાદમાં પોસ્ટમૉટર્મ કરનારા ડૉક્ટરે દાવો કર્યો હતો કે તેમના શરીરમાંથી પ્રતિબંધિત દવા એમ્ફેટેમાઇનના અંશો મળ્યા હતા.

બેન જૉન્સન પર પ્રતિબંધ

1968માં સ્વિડિશ ઍથ્લીટ હાઁસ ગનર લિજેનવાલ પર સ્પર્ધા પહેલાં બે પૉઇન્ટ બીયર પીવાનો આરોપ લાગ્યો હતો અને તેમને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવ્યા હતા.

1972ના ઑલિમ્પિકમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ પ્રતિબંધિત દવાઓનું સેવન રોકવા ડ્રગ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

1988ના સીઉલ ઑલિમ્પિકમાં કૅનેડાના બેન જૉન્સને 100 મીટરમાં જીત મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો અને વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો. પરંતુ તેમના મૂત્રના પરીક્ષણથી ખ્યાલ આવ્યો કે તેમણે સ્ટિરૉઇડ લીધું હતું. તેમનો ચંદ્રક છીનવી લેવાયો અને પરત તેમના દેશ રવાના કરી દેવામાં આવ્યા.

2000ના દાયકામાં કેટલાક જાણીતા અમેરિકી ઍથ્લીટ્સે વધારે સારા પ્રદર્શન માટે ડ્રગ્ઝ લીધાની કબૂલાત કરી હતી.

2000ના સિડની ઑલિમ્પિક રમતોત્સવમાં મેરિયન જોન્સને ત્રણ સુવર્ણ અને બે કાંસ્યપદક મળ્યાં હતાં. ડ્રગ પરીક્ષણ પછી તેમનાં પદક પરત લઈ લેવાયાં અને બીજિંગ ઑલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો.

2008ના બીજિંગ ઑલિમ્પિક રમતોત્સવમાં 15 ઍથ્લીટ પ્રતિબંધિત દવાઓ લેતા પકડાયા હતા. એટલું જ નહીં ઘોડેસવારીની સ્પર્ધામાં ભાગ લેનારા અશ્વોને પણ દવાઓ અપાઈ હતી.

2012ના લંડન ઑલિમ્પિકમાં પણ આવી ઘટનાઓ બની હતી. રશિયાના 41 ખેલાડીઓ પ્રતિબંધિત ડ્રગ્ઝના સેવન બદલ પકડાયા હતા.

2016ના રિયો ઑલિમ્પિક માટે રશિયાએ 389 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી, પણ તેમાંથી માત્ર 278 ખેલાડીને જ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ મંજૂરી આપી હતી.

111 રશિયન ખેલાડીઓને ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા દેવાયો ન હતો.

આ સિવાય બીજા 8 ખેલાડીઓ પણ સ્પર્ધા પહેલાં ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા. તેમને પણ ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી. તેમાં એક ખેલાડી ભારતના પહેલવાન નરસિંહ યાદવ પણ હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો