You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક : બેલારુસનાં ઍથ્લીટે સ્વદેશ પરત ફરવાનો ઇનકાર કેમ કર્યો?
પોતાની જ નેશનલ ટીમ વિશે જાહેરમાં ફરિયાદ કર્યા બાદ બેલારુસનાં એક ઑલિમ્પિક ઍથ્લીટને દેશ પરત મોકલવા માટે ટોક્યો હવાઈમથકે લઈ જવાયાં હતાં.
ક્રિસ્ટીના સિમનૌસ્કાયા સોમવારે મહિલાઓની 200 મિટર સ્પર્ધામાં ભાગ લેવાનાં હતાં.
ઑલિમ્પિકના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમને જાપાનની પોલીસે સુરક્ષા આપી છે અને તેઓ હવે હોટલમાં સુરક્ષિત છે.
તેમણે કહ્યું કે 24 વર્ષીય ક્રિસ્ટીના સિમનૌસ્કાયાએ ટોક્યોના હાનેડા હવાઈમથકની એક હોટલમાં રાત વિતાવી હતી.
ક્રિસ્ટીનાએ એક શૉર્ટ નોટિસ પર પોતાને બીજી દોડમાં સામેલ કરવા મામલે જાહેરમાં ફરિયાદ કર્યા બાદ તેમને તેમનો સામાન પૅક કરવા કહેવાયું અને પછી તેમને હવાઈમથક લઈ જવાયાં.
આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઈઓસી)ને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
મૅસેજિંગ ઍપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં તેમણે કહ્યું, "તેઓ મને મારી ઇચ્છા વિરુદ્ધ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે."
તદુપરાંત એક નિવેદનમાં આઈઓસીએ કહ્યું કે તેમણે આ મામલે મીડિયા રિપોર્ટોની નોંધ લીધી છે અને બેલારુસની રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ પાસે સ્પષ્ટીકરણ માગ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પૂર્વે ક્રિસ્ટીનાએ યુરોપિયન રેડિયો સ્ટેશન ફૉર બેલારુસ (ઈઆરબી)ને કહ્યું હતું કે તેઓ પોતાના દેશ પરત ફરવા મામલે ડરી રહ્યાં છે.
તેમણે એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે ટીમના કેટલાક સાથીઓ પ્રતિસ્પર્ધા માટે અયોગ્ય ઠર્યા બાદ બેલારુસના અધિકારીઓએ આ ગુરુવારે 400 મિટર રીલે ઇવેન્ટમાં તેમને શૉર્ટ નોટિસ પર સામેલ કર્યાં હતાં.
વીડિયો પોસ્ટ કર્યા બાદ સરકારી મીડિયાએ તેમની ટીકા પણ કરી. ઓએનટી ટેલિવિઝન ચેનલે કહ્યું કે તેમનામાં 'ટીમભાવના'ની કમી છે.
રવિવારે ક્રિસ્ટીનાએ કહ્યું હતું કે તેમના મુખ્ય કોચ તેમની રૂમમાં આવ્યા અને તેમને સામાન પૅક કરી ઘરે જવા કહ્યું.
ક્રિસ્ટીનાએ રૉયટર્સને જણાવ્યું કે તેમને ટીમમાંથી એટલે હઠાવી દેવાયાં કે તેમણે 'ઇન્સ્ટાગ્રામ પર પોતાના કોચની બેદરકારી વિશે વાત કરી હતી.'
જોકે બાદમાં બેલારુસ ઑલિમ્પિક સમિતિએ ઘોષણા કરી કે તેમને તેમની 'ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિ'ના કારણે ટીમમાંથી હઠાવવામાં આવ્યાં હતાં અને તેઓ 200 મિટર દોડ અને 400 મિટર રીલે ઇવેન્ટમાં ભાગ નહીં લે.
તેમને પછી જાપાનની પોલીસ સાથે ટોક્યોના હનેડા હવાઈમથક લઈ જવાયાં હતાં અને બેલારુસ પત્રકાર તાદેઉઝ ગિઝાન અનુસાર ઑસ્ટ્રિયામાં શરણ માટે ક્રિસ્ટીના અરજી કરવા માગે છે.
સ્વદેશ પરત ફરવાનો ઇનકાર?
ક્રિસ્ટીના સિમનૌસ્કાયાએ રૉયટર્સને કહ્યું કે તેઓ સ્વદેશ ફરવા નથી માગતાં. તેમણે કહ્યું કે તેમણે ટોક્યો હવાઈમથક પર જાપાનની પોલીસ પાસે સુરક્ષા માગી હતી, જેથી તેમને ફ્લાઇટમાં ન બેસવું પડે.
તેમણે ટેલિગ્રામથી કરેલા એક સંદેશમાં રૉયટર્સને કહ્યું, "હું બેલારુસ પરત જવા નથી માગતી."
બેલારુસ ઑલિમ્પિક સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે કોચોએ તબીબોની સલાહ પર ક્રિસ્ટીનાને ખેલથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે.
રૉયટર્સ અનુસાર એક ફોટોગ્રાફરે ઍથ્લીટને જાપાની પોલીસ સાથે ઊભેલાં જોયાં હતાં.
તેમણે કહ્યું, "મને લાગે છે કે હું સુરક્ષિત છું, હું પોલીસ સાથે છું."
હાનેડા ઍરપૉર્ટ પર એક પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓ ટર્મિનલ ત્રણ પર એક મહિલા ઍથ્લીટ સાથે હતા.
સિમનૌસ્કાયાનું શું કહેવું હતું?
પોતાના રાજકીય વિચારો માટે જેલ મોકલી દેવાયેલા અથવા હાંસિયામાં ધકેલી દેવાયેલા ઍથ્લીટોનું સમર્થન કરનારા બેલારુસી સ્પૉર્ટ્સ સૉલિડારિટી ફાઉન્ડેશનના એક સૂત્રના આધારે રૉયટર્સે જણાવ્યું કે ક્રિસ્ટીના સિમનૌસ્કાયાએ સોમવારે જર્મની અથવા ઑસ્ટ્રિયામાં શરણ માટે અપીલ કરવાનું વિચાર્યું છે.
ક્રિસ્ટીનાએ ઍરપૉર્ટથી રૉયટર્સને જણાવ્યું, "અમારી કેટલીક યુવતીઓ અહીં 4*400 મિટર રીલે પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા નથી આવી, કેમ કે તેમની પાસે પર્યાપ્ત ડોપિંગ ટેસ્ટ નહોતા."
"અને કોચે મારી જાણકારી વગર જ મને રીલેમાં સામેલ કરી લીધી. મેં આ વિશે જાહેરમાં વાત કરી હતી. મુખ્ય કોચ મારી પાસે આવ્યા અને કહ્યું કે મને હઠાવવાનો આદેશ આવ્યો છે."
ક્રિસ્ટીનાએ કહ્યું કે તેમણે જાપાનમાં રહેતા બેલારુસના લોકોનો સંપર્ક કર્યો છે, જેથી તેઓ તેમને હવાઈમથકથી પરત લઈ જાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો