You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીએ મૌન તોડીને શું કહ્યું?
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ અને કારોબારી રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ બાદ પહેલી વાર મૌન તોડીને એક નિવેદન આપ્યું છે.
એમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે એમની મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ અને એમને મુંબઈ પોલીસ અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.
એમણે લખ્યું, "ગત દિવસોમાં દરેક દિવસ અમારા માટે દરેક મોરચે પડકારજનક રહ્યો છે. ખૂબ અફવા ઊડી છે અને આરોપ મૂકવામાં આવ્યા છે. મીડિયાએ પણ લાંછન લગાડ્યું છે, ખૂબ ટ્રૉલિંગ થયું અને ફક્ત મને જ નહીં મારા પરિવારને સવાલો કરવામાં આવ્યા."
"મારો આ મામલે પક્ષ એ જ હતો કે હું કંઈ નહીં બોલું અને આનાથી બચીને રહીશ, કારણ કે આ મામલો અદાલતમાં છે એટલે મારા તરફથી નકલી નિવેદન ઘડવાનું બંધ કરો."
એમણે પોતાની પોસ્ટમાં પરિવાર અને પોતાની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ કરીને અંતમાં લખ્યું કે "અમારી મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ, મહેરબાની કરીને કાયદાને એનું કામ કરવા દો. સત્યમેવ જયતે."
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી મીડિયા ટ્રાયલની ફરિયાદ સાથે અદાલતમાં પણ ગયાં હતાં. જોકે, બૉમ્બે હાઈકોર્ટે ગત અઠવાડિયે એમની અરજી નામંજૂર કરી દીધી.
અદાલતે રાજ કુંદ્રા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના સમાચારો પર રોક લગાવવાનો ઇનકાર કરી કહ્યું કે તેનાથી પ્રેસની આઝાદી પર ગંભીર અસર પડી શકે છે.
શિલ્પા શેટ્ટીએ અરજીમાં કહ્યું હતું કે એમની તથા પરિવારની માનહાનિ થઈ રહી છે. જોકે, અદાલતે કહ્યું કે, જે લેખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં માનહાનિ પ્રતીત થઈ રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિલ્પા શેટ્ટીએ અરજી સાથે 25 કરોડનો માનહાનિનો દાવો પણ કર્યો હતો અને કહ્યું હતું કે અમુક મીડિયા સંગઠનો, ગૂગલ, ફેસબુક, યૂટ્યૂબ જેવાં સોશિયલ મીડિયાને કારણે એમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.
જોકે, અદાલતે કહ્યું કે "ગૂગલ, યૂટ્યૂબ, ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની સંપાદકીય સામગ્રીને નિયંત્રિત કરવાનો અનુરોધ કરવો ખતરનાક વાત છે."
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમૅન રાજ કુંદ્રાને મુંબઈની એક અદાલતે 27 જુલાઈના રોજ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
22 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછીથી તેઓ પોલીસ કસ્ટડીમાં હતા.
મુંબઈ પોલીસે રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાનો અને એને કોઈ ઍપ થકી પ્રસારિત કરવાનો આરોપ મૂક્યો છે.
મુંબઈ પોલીસમાં આ અંગે ફેબ્રુઆરી 2021માં એક કેસ દાખલ થયો હતો. આ જ કેસમાં તપાસ બાદ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનો દાવો છે કે એમની પાસે રાજ કુંદ્રાની સામેલગીરી અંગે પૂરતા પુરાવા છે.
'એટલી જોરથી થપ્પડ મારો કે સામેવાળો ઊભો ન થઈ શકે' - ઉદ્ધવ ઠાકરેએ કોને આવું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોઈ અમને ધમકી આપશે તો 'એવી થપ્પડ મારીશું કે એ ફરી ઊભો નહીં થઈ શકે.'
લોકમતે આનો વીડિયો અહેવાલ પ્રકાશિત કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન મુંબઈના વરલીમાં બીડીડી ચાલ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે 'એવો લાફો મારો કે છંછેડનાર ફરીથી ઊભો ન થઈ શકે.'
ઉદ્ધવ ઠાકરેની આ વાત કથિત રીતે ભાજપના ધારાસભ્યનો જવાબ ગણાવાઈ રહી છે.
ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે તાજેતરમાં કથિત રીતે 'શિવસેનાભવનને તોડી પાડવા' અંગે નિવેદન આપ્યું હતું.
શિવસેનાએ જ્યારે એ નિવેદનનો વિરોધ કર્યો તો પ્રસાદ લાડે કહ્યું, "મારા નિવેદનનો અર્થ એવો નહોતો. શિવસેનાના ચીફ બાલાસાહેબ ઠાકરે પ્રત્યે ખૂબ આદર છે અને એમનું શિવસેનાભવન તોડી પાડવાનો સવાલ જ નથી. મારા શબ્દોનો અર્થ અલગ હતો."
હવે, ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે તેનો વિરોધ કર્યો છે.
ભાજપના નેતા પ્રવીણ ધારેકરે કહ્યું, "મુખ્ય મંત્રી થપ્પડની ભાષામાં વાત કરે એ યોગ્ય નથી. તેઓ શિવસેનાના વડા છે પણ હવે રાજ્યના મુખ્ય મંત્રી છે. એમણે આ રીતે ટીકા ન કરવી જોઈએ."
કાશ્મીરમાં પથ્થરમારમાં સામેલ હોય તેને પાસપોર્ટ અને સરકારી નોકરી નહીં મળે
જમ્મુ-કાશ્મીરમાં કથિત દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા અને પથ્થરમારો કરનારા લોકોને સરકારી નોકરી અને પાસપોર્ટ ન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સુરક્ષામાં અવરોધ ઊભો કરનારા લોકોને વિદેશ જવાની મંજૂરી નહીં આપવામાં આવે.
જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અહીંની નાગરિક-સેવાઓના નિયમોમાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક સુધારા કરવામાં આવ્યા છે.
આ સુધારા પ્રમાણે સરકારી નોકરી માટે સીઆઈડીનો ક્લિયરન્સ રિપોર્ટ જરૂરી છે.
જેમાં હવે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને નોકરી આપવી વખતે તેના ભૂતકાળનો રેકૉર્ડ તપાસવામાં આવશે.
જો તે વ્યક્તિ પથ્થરમારા કે રાષ્ટ્રીય સુરક્ષામાં અવરોધ સર્જવા જેવી કામગીરીમાં સંડોવાયેલી હશે તો તેમને સરકારી નોકરી અને પાસપોર્ટ મેળવવામાં પરેશાની થશે.
જુલાઈમાં જીએસટી કલેક્શન વધી રૂ.1.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું
ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની આવક જુલાઈમાં 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
નાણામંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી.
'મિંટ' ન્યૂઝ વેબસાઇટ અનુસાર જુલાઈ 2020માં જીએસટી આવક 87,422 કરોડ રૂપિયા હતી અને એક વર્ષ બાદ જુલાઈ 2021માં કુલ જીએસટીની આવક 1.16 લાખ કરોડ રૂપિયા રહી છે.
આમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા, આઈજીએસટી 57,864 કરોડ રૂપિયા રહ્યો હતો. . તેમાં 27,900 કરોડ રૂપિયા આયાતજકાત પેટે મળ્યા હતા.
આ ઉપરાંત ઉપકર એટલે કે સેસ દ્વારા 7,790 કરોડ રૂપિયા મળ્યા હતા.
આમ જુલાઈના જીએસટીના આંકડામાં ગત વર્ષની તુલનાએ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તેમાં 31 જુલાઈ સુધી દાખલ કરવામાં આવેલા જીએસટી રિટર્ન ઉપરાંત આ સમયગાળામાં આઈજીએસટી અને વસ્તુઓની આયાત પર વસૂલવામાં આવેલો ઉપકર સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો