You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિકમાં ગુરજિતનો ઐતિહાસિક ગોલ, ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો નવો ઇતિહાસ
રવિવારે ભારતીય પુરુષ હૉકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં ઍન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હૉકી ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમ વાર ઑલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આ સાથે જ કૅપ્ટન રાની રામપાલની મહિલા હૉકી ટીમ ભારતના ઇતિહાસની શ્રેષ્ઠ ટીમ બની ગઈ છે.
ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પૅનલ્ટી કૉર્નરથી ગોલ નોંધાવ્યો હતો. ગુરજિતકોરે પૅનલ્ટી કૉર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને સરસાઈ અપાવી હતી. ઑલિમ્પિકમાં ગુરજિતનો આ પ્રથમ ગોલ હતો.
દિગ્ગજ ગણાતી ઑસ્ટ્રેલિયાની ટીમના અનેક હુમલા ખાળીને ભારતની ટીમે 1 ગોલની સરસાઈ જાળવી રાખી હતી અને અંતે 1-0થી વિજય મેળવી લીધો હતો.
ભારતીય મહિલા હૉકી ટીમે પોતાની અંતિમ બે મૅચોમાં આયર્લૅન્ડ અને સાઉથ આફ્રિકાને હરાવી છ પૉઇન્ટ સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમનું ઑલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન 1980માં મૉસ્કોમાં રહ્યું હતું જ્યારે તે છ ટીમોમાં ચોથા સ્થાને રહી હતી.
કોણ છે ગુરજિતકોર?
ગુરજિતકોર પ્રથમ વાર ટોક્યોમાં ઑલિમ્પિકમાં રમી રહ્યાં છે અને ટીમમાં ડિફેન્ડર અને ડ્રૅગ ફ્લિકરની બેવડી ભૂમિકા નિભાવે છે.
પંજાબની પાકિસ્તાન નજીક સરહદે આવેલા ગામે જન્મેલાં ગુરજિત શાળામાં હૉકી રમતાં હતાં અને તેમને મજા આવવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડ્રૅગ ફ્લિક વિશે તેમને બહુ ખ્યાલ નહોતો, પરંતુ સારા માર્ગદર્શન અને પ્રૅક્ટિસ પછી આજે હૉકીમાં ઉત્તમ ડ્રૅગ ફ્લિકર મહિલા ખેલાડીઓમાં તેમનું નામ પણ લેવાય છે.
જાપાનમાં 2019માં FIH વિમૅન્સ સિરીઝ ફાઇનલ રમાઈ તેમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને તે વખતે સૌથી વધુ ગોલ કરનારાની યાદીમાં ગુરજિતને સ્થાન મળ્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં ગુરજિતે કહ્યું કે ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા ટીમ સુવર્ણચંદ્રક જીતશે તો તે ઐતિહાસિક ક્ષણ હશે અને ઊભરતી મહિલા ખેલાડીઓ માટે બહુ મોટી સિદ્ધિ હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો