You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
COP27 : દુનિયાનું ભાવિ નક્કી કરનારી આ બેઠકમાં ભારતનું વલણ શું રહેશે?
- આ પરિષદ 6થી 18 નવેમ્બર દરમિયાન શર્મ અલ-શેખ ખાતે યોજાવાની છે
- મનુષ્યો ઉત્સર્જન વધારી રહ્યા છે અને તેને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે
- યજમાન ઇજિપ્તે દેશોને અરજ કરી છે કે આ મુદ્દે પોતાના વિરોધો ભૂલીને સૌ કોઈ આગેવાની લે
- ચીન જેવા કેટલાક દેશોએ પણ હજી સુધી જણાવ્યું નથી કે તેના નેતાઓ ભાગ લેશે કે કેમ
વીતેલા વર્ષમાં હવામાનમાં ફેરફારને કારણે આવેલી અનેક આપત્તિઓ અને અગાઉના તાપમાનના બધા રેકર્ડ્ઝ તૂટી ગયા છે તે પછી આ ચર્ચા થવાની છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ સમિટ દર વર્ષે યોજાય છે, જેથી વિશ્વની સરકારો એકઠી થઈને નિર્ણય કરે કે કેવાં પગલાં લઈને વૈશ્વિક તાપમાનને વધતું અટકાવવું.
આવી પરિષદને COPs તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે "કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ". અહીં ભાગ લેનારી પાર્ટીઓ એટલે વિશ્વના દેશો, જેમણે 1992માં મૂળ ક્લાઇમેટ કરારમાં સહીઓ કરી હતી. તેમાં ભારત પણ સામેલ છે.
COP27 એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘની આવી 27મી પરિષદ. 6થી 18 નવેમ્બર દરમિયાન શર્મ અલ-શેખ ખાતે તે યોજાવાની છે.
ભારત એક મોટો વિકાસશીલ દેશ છે, જેના કારણે તેના પર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને કોલસાનો ઊર્જાસ્રોત તરીકે ઉપયોગ ઘટાડવા માટે અમેરિકા જેવા વિકસિત દેશો સતત દબાણ બનાવતા રહે છે.
સામે ભારત અને અન્ય વિકાસશીલ દેશો પોતાના વિકાસ માટે કાર્બન ઉત્સર્જન રોકવાના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હોવાની દલીલ કરતા રહે છે. આ સ્થિતિમાં આવનારી આ બેઠકમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશોના વલણ પર વિશ્વની નજર રહેશે.
શા માટે આવી પરિષદની જરૂર છે?
મનુષ્ય ઉત્સર્જન વધારી રહ્યો છે અને તેને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ખનીજ તેલ, ગૅસ અને કોલસો બાળવાને કારણે ઉત્સર્જન વધી રહ્યું છે.
ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)ના વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 1.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ગયો છે અને તે 1.5 સેલ્સિયસ સુધી પહોંચવાની તૈયારીમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1850ના દાયકામાં જે તાપમાન હતું તેનાથી આ તાપમાન વધીને 1.7થી 1.8 સેલ્સિયસ સુધી પહોંચી જાય તો પછી દુનિયાભરમાં ગરમી અને ભેજની એવી સ્થિતિ ઊભી થાય કે અડધોઅડધ વસતિ મુશ્કેલીમાં મુકાઈ જાય.
મનુષ્ય સામેનું આ જોખમ નિવારવા માટે 2015માં 194 દેશોએ પેરીસ કરાર પર સહીઓ કરી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે વૈશ્વિક તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી જ મર્યાદિત રાખવામાં આવશે.
COP27માં કોણ કોણ ભાગ લેવાનું છે?
આ પરિષદમાં ભાગ લેવા માટે 200થી વધુ સરકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જોકે રશિયાના વડા વ્લાદિમીર પુતિન સહિત કેટલા અગ્રગણ્ય નેતાઓ પરિષદમાં હાજર નહીં રહે તેવી સંભાવના છે. જોકે રશિયાનું પ્રતિનિધિમંડળ હાજર રહેશે તેવી અપેક્ષા છે.
ચીન જેવા કેટલાક દેશોએ પણ હજી સુધી જણાવ્યું નથી કે તેના નેતાઓ ભાગ લેશે કે કેમ.
યજમાન ઇજિપ્તે દેશોને અરજ કરી છે કે તેઓ આ મુદ્દે પોતાના વિરોધોને ભૂલીને સૌ કોઈ આગેવાની લે.
પર્યાવરણ પર કામ કરતી સંસ્થાઓ, મંડળો, થિન્ક ટેન્ક્સ, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક જૂથો પણ પરિષદમાં ભાગ લેશે.
શા માટે ઇજિપ્તમાં COP27 યોજાઈ રહી છે?
આ પાંચમી વાર આવી પરિષદ આફ્રિકામાં યોજાઈ રહી છે.
આફ્રિકા ખંડને ક્લાઇમેટની કેવી અસર થઈ રહી છે તેના પર વિશ્વનું ધ્યાન દોરાય તેવી આશા આફ્રિકાની સરકારોને છે. IPCCના જણાવ્યા અનુસાર હવામાન પરિવર્તનને કારણે સૌથી વધુ જોખમ આફ્રિકા પર જ છે.
હાલમાં પૂર્વ આફ્રિકામાં દુકાળને કારણે આફ્રિકાની લગભગ 1.7 કરોડની વસતિ ભૂખમરાનો સામનો કરી રહી છે.
જોકે ઇજિપ્તમાં પરિષદ યોજાવાનું નક્કી થયું તેના કારણે વિવાદ પણ થયો છે.
કેટલાક માનવ અધિકાર કાર્યકરો અને પર્યાવરણપ્રેમીઓએ ફરિયાદ કરી છે કે તેમણે સરકારની માનવ અધિકારની કામગીરી અંગે ટીકા કરી છે તેના કારણે તેમને પરિષદમાં આવતા રોકવામાં આવી રહ્યા છે.
COP27માં શેની ચર્ચા કરવામાં આવશે?
આ પરિષદની શરૂઆત પહેલાં જ જુદા જુદા દેશોને જણાવાયું હતું કે તેઓ પોતાના હવામાન અંગેના રાષ્ટ્રીય આયોજન વિશે માહિતી મોકલે. જોકે અત્યાર સુધીમાં માત્ર 25 દેશોએ પોતાની યોજનાઓ રજૂ કરી છે.
COP27 પરિષદમાં મુખ્યત્વે ત્રણ બાબતોમાં ચર્ચા થશે:
- કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો
- દેશોને ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે તૈયાર કરવા
- આવા ઉપાયો માટે વિકાસશીલ દેશોને ટેક્નિકલ અને ફંડ મળી રહે તે માટે કોશિશ કરવી
આ સિવાયની કેટલીક બાબતો અંગે નિર્ણય નથી લેવાયો, પણ તેની ચર્ચા COP26માં થઈ શકે છે:
- નુકસાન અને ઘસારા માટે નાણાકીય સહાય કરવી - માત્ર તૈયારીઓ કરવાના બદલે ક્લાઇમેટ ચેન્જની અસર થઈ હોય તેવા દેશોને બેઠા થવા માટે મદદ કરવી
- વૈશ્વિક કાર્બન માર્કેટ તૈયાર કરવું - ઉત્સર્જન માટેની કિંમત નક્કી કરીને તેને ઉત્પાદનો અને સેવામાં લાગુ કરવી
- કોલસાનો ઉપયોગ કરવા માટેના પ્રયાસોને મજબૂત કરવા
આ ઉપરાંત લિંગભેદ, કૃષિ અને જૈવિક વૈવિધ્ય જેવા વિષયો પર પણ ફોકસ સાથે ચર્ચાઓ થશે અને કેટલાક દિવસો થીમ આધારિત રહેશે.
શું આમાંથી કોઈ નિષ્કર્ષ નીકળશે?
ક્લાઇમેટની બાબતમાં આર્થિક સહાય કેવી રીતે મળે તે લાંબા સમયથી ગૂંચવાયેલો મામલો રહ્યો છે.
200માં વિકસિત દેશોએ કબૂલ્યું હતું કે 2020ના વર્ષ સુધીમાં દર વર્ષે $100 અબજ ડૉલરની સહાય વિકાસશીલ દેશોને આપવામાં આવશે, જેથી તેઓ ઉત્સર્જન ઘટાડી શકે.
આ લક્ષ્ય હાંસલ થયું નહોતું અને તેને લંબાવીને 2023 સુધીનું કરવામાં આવ્યું છે.
જોકે વિકાસશીલ દેશો હવે નુકસાન થઈ રહ્યું છે તેના વળતરની પણ માગણી કરી રહ્યા છે. હાલમાં જ અસર થઈ રહી છે તેનું વળતર માગી રહ્યા છે.
બોન ખાતેની વાટાઘાટ વખતે ચૂકણવી કરવા માટેની ચર્ચા થઈ હતી, પરંતુ ધનિક દેશોએ તેનો વિરોધ કર્યો હતો, કેમ કે તેમને લાગ્યું કે આ રીતે તેમણે દાયકાઓ સુધી વળતર આપતા રહેવું પડશે.
આ વિશે COP27માં ચર્ચા કરવા માટેની સહમતી યુરોપિયન યુનિયને આપી છે.
પરિષદમાં ઉપયોગમાં લેવાનારા કેટલાક શબ્દો અને પરિભાષા:
- પેરીસ કરાર: વિશ્વભરના દેશો પ્રથમવાર તાપમાનને ઘટાડવા માટે અને ઉત્સર્જન ઓછું કરવા માટે તૈયાર થયા હતા તે અંગેનો કરાર
- IPCC: જળવાયુ પરિવર્તન વિશે સંશોધન કરનારી સંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ
- 1.5C: વૈશ્વિક તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસથી ઓછું વધવા દેવા માટેનું લક્ષ્યાંક છે - ઔદ્યોગિક યુગ પહેલાં વિશ્વનું જે તાપમાન હતું તેનાથી સરેરાશ તાપમાન દોઢ સેલ્સિયસથી ના વધે તો જ આપત્તિને ટાળી શકાય તેમ છે એમ વિજ્ઞાનીઓ કહે છે.
આ પરિષદ સફળ રહી તેવું આપણે કેવી રીતે જાણીશું?
તમે કોની સાથે વાત કરો છો તેના આધારે અંદાજ આવશે.
વિકાસશીલ દેશો ઈચ્છે છે કે અત્યારે તેમને નુકસાન થઈ રહ્યું છે તેનું વળતર મળે. આ દેશો ઇચ્છશે કે તેમને ભંડોળ મળતું થાય તે માટેની એક નિશ્ચિત તારીખ પણ નક્કી થઈ જવી જોઈએ.
વિકસિત દેશો ઈચ્છશે કે કેટલા મોટા વિકાસશીલ દેશો - જેમ કે ચીન, ભારત, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા વધારે પ્રતિબદ્ધ થાય અને કોલસાની જગ્યાએ અન્ય રીતે ઊર્જા ઉત્પાદન તરફ વળે. કોલસો સૌથી વધુ નુકસાન કરી રહ્યો છે.
ગયા વર્ષે પણ જંગલો, કોલસો તથા મિથેનના ઉત્સર્જન વિશે પ્રતિજ્ઞાઓ થઈ હતી, તેમાં વધારે દેશો જોડાય તેવું બની શકે છે.
જોકે કેટલાક વિજ્ઞાનીઓ માની રહ્યા છે કે વિશ્વના નેતાઓ બહુ મોડા જાગ્યા છે અને COP27 ભલે ગમે તે નિર્ણય લેવાય, 1.5C સુધી તાપમાનને મર્યાદિત રાખવાનું શક્ય બનવાનું નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો